1 જાન્યુઆરી, 2026થી કોના PAN બંધ થઈ જશે, PAN ચાલુ રાખવા માટે શું કરવું?

બીબીસી ગુજરાતી પાન PAN આધાર કાર્ડ લિંક ઇન્કમ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

આજે કોઈ પણ નાણાકીય કામગીરીમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અનિવાર્ય છે, પછી તમારે ઇન્કમટૅક્સનું રિટર્ન ભરવું હોય, બૅન્ક ખાતું ખોલાવવું હોય કે પછી બીજું કોઈ કામ હોય.

પરંતુ તમે તમારા આધાર નંબરને PAN સાથે લિંક કરવામાં હવે મોડું કરશો તો પહેલી જાન્યુઆરી, 2026થી તમારું PAN બંધ થઈ જવાની શક્યતા છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)નું એક નોટિફિકેશન કહે છે કે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તમામ PAN કાર્ડધારકોએ પોતાના આધાર અને PANને લિંક કરવા પડશે.

જો આમ કરવામાં નહીં આવે તો PAN ડિઍક્ટિવેટ થઈ જશે. ત્યાર પછી તમને દરેક જગ્યાએ તકલીફ પડી શકે છે. આ નોટિફિકેશન એપ્રિલ, 2025ની શરૂઆતમાં આવી ગયું હતું, પરંતુ તેના પાલન માટે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન હતી.

તો પછી તમારે PAN ચાલુ રાખવા માટે શું કરવું જોઈએ? ચાલો સમજીએ.

PAN અને આધાર લિંક નહીં હોય તો શું થશે?

આધારકાર્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

આજે PAN અને આધારની એટલી બધી જગ્યાએ જરૂર પડે છે કે PAN વગર ચાલી શકે તેમ નથી. ઉદાહરણ તરીકે,

  • PAN બંધ થઈ જશે તો તમે બૅન્કમાં ખાતું નહીં ખોલાવી શકો. ડિમેટ ઍકાઉન્ટ પણ નહીં ખૂલે જેથી શૅરબજાર કે ઈટીએફમાં સોદા નહીં કરી શકાય. 50 હજારથી ઉપરની ફિક્સ્ડ ડિપોઝિટ માટે પણ PAN જરૂરી છે.
  • કેટલીક સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે પણ PAN જરૂરી છે. ખાસ કરીને વેલફેર સ્કીમ્સ માટે PAN વગર અરજી નહીં કરી શકાય.
  • PAN વગર બૅન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન પણ નહીં લઈ શકાય.
  • વાહન કે મકાન ખરીદવા માટે પણ PANની જરૂર પડે છે. જો તે ડિઍક્ટિવેટ થઈ જશે તો તકલીફ વધશે.
  • તમારે 50 હજાર રૂપિયાથી વધારે રકમના ફૉરેન કરન્સી ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તેના માટે PAN ઍક્ટિવ હોય તે જરૂરી છે.
  • PAN બંધ હશે તો ટૅક્સનું રિફંડ નહીં મેળવી શકાય, પેન્ડિંગ રિફંડ પર કોઈ વ્યાજ નહીં મળે.
  • તમારો ટીડીએસ (ટૅક્સ ડિડક્શન એટ સોર્સ) અને ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ) પણ ઊંચા દરે કાપવામાં આવશે.

PANને આધાર સાથે કઈ રીતે લિંક કરવું?

બીબીસી ગુજરાતી પાન PAN આધાર કાર્ડ લિંક ઇન્કમ ટૅક્સ

ઇમેજ સ્રોત, incometax.gov.in

ઇમેજ કૅપ્શન, પાન અને આધારને લિંક કરવાનું કામ ઑનલાઇન સરળતાથી થઈ જશે.

PAN અને આધારને લિંક કરવાનું સાવ સરળ છે.

  • તેના માટે આવકવેરા વિભાગની વેબસાઇટ પર ઈ-ફાઇલિંગ પૉર્ટલ www.incometax.gov.in/iec/foportal/ પર જાવ.
  • અહીં ડાબી બાજુએ પૅનલ પર 'લિંક આધાર'નું ટૅબ આપેલું છે.
  • અહીં તમારા PAN અને આધાર નંબરને દાખલ કરીને 'વેલિડેટ' બટન પર ક્લિક કરો.
  • જો તમારા આધાર અને PAN પહેલેથી જ લિંક્ડ હશે, તો તમને એક મૅસેજ દેખાડવામાં આવશે. જો લિંક નહીં હોય, તો તમારો મોબાઇલ નંબર ઍન્ટર કરવો પડશે જેના પર OTP આવશે. OTP દાખલ કરવાથી તમારા PAN અને આધાર નંબર એકબીજા સાથે લિંક થઈ જશે.

SMSથી પણ PAN-આધાર લિંક કરી શકાય

બીબીસી ગુજરાતી પાન PAN આધાર કાર્ડ લિંક ઇન્કમ ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોબાઇલ ફોન પર એસએમએસ મોકલીને પણ પાનને આધાર સાથે લિંક કરી શકાશે.

તમે એસએમએસ દ્વારા પણ પાન અને આધારને લિંક કરી શકો છો.

તેના માટે આ રીતે મોબાઇલ પર ટાઇપ કરોઃ

UIDPAN<space><12 digit Aadhaar><space><10 digit PAN>

ત્યાર બાદ તેને 567678 અથવા 56161 પર SMS મોકલો.

ઉદાહરણઃ UIDPAN 111122223333 AAAPA9999Q

સીબીડીટીની ડેડલાઇન સુધીમાં પાન નંબર અને આધાર લિંક નહીં થાય તો ત્યાર પછી તેને ફરીથી ઍક્ટિવ કરાવવા માટે 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. એટલું જ નહીં, રિઍક્ટિવેશનની અરજી કર્યા પછી પાન ફરી શરૂ થવામાં એક અઠવાડિયાથી લઈને એક મહિના સુધીનો સમય લાગી શકે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન