ગુજરાત : 'જીરા સોડા પીને આવ્યો અને બે મિનિટમાં ઢળી પડ્યો', કથિત દારૂ પીવાથી ત્રણ લોકોનાં મોતનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો જથ્થો પકડાતો હોવાના અહેવાલો આવતા રહે છે અને શંકાસ્પદ પીણાં પીવાથી પણ લોકોનાં મોતના સમાચાર પણ આવતા રહે છે.
ખેડાના નડિયાદમાં રવિવારે રાતે બનેલી એક ઘટનામાં દારૂ અથવા અન્ય કોઈ શંકાસ્પદ પીણું પીવાથી ત્રણ લોકોએ તાત્કાલિક દમ તોડ્યો છે.
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે રાતે જીરા સોડાની બૉટલમાં કોઈ પીણું પીવાથી કનુભાઈ ચૌહાણ, રવીન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહ નામની વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીણું પીધા પછી પાંચ જ મિનિટમાં ઘાતકી અસર થઈ છે, તેથી એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરીએ છીએ. આ તપાસ એલસીબીને સોંપાઈ છે.
પોલીસે હજુ મોતનું કારણ દારૂ પીવાને લીધે થયું છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી છે. જોકે મૃતકના સ્વજનો આ મોતને દારૂ સંબંધિત કારણ સાથે જોડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, nachiket mehta
એક મૃતકના સ્વજને જણાવ્યું કે મરનારમાં તેમના ભત્રીજા સામેલ છે. તેઓ બહેરામૂંગા હતા અને જવાહરનગર રેલવે ફાટક નજીક વજનકાંટો લઈને બેસતા હતા.
તેમણે કહ્યું કે, "રવિવારે સાંજે દારૂ પીધા પછી છ વાગ્યે તેઓ બેભાન થઈ ગયા. અજાણી વ્યક્તિએ ફોન કરીને જાણકારી આપી તેથી કનુભાઈ ચૌહાણના પુત્ર ત્યાં ગયા. તેમણે 108 નંબર પર ઍમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હૉસ્પિટલે લઈ જવાયા, જ્યાં મેડિકલ ઑફિસરે તેમને મૃત જાહેર કર્યા."
અન્ય એક મૃતકના સ્વજને જણાવ્યું કે "અમને માહિતી મળી કે અમારા સગા ઘટનાસ્થળે દારૂ પીને પડ્યા હતા. તેમને અહીં લઈ આવ્યા તો ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. ત્રણેય એક જ જગ્યાએ પડ્યા હતા અને ત્યાં જ ખતમ થઈ ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શંકાસ્પદ પીણાં વિશે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, nachiket mehta
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખેડાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજેશ ગઢિયાએ મીડિયાને જણાવ્યું કે, "ત્રણેય મૃતકોના બ્લડ સૅમ્પલ રાત્રે જ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા."
"બ્લડ રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી શૂન્ય આવી છે, પરંતુ એફએસએલ અધિકારીના માર્ગદર્શનથી અમે તપાસ કરી રહ્યા છીએ."
તેમણે કહ્યું કે, "વરુણ પરમાર નામના એક સાક્ષીએ આ ઘટના જોઈ હતી. તેમના કહેવા મુજબ મૃતકો પૈકી 54 વર્ષના કનુભાઈ ચૌહાણ જીરા સોડાની પ્લાસ્ટિકની બૉટલ લઈને આવ્યા હતા. તેમણે પોતે પીણી પીધું, ત્યાર પછી બાજુમાં રહેલા રવીન્દ્રભાઈને પીણું પીવડાવ્યું અને આ ઉપરાંત નજીકમાં પાણીપુરી વેચતા યોગેશ કુશવાહને પણ આપ્યું હતું."
વરુણ પરમારને પણ તેમણે જીરા સોડાની બૉટલમાં રહેલા પીણાની ઑફર કરી હતી.
પરમારના કહેવા મુજબ તેમની હાજરીમાં રવીન્દ્રભાઈ રાઠોડ તરત બેહોશ થઈ ગયા તેમને હૉસ્પિટલે લઈ જવાયા.
પોલીસના જણાવ્યા અનુસાર, "બીજી બે વ્યક્તિને પણ પાંચ-સાત મિનિટમાં તકલીફ થતા તેમને પણ હૉસ્પિટલે લઈ જવાયા હતા. આ દરમિયાન કનુભાઈ ચૌહાણનું પહેલેથી મોત થઈ ગયું હતું. બાકીના બે પણ થોડી જ વારમાં મૃત્યુ પામ્યા હતા."
એસપી રાજેશ ગઢિયાએ કહ્યું કે "પીણું જે બૉટલમાં લાવવામાં આવ્યું હતું તે બૉટલ નજીકમાં ફેંકવામાં આવી હતી. તેથી કચરાપેટીમાંથી તમામ બૉટલો કાઢીને એફએસએલમાં મોકલી આપવામાં આવી છે."
"પીએમ પછી જે સૅમ્પલ મળશે તેને આજે જ એફએસએલને સોંપવામાં આવશે અને એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરાશે," તેમ તેમણે કહ્યું હતું.
પોલીસનું કહેવું છે કે બે મૃતકોના શરીરમાંથી પૉઇન્ટ એક ટકા ઇથેનોલ મળ્યું છે.
સિવિલ હૉસ્પિટલનાં અધિકારીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, nachiket mehta
દરમિયાન નડિયાદની સિવિલ હૉસ્પિટલનાં સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કવિતા શાહે જણાવ્યું કે, "કુલ ત્રણ વ્યક્તિને અહીં લાવવામાં આવી હતી. તેમાંથી એક વ્યક્તિને અહીં મૃત હાલતમાં લાવવામાં આવી હતી અને બીજા બે ગંભીર સ્થિતિમાં હતા."
તેમણે કહ્યું કે "દર્દીઓને સીપીઆર અપાયો અને બીજી સારવાર કરવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃત્યુના કારણ વિશે પ્રાથમિક રીતે કંઈ કહી શકાય નહીં, પણ બ્લડ સૅમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે."
ડૉ. કવિતા શાહે કહ્યું કે, "આજે પોસ્ટમૉર્ટમ થયા પછી વિસેરા મોકલવામાં આવશે. તેનો રિપોર્ટ આવશે ત્યારે મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે."
ભૂતકાળમાં 'લઠ્ઠાકાંડ'ની ઘટનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આ પહેલાં પણ ઝેરી દારૂ, કેમિકલ અને સિરપનાં સેવન-વેચાણને કારણે મૃત્યુની ઘટના બની હોવાના આરોપ લાગતા રહ્યા છે.
વર્ષ 2022માં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના પગલે 39 જેટલા લોકોનાં મૃત્યું થયાં હતાં. અગાઉ કથિતપણે ઝેરી દેશી દારૂ એટલે કે લઠ્ઠાને કારણે મૃત્યુ થયાં હોવાના આરોપ લગાવાયા હતા. જોકે, બાદમાં બોટાદ પોલીસે દાવો કર્યો હતો કે 'ઝેરી કેમિકલ ભેળવીને નશાકારક પીણા તરીકે તેનાં વેચાણ-ઉપયોગ'ને કારણે આ ઘટનામાં લોકોના જીવ ગયા હતા.
આ પહેલાં 2009માં અમદાવાદનાં કંટોડિયાવાસના એક અડ્ડા પરથી દેશી દારૂ પીનારા માટે તે ઝેરી પુરવાર થયો હતો. જેમાં 140 કરતાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 200 જેટલા લોકોને અસર પહોંચી હતી. કેટલાકે તેમની દૃષ્ટિ પણ ગુમાવી હતી.
એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અમિત શાહ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.
2009ના લઠ્ઠાકાંડના પીડિતોના લોહીના નમૂનાની તપાસ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિથેનોલની હાજરીના પુરાવા મળ્યા હતા.
2009ના મહેતા પંચે મિથેનોલ જેવા કેમિકલના વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની હિમાયત કરી હતી. આ રિપોર્ટને વિધાનસભામાં ટેબલ કરવા માટે પણ કેટલાક લોકોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા. એ પછી રિપોર્ટ રજૂ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












