ઈરાન યુદ્ધના કારણે ભારતમાં એલપીજી સંકટ વધુ ગંભીર બનશે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
મધ્યપૂર્વમાં એક પખવાડિયાથી ચાલતા યુદ્ધના કારણે હવે દુનિયામાં ઑઇલ અને ગૅસના પુરવઠાને અસર થવા લાગી છે.
તેના લીધે ભારત સહિત ઘણા દેશોમાં સંકટ ગંભીર બનતું જાય છે.
નવમી માર્ચે ઑઇલ અને ગૅસના આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે હલચલ શરૂ થઈ. હોર્મુઝની સામુદ્રધુનીમાં અટવાયેલા ઑઇલ પુરવઠાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
પરંતુ ભારતમાં ઑઇલ અને ગૅસ પુરવઠાની ચિંતા વચ્ચે પેટ્રોલિયમમંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઘરેલુ વપરાશકારો માટે એલપીજીની 'કોઈ અછત નથી' અને 'ગભરાવાની જરૂર નથી.'
દુનિયાભરમાં ઑઇલ અને ગૅસના પુરવઠા માટે હોર્મુઝની સામુદ્રધુની સૌથી મહત્ત્વનો રસ્તો છે. અહીંથી ચીન, જાપાન અને ભારત સહિતના દેશો માટે ઑઇલ અને ગૅસનો પુરવઠો જાય છે.
જોકે છેલ્લા 24 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.
ભારતમાં રેસ્ટોરાં ઉદ્યોગને ગૅસ નથી મળી રહ્યો અને કૉમર્શિયલ કૂકિંગ ગૅસના પુરવઠાને અસર થઈ છે ત્યારે પેટ્રોલિયમમંત્રીએ પુરવઠો નિરંતર ચાલુ રહેશે તેવું વચન આપ્યું છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પેટ્રોલિયમમંત્રી હરદીપસિંહ પુરીએ ઍક્સ પર લખ્યું કે "ભારતની ઊર્જા આયાત અલગ-અલગ રસ્તા અને સ્રોતથી ચાલે છે. આપણે યુદ્ધ જેવી સ્થિતિ છતાં પગલાં લીધાં છે, જેથી ઘરેલુ વપરાશકારોને 100 ટકા સીએનજી અને પીએનજીનો પુરવઠો મળી શકે. બાકીના ઉદ્યોગોને પણ 70થી 80 ટકા સુધી પુરવઠો મળતો રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે સાંજે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડૉલરને વટાવી ગયો હતો, પરંતુ 10 માર્ચે તેમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો. તેનાથી અગાઉ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં લાંબા સમય સુધી અવરોધના ડરથી ભાવ વધ્યો હતો.
જોકે ત્યાર પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'યુદ્ધ લગભગ સમાપ્ત' થઈ ગયું છે. તેમના આ નિવેદન પછી ભાવ ઝડપથી ઘટ્યા હતા.
ઈરાનમાં સંઘર્ષની શરૂઆત થઈ અને મધ્યપૂર્વમાં ઉત્પાદન ઘટી ગયું તેના કારણે ગયા અઠવાડિયે ઑઇલના ભાવમાં લગભગ 30 ટકાનો ઉછાળો આવ્યો હતો.
સાઉદી અરામ્કોના સીઇઓએ ચેતવણી આપી કે હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહેશે તો તેનાથી વૈશ્વિક બજારો પર ભારે અસર પડી શકે છે. તેમણે કહ્યું કે હોર્મુઝનો માર્ગ બંધ રહે તો એક મહિનાની અંદર ઑઇલના ઉત્પાદનનો મોટો હિસ્સો અટકી શકે છે.
અરામકોના સીઇઓ અમીન નાસેરે પત્રકારોને જણાવ્યું કે "દુનિયાના ઑઇલ માર્કેટ માટે આના વિનાશક પરિણામો આવી શકે છે. અવરોધ જેટલો વધારે ચાલશે, તેટલા પ્રમાણમાં વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડશે. અમે પહેલાં પણ અનેક અવરોધોનો સામનો કરી ચૂક્યા છીએ, પરંતુ આ અત્યાર સુધીમાં ઑઇલ અને ગૅસ ઉદ્યોગ માટે સૌથી મોટું સંકટ છે."
બીજી તરફ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તેનાથી વૈશ્વિક ઊર્જા સંકટ સર્જાયું છે. તેમણે ચેતવણી આપી કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ અને ગૅસના પરિવહન પર આધારિત પુરવઠો અટકી શકે છે.
પુતિને કહ્યું કે યુરોપિયન ગ્રાહકો લાંબા ગાળાના સહયોગ માટે તૈયાર હોય તો રશિયા તેમની સાથે ફરીથી કામ કરવા તૈયાર છે. રશિયા દુનિયામાં બીજા ક્રમનું સૌથી મોટું ઑઇલનું નિકાસકાર છે અને તેની પાસે નૅચરલ ગૅસનો સૌથી મોટો ભંડાર છે.
ઈરાન સામેની યુદ્ધની ભારત પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
દુનિયામાં ઑઇલના ભાવમાં તેજીથી લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી)ના ભાવ વધી રહ્યા છે. કતાર એ દુનિયામાં એલએનજીનો અગ્રણી ઉત્પાદક દેશ છે અને હાલમાં તેણે ઉત્પાદન બંધ કરી દીધું છે.
યુરોપ અને એશિયા પર તેની અસર દેખાવા લાગી છે. ભારતીય કંપનીઓએ માર્ચની શરૂઆતથી જ સાવધાની તરીકે ઔદ્યોગિક ગૅસ પુરવઠામાં લગભગ 20 ટકા ઘટાડો કરી દીધો છે.
પાકિસ્તાને શાળાઓ બંધ કરવા જેવાં ઇમરજન્સીનાં પગલાં લીધાં છે અને સરકારી કર્મચારીઓને અપાતા ઈંધણ ભથ્થામાં પણ કાપ મૂક્યો છે.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ભારત એ દુનિયામાં સૌથી મોટો એલપીજી આયાતકાર છે અને ગયા અઠવાડિયે જ રિફાઇનરીઓને ઘરેલુ વપરાશ માટે ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે. તેના કારણે હૉસ્પિટાલિટી ઉદ્યોગને પૂરતો પુરવઠો આપવામાં મુશ્કેલી પડી રહી છે.
ભારતના ઑઇલ મંત્રાલયે જણાવ્યું છે કે તેમણે રેસ્ટોરાં અને અન્ય ઉદ્યોગોને એલપીજી પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા એક પૅનલ બનાવી છે. ઉદ્યોગ સંગઠનોની અપીલ પછી આ પગલું લેવાયું છે.
પાંચ લાખથી વધુ રેસ્ટોરાંનું પ્રતિનિધિત્વ કરતા નૅશનલ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ સોમવારે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયને એક પત્ર લખીને કહ્યું કે રેસ્ટોરાં ઉદ્યોગ મુખ્યત્વે કૉમર્શિયલ એલપીજી પર આધારિત છે. તેમાં કોઈ પ્રકારનો અવરોધ આવે તો મોટા પાયે રેસ્ટોરાં બંધ થવાની નોબત આવી શકે છે.
ફેડરેશન ઑફ હોટલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ પણ સરકાર પાસે મદદ માગી છે. ભારતીય કંપનીઓએ લગભગ એક વર્ષ પછી પહેલી વખત એલપીજીના ભાવમાં ગયા શનિવારે વધારો કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ પૂણે નગરપાલિકાએ એલપીજીના ઘટકો, જેવા કે પ્રોપેન અને બ્યૂટેનના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધના કારણે શહેરના ગૅસ આધારિત સ્મશાનગૃહોને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધા છે.
બ્લૂમબર્ગ મુજબ ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ઓએનજીસી), ગેઇલ અને રિલાયન્સ દ્વારા સંચાલિત પેટ્રોકેમિકલ યુનિટની સાથે સાથે વીજળીના યુનિટનો પુરવઠો ઘટી શકે છે અથવા સંપૂર્ણ બંધ થઈ શકે છે.
એલપીજીની આયાત પર ભારતની નિર્ભરતા

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સમાચાર એજન્સી એએફપી મુજબ ભારત એ લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી)માં દુનિયાનો ચોથો સૌથી મોટો અને એલપીજીનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે.
આ આયાત મુખ્યત્વે મધ્યપર્વમાંથી કરવામાં આવે છે, જ્યાં હજુ સંઘર્ષ ચાલે છે.
અલ જઝીરા મુજબ કતાર એ એલએનજીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને હાલમાં તેણે ઉત્પાદન અટકાવી દીધું છે.
બ્લૂમબર્ગ મુજબ ભારત મધ્યપૂર્વ પાસેથી પોતાની જરૂરિયાતનું મોટા ભાગનો એલપીજી અને બે તૃતીયાંશ એલએનજી ખરીદે છે.
બ્લૂમબર્ગે વેસલ ટ્રેકિંગ માહિતીના આધારે જણાવ્યું છે કે કતાર એ ભારતનો સૌથી મોટો એલએનજી સપ્લાયર છે, જે ગયા વર્ષે ભારતના કુલ એલએનજી આયાતમાં અડધો હિસ્સો ધરાવતો હતો.
મંગળવારે ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે "મધ્યર્વના સંઘર્ષના કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં એલએનજીના શિપમેન્ટ અટવાયા છે. સમાન વિતરણ સુનિશ્ચિત કરવા અને મુખ્ય સેક્ટરને સતત પુરવઠો ચાલુ રહે તે માટે નવા નિયમો જરૂરી છે."
વાસ્તવમાં મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે એલએનજીના પુરવઠામાં ઘર, પરિવહન ક્ષેત્ર અને એલપીજીના ઉત્પાદનને પ્રાથમિકતા આપવામાં આવશે.
ફર્ટિલાઇઝર, ચા ઉદ્યોગ વગેરેને કુલ ખપતની સામે લગભગ 70થી 80 ટકા પુરવઠા આપવામાં આવશે જે "સંચાલન ઉપલબ્ધતા" પર આધારિત હશે.
આ ઘટને પૂરી કરવા માટે પેટ્રોલિયમ કંપનીઓ અને વીજળી મથકોને આપવામાં આવતો ગૅસનો પુરવઠો સંપૂર્ણ અથવા આંશિક રીતે ઘટાડવામાં આવશે.
ભારતના ઘણા ઉદ્યોગો પહેલેથી ગૅસના પુરવઠાની અછતનો સામનો કરે છે, જેમાં સિરામિક અને ટાઇલ ઉત્પાદકો સામેલ છે. તેનાથી ઉત્પાદનને અસર થઈ છે.
ભારત સરકારે હાલમાં આવશ્યક ચીજવસ્તુ ધારો, 1955 લાગુ કર્યો છે જેથી ખાદ્યાન્ન, દવાઓ, ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે.
જોકે, હોર્મુઝની સામુદ્રધુનીમાં માલવાહક જહાજોને સુરક્ષા આપવાના ટ્રમ્પના નિવેદન પછી બજારમાં ગભરાટ ઘટ્યો છે અને ભાવ નીચે આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે ઈરાનની રાજધાની તહેરાનમાં સૌથી મોટા ઑઇલ ભંડાર પર હુમલા પછી ઑઇલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો અને દુનિયાભરમાં શૅરબજારો ઘટ્યાં હતાં.
સોમવારે ભારતીય બજારમાં મોટો કડાકો આવ્યો ત્યાર પછી મંગળવારે બજાર ઊંચકાયું હતું. બુધવારે ફરીથી શૅરબજારમાં ઘટાડો થયો છે.
એશિયન બજારોમાં પણ આવી જ સ્થિતિ હતી. ભારતમાં અલગ-અલગ ઉદ્યોગોમાં અત્યારે ગભરાટનો માહોલ છે.
હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ નૅશનલ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ પેટ્રોલિયમમંત્રી હરદીપસિંહ પુરીને પુરવઠામાં ઘટાડાની ફરિયાદ કરી છે અને રેસ્ટોરાં માટે નિશ્ચિત ક્વૉટાની માગણી કરી છે.
ઇન્ડિયન હોટલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશનના અધ્યક્ષ વિજય શેટ્ટીએ એએનઆઇને જણાવ્યું કે "છેલ્લા બે દિવસમાં સંકટ વધ્યું છે. 20 ટકા રેસ્ટોરાં પહેલેથી બંધ થઈ ચૂક્યા છે. મને આખા મુંબઈમાંથી સંદેશ આવી રહ્યા છે કે એલપીજીનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે. ગ્રાહક સુરક્ષામંત્રી છગન ભુજબળે અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરશે અને આ સમસ્યાનો ઉકેલ લાવશે."
બૅંગલુરુ હોટલ્સ ઍસોસિયેશનના પ્રમુખ સુબ્રમણ્યમ હોલ્લાએ એએનઆઇને જણાવ્યું હતું કે, "અમે સ્ટોક કરી લીધો હોવાથી હજુ સુધી કંઈ અટક્યું નથી, પરંતુ આગામી ત્રણથી ચાર દિવસમાં શું થશે તે અમને ખબર નથી. જો પુરવઠો બંધ થશે, તો અમારે ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો આશરો લેવો પડશે."
ફેડરેશન ઑફ હોટલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાની જેમ ઓડિશા, ચેન્નાઈ, દિલ્હી અને ગુરુગ્રામના હોટલ ઍસોસિયેશનોએ સરકારને એલપીજી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











