'મહારાણા પ્રતાપ હલ્દીઘાટીનું યુદ્ધ જીત્યા હતા'- રાજસ્થાનનાં ડેપ્યુટી સીએમ દિયાકુમારી એવું શું બોલ્યાં કે વિવાદ થયો?

ઇમેજ સ્રોત, ANI/RAJIV LOCHAN
રાજસ્થાનનાં ડેપ્યુટી સીએમ દિયાકુમારીના હલ્દીઘાટી યુદ્ધ તથા મહારાણા પ્રતાપ વિશેનાં નિવેદનો અંગે ફરી એક વખત વિવાદ છેડાયો છે.
દિયાકુમારીએ જયપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું, "હલ્દીઘાટીના શિલાલેખમાં પણ એવું લખેલું હતું કે મહારાણા પ્રતાપ આ યુદ્ધ હારી ગયા હતા. હું એ સમયે ત્યાંની સાંસદ હતી. મેં એ શિલાલેખ બદલાવડાવ્યો અને આજે ત્યાં લખેલું છે કે મહારાણા પ્રતાપ યુદ્ધ જીત્યા હતા. મારા કાર્યકાળમાં એ મારી સૌથી મોટી સિદ્ધિ હતી. "
દિયાકુમારીએ આને માટે તત્કાલીન રાજ્યકક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુનરામ મેઘવાલે આપેલા સહયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. મેઘવાલે જ પૂર્વલિખિત શિલાલેખને ત્યાંથી હઠાવવાના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેઘવાલ પણ રાજસ્થાનમાંથી જ સાંસદ બન્યા છે.
આર્કિયૉલૉજિક સર્વે ઑફ ઇન્ડિયાએ (એએસઆઈ) વર્ષ 2021માં રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રક્તતલાઈમાંથી એ શિલાલેખ હઠાવડાવી દીધો હતો, એની ઉપર લખેલું હતું કે '1576માં હલ્દીઘાટીની લડાઈમાં મહારાણા પ્રતાપની સેનાએ પીછેહઠ કરવી પડી હતી.'

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "તમારા પૂર્વજ રાજા માનસિંહે હકીમખાન સૂર વિરુદ્ધ હલ્દીઘાટી (યુદ્ધ) જીત્યું હતું. એક રાજપૂત સેનાપતિએ એક મુસ્લિમ સેનાપતિને હરાવ્યા હતા. તો પછી તમે ઇતિહાસને ફરીથી કેમ લખવા માગો છો?"
બહુચર્ચિત હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલ બાદશાહ અકબર તરફથી સેનાપતિ માનસિંહ તથા મહારાણા પ્રતાપ તરફથી સેનાપતિ હકીમખાન સૂર લડ્યા હતા.
આ વર્ષે એપ્રિલ મહિનામાં ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું, હકીમખાન સૂર હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની સાથે મુઘલો વિરુદ્ધ લડ્યા હતા.
શિલાલેખ પર શું લખેલું હતું?

ઇમેજ સ્રોત, SM Viral Image
રક્તતલાઈમાં જે શિલાલેખ હઠાવવામાં આવ્યો તેના પર લખેલું હતું, "રક્તતલાઈને બોલચાલની ભાષામાં 'લોહીનું તળાવ' પણ કહેવામાં આવે છે, તે બનાસની સામે કિનારે આવેલું વિશાળ મેદાન છે. અહીં શાહી તથા પ્રતાપની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. મહારાણા પ્રતાપ તથા માનસિંહ ક્રમશઃ ઘોડા અને હાથી ઉપર બેસીને આ યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ યુદ્ધ એટલું બધું ભયંકર હતું કે આખું મેદાન મૃતદેહોથી ભરાઈ ગયું હતું. આ સંજોગોમાં પ્રતાપની સેનાએ પાછળ ખસવું પડ્યું અને 21 જૂન, 1576ના રોજ આ યુદ્ધ પૂરું થયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિયાકુમારીએ આ શિલાલેખને હઠાવવાની માગ કરી હતી. આને હઠાવતી વેળાએ જોધપુરના તત્કાલીન એએસઆઈ અધિકારી બિપિનચંદ્ર નેગીએ ઇન્ડિયન ઍક્સપ્રેસને કહ્યું હતું:
"ઇંદિરા ગાંધી વર્ષ 1975માં આ વિસ્તારમાં આવ્યાં હતાં, ત્યારે ચેતકની સમાધિ, બાદશાહ બાગ, રક્તતલાઈ તથા હલ્દીઘાટીમાં આ તકતીઓ મૂકવામાં આવી હતી. એ સમયે આ સ્મારકની જાળવણી કરવા માટે કોઈ આવતું ન હતું. વર્ષ 2003માં આ સ્થળોને 'રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારક' જાહેર કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ તકતીઓ ઉપર આ માહિતી ન હતી. લાંબો સમય થવાને કારણે જૂનાં થઈ ગયાં હતાં. તેની તારીખો તથા તથ્યો અંગે પણ વિવાદ હતાં."
નેગીએ કહ્યું, "ઇતિહાસના જાણકારો તથા લોકપ્રતિનિધિઓએ આ તકતીઓને હઠાવવા માટે અનેક વિનંતીઓ કરી હતી. તેને જોતા મેં તેનું સ્વઃસંજ્ઞાન લીધું હતું."
આઠ વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર

ઇમેજ સ્રોત, NARAYAN BARETH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2017માં રાજસ્થાન બોર્ડે તેનાં પુસ્તકોના પાઠ્યક્રમમાં હલ્દીઘાટીના યુદ્ધ વિશે તથ્યાત્મક ફેરફાર કર્યા હતા, એ સમયે પણ વિવાદ થયો હતો. એ સમયે રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) અહેવાલ અનુસાર વર્ષ 2017-'18ના વિદ્યાર્થીઓ માટે સોશિયલ સાયન્સના પાઠ્યક્રમમાં નવું પુસ્તક સામેલ કર્યું હતું.
પુસ્તકમાં આના વિશેનું પ્રકરણ લખનારા ચંદ્રશેખ શર્માએ કહ્યું હતું, 'એવાં અનેક તથ્યો છે, જે યુદ્ધનું પરિણામ મહારાણા પ્રતાપ તથા મેવાડના રાજપૂતોની તરફેણમાં રહ્યું હોવાનો ઇશારો કરે છે.'
રાજસ્થાન માધ્યામિક બોર્ડના તત્કાલીન ચૅરમૅન બીએલ ચૌધરીએ બીબીસીને કહ્યું હતું કે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે અકબરને હરાવ્યા એવું સીધું લખવામાં નથી આવ્યું.
બીએલ ચૌધરીએ કહ્યું હતું, "કેટલાક ઇતિહાસકારોએ હલ્દીઘાટીના યુદ્ધને પરિણામવિહીન અથવા તો અનિર્ણયિત જણાવ્યું હતું. પરિણામની સમીક્ષા માટે કેટલાક મુદ્દે વિચાર કરવો જરૂરી છે. અકબરનો હેતુ મહારાણા પ્રતાપને જીવિત પકડવાનો તથા મેવાડને મુઘલ સામ્રાજ્યમાં ભેળવવાનો હતો. આ બંને હેતુમાં તેઓ અસફળ રહ્યા હતા. એનાથી સાબિત થાય છે કે અકબર નિર્ણાયક રીતે વિજયી નહોતા થયા."
બીએલ ચૌધરીએ ઉમેર્યું હતું, "મુઘલોએ મેવાડની સેનાનો પીછો નહોતો કર્યો. આ એવા મુદ્દા છે કે જે હલ્દીઘાટીના પરિણામને મહારાણા પ્રતાપના પક્ષમાં મૂકે છે."
એ સમયે સોશિયલ મીડિયા ઉપર તેની ભારે ચર્ચા થઈ હતી.
હલ્દીઘાટીની લડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ કાદિર બાયૂનીએ 'મનતખબ-ઉત-તવારીખ', નિઝામુદ્દીનની 'તબાકત-એ-અકબરી' તથા અબુલ ફઝલની 'અકબરનામના' જેવાં અનેક પુસ્તકોમાં હલ્દીઘાટીના યુદ્ધ વિશે વિસ્તૃત વિવરણ જોવા મળે છે.
ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે. 21 જૂન, 1576ના રોજ હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. મુઘલ સેનાનું નેતૃત્વ રાજા માનસિંહ કરી રહ્યા હતા.
શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે મુઘલો ઉપર રાજપૂત ભારે પડી રહ્યા હતા, ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે ખુદ અકબર યુદ્ધમાં સામેલ થશે. આને કારણે રાજપૂતોનું મનોબળ તૂટી ગયું.
આ લડાઈમાં મેવાડની સેનાના મુખ્ય હાથી રામપ્રસાદના મહાવતનું મૃત્યુ થયું હતું.
'મહારાણા પ્રતાપ- ધ ઇનવિન્સિબિલ વૉરિયર'નાં લેખિકા રીમા હૂજાના કહેવા પ્રમાણે, "આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ તથા માનસિંહ વચ્ચે ભારે લડાઈ થઈ અને માનસિંહના હાથીના સૂંઢ સાથે જોડાયેલી તલવારને કારણે પ્રતાપના ઘોડા ચેતકને ભારે ઈજા પહોંચી."
"મેવાડની સેનાના જનરલોએ નક્કી કર્યું કે પીછેહઠ કરવી જોઈએ અને મહારાણા પ્રતાપે રણમેદાનમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ લડાઈ એ જ દિવસે પૂરી થઈ ગઈ."
હલ્દીઘાટીના યુદ્ધનો વિવાદ શા માટે?

ઇમેજ સ્રોત, RAJIV LOCHAN
હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલોનો સ્પષ્ટ વિજય થયો હતો, એમ કહી ન શકાય, કારણ કે અબુલ ફઝલ સહિત અનેક સમકાલીન ઇતિહાસકારો નોંધે છે કે આ યુદ્ધના પરિણામથી અકબર ખુશ ન હતા.
તેમનું કહેવું હતું કે અકબરે જનરલ માનસિંહ, આશફ ખાન તથા કાઝી ખાન જેવા મુઘલ સેનાના જનરલોને લાંબા સમય સુધી પોતાના દરબારમાં હાજર થવાની મંજૂરી નહોતી આપી.
હલ્દીઘાટીના યુદ્ધ પછી મહારાણા પ્રતાપે અકબરની સેના વિરુદ્ધ છાપેમાર યુદ્ધ ચાલુ રાખ્યું, તેઓ મુઘલો ઉપર ઘાતક હુમલા કરતા અને પછી જંગલોમાં ગુમ થઈ જતા.
મહારાણા પ્રતાપ લગભગ બે દાયકા સુધી આ રીતે યુદ્ધ લડતા રહ્યા. મહારાણા પ્રતાપ વર્ષ 1596માં શિકાર કરતી વખતે ઘાયલ થઈ ગયા, તેના બે વર્ષ બાદ 57 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
કેટલાક દક્ષિણપંથી ઇતિહાસકારોનું માનવું છે કે મહારાણા પ્રતાપ અને મેવાડની ઉપર અકબરને નિર્ણાયક વિજય નહોતો મળ્યો. એટલે હલ્દીઘાટીના યુદ્ધનું પરિણામ પ્રતાપના પક્ષમાં લાવી મૂકે છે.
બીજી બાજુ, ડૉ. રામ પુનિયાની જેવા ઇતિહાસકારો હલ્દીઘાટીના યુદ્ધને બે રાજાઓ વચ્ચેનું યુદ્ધ ગણાવે છે.
રામ પુનિયાનીનું કહેવું છે, "તેને હિંદુ અને મુસલમાનો વચ્ચેની લડાઈ કહેવામાં આવે છે, પરંતુ અકબર તરફથી રાજા માનસિંહ અને તેમના શહેજાદા સલીમ લડ્યા હતા, તથા રાણા પ્રતાપની સાથે હકીમખાન સૂર લડ્યા હતા. આ લડાઈ ધર્મ માટે નહીં, પરંતુ સત્તા માટે હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












