ટ્રમ્પે અમેરિકામાં રિલાયન્સ સાથે 300 અબજ ડૉલરના રિફાઇનરી પ્રોજકેટનું એલાન કર્યું, ફાયદો કોનો?

ઇમેજ સ્રોત, ANI
ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકામાં એક વિશાળ રિફાઈનરીમાં ભાગીદાર બનવાનો નિર્ણય લીધો છે અને આ વાતની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.
એક તરફ મધ્યપૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને ઑઇલ સહિતની કોમોડિટીના ભાવ વધી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણીનું રિલાયન્સ જૂથ અમેરિકામાં 300 અબજ ડૉલરના રિફાઈનરી પ્રોજેક્ટમાં સામેલ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં 50 વર્ષમાં સૌપ્રથમ નવી ઑઇલ રિફાઈનરી શરૂ કરવામાં રિલાયન્સ ભાગીદારી કરશે. આ રિફાઇનરી ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલેમાં સ્થાપવામાં આવશે. 'અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ' નામની કંપની પ્રસ્તાવિત ઑઇલ રિફાઇનરી સ્થાપવાની છે જેમાં રિલાયન્સ જૂથ રોકાણ કરશે.
આ જાહેરાત પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં બે ટકાનો ઉછાળો આવ્યો હતો અને પછી શૅર ઘટ્યો હતો. જોકે, રિલાયન્સ જૂથે હજુ સુધી ટ્રમ્પના નિવેદન પર પુષ્ટિ કરી નથી.
ટ્રમ્પે રિલાયન્સ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Truth/Donald Trump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે "અમેરિકા ફરી ઍનર્જી ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા તરફ આગળ વધી રહ્યું છે. આજે મને જાહેરાત કરતા ગર્વ થાય છે કે ટેક્સાસમાં બ્રાઉન્સવિલે ખાતે 50 વર્ષમાં પ્રથમ નવી અમેરિકન ઑઇલ રિફાઇનરી શરૂ થવા જઈ રહી છે. આ 300 અબજ ડૉલરની ઐતિહાસિક ડીલ છે જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી છે. અમેરિકન કામદારો, ઍનર્જી અને સાઉથ ટેક્સાસના લોકો માટે આ બહુ મોટી જીત છે."
ટ્રમ્પે આગળ લખ્યું છે કે "આટલા જંગી રોકાણ બદલ અમેરિકામાં અમારા પાર્ટનર અને સૌથી મોટી ખાનગી ઍનર્જી કંપની રિલાયન્સનો આભાર માનું છું. અમેરિકા ફર્સ્ટ ઍજન્ડા, સરળ પરમિટ અને નીચા ટેક્સના કારણે આપણો દેશ અબજો ડૉલરની ડીલને આકર્ષી શક્યો છે. નવી રિફાઇનરીથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને ઍનર્જી ઉત્પાદન વધશે. વૈશ્વિક નિકાસ અને રોજગારીને પ્રોત્સાહન મળશે."
અમેરિકામાં રિફાઇનરી બનવામાં વર્ષો લાગી જશે, પરંતુ હાલમાં ક્રૂડ ઑઇલના ભાવ વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે આ પોસ્ટ કરી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં થોડા જ મહિનામાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી રહી છે.
અમેરિકામાં છેલ્લે 1976માં સૌથી મોટી મેરેથોન રિફાઇનરી બાંધવામાં આવી હતી જ્યારે ઑઇલનો ભાવ માત્ર પાંચ ડૉલર પ્રતિ બેરલ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Rajan Chaughule/Bloomberg via Getty Image
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયાસ્થિત એનાલિસ્ટ શનાકા પેરેરાએ લખ્યું છે કે ટ્રમ્પને રિફાઇનરીની જરૂર છે કારણ કે ઈરાન યુદ્ધે સાબિત કરી દીધું કે 50 વર્ષ સુધી કોઈ રિફાઇનરી ન સ્થાપવાના કારણે અમેરિકાએ વિદેશી રિફાઇનરીઓ પર આધારિત રહેવું પડે છે.
હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી માત્ર ઑઇલ પરિવહનનો માર્ગ બંધ નથી થયો, પરંતુ અમેરિકામાં ગૅસોલિન, ડીઝલ, જેટ ફ્યુઅલ અને પેટ્રોકેમિકલ્સ માટે સપ્લાય ચેઇન પણ બંધ થઈ છે. ઘરઆંગણે નવી રિફાઇનરી સ્થાપવી એ સ્ટ્રક્ચરલ ઉપાય છે.
અહીં એ યાદ અપાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વેનેઝુએલાનું ઑઇલ પણ ખરીદે છે. તાજેતરમાં જ અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા હતા. અમેરિકાએ વેનેઝુએલા પર પ્રતિબંધો પણ લગાવ્યા છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે અમેરિકાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પ્રતિબંધોનો ભંગ કર્યા વગર વેનેઝુએલાનું ઑઇલ ખરીદવા માટે લાઈસન્સ આપ્યું છે.
ટ્રમ્પે અમેરિકામાં જે રિફાઇનરી પ્રોજેક્ટની વાત કરી છે તેને એલિમેન્ટ ફ્યુઅલ્સ દ્વારા વિકસાવવામાં આવશે. કંપનીએ બે વર્ષ અગાઉ જાહેરાત કરી હતી કે તેને રિફાઇનરી સ્થાપવા માટે મંજૂરી મળી ગઈ છે. જ્હોન વી કેલ્સી એ આ કંપનીના સ્થાપક છે અને તેઓ અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગમાં પણ ચૅરમૅન છે.
અમેરિકાને નવી રિફાઇનરીની કેટલી જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે કરેલી આ જાહેરાતના આંતરરાષ્ટ્રીય ઑઇલનો પુરવઠો ચાલુ રાખવાના અમેરિકાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં અમેરિકાએ ભારતને રશિયા પાસેથી 30 દિવસ સુધી ઑઇલ ખરીદવાની છૂટ આપી હતી.
ટ્રમ્પનું આ પગલું એટલા માટે પણ મહત્ત્વનું માનવામાં આવે છે કે ભારતમાં ઑઇલ રિફાઇનરી ઉદ્યોગની ક્ષમતા ઘણી વધારે છે. ઑઇલ રિફાઇનિંગની ક્ષમતાની દૃષ્ટિએ ભારત દુનિયાના ટોચના પાંચ દેશોમાં સામેલ છે.
ઍનર્જી પોલિસીના નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા પાસે આધુનિક રિફાઇનરી નથી, જ્યારે રિલાયન્સ પાસે આધુનિક અને વર્લ્ડ ક્લાસ રિફાઇનરીઓ છે. રિલાયન્સ મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને ટર્બાઇન ફ્યુઅલની નિકાસ કરે છે.
રિલાયન્સ માટે આ ફાયદાનો સોદો રહેશે કારણ કે આ રિફાઇનરી ટેક્સાસ અને મેક્સિકોના અખાત નજીક સ્થાપવામાં આવશે, જ્યાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ઉપલબ્ધ છે.
અમેરિકા એ દુનિયામાં ક્રૂડ ઑઇલનો સૌથી મોટો ઉત્પાદક તથા તેનો વપરાશકાર બંને છે.
નરેન્દ્ર તનેજાએ કહ્યું કે અમેરિકાએ મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને ટર્બાઇન ફ્યુઅલ (વિમાનોનું ઈંધણ) આયાત કરવું પડે છે. મેક્સિકોના અખાત અને ટેક્સાસ નજીકમાં મળતા હેવી ક્રૂડઑઇલની રિફાઇનિંગ ક્ષમતા અમેરિકન રિફાઇનરીઓ પાસે નથી. તેમાં રિલાયન્સની રિફાઇનિંગ કુશળતા મદદગાર બનશે.
તેઓ કહે છે કે "આનો ઉપયોગ ઘરેલુ બજારમાં પુરવઠો, યુરોપ અને બીજા દેશોમાં નિકાસ માટે કરવામાં આવશે."
ટ્રમ્પના દાવા વિશે સવાલો

ઇમેજ સ્રોત, Roberto Schmidt/Getty Images
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હજુ કોઈ નિવેદન નથી આવ્યું તેના વિશે તનેજાએ કહ્યું કે "ટ્રમ્પની ટિપ્પણીના આધારે કંઈ પણ કહેવું ઉતાવળિયું ગણાશે."
તેઓ કહે છે, "હજુ આના માટે રોકાણ ક્યાંથી આવશે તે સ્પષ્ટ નથી. જો આ સંયુક્ત સાહસ હશે તો તેમાં મહત્તમ ભાગીદારી કોની હશે, રિફાઇનરીની ક્ષમતા કેટલી હશે, કઈ ટેક્નોલૉજીનો ઉપયોગ થશે, રિલાયન્સ જે મૂડી લગાવશે તે પોતાના રૂપિયા હશે કે અમેરિકન બૅન્કો પાસેથી ઋણ લેશે તે નક્કી નથી."
જો રિલાયન્સ પોતાના રૂપિયા લગાવશે તો ભારત બહાર તેનું પ્રથમ રિફાઇનિંગ સાહસ હશે. આ વિશે હજુ કંઈ કહી શકાય નહીં. સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે નિષ્ણાતોને એ વાતનો પણ સંદેહ છે કે અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર ખરેખર નવી રિફાઇનરીની જરૂર છે કે નહીં.
કારણ કે પહેલેથી અમેરિકાની ટોચની 10 રિફાઇનરીમાંથી આઠ અહીં હાજર છે. તેમાંથી સૌથી મોટી પાંચ રિફાઇનરીઓ ટેક્સાસમાં આવેલી છે.
રિફાઇન્ડ ફ્યુઅલ એનાલિસ્ટિકના મૅનેજિંગ ડાયરેક્ટર જૉન ઑયર્સે જણાવ્યું હતું કે "ટ્રમ્પ વહીવટી તંત્રની આ પ્રકારની જાહેરાતોમાં શરૂઆતમાં બહુ વધારી ચઢાવીને વાતો કરવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











