બૅન્કમાં સારા પગારની નોકરીઓ કેવી રીતે મળે, કઈ રીતે તૈયારી કરવી?

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅન્કની નોકરીમાં સારા પગારની સાથે આગળ વધવાની તક મળે છે
    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા

બૅન્કોનું કામ માત્ર લોન આપવાનું, પૈસા જમા કરાવવાનું કે એફડી કરવાનું નથી.

બૅન્કો ઘણી બધી નોકરીઓ પણ પૂરી પાડે છે.

રોજગાર સર્જનની દૃષ્ટિએ દેશની ટોચની પાંચ જાહેર ક્ષેત્રની બૅન્કો સૌથી આગળ હોય છે. ખાનગી બૅન્કો પણ વિવિધ સ્તરે અલગ અલગ પ્રકારની નોકરીઓ આપે છે.

પરંતુ આ નોકરીઓ મેળવવાનો રસ્તો શું છે?

તેનો એક રસ્તો IBPS છે, જેના દ્વારા સરકારી બૅન્કમાં નોકરી મળે છે.

IBPS શું હોય છે?

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

જે રીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરે છે, તેવી જ રીતે IBPS એ જાહેર ક્ષેત્રની બૅન્કો માટે ભરતી કરતી સંસ્થા છે. તેનું પૂરું નામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅન્કિંગ પર્સનલ સિલેક્શન છે.

આ એક સ્વાયત્ત સંસ્થા છે જે દર વર્ષે સરકારી બૅન્કોમાં ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરે છે.

IBPS સાત પ્રકારની જગ્યાઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે:

  • ક્લર્ક
  • પ્રોબેશનરી ઑફિસર (PO)
  • સ્પેશિયાલિસ્ટ ઑફિસર (SO)
  • પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક (RRB) ઑફિસર સ્કેલ 1, સ્કેલ 2, સ્કેલ 3 અને
  • ઑફિસ આસિસ્ટન્ટ

IBPS દ્વારા આયોજિત ભરતી પરીક્ષામાં 11 જાહેર ક્ષેત્રની બૅન્કો અને 43 પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો સામેલ હોય છે.

તેમાં બૅન્ક ઑફ બરોડા, કેનેરા બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બૅન્ક અને પંજાબ ઍન્ડ સિંધ બૅન્કનો સમાવેશ થાય છે.

પરંતુ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) આનો ભાગ નથી, કારણ કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પોતાની અલગથી ભરતી પરીક્ષા લે છે અને પોતાની સૂચનાઓ જારી કરે છે.

IBPS પરીક્ષામાં કેટલા લેવલ હોય છે?

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાહેર ક્ષેત્રની બૅન્કોમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોમાં ભારે સ્પર્ધા થાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પરીક્ષાના કેટલા લેવલ હોય છે?

આ પરીક્ષાના મુખ્યત્વે ત્રણ લેવલ હોય છે.

  • પ્રિલિમ્સ
  • મેઈન્સ
  • ઇન્ટરવ્યૂ

ક્લર્કના પદ માટે ફક્ત બે જ પરીક્ષાઓ છે - પ્રિલિમ્સ અને મેન્સ. ક્લર્ક અને પીઓ માટે પરીક્ષા પેટર્ન પણ અલગ અલગ હોય છે.

આ પરીક્ષા કોણ આપી શકે?

વિવિધ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત ભલે અલગ અલગ હોય, પરંતુ આ પરીક્ષામાં બેસવા માટે કેટલીક વ્યાપક શરતો જરૂરી છે, જેમ કે:

  • POની પરીક્ષા આપવા માટે ઉમેદવાર ભારતીય હોવો જરૂરી છે.
  • તેમની ઉંમર 20થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ
  • કમ્પ્યુટર વિશે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

તમે કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની બૅન્કમાં ભરતી થવા માંગતા હોવ, તો તેની સત્તાવાર ભાષા જાણવી પણ જરૂરી છે.

PO માટે પ્રાદેશિક ભાષાની આવશ્યકતા ફરજિયાત નથી.

આની પાછળનો તર્ક સમજાવતા IBPS પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરાવતા ટીચર તન્વી જણાવે છે કે કર્લકની પરીક્ષા માટે ઉમેદવારોને તેમની પ્રાથમિકતાનાં રાજ્યોમાં ભરતી કરવામાં આવે છે. જ્યારે પીઓને ભારતમાં ગમે ત્યાં પોસ્ટ કરી શકાય છે, RRB (રિજનલ રુરલ બૅન્ક), PO અને ક્લર્ક આમ તમામ પરીક્ષાઓ માટે લેંગ્વેજ પ્રોફિસિયન્સી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે.

વયમર્યાદાની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગો સહિત વિવિધ શ્રેણીઓના ઉમેદવારોને ત્રણથી 10 વર્ષ સુધીની છૂટ મળે છે.

ક્લર્ક માટે પરીક્ષા આપવાની હોય તો તેના માટે:

  • અરજદારોની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • તે ભારતીય નાગરિક હોવો જોઈએ
  • તેમની પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રીની સમકક્ષ અન્ય કોઈપણ ડિગ્રી જરૂરી છે.

બૅન્કની પરીક્ષા માટે કૉમર્સના ગ્રેજ્યુએટ હોવું જરૂરી નથી. આર્ટ્સ અથવા સાયન્સના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાઓ આપી શકે છે.

જોકે, સ્પેશિયાલિસ્ટ અધિકારીઓ (SOs) માટે સંબંધિત ક્ષેત્રનો અભ્યાસ જરૂરી છે. ઉદાહરણ તરીકે, કાયદા અધિકારી માટે LLB હોવું જરૂરી છે, અને માર્કેટિંગ મૅનેજર માટે માર્કેટિંગમાં MBA હોવું જરૂરી છે.

પરીક્ષાની પેટર્ન કેવી હોય છે?

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિઝનિંગ, ઇંગ્લિશ, ડેટા એનાલિસિસની આવડત બૅન્કની જોબ માટે જરૂરી છે

આ પરીક્ષાઓની પેટર્ન પણ બદલાય છે. PO પરીક્ષામાં પ્રિલિમ્સમાં ત્રણ વિભાગો હોય છે.

  • અંગ્રેજી ભાષા
  • ક્વૉન્ટિટેટિવ ઍપ્ટિટ્યુડ
  • રિઝનિંગ એબિલિટી

મેઇન્સ પરીક્ષામાં ઑબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.

  • ઑબ્જેક્ટિવ સેક્શનમાં રિઝનિંગ અને જનરલ/ઇકોનૉમી/બૅન્કિંગ અવેરનેસ, અંગ્રેજી ભાષા અને ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનનો સમાવેશ થાય છે.
  • ડિસ્ક્રિપ્ટિવ સેક્શનમાં પત્ર અને નિબંધ લેખન જેવા અંગ્રેજી ભાષાના પ્રશ્નો હોય છે.

IBPSમાંથી હવે કમ્પ્યુટર એપ્ટિટ્યુડ દૂર કરવામાં આવ્યું છે, પરંતુ SBIની પરીક્ષા માટે તે હજુ પણ જરૂરી છે.

મેઇન્સ પાસ કરનારાઓએ અંતે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે.

જોકે, SBIની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ ઉપરાંત ગ્રુપ એક્સરસાઈઝ પણ થાય છે. અગાઉ તેને ગ્રૂપ ડિસ્કશન કહેવામાં આવતું હતું. હવે ગ્રૂપ એક્સરસાઈઝ તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત IBPS અને SBI બંનેએ હવે પરીક્ષા પાસ કરવા માટે સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા પર્સનાલિટી ટેસ્ટ પણ લેવાનું શરૂ કર્યું છે.

ક્લર્ક માટે ફક્ત પ્રિલિમ્સ અને મેન્સ જ આપવાની રહેશે.

પ્રિલિમ્સમાં અંગ્રેજી લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી જેવા વિભાગોનો સમાવેશ થાય છે.

મુખ્ય પરીક્ષાઓમાં રિજનિંગ એબિલિટી અને કૉમ્પ્યુટર ઍપ્ટિટ્યુડ, અંગ્રેજી લૅંગ્વેજ, ક્વૉન્ટિટેટિવ ઍપ્ટિટ્યુડ અને જનરલ/નાણાકીય અવેરનેસના વિભાગોનો સમાવેશ થશે.

તેમાં જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસમાં કેટલાક સવાલ કરવામાં આવે છે. જેમ કેઃ બૅન્કિંગ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, RBI કેવી રીતે કાર્ય કરે છે, ફુગાવાને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે, બૅન્કોનું નિયમન કેવી રીતે થાય છે, અને બૅન્કોને કયા આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય કાયદા લાગુ પડે છે.

પરીક્ષામાં ખોટા જવાબો માટે નૅગેટિવ માર્કિંગ હોય છે. ઉમેદવારોએ આગળના લેવલમાં પહોંચવા માટે કટ-ઑફ માર્ક્સ મેળવવા પડશે.

હવે પ્રશ્ન એ છે કે મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે. ક્લાર્ક અને પીઓ બંને માટે પ્રિલિમ્સ ક્વૉલિફાઇંગ છે. આનો અર્થ એ છે કે મેઇન્સ માટે આગળ વધવા માટે તમારે આ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે, પરંતુ તેના ગુણ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવતા નથી.

ક્લર્કનું મેરિટ લિસ્ટ માત્ર મુખ્ય પરીક્ષાના સ્કોરના આધારે તૈયાર કરવામાં આવે છે.

પીઓની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ પણ હોય છે, તેથી તેનો કુલ સ્કોર મેઇન્સ અને ઇન્ટરવ્યૂના આધારે બને છે. આ બંનેનું વેઇટિંગ કેટલાક પેપરમાં 80:20 અને બીજાંમાં 75:25 છે. મેઇન્સનું વેઇટેજ વધારે હોય છે.

બૅન્કોમાં પગાર અને પરીક્ષાની તૈયારી

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શહેર અને હોદ્દા પ્રમાણે બૅન્કોમાં પગાર નક્કી થાય છે.

સામાન્ય રીતે RRB એટલે કે ગ્રામીણ બૅન્કોમાં ક્લર્ક બન્યા પછી શરૂઆતનો પગાર 25થી 35 હજાર રૂપિયાની વચ્ચે હોય છે.

જગ્યાના આધારે નક્કી થાય કે કેટલો પગાર મળશે. સ્થળ બદલાય તો પગાર અને ભથ્થાં બદલાય છે.

IBPS ક્લર્કનો માસિક પગાર 30,000થી 40,000 રૂપિયાની વચ્ચે હોય છે. SBIના ક્લર્કનો પગાર 35,000થી 45,000 રૂપિયાની વચ્ચે હોય છે.

જો કોઈ RRB એટલે કે ગ્રામીણ બૅન્કોમાં POની નોકરી મેળવો, તો તેનો પહેલો પગાર 55થી 65 હજારની વચ્ચે હોય છે.

IBPSમાં PO માટે પગાર 60,000 થી 80,000 સુધીનો હોય છે. SBIના PO માટે પગાર 80,000થી 1.5 લાખ સુધીનો હોય છે.

IBPSની ભરતી પરીક્ષાઓનું કેલેન્ડર દર વર્ષે 15-16 જાન્યુઆરીના રોજ IBPSની વેબસાઇટ પર પ્રકાશિત થાય છે અને દર વર્ષે પેપર્સ લેવામાં આવે છે.

તન્વી કહે છે, "વર્ષના પહેલા મહિનાથી જ વિદ્યાર્થીઓને ખબર પડી જાય છે કે પરીક્ષાઓ અને ઈન્ટરવ્યૂ ક્યારે યોજાવાના છે. આ રીતે તેમની પાસે આયોજન કરવાનો સમય હોય છે અને અન્ય બાબતોમાં સ્પષ્ટતા હોય છે."

છેલ્લી અને સૌથી મહત્વની વાત એ છે કે તૈયારી કેવી રીતે કરવી?

તન્વી માને છે કે, "વિદ્યાર્થીઓએ પોતાની સ્પીડ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કારણ કે સિલેબસ પૂરો કરવો એ પરીક્ષાની તૈયારીનો માત્ર 30-40 ટકા ભાગ છે. આ ઉપરાંત, તેમણે ઓછામાં ઓછા 50 મોક ટેસ્ટ આપવા પડશે જેથી ઉમેદવાર પહેલા પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી શકે."

ખાનગી બૅન્કોમાં નોકરી કેવી રીતે મેળવવી?

બીબીસી ગુજરાતી બૅન્ક પરીક્ષા એસબીઆઈ ઓફિસર ક્લર્ક પગાર પ્રાઈવેટ નોકરી સરકારી જોબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ખાનગી બૅન્કો પણ મોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડે છે, પરંતુ તેમાં કોઈ નિયમિત પ્રવેશ પરીક્ષા નથી હોતી

સરકારી બૅન્કો ઉપરાંત ભારતમાં લગભગ 20 મોટી ખાનગી ક્ષેત્રની બૅન્કો પણ છે. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સરકારનો બહુમતી હિસ્સો હોય છે. જ્યારે ખાનગી બૅન્કોમાં ખાનગી રોકાણકારો પાસે હિસ્સો હોય છે. ભારતમાં આવી 20થી વધુ બૅન્કો છે, જેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક અને કોટક મહિન્દ્રા બૅન્ક જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે

ખાનગી બૅન્કોમાં પણ નોકરીની તક મળે છે. જોકે, જાહેર ક્ષેત્રની બૅન્કોથી વિપરીત તેમાં કોઈ પ્રવેશ પરીક્ષા નથી હોતી. ખાનગી બૅન્કો લાયકાત, કુશળતા અને ઇન્ટરવ્યૂના આધારે આખો વર્ષ ભરતી કરતી હોય છે. તેથી આ મુજબનો માર્ગ વિચારી શકોઃ

  • સૌથી પહેલાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ. તેમાં બીકૉમ, બીબીએ, બીએમએસ (બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ)ને પ્રાથમિકતા મળે છે.
  • ઇકોનૉમિક્સ, ફાઇનાન્સ અથવા બૅન્કિંગ
  • બીએ, બીએસસી અને ઍન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ્સ પણ સેલ્સ અથવા કસ્ટમર સર્વિસ જેવી એન્ટ્રી લેવલની જૉબ માટે અરજી કરી શકે છે.
  • બૅન્કો સામાન્ય રીતે અખબારોમાં ભરતીની જાહેરાત નથી કરતી. મોટા ભાગે ભરતી ઑનલાઇન અથવા રેફરલથી થાય છે. તેના પ્લૅટફૉર્મ પર સક્રિય રહેવાથી મદદ મળી શકે.
  • બૅન્કની વેબસાઇટ પર કરિયર પેજની નિયમિત મુલાકાત લો
  • જૉબ પૉર્ટલ પર પ્રોફાઇલ બનાવો
  • તમારા શહેરમાં વૉક-ઇન ઇન્ટરવ્યૂ જોતા રહો
  • તમે કોલેજમાં હોવ અથવા ગ્રેજ્યુએશન પૂરું કરવાની તૈયારીમાં હોવ, તો તમારો પ્લેસમેન્ટ સેલ બૅન્કો સાથે કામ કરે છે કે નહીં તે જુઓ.
  • ઇન્ટર્નશિપ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઘણી બૅન્કો તેમના ઇન્ટર્ન પૂલમાંથી ફુલ-ટાઇમ નોકરીઓ ઑફર કરે છે.
  • ખાનગી બૅન્કો સામાન્ય રીતે થોડાં અઠવાડિયાંમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે છે.
  • પ્રથમ રાઉન્ડ ઑનલાઇન ઍપ્ટિટ્યુડ અથવા સાયકોમેટ્રિક ટેસ્ટનો હોઈ શકે છે.
  • ત્યાર પછી એક વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આવે છે જે ઑનલાઇન અથવા ફિજિકલ હોઈ શકે છે.
  • કેટલીક બૅન્કો ગ્રૂપ ડિસ્કશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને સેલ્સ સંબંધિત પ્રોફાઇલ્સમાં આવું હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન