ગુજરાત : 'દારૂ પીતાં પકડાશે તો બે લાખનો દંડ', દારૂબંધી છતાં ગામલોકોએ જાતે કેમ નિયમો બનાવવા પડ્યા?

ગુજરાતમાં દારૂબંધી, ગુજરાતમાં દારૂ, દારૂ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતમાં દારૂબંધીની નીતિ, ભાજપ, હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાત

'દારૂ પીધેલા લોકોના ત્રાસથી બહેન-દીકરીઓ સાંજે ગામમાં જઈ શકતી ન હતી.'

'દારૂ પીવાના દૂષણને કારણે મારા ભાઈના બે દીકરા બાપ વગરના થઈ ગયા.'

'અમારા ગામની નવી પેઢી દારૂના રવાડે ચડી અને તેના ભણતર અને કારકિર્દી પર અસર પડી રહી છે.'

આ ચિંતા બનાસકાંઠાના ડોડિયા ગામ અને ધનાણા ગામના લોકોની છે.

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ સમયાંતરે દારૂબંધી સામે સવાલો થતા રહે છે અને દારૂ અંગેના વિધાનસભામાં રજૂ કરાતા આંકડા પણ ચર્ચાનો વિષય બને છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ધનાણા અને લાખણી તાલુકાના ડોડિયા ગામના લોકોએ ભેગા મળીને જાતે દારૂબંધી માટેના નિયમો બનાવ્યા છે.

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં ગામલોકોએ મજબૂર થઈને બનાવેલા નિયમોએ ગુજરાતમાં દારૂબંધીના કાયદા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

વિરોધ પક્ષનો દાવો છે કે ગુજરાત રાજ્યનું એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂ વેચાતો ન હોય.

ભાજપનું કહેવું છે કે પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ કેટલાક લોકો કાયદો તોડે છે. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.

ધનાણા ગામના લોકોએ 11 જૂનના રોજ નિર્ણય કર્યો હતો કે 'જો ગામમાં કોઈ પણ દારૂ વેચશે કે પીને આવશે તો તેને બે લાખ રૂપિયા દંડ કરાશે.'

અગાઉ એપ્રિલ મહિનામાં ડોડિયા ગામના લોકોએ દારૂ વેચનારનો ગામમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો

ડોડિયા ગામના લોકોનું કહેવું છે કે ગામમાં જ દારૂ બનાવાતો હતો. અગાઉ પોલીસને જાણ પણ કરાઈ હતી, પરંતુ પોલીસ ગયા બાદ ફરીથી શરૂ થઈ જતો હતો.

ધનાણા ગામ લોકોનું કહેવું છે કે ગામમાં દારૂની બદી વધી ગઈ હતી. લોકો ગામના બસ સ્ટેશન પાસે જ દારૂ પીને બેસી રહેતા હતા. જેથી ગામમાં બહેન દીકરીઓને એકલા બહાર નીકળવું મુશ્કેલ થતું હતું.

ગુજરાતના આ ગામમાં દારૂબંધી અંગે જાતે નિયમો કેમ ઘડ્યા?

ગુજરાતમાં દારૂબંધી, ગુજરાતમાં દારૂ, દારૂ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતમાં દારૂબંધીની નીતિ, ભાજપ, હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, AMARSINH CHAUHAN

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાની ધનાણા ગ્રામપંચાયતે દારૂબંધી અંગે નિયમો બનાવ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બનાસકાંઠાનાં બે ગામમાં દારૂ પીનારા અને વેચનારા માટે ગામલોકો દ્વારા દંડ નક્કી કરવામાં આવ્યો છે. લાખણી તાલુકાના ડોડિયા ગામમાં અને સુઈગામ તાલુકાના ધનાણા ગામના લોકોએ દારૂબંધી માટે એક મિશન હાથ ધર્યું છે.

ધનાણા ગામના રહેવાસી અમીરામ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "નવી પેઢીના લોકો પણ દારૂના રવાડે ચડી રહ્યા હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. જેથી અમારા ગામના લોકોએ ભેગા મળીને દારૂબંધીનો નિર્ણય કર્યો હતો. દારૂને કારણે યુવાધન બરબાદ થાય છે. શિક્ષણ પર તેની અસર પડે છે. જોકે છેલ્લા એક મહિનામાં અમારા ગામમાં નિયમનું કોઈએ ઉલ્લંઘન કરેલ નથી."

ડોડિયા ગામના ભલાભાઈ ઠાકોરના ભાઈનું ત્રણ મહિના પહેલાં મૃત્યુ થયું હતું. ભલાભાઈનું કહેવું છે કે દારૂ પીવાને કારણે તેમનો ભાઈ બીમાર થયો અને તેનું મોત થયું હતું.

ભલાભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "દારૂને કારણે મારા ભાઈનાં બે બાળકો બાપ વગરનાં થઈ ગયાં. દારૂ સર્વનાશ કરે છે. અમારા ગામમાં એક વર્ષમાં 8થી 10 લોકો દારૂને કારણે મોત થયાં હશે."

ડોડિયા ગામનાં સુબીબહેન ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "દારૂને કારણે મહિલાઓ અને બાળકોને વધારે ભોગ બને છે. પતિ દારૂ પીને આવે એટલે માર મારે છે, બાળકોના ભણવા પર અસર પડે છે. અમારા ગામમાં છેલ્લા બે મહિનાથી દારૂ બંધ છે. જોકે હમણાં થોડાક દિવસોથી લોકો કહે છે કે કોઈએ છાનામાના દારૂ શરૂ કર્યો છે. જોકે મેં જોયું નથી, પરંતુ જો દારૂ શરૂ થાય તો પોલીસે આવીને તે રોકવો જોઈએ."

ડોડિયા ગામના સરપંચ કલ્પેશજી ઠાકોર કહે છે કે "ગામમાં કોઈ દારૂ વેચતું હોવાનું મારા ધ્યાનમાં આવ્યું નથી. વેચતું હશે તો અમે પોલીસને જાણ કરીને પગલાં લઈશું."

'દારૂ પીનારા અને વેચનારને બે લાખ રૂપિયાનો દંડ'

ગુજરાતમાં દારૂબંધી, ગુજરાતમાં દારૂ, દારૂ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતમાં દારૂબંધીની નીતિ, ભાજપ, હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, KALPESHJI THAKOR

ઇમેજ કૅપ્શન, ડોડિયા ગ્રામપંચાયત

ધનાણા ગામના સરપંચ અમરસિંહ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "દારૂની બદીને કારણે ગામમાં બહેન-દીકરીઓનું નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. અમારા ગામમાં લોકો દારૂ પીને ગામના બસ સ્ટેશન પાસે બેસી રહેતા હતા. ગામની મહિલાઓએ ડેરી દૂધ ભરાવા કે ગામમાં અન્ય કામ માટે સ્ટેશન પાસેથી જવું પડે છે. દારૂ પીધેલા લોકો કંઈ ને કંઈ અપશબ્દો બોલે કે ઝઘડા કરતાં હોય છે, જેથી મહિલાઓ માટે ત્યાંથી નીકળવું કપરું હતું."

આથી ધનાણા ગામના લોકોએ ભેગા થઈને દારૂ અંગે ગામના સરપંચને ફરિયાદ કરી. સરપંચે ગામના લોકોને ભેગા કર્યા હતા અને લોકોએ દારૂબંધી અને દંડ કરવા અંગેનો નિર્ણય કર્યો હતો.

અમરસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે "દારૂ વેચનાર અને દારૂ પીનારા લોકો સાથે પણ વાત કરી હતી. તેમણે પણ દારૂ બંધ કરવા અંગે સહમતિ દર્શાવી હતી. ત્યાર બાદ અમે લોકોએ ભેગા થઈને દારૂ પીનારા અને દારૂ વેચનાર સામે બે લાખ રૂપિયા દંડ નક્કી કર્યો હતો. તેમજ જે પણ દારૂ પીતા કે વેચતા પકડાશે તેની સામે ગામના લોકો પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે."

તો ડોડિયા ગામમાં એપ્રિલ મહિનામાં દારૂબંધી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

ડોડિયા ગામના સરપંચ કલ્પેશજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "અમારા ગામમાં દારૂ બનાવવામાં આવતો હતો. અમે એપ્રિલ 2025માં દારૂ વેચનાર સામે નિર્ણય કર્યો હતો. ગામના લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે જે વ્યક્તિ દારૂ વેચે તેના ઘરે ગામના કોઈએ પણ સારા કે ખરાબ પ્રસંગમાં હાજરી આપવી નહીં."

કલ્પેશજી ઠાકોર જણાવે છે કે "છેલ્લા એક વર્ષમાં આઠ જેટલા યુવાનોનું દારૂને કારણે મોત થયું હશે. ગામના લોકોએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ આવે ત્યાં સુધી દારૂ બંધ થઈ જાય છે. બીજા દિવસથી દારૂ શરૂ થઈ જતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ગામમાં કોઈ દારૂ વેચતું નથી."

દારૂબંધી અંગે પોલીસે શું કહ્યું?

ધનાણા ગામ સુઈગામ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જ્યારે ડોડિયા ગામ થરાદ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ બન્ને પોલીસ સ્ટેશનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એક જ લાગે છે.

ડીવાયએસપી વારોતરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "કોઈ ગામમાં દારૂને કારણે કનડગત હોય અને ગામના લોકોએ દારૂબંધી કરીને દંડ જાહેર કર્યો હોય તે અંગે મારી પાસે કોઈ માહિતી આવી નથી. પોલીસ દારૂબંધીને લઈને ખૂબ જ ગંભીર છે. પોલીસ રેડ કરીને દારૂ પકડે છે. તેમજ દારૂ વેચનાર સામે પણ ફરિયાદ કરે છે. બનાસકાંઠામાં અફીણની કુપ્રથા દૂર કરવા માટે પણ અમારી ટીમ દ્વારા ઝુંબેશ કરવામાં આવી રહી છે."

ગુજરાતમાં દારૂબંધી અંગે કૉંગ્રેસ અને ભાજપનું શું કહેવું છે?

ગુજરાતમાં દારૂબંધી, ગુજરાતમાં દારૂ, દારૂ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતમાં દારૂબંધીની નીતિ, ભાજપ, હર્ષ સંઘવી

ગુજરાતમાં દારૂબંધી હંમેશાં લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. સમયાંતરે ગુજરાતના મીડિયામાં પણ દારૂ પકડાયો હોવાના અને તેનો નાશ કરાયો હોવાના સમાચારો આવતા રહે છે. પોલીસ દારૂની બૉટલો પર રોલર ફેરવતી હોય એવાં દૃશ્યો પણ સામે આવતાં રહે છે.

વિપક્ષ કૉંગ્રેસે ગુજરાતમાં દારૂબંધીના કાયદા સામે સવાલો ઉઠાવ્યા છે.

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ગુજરાતમાં એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય. સરકાર જાણીજોઈને અસામાજિક તત્ત્વોને દારૂ વેચવાની છૂટ આપે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે "ગામના લોકોએ પોતાની રીતે ગામમાં દારૂબંધી કરવી પડી તે સરકારની અને પોલીસ વિભાગની નિષ્ફળતા છે. લોકોએ કરેલા આ નિર્ણય બાદ સરકારે જાગવું જોઈએ અને દારૂબંધીના કાયદા માટે કડક પગલાં લેવાં જોઈએ."

તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "કોઈ પણ કાયદો બનાવવામાં આવે તો કેટલાક એવા લોકો હોય છે જે કાયદો તોડતા હોય છે. દા.ત., ગાડીમાં સીટ બેલ્ટ ફરજિયાત બાંધવાનો કાયદો છે, તેમ છતાં કેટલાક લોકો સીટ બેલ્ટ ન બાંધીને કાયદાનું ઉલ્લંઘન કરે છે."

યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું કે "દારૂબંધીના કાયદાનું કડક અમલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો દ્વારા કાયદો તોડવામાં આવે છે. પોલીસ તો કાયવાહી કરે છે, પરંતુ ગામના લોકો પણ આ રીતે સ્વયંભૂ પ્રયત્ન કરે તો ગામના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ફાયદાકારક છે."

ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના લેખિત સવાલના જવાબમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે "ગુજરાતમાં બે વર્ષ (ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2023)માં 197.56 કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે.

તેમજ 3.99 કરોડનો બિયર અને 10.51 કરોડનો દેશી દારૂ પકડાયો છે. જેમાં અમદાવાદમાંથી 28.23 કરોડ, સુરતમાંથી 21.47 કરોડ , વડોદરામાંથી 14.61 કરોડ અને રાજકોટમાંથી 13.89 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન