આમિર મીર : સ્ટેજ પર ગીતો ગાવામાં ડર લાગતો, પછી જાહેર કાર્યક્રમમાં કેવી રીતે શરૂઆત કરી?

ગુજરાત, ગુજરાતી, લોક સંગીત, ઓસમાણ મીર, આમિર મીર, સંગીત, ફિલ્મ, કલા

ઇમેજ સ્રોત, Osman Mir/FB

ઇમેજ કૅપ્શન, આમિર મીર
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ઓસમાણ મીર ગુજરાતના ખૂબ જાણીતા લોકગાયક છે. તેમના પુત્ર આમિર મીર પણ પિતાએ કંડારેલી કેડી પર નોખી ભાત પાડી રહ્યા છે.

આમિર મીર ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાયા છે. સલીમ સુલેમાન, સચીન-જિગર, અમિત ત્રિવેદી વગેરે સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યા છે. આમિર મીર પિતા ઓસમાણ મીર સાથે સંગીતના કાર્યક્રમો કરે છે એ ઉપરાંત એકલપંડે પોતાના સંગીતના કાર્યક્રમો કરે છે.

હિન્દી ફિલ્મ 'મિસ્ટર ઍન્ડ મિસીસ માહી'નું બન્ની અને સાગરે ગાયેલું 'તુ હૈ તો દિલ ધડકતા હૈ' ગીત આમિર મીરે એક કાર્યક્રમમાં ગાયું હતું એ પછી આમિર મીરનો એ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા મંચ પર એ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એ વાઇરલ ગીત વિશે વાત કરતાં આમિર મીરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "હવે તો હું કોઈ કાર્યક્રમ આપવા જાઉં છું તો લોકો મને ત્રણ-ત્રણ વખત એ ગીત ગવડાવે છે. કાર્યક્રમની શરૂઆતમાં ગવડાવે, પછી બ્રૅકમાં ગવડાવે છે અને પછી કાર્યક્રમ પૂરો થવાનો હોય ત્યારે ફરી ફરમાઇશ કરે છે. લોકોનો પ્રેમ છે, મન ભરાતું જ નથી. મને આનંદ છે."

કઈ રીતે એ વીડિયો વાઇરલ થયો એ વિશે વાત કરતાં આમિર મીર જણાવે છે કે તેમણે ગુરુપૂર્ણિમા નિમિત્તે કથાકાર મોરારિબાપુને ત્યાં પહેલું ગીત ગાયું હતું અને કાર્યક્રમનો વીડિયો પણ ઊતરતો હતો. એમાંથી એ ગીતનો વીડિયો કટ કરીને સોશિયલ મીડિયા પર મુકાયો અને ત્યાંથી એ ગીત ખૂબ વાઇરલ થયું.

તેઓ કહે છે, "અલબત્ત, ફિલ્મનું એ ગીત ઑલરેડી લોકપ્રિય હતું જ."

'એક સમયે મંચ પર જઈને ગીત ગાતા હું ડરતો હતો'

ગુજરાત, ગુજરાતી, લોક સંગીત, ઓસમાણ મીર, આમિર મીર, સંગીત, ફિલ્મ, કલા

ઇમેજ સ્રોત, Osman Mir/FB

ઇમેજ કૅપ્શન, પિતા ઓસમાણ મીર સાથે આમિર મીર

ઓસમાણ મીરના પરિવારમાં સંગીતનો માહોલ પેઢીઓથી રહ્યો છે. આમિર મીર ખૂબ નાની ઉંમરથી ગાતા હતા, પણ એ ગાયકી પરિવાર પૂરતી જ સીમિત હતી.

હવે તો આમિર મીર પોતાના સ્વતંત્ર સંગીત કાર્યક્રમો કરે છે, ઉપરાંત પિતા ઓસમાણ મીર સાથે પણ નિયમિત કાર્યક્રમ કરે છે.

ઓસમાણ મીરનું નામ ગુજરાતી સંગીતમાં આદરપૂર્વક લેવાય છે. તમે જ્યારે કાર્યક્રમ આપવા જાવ ત્યારે તેમના નામ અને પ્રેક્ષકોની અપેક્ષાનો તમારા મન પર બોજ રહે ખરો?

એ સાવલના જવાબમાં આમિર મીર કહે છે કે, "પપ્પા વર્ષોથી કાર્યક્રમ આપે છે, તેમની સાથે બેસીને ગાવું એ કસોટીભરી સ્થિતિ હોય છે. તેમની સાથે ગાઉં ત્યારે હજી પણ એ ફડક તો મનમાં હોય જ છે કે સૂર ખોટો ન લાગી જાય. હું એ બાબતે ખૂબ સજાગ હોઉં છું."

"હું નાનો હતો ત્યારે મને મંચ પર જઈને ગાવાનો ડર – સ્ટેજ ફીયર હતો. જેમ જેમ ઘડાતો અને કેળવાતો ગયો તેમ અનુભવે એ ડર ઓછો થઈ ગયો."

'ઓસમાણ મીરે વીસ વર્ષથી જલેબી ખાધી નથી'

ગુજરાત, ગુજરાતી, લોક સંગીત, ઓસમાણ મીર, આમિર મીર, સંગીત, ફિલ્મ, કલા
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે આમિર મીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમિર મીરે તેમના સંબંધી સાજિદ મીર પાસેથી થોડી સંગીતની તાલીમ લીધી છે, ઉપરાંત મોટા ભાગની તાલીમ પિતા ઓસમાણ મીર પાસેથી લીધી છે. આમિર પિતાને જ સંગીતના ગુરુ માને છે.

ગાયકીમાં ગળાની કાળજી રાખવા માટે શું કરો છો? આમિર મીર કહે છે કે, "મને લાગે છે કે હું દહીં કે છાશ ખાઉં તો ગાયકીમાં ગળું ચોંટતું હોય તેવું લાગે, તેથી કાર્યક્રમો હોય ત્યારે એ ખાવાનું ટાળું છું. સંગીતમાં ગળાની પરેજી ખૂબ મહત્ત્વની છે. મારા પપ્પાની વાત કરું તો જલેબી તેમની ફેવરિટ છે. જે તેમણે વીસ વર્ષથી નથી ખાધી."

સંગીતનો પહેલો કાર્યક્રમ ક્યારે આપ્યો હતો? એ સવાલના જવાબમાં આમિર જણાવે છે કે "પહેલો કાર્યક્રમ યાદ નથી પણ મને લાગે છે કે હું સોળ-સતર વર્ષનો હતો ત્યારે આબુધાબીમાં પપ્પા સાથે એક કાર્યક્રમમાં એકાદ બે ગીત ગાયાં હતાં. એ જ પહેલી જાહેર પ્રસ્તુતિ હતી."

"એ પછી ધીમે ધીમે પપ્પા સાથે હું કાર્યક્રમમાં જવા લાગ્યો હતો. શરૂઆતમાં પપ્પા એક-બે રાઉન્ડ ગાઈ લે પછી પંદર-વીસ મિનિટ માટે હું ગાતો હતો. આત્મવિશ્વાસ વધતો ગયો તેમ મંચ પર મારો ગાવાનો સમય પણ વધતો ગયો. પછી કલાક ગાતો અને પછી એવું થયું કે અડધો પ્રોગ્રામ પપ્પા કરે અને અડધો હું કરું. એ પછી હવે એ તબક્કે પહોંચ્યો છું કે મારો સ્વતંત્ર કાર્યક્રમ અમીરી મહેફિલ કરું છું. એ નામ પપ્પાએ જ આપ્યું છે."

'કેરળમાં લોકોને ગુજરાતી ગીતો પર ઝૂમતા જોયા છે'

ગુજરાત, ગુજરાતી, લોક સંગીત, ઓસમાણ મીર, આમિર મીર, સંગીત, ફિલ્મ, કલા

ઇમેજ સ્રોત, Osman Mir/FB

ઇમેજ કૅપ્શન, આમિર મીર તેમના પિતાને પોતાના ગુરુ માને છે

આમિર મીર માને છે કે ગૂગલ, યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સંગીતની બારીકી શીખવા સમજવા મળી રહે તે સારી બાબત છે, પણ સંગીત શીખવા માટે ગુરુ તો જોઈએ જ.

આમિર કહે છે કે, "સંગીત હવે ડિજિટલ થઈ ગયું છે. તેનાં રચનાત્મક અને નકારાત્મક બંને પાસાં છે. હવે એક રૂમમાં કમ્પ્યુટર પર એકમાત્ર સંગીતકાર બેસીને સંગીત તૈયાર કરી શકે છે. અગાઉ ફિલ્મોનાં ગીતો તૈયાર થતાં તો સંગીતકાર સાથે પચાસ સાજિંદા અને બીજા નિષ્ણાત બેસીને સંગીત તૈયાર કરતા હતા. એને લીધે બધાનો અનુભવ ભળતો અને ગીત વધારે નિખાર પામીને તૈયાર થતું હતું. હવે એનો અવકાશ નથી રહેતો."

આમિર સૂફી સંગીતથી ખૂબ પ્રભાવિત છે. તેઓ નુસરત ફતેહ અલી ખાનને નિરંતર સાંભળે છે. તેઓ કહે છે કે, "મારો જે અમીરી મહેફિલ કાર્યક્રમ છે તેમાં નુસરતસાહેબની કવ્વાલી અને ગીતો પણ રજૂ કરું છું."

સંગીતની કોઈ ભાષા નથી હોતી એવું આમિર દૃઢપણે માને છે. તેઓ કહે છે કે, "મેં કેરળમાં બિનગુજરાતી દર્શકોને પપ્પાના ગુજરાતી અને સૂફી ગીતો પર મન મૂકીને નાચતા જોયા છે."

આમિરની ઇચ્છા છે કે કેટલાંક જૂનાં ગુજરાતી ભજનો અને લોકગીતો જે લોકો સુધી પહોંચ્યાં નથી તે સંગીતના નવા અરેન્જમેન્ટ સાથે લોકો સુધી પહોંચાડવાં છે.

આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, "સાઠ – સિત્તેરના દાયકામાં પણ સંગીત આજ જેટલું જ તૈયાર થતું હતું. ફરક એ છે કે તે વખતે સોશિયલ મીડિયા નહોતું. આજે કોઈ પણ નવી ચીજ તરત આપણી પાસે પહોંચી જાય છે, પણ જૂના કેટલાંક નમૂનેદાર લોકગીતો લોકો સુધી પહોંચી શક્યાં નથી."

"મારી ઇચ્છા એવી છે કે આવાં કેટલાંક ઓછાં જાણીતાં સુમધુર ગીતોના સૂરતાલ છંછેડ્યા વગર નવેસરથી સંગીતનું અરેન્જમેન્ટ કરીને લોકો સુધી પહોંચાડું. પ્રિયા સરૈયાએ આવું જ કામ 'વારસો' નામના પ્રોજેક્ટમાં ખૂબ સરસ રીતે કર્યું છે."