'અમે ત્રણેય પાર્ટનર છીએ અને એક જ પલંગ પર સહશયન કરીએ છીએ'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NHLANHLA MOSHOMO

    • લેેખક, એમફો લકાજે
    • પદ, બીબીસી આફ્રિકા, જોહાનિસબર્ગ

સફેદ ટ્રાઉઝર અને ટોપ સાથે મૅચ થતા ટૂંકા વાળ ધરાવતાં લેથાબો મોજાલેફા આકર્ષક યુવતી લાગે છે.

તેઓ એક બાયસેક્સ્યુઅલ (ઉભયલિંગી) યુવતી છે. તેમણે ફ્લેચર મોજાલેફા સાથે ડિસેમ્બર-2018માં ડેટિંગ શરૂ કર્યું હતું. ફ્લેચર પણ એટલા જ આત્મવિશ્વાસસભર અને આકર્ષક યુવાન છે. રંગીન મિજાજના ફ્લેચર ઘણીવાર રંગબેરંગી ફૂલોવાળા શર્ટ અને બકેટ હૅટ પહેરે છે.

આ યુગલ આયુષ્યની ત્રીસીના દાયકામાં છે અને દક્ષિણ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં બર્ગર્સફોર્ટની બહાર આવેલી એક અર્ધ-ગ્રામીણ ટાઉનશીપમાં તેમના લગભગ બે વર્ષના પુત્ર સાથે રહે છે. જોકે, પ્રથમ મુલાકાત વખતે ફ્લેચર એ જાણતા ન હતા કે લેથાબો બાયસેક્સ્યુઅલ યુવતી છે.

લેથાબો કહે છે, “અમારો સંબંધ બંધાયાના બે-ત્રણ મહિના પછી મેં આ વાત ફ્લેચરને જણાવી હતી, કારણ કે હું તેમની સાથે મોકળાશથી રહી શકું છું એ મને સમજાયું હતું.”

ફ્લેચરને તેની સામે કોઈ વાંધો ન હતો. ફ્લેચર કહે છે, “લેથાબોએ આ વાત જણાવી તેનાથી હું રાજી થયો. તેણે મને આ વાત જણાવી ન હોત તો અમારી વચ્ચે કોઈ અન્ય ગુપ્ત સંબંધ હોત અને અમારો સંબંધ લાંબુ ટક્યો ન હોત.”

આ યુગલને વહેલાસર સમજાઈ ગયું હતું કે તેમણે તેમના સંબંધને સફળ બનાવવો હશે તો તેમણે એકમેકની જાતીય તથા ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષવી પડશે. તેથી બન્નેએ તેમના સંબંધમાં ત્રીજી વ્યક્તિને લાવવાનો નિર્ણય કર્યો હતો. એ વ્યક્તિને સાથે મળીને શોધવાનું નક્કી કર્યું હતું.

ગત વર્ષે ઑગસ્ટ માસમાં તેમની મુલાકાત લુન્યા માકુઆ સાથે થઈ હતી. લુન્યા પણ બાયસેકસ્યુઅલ યુવતી છે અને બર્ગરફોર્ટની એક નાઇટ ક્લબમાં સ્ટ્રિપર તરીકે કામ કરે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NHLANHLA MOSHOMO

લેથાબો કહે છે, “અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ. અમારી વચ્ચે બહુ સારો મનમેળ છે. ફ્લેચરને લુન્યા શરૂઆતથી ગમે છે. લુન્યા બધા સાથે સારી રીતે હળીમળી શકે છે એ સમજાયું પછી ફ્લેચરને તે વધુ ગમવા લાગી છે. આવી બધી મહિલાઓ તેને ગમે છે એ હું જાણું છું.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

“મારા કિસ્સામાં પણ એવું જ છે, કારણ કે હું પણ એવી જ છું. મને ભીડમાંથી મારગ કાઢતાં આવડે છે. આ સમાનતાને લીધે અમારી વચ્ચે તરત દોસ્તી થઈ ગઈ.”

લુન્યા પણ આવું જ માને છે. લુન્યા કહે છે, “લેથાબોએ મારો સંપર્ક કર્યો હતો. તેથી મે તેની સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. એ પછી તેણે મારો પરિચય ફ્લેચર સાથે કરાવ્યો. બાદમાં અમારી વચ્ચે સંબંધ બંધાયો. મને લેથાબો માટે કૂણી લાગણી હતી. મને ફ્લેચર પ્રત્યે પણ કૂણી લાગણી છે એ સમજાયું ત્યારે અમે એક સામાજિક કાર્યક્રમમાં હતા. એ વખતે મેં તેને ચુંબન કર્યુ હતું.”

લુન્યા ઉમેરે છે, “અમે ટૂંક સમયમાં જ એકમેકની સાથે જોડાઈ ગયા. ખાસ કરીને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીએ અને ગેસ્ટ હાઉસમાં રહીએ ત્યારે અમે ત્રણેય એક જ પલંગ પર સહશયન કરીએ છીએ.”

લિમ્પોપો પ્રાંત દક્ષિણ આફ્રિકાનો ગ્રામ્ય વિસ્તાર ગણાય છે અને ત્યાંના સ્થાનિક સમુદાય માટે 'પૉલીએમરસ રિલેશનશિપ' એટલે કે એક સમયે એકથી વધુ પાર્ટનર સાથે, એ બધાની સહમતી સાથેનો સંબંધ સમજવો બહુ મુશ્કેલ છે.

લેથાબો સ્વીકારે છે કે તેના સમવયસ્ક લોકોને હજુ પણ સંબંધની આ તરાહ સમજાતી નથી અને તેઓ તેને પૉલીગમી એટલે કે બહુપત્નીત્વ કે બહુપતિત્વ માને છે. પોલીગમી દક્ષિણ આફ્રિકાના કેટલાક સમુદાયોમાં સામાન્ય બાબત છે.

ગ્રે લાઇન

‘મારા પર વળગાડનો આરોપ મૂકવામાં આવ્યો છે’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NHLANHLA MOSHOMO

લેથાબો કહે છે, “મને સવાલ કરવામાં આવે છે કે બીજી પાર્ટનર પણ ધરાવતા મારા પાર્ટનર સાથે હું સંબંધ કેવી રીતે નિભાવી શકું છું. હું તેમને એટલું જ જણાવું છું કે તેનો પાર્ટનર જ નહીં, હું પણ તેને ડેટ કરું છું.”

“લુન્યા મારી પાર્ટનર પણ છે એવી ખબર પડે એ પછી લોકો મને વળગાડ થયો હોવાનો આક્ષેપ કરે છે અને કહે છે કે કંઈક ગડબડ છે,” એમ કહેતાં લેથાબો ઉમેરે છે, “તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું જે કરી રહી છું તેની મને બરાબર ખબર છે અને મેં જે નિર્ણય કર્યો છે તેનાથી સારી રીતે વાકેફ છું.”

આ પ્રતિક્રિયા રૂઢિચુસ્ત સમુદાયમાંના સજાતીય લોકો પ્રત્યેના સંકુચિત દૃષ્ટિકોણને આભારી છે, એમ જણાવતાં ફ્લેચર કહે છે, “એક સ્ત્રી બીજી સ્ત્રી પ્રત્યે આકર્ષાઈ શકે એવું તેઓ માની જ શકતા નથી.”

પોતાની વચ્ચેનો સંબંધ કેવી રીતે આગળ ધપી રહ્યો છે એ વાત ફ્લેચર, લુન્યા અને લેથાબોએ વારંવાર સમજાવવી પડે છે. લેથાબો કહે છે, “હું તેમને જણાવું છું કે માત્ર પુરુષ જ તે ઇચ્છે તેની સાથે સેક્સ કરી શકે એવું નથી.”

લેથાબોને સમર્થન આપતાં ફ્લેચર કહે છે, “લેથાબો અને લુન્યા મારા વિના પણ એકમેકની સાથે સેક્સ કરી શકે છે.”

ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. ઇયાન ઓપરમૅન જણાવે છે કે બહુમુખી સંબંધનો પાયો સહમતિ છે. તેઓ કહે છે, “વિવિધ જાતીય અભિગમ ધરાવતા લોકો સમાજનો એક ભાગ છે અને પાર્ટનર્સ વચ્ચેની સહમતિના આધારે તેમની વચ્ચે સંબંધ બંધાય છે.”

ડૉ. ઇયાન ઓપરમૅન ઉમેરે છે, “એકપત્નીત્વ અને બહુપત્નીત્વ સંબંધ વચ્ચે મોટો ફરક છે. દાખલા તરીકે, ઘણા લોકો તેમના મુખ્ય પાર્ટનર સિવાયની વ્યક્તિ સાથે પારસ્પરિક સહમતિથી જાતીય સંબંધ બાંધતા હોય છે, પરંતુ તેમના સેક્સ્યુઅલ પાર્ટનર સાથેનો સંબંધ ભાવનાત્મક રીતે બંધનકારક હોતો નથી.”

રિલેશનશિપ કાઉન્સેલરોના જણાવ્યા મુજબ, પૉલીએમરીમાં વધુને વધુ લોકો સામેલ થઈ રહ્યા છે અને દક્ષિણ આફ્રિકામાં તે અપેક્ષા કરતાં વધારે સામાન્ય બાબત છે. આ પ્રકારના લોકો ઘણીવાર ઓનલાઈન ડેટિંગ પણ શરૂ કરે છે.

અહીંનાં કેટલાંક વર્તુળોમાં બહુમુખી સંબંધને ધિક્કારપાત્ર ગણવામાં આવતો હોવા છતાં જોહાનિસબર્ગ, કેપ ટાઉન અને ડર્બન જેવાં મુખ્ય શહેરોમાં સમાન દૃષ્ટિકોણ ધરાવતા લોકો માટે મિલનકાર્યક્રમોનું આયોજન કરતાં લોકોની સંખ્યા વધી રહી છે.

ગ્રે લાઇન

‘તેમાં માત્ર યુવા લોકો જ નથી’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NHLANHLA MOSHOMO

ઇન્ટિમસી અને રિલેશનશિપ કોચ ટ્રેસી જેકોબ્ઝના જણાવ્યા મુજબ, પૉલીએમરીમાં સંકળાતા લોકોમાં માત્ર યુવાઓ જ નથી.

ટ્રેસી જેકોબ્ઝ કહે છે, “એ યુવા પેઢીમાં વધુ લોકપ્રિય છે તે સાચું, પણ વૃદ્ધ લોકોમાં પણ પોલીએમરી અથવા અનૈતિક ગણાતા બહુપત્નીત્વ જેવા સંબંધના અન્ય સ્વરૂપમાં સંકળાવાનું પ્રમાણ વધી રહ્યું છે. પૉલીમરસ તરીકે ઓળખાતા આવા લોકોની શ્રેણી બહુ વ્યાપક છે. તેમાં કોઈ વયમર્યાદા નથી.”

ઇન્ટિમેટ રિલેશનશિપ કાઉન્સેલર એલિઝાબેથ રેટિફના જણાવ્યા મુજબ, પૉલીમરસ રિલેશનશિપ વધારે આકર્ષક પણ છે, કારણ કે તેમાં વધારે લવચિકતા છે અને તે પરંપરાગત ભૂમિકાને પડકારે છે.

એલિઝાબેથ રેટિફ કહે છે, “તમે તમારાં મહિલા સાથી સાથે, તેણીના અન્ય પાર્ટનર તથા તેમનાં સંતાન સાથે એક જ ઘરમાં રહેતા હો તો તમારે એક પુરુષ તરીકે એકપત્નીત્વ કે બહુપત્નીત્વના કિસ્સામાં જે ભૂમિકા ભજવવાની હોય છે એ ભજવવી જરૂરી હોતી નથી.”

તેઓ ઉમેરે છે, “નૈતિક પૉલીએમરી સમાનતાવાદી છે, જ્યારે બહુપત્નીત્વના કિસ્સામાં તે સંબંધમાં એક વ્યક્તિના અધિકાર બીજી વ્યક્તિ કરતાં વધારે હોય છે.”

ખાસ કરીને લુન્યા, લેથાબો અને ફ્લેચર જેવા કિસ્સામાં પૉલીએમરીની બાળકો પર શું અસર થાય છે, એવો સવાલ વારંવાર પૂછવામાં આવે છે.

ફ્લેચર સાથેના સંબંધને લીધે જન્મેલા પુત્રના સંદર્ભમાં લેથાબો કહે છે, “ મને લાગે છે કે તે એ જાણીને મોટો થશે કે તેને બે માતા છે. મેં બહુપત્નીત્વવાળા અનેક પરિવાર જોયા છે. તેમાં એક પતિને અનેક પત્ની હોય છે. તેમનાં સંતાનો પૈકીનાં ઘણાં ઘરમાં અને ઘણાં શેરીમાં મોટાં થતાં હોય છે. તેથી મને લાગે છે કે બધું સારું થઈ જશે.”

આ વાત સાથે સહમત થતાં લુન્યા જણાવે છે કે તે લેથાબો તથા ફ્લેચરનાં સંતાનની જૈવિક માતા નથી, પણ તેના ઉછેરમાં સતત સંકળાયેલી છે.

લુન્યા કહે છે, “લેથાબો સામાન્ય રીતે વ્યસ્ત રહે છે. તેથી હું વ્યસ્ત ન હોઉં ત્યારે તેનાં સંતાન સાથે રહું છું. એક દિવસ હું પણ માતા બનીશ, પરંતુ અત્યારે હું જે કામ કરું છું, તેને કારણે માતા બનવાનું શક્ય નથી. મારે ફ્લેચર થકી માતા બનવું હોય તો ત્રણેયની સહમતિ જરૂરી છે. મારે લેથાબો સાથે વાત કરવી પડે. તે સહમત હશે તો હું પણ સંતાનને જન્મ આપીશ.”

બાળક સંબંધી વાતચીત બહુ કાળજીપૂર્વક થવી જરૂરી છે, એમ જણાવતાં ડૉ. ઓપરમૅન કહે છે, “પૉલીમરસ સંબંધના પરિણામે જન્મતાં બાળકો મૂંઝવણ અનુભવી શકે છે અને માતા-પિતા તેમની વચ્ચેના સંબંધ બાબતે પ્રમાણિક ન હોય ત્યારે એવું થતું હોય છે. પ્રેમની અભિવ્યક્તિ અનેક સ્વરૂપે કરી શકાય છે એ હકીકત બાળકને સારી રીતે સમજાવવામાં ન આવે તો તેમના મનમાં ગૂંચવાડો સર્જાઈ શકે છે.”

લુન્યા, લેથાબો અને ફ્લેચરના સંબંધમાં જોડાવાનું આમંત્રણ ચોથી વ્યક્તિને મળે એવી સંભાવના પણ છે. લેથાબો કહે છે, “ત્રીજી સ્ત્રીને અમારી બન્નેની સામે વાંધો ન હોય તો અમે ત્રીજી સ્ત્રીને આવકારવા પણ તૈયાર છીએ.”

આ સંબંધમાં એકમાત્ર પુરુષ ફ્લેચર છે અને તે તેની બન્ને ગર્લફ્રેન્ડની લાગણીનો આદર કરે છે.

ફ્લેચર કહે છે, “બે સ્ત્રીનાં મન એકમેકની સાથે મળી જાય તે ખરેખર બહુમૂલ્ય બાબત છે. તેથી હું નસીબદાર છું. હું તેની ખરેખર પ્રશંસા કરું છું અને તેને સંપૂર્ણ સમર્થન આપું છું.”

તેમનાં સંતાનની માતા લેથાબો આ સંબંધમાં બીજા પુરુષને લાવશે તો પરિસ્થિતિ બદલાશે?

ફ્લેચર કહે છે, “હું તે સંબંધનો હિસ્સો બનીશ નહીં, કારણ કે હું સ્ટ્રેઇટ છું, પરંતુ લેથાબો કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા ઇચ્છતી હોય તો પણ મને કોઈ વાંધો નથી.”

રેડ લાઇન
રેડ લાઇન