પાકિસ્તાનના 'રફાલ તોડી પાડ્યા'ના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
રવિવારે સાંજે ભારતીય સેના તરફથી કરાયેલી પત્રકારપરિષદમાં રફાલ સંબંધિત એક સવાલ પર ઍૅરફોર્સ તરફથી ઍર માર્શલ એ.કે. ભારતીએ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે ભારતના હુમલાનો બદલો લેતા ભારતનાં બે રફાલ વિમાન તોડી પાડ્યાં છે.
તેના જવાબમાં ભારતીએ કહ્યું, "આપણે કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને નુકસાન તેનો એક ભાગ છે. તમારે એ સવાલ પૂછવો જોઈએ કે શું અમે અમારો હેતુ હાંસલ કરી લીધો છે? શું અમે આતંકવાદીઓની શિબિરોને નષ્ટ કરવાનો પોતાનો ઉદ્દેશ પાર પાડી લીધો છે? અને તેનો જવાબ છે હા.
ઍર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, "તેનું પરિણામ આખી દુનિયાએ જોવું જોઈએ. જ્યાં સુધી વિગતોની વાત છે કે શું થઈ શકતું હતું, કેટલી સંખ્યા, અમે કયું પ્લૅટફૉર્મ ગુમાવ્યું. આ સમયે હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી, કેમ કે આપણે હજુ પણ કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને જો કોઈ બાબત પર ટિપ્પણી કરીએ તો આ માત્ર વિરોધીઓ માટે ફાયદાકારક ગણાશે."
તેમણે કહ્યું, "આથી અમે આ સમયે તેને કોઈ ફાયદા આપવા માગતા નથી. હું માત્ર એટલું કહી શકું કે અમે અમારો પસંદ કરેલો ઉદ્દેશ હાંસલ કરી લીધો છે અને અમારા બધા પાઇલટ પાછા ઘરે આવી ગયા છે."
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ અંગે સહમતિ સધાયા પછી ભારતીય સશસ્ત્ર દળોના ડીજીએમઓએ રવિવારે સાંજે પત્રકારપરિષદ સંબોધી હતી.
પત્રકારપરિષદ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર'માં 100થી વધુ 'આતંકવાદી' માર્યા ગયા છે.




















