ઉપભોગવાદ : શું ગુજરાતમાં કન્યુઝમરિસ્ટ કલ્ચર વધી રહ્યું છે? નીતિ આયોગે કેમ ચેતવણી આપી?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવકુમારે પર્યાવરણ જાળવણી મામલાના એક રિપોર્ટ સંદર્ભે ચેતવણી આપી કે, "ઉપભોગવાદના કલ્ચર"થી ચેતવું પડશે અને હવે પર્યાવરણના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું પડશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "લોકો તેમની જરૂર કરતાં વધારે ખરીદી કરે છે આથી ઉપભોગવાદ વધ્યો છે"

તેમણે કહ્યું, "આપણે પૃથ્વીની કાળજી માટે વધુ કામ નથી કર્યું અને હવે વધારે સમય નથી રહ્યો. તથા આપણે ઉપભોગવાદથી ચેતવું પડશે."

તેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉન્ચ કરાયેલા નવા કોર્સ સાથે નીતિ આયોગનું કૉલેબરૅશન કર્યું છે. ઍગ્રિકલ્ચરમાં ઉદ્યમી પેદા કરવા માટે એક ખાસ એમબીએ પ્રૉગ્રામ શરૂ કરાયો છે.

વળી રાજીવકુમાર મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલને પણ મળ્યા હતા.

તેમણે ઉપભોગવાદની વાત સસ્ટેનેબલ એટલે કે ટકાઉ વિકાસ મામલાના સંદર્ભે કહી હતી.

એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું, "આઈપીસીસીના રિપોર્ટ અનુસાર પ્લૅનેટની કાળજી લેવા માટે આપણી પાસે વધુ સમય નથી. જો આપણે સસ્ટેનેબિલિટીને ગંભીરતાથી નહીં લઈશું તો મને ડર છે કે મોટી આફત આવશે. આપણે ઉપભોગતાવાદનો શિકાર નથી બનવાનું. આપણે કેટલું વાપરીએ છીએ તેનો દેખાડો કરવા કરતાં કેટલી જાળવણી અને સંરક્ષણ કરીએ છીએ તેના પર ધ્યાન આપવું જોઈએ."

તેનો અર્થ એ છે કે, "લોકો તેમની જરૂર કરતાં વધારે ખરીદી કરે છે આથી ઉપભોગવાદ વધ્યો છે."

ઉલ્લેખનીય છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ યાને કે એસડીજી માટે દુનિયામાં દરેક દેશ માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અલગ અલગ 17 બાબતોને આમાં સમાવવામાં આવી છે જેની શરૂઆત 2015માં કરવામાં આવી હતી.

line

શું છે કન્યુઝમરિસ્ટ કલ્ચર (ઉપભોગવાદ)?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો વ્યક્તિ જ્યારે તેની જીવનજરૂરી વસ્તુઓ ઉપરાંત અન્ય વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરે, તેના માટે વધુ સમય ફાળવે તો તે 'કન્ઝયુમરિસ્ટ કલ્ચર' એટલે કે ઉપભોગવાદ કહે છે"

અર્થશાસ્ત્રી નેહા શાહ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "છેલ્લા ત્રણ દાયકાથી આપણે ઉપભોગવાદ તરફ વધી રહ્યા છે. વ્યક્તિ એક નાગરિક નહીં પણ એક ગ્રાહક તરીકેનું વલણ વધુ ધરાવે છે. અને તેનાથી ઉપભોગવાદનું કલ્ચર સર્જાય છે. જેમાં વ્યક્તિને માત્ર પોતાના સ્વાર્થની વસ્તુઓ ખરીદવામાં રસ હોય છે. તેને આજુબાજુ બનતી સામાજિક-રાજકીય ઘટનાઓમાં ઓછો રસ પડે છે."

"અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો વ્યક્તિ જ્યારે તેની જીવનજરૂરી વસ્તુઓ ઉપરાંત અન્ય વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરે, તેના માટે વધુ સમય ફાળવે તો તે 'કન્ઝયુમરિસ્ટ કલ્ચર' એટલે કે ઉપભોગવાદ કહે છે."

વીડિયો કૅપ્શન, IPCC રિપોર્ટ : વૈજ્ઞાનિકોની ચેતવણી દરિયો ઊંચો આવશે, ગુજરાતના આ વિસ્તારો ડૂબશે

"ઉદાહરણ તરીકે વ્યક્તિને કોરોનામાં કેટલાં મોત થયાં? વૅક્સિનની શું સમસ્યા છે? ખેડૂતોનાં આંદોલન કેમ થઈ રહ્યાં છે? વગેરે મુદ્દાઓ સ્પર્શી શકતા નથી. વ્યક્તિ તેમાં ઓછો રસ લે છે એટલે તે એક નાગરિક તરીકે નહીં પણ ગ્રાહક તરીકે વધુ જીવે છે."

એલ. જે. યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર નેહા શાહ ઉમેરે છે, "ગ્રાહકોનું આવું વલણ માગમાં વધારો કરે છે એટલે કંપનીઓ પ્રોડક્શન વધારે છે, જાહેરાત કરે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત જો એક નાની કારની હોય પણ તે ઉપભોગવાદના કલ્ચરને પગલે મોટી કાર ખરીદી લે છે. પરંતુ એ કાર કેટલું પ્રદૂષણ કરે છે, તેના પ્રોડક્શનમાં કેટલા પ્રમાણમાં કુદરતી સ્રોતનું નિકંદન થયું છે? આ બધું નથી વિચારતી."

"માર્ગ પર ટ્રાફિકમાં કે પાર્કિગમાં મોટા કદની કાર વધતા ચલાવવામાં પણ પડકારો આવે છે. અને તેને મોટી જગ્યા પણ જોઈએ છે. છેલ્લે વ્યક્તિ એમ કહે છે કે સરકાર ટ્રાફિકનું વ્યવસ્થિત નિયંત્રણ નથી કરતી. આમ ખુદ પરેશાનીને સાથે રાખવા માગતી વ્યક્તિ છેલ્લે બીજાને દોષ આપવા લાગે છે."

line

'વ્યક્તિ નાગરિક નહીં માત્ર ગ્રાહક બની રહે છે'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉપભોગવાદ અર્થવ્યવસ્થા માટે લાભદાયી છે કે નુકસાનકારક?

"સમાજના વ્યાપક અને સંયુક્ત કલ્યાણના હેતુમાં સહભાગી થવાની જગ્યાએ સમુદાય માત્ર ઉપભોગ કરનાર બનીને રહી જાય છે."

"હવે વ્યક્તિ માટે ખરીદી કરવી ખૂબ જ સરળ છે. મોબાઇલની એક ક્લિક પર તે ખરીદી કરી લે છે. તેણે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી એટલે આ સરળતા પણ તેને વધુ ખરીદી કરવા પ્રોત્સાહિત કરે છે."

"કંપનીઓ માગને કારણે પ્રોડક્શન વધારવા માટે નવા યુનિટ સ્થાપે. એના માટે જમીન સંપાદન થાય. વસ્તુ બનાવવા પણ કુદરતી સ્રોતનો વપરાશ થાય. તથા મિનરલ્સ પણ જોઈએ, ઊર્જા જોઈએ."

"કોલસાનો જથ્થો હવે પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો એટલે પરમાણુ ઊર્જા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેનાં પણ જોખમ સંકળાયેલાં છે."

ઉપભોગવાદ અર્થવ્યવસ્થા માટે લાભદાયી છે કે નુકસાનકારક? તેના વિશે તેઓ કહે છે, "કોઈ પણ અર્થતંત્ર માટે વેચાણ-ખરીદીનું સારું પ્રમાણ હકારાત્મક હોય છે. અને ગ્રૉથ લાભકારી હોય છે, પરંતુ જે ટકાઉ વિકાસનું લક્ષ્ય છે, તેને પણ ધ્યાનમાં લેવું જોઈએ. પર્યાવરણની જાળવણીને અનુરૂપ સસ્ટેનેબલ ગ્રૉથ હોવો જોઈએ."

વીડિયો કૅપ્શન, એ વ્યક્તિ જે ચોખા દ્વારા ખેડૂતોનાં જીવન અને પકૃતિ બચાવી રહી છે

"આપણે આર્થિક નીતિઓ બનાવીએ છીએ પણ તે મુખ્ય સમસ્યાને અનુસંધાને હોવી જોઈએ. આપણે પર્યાવરણ સંબંધિત નીતિઓમાં મુખ્ય સમસ્યાના સમાધાનને કેન્દ્રમાં રાખવું જોઈએ."

વળી ઉપભોગવાદ મામલે બજારની શું ભૂમિકા છે તે વિશે પૂછતા અર્થશાસ્ત્રી નેહા શાહ કહે છે કે બજારમાં માગ હોવાથી તેનો સપ્લાય વધવાનો જ છે. વળી ખરીદી કરવાનાં માધ્યમો હવે ઑનલાઇન થઈ ગયાં છે એટલે ગ્રાહકને ખરીદી કરવાની સરળતા-સુવિધા છે.

"તમને કોઈ કલા-પ્રદર્શનના કાર્યક્રમ કરતાં મૉલ્સમાં વધારે લોકો જોવા મળશે. એ પણ દર્શાવે છે કે બજારની શું ભૂમિકા છે. ડિસ્કાઉન્ટ અને સેલની ઑફર્સ ગ્રાહકોને આકર્ષિત કરે છે."

ગ્રાહકોની ખરીદશૈલી અને ઉપભોગવાદ સંબંધિત બાબતો વિશે વધુ જાણવા માટે બીબીસીએ રિટેલર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સભ્ય અનિલ જેતવાણી સાથે વાત કરી.

સુરતમાં નવીન ઇલેક્ટ્રૉનિક્સ ચેઇનના એમ.ડી. અનિલ જેતવાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ગ્રાહક (કન્ઝ્યુમર)ની વાત કરીએ તો ખરેખર મધ્યમવર્ગ અને લૉઅર-મિડલ ક્લાસ મોટો ગ્રાહકવર્ગ છે એ વાસ્તવિકતા છે. પણ એ માન્યતા કે તેઓ જરૂર કરતાં વધારે ખરીદી કરી લે છે, એ વાત ખોટી છે."

"એક મધ્યમવર્ગ બ્લૅન્ડર, વૉશિંગ મશીન ત્યારે ખરીદે છે, જ્યારે તેને ઘણી જરૂર હોય છે. તે ઘણી રાહ પણ જુએ છે, કેમ કે તેના માટે મહેનતનાં નાણાં ખર્ચવાની વાત સાધારણ નથી હોતી. આથી તે જૂની વસ્તુ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે પણ છે. પણ જો એ એકદમ બંધ પડી જાય, તો જ નવી ખરીદે છે."

"વળી જ્યાં સુધી પર્યાવરણ જાળવણી (ક્લાઇમેટ ચેન્જ)ની વાત છે, તો હવે તો ઍરકન્ડીશનર અને ફ્રીઝમાં વપરાતા ગૅસ પણ ભારતમાં જ રીફિલ થાય છે. અને તેનાં ધારાધોરણો ઘણાં ઊંચાં છે."

"જોકે એક વાત છે કે ઇલેક્ટ્રૉનિક્સના વેસ્ટ (ઇલેક્ટ્રૉનિક્સ કચરો)ના નિકાલની સમસ્યા મોટી છે. તેના માટે યોગ્ય વ્યવસ્થાની જરૂર છે. ગ્રાહકોને જૂની વસ્તુઓ ડમ્પ કે ડિસ્પૉઝ કરવા બદલ કોઈ ઇન્સેન્ટિવ આપવાની સ્કીમ પણ સારું ઉદાહરણ છે."

વીડિયો કૅપ્શન, તાપી જિલ્લાની એ મહિલાઓ જે સૅનિટરી પૅડ બનાવી પગભર થઈ રહી છે

અનિલ જેતવાણી ઉમેરે છે, "સરકાર આગામી વર્ષે ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સના સ્ટાર રેટિંગમાં પણ નવાં ધોરણો અપનાવશે એવી શક્યતા છે. એનર્જી એફિશિયન્ટ ગુડ્ઝ પર્યાવરણ જાળવણી માટે ઉપયોગી છે."

અનિલ જેતવાણી અનુસાર સસ્ટેનેબલ ગ્રૉથ માટે ઇનોવેશન અત્યંત મહત્ત્વનું પરિબળ છે. અને ઉપભોગવાદમાંથી તે વિશ્વને બહાર લાવી શકે છે.

ઉપરોક્ત સમગ્ર બાબતો સૂચવે છે કે ઉપભોગવાદના સમાધાન માટે આર્થિક નીતિઓ મહત્ત્વનું પરિબળ છે.

આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં અમદાવાદના અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહ કહે છે, "સરકારની કોઈ પણ નીતિમાં ઉપભોગવાદના સમાધાનની નિયત નથી દેખાતી. તેમની નીતિ તો એને પ્રોત્સાહિત કરે છે. સરકાર ખુદ જ આ કન્ઝ્યુમરિસ્ટ કલ્ચરને પ્રોત્સાહિત કરે છે. અર્થતંત્ર માટે આવો ગ્રૉથ સારો છે, પરંતુ દેશ અને પર્યાવરણ માટે તો સારું નથી."

"દેશમાં 40 કરોડ લોકો વસ્તુઓ સારી રીતે ખરીદે છે અથવા કહી શકીએ કે જરૂર કરતાં વધારે ખરીદે છે. બાકીનાને જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવામાં પણ તકલીફ પડતી હોય છે."

વીડિયો કૅપ્શન, ગુજરાતની જીવાદોરી નર્મદા કેમ લોકો માટે બની રહી છે ખતરો?

"આમ ઉપભોગવાદથી પર્યાવરણને નુકસાન કરનારો વર્ગ આ 40 કરોડમાંથી આવે છે. તેમાં મધ્યમવર્ગ પણ સામેલ છે."

પ્રો. શાહ જણાવે છે, "તમે જાહેરાતો દ્વારા, ડિસ્કાઉન્ટ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષો છો અને લોકો ખરીદે છે. માણસ હવે જાતે ખરીદવા પણ નથી જતો. ઑનલાઇન કરે છે એટલે વેચનારનો પૅકિંગનો ખર્ચો ઉમેરાય છે. આ બાબત પણ નોંધપાત્ર રહે છે."

તદુપરાંત ઉપભોગવાદ લાંબા ગાળે દરેક માટે કઈ રીતે નકારાત્મક પરિણામો લાવી શકે છે તેના વિશે જણાવતા પ્રો. નેહા શાહ કહે છે, "આપણે કોરોનાકાળનું જ ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે કે આ બધું કેટલું ઘાતક પુરવાર થઈ શકે છે."

"વ્યક્તિ પાસે પૈસા હોય તો તે દેશ કે સમાજની અન્ય સમસ્યાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ નથી રહેતી. તે એવું વિચારે છે કે આપણી પાસે પૂરતાં નાણાં છે, આથી આપણે સરકારી આરોગ્ય-વ્યવસ્થાની જરૂર નથી. આપણે પૈસા ખર્ચી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ લઈશું."

"પરંતુ કોરોનાકાળમાં જોવા મળ્યું કે ખાનગી વ્યવસ્થાઓ પણ પડી ભાંગી. ઓક્સિજન નહોતો, પથારીઓ નહોતી એટલે નીતિવિષયક મામલામાં વ્યક્તિએ એક નાગરિક તરીકે જવાબદારી નિભાવવી પડે અને તેમાં ધ્યાન આપવું પડે. તે માત્ર ગ્રાહક તરીકે વર્તે તો પરિણામ ભોગવવું પડી શકે છે."

"પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવાની જવાબદારી માત્ર સરકારની નથી. સમાજે પણ તેની ભૂમિકા નિભાવવી પડશે. બંનેના સંયુક્ત પ્રયાસથી સારાં પરિણામો લાવી શકાય છે."

line

ઉપભોગવાદ ખાદ્યસુરક્ષા માટે પણ ખતરો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ પર ઉપલબ્ધ એક અહેવાલ અનુસાર, વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસતિ 9.5 બિલિયન (9.5 અબજ) થઈ જશે એવું અનુમાન છે. જે 2100 સુધી 11 બિલિયન (11 અબજ) થઈ જશે.

અને ખાદ્યસુરક્ષા મામલે આ મોટો પડકાર સર્જી શકે છે. વળી જીવનજરૂરી ખાદ્યચીજવસ્તુઓની પણ વધુ પડતી ખરીદી તથા બગાડ પણ ખાદ્યસુરક્ષા અને પર્યાવરણ જાળવણી માટે મોટો પડકાર છે.

આર્થિક અસમાનતાનું પરિબળ પણ સમસ્યા સર્જી રહ્યું છે.

યુએનના રિપોર્ટ અનુસાર વિશ્વમાં 140 કરોડ લોકો મેદસ્વી છે અથવા વધુ વજન ધરાવે છે. તો બીજી તરફ 5 વર્ષથી ઓછી વયના 1 કરોડથી વધુ બાળકો વિશ્વમાં દર વર્ષે ભૂખમરાના લીધે મૃત્યુ પામે છે.

કુદરતી સ્રોતના વપરાશની બાબત હોય કે કૃત્રિમ ચીજવસ્તુઓની ખરીદી/વપરાશની વાત હોય તમામ મામલે કુદરતી સંપદાનું દોહન થતું જ હોય છે.

સરવાળે તેની અસર પર્યાવરણ પર જોવા મળે છે અને ક્લાઇમેટ ચેન્જ સહિતની સમસ્યાઓ માનવજાત સામે મોટું જોખમ સર્જી રહી છે.

પર્યાવરણ વિષયના નિષ્ણાતો અને તેને કવર કરતા પત્રકારો અનુસાર પર્યાવરણને હાનિકારક ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન મામલે ટ્રાન્સપૉર્ટેશન સૅક્ટર સૌથી મોખરે છે.

જ્યારે બીજા ક્રમે વીજઉત્પાદક ક્ષેત્ર અને પછી ઇન્ડસ્ટ્રીનો ક્રમ આવે છે. એટલે કે ઇન્ડસ્ટ્રી ગુડ્ઝનો ત્રીજો ક્રમ છે. ત્યારપછી બિલ્ડિંગ (બાંધકામ) અને છેલ્લે કૃષિ ક્ષેત્ર આવે છે.

પરંતુ આ સૅક્ટર અનુસાર કાર્બન ઍમિશનની વાત છે. જોકે આર્થિક ક્ષેત્રમાં થતા ઉત્સર્જનને માપવાની સાથેસાથે આ ક્ષેત્રમાં ગ્રાહકોની માગો પર પણ ધ્યાન આપવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ જોવા મળે છે.

કેટલાંક સંશોધનો અનુસાર ગુડ્ઝ અને સર્વિસિસની પણ પર્યાવરણને નુકસાન કરવામાં મોટી ભૂમિકા છે, જેમાં ફૂડ, કપડાં, એવિયેશન, ઇલેક્ટ્રૉનિક્સ, કન્સ્ટ્રક્શન અને વાહનો પણ સામેલ છે. તેની બનાવટ અથવા વપરાશ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પર્યાવરણને થતા નુકસાન સાથે સંબંધ ધરાવે છે.

વળી નિષ્ણાતો માને છે કે જો ઉપભોગવાદથી પર્યાવરણને થતું નુકસાન રોકવામાં નહીં આવે તો તો ટૂંક સમયમાં બમણું થઈ જશે અને વધતું જ જશે. તે આ મામલે અન્ય સૅક્ટરને પણ પાછળ છોડી શકે છે.

આથી લોકો ચીજવસ્તુઓ તથા સેવાઓ જવાબદારીપૂર્વક ખરીદે તે સમયની માગ છે અને તેના માટે અસરકારક આર્થિક નીતિઓની જરૂર છે.

line

કેવી સામાજિક અસરો?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ મુદ્દાનું સામાજિક પાસું શું છે તે અંગે અમદાવાદના સમાજશાસ્ત્રી પ્રો. ગૌરાંગ જાની બીબીસીને કહે છે, "સમાજ માટે આ ખૂબ જ નકારાત્મક અને નુકસાનકારક વાત છે. સરકાર ખુદ જ ગ્રાહકવાદને પ્રોત્સાહિત કરે છે."

તેઓ કહે છે કે "સરકાર ખુદ ઇચ્છે છે કે નાગરિક નહીં ગ્રાહકો પેદા થાય. કેમ કે ગ્રાહકો સરકાર પાસે કોઈ સેવા-સુવિધાની માગણી ન કરે. જ્યારે નાગરિકો સેવા-સુવિધાનો અધિકાર માગશે. સરકારો ખુદ ખાનગીકરણના રસ્તે ચાલી રહી છે. એક રીતે જવાબદારીમાંથી છટકી રહી છે."

ગૌરાંગ જાનીનું માનવું છે કે આ સ્થિતિ ઘાતક છે અને તેની વિપરીત અસરો સમાજ પર જોવા મળશે.

તેઓ કહે છે કે "આપણે શિક્ષણ અને આરોગ્ય મામલે સરકારે આપેલી સેવા લીધી હતી. પણ હવે આપણે તેને એક ગ્રાહક તરીકે જ જોઈએ છીએ. બજાર જે કહે તેમ કરીએ છીએ. એટલે બજાર હાવી થઈ રહ્યું છે. વ્યક્તિ માત્ર એક ગ્રાહક બનીને રહી જશે તો સામાજિક ધોરણે તેની અસર વ્યાપક જોવા મળશે."

"ડિજિટલ ઇન્ડિયાની વાત લઈએ તો તેમાં મોબાઇલ અને ટૅક્નૉલૉજી છે. ઇન્ટરનેટ છે. પણ તેનાથી મળ્યું શું? કેમ કે જે મળી રહ્યું છે તે, તો માર્કેટ એટલે કે બજારને મળી રહ્યું છે. બજાર એટલે કે ગણતરીની કંપનીઓ. તમે જ્યારે ઍરપૉર્ટ પર સરદારની જગ્યાએ કોઈ ખાનગી કંપનીના બોર્ડ જુઓ એટલે તમારા મનમાં એક અલગ જ ચિત્ર ઊભું થાય છે."

"તમને સામાજિક સંદેશાઓની જાહેરાતો કે બિલબોર્ડ નહીં જોવા મળે પણ જાહેરાતોના બોર્ડ જોવા મળશે. સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મૉડલ લાવી પણ તેમાં પણ તો માત્ર ખાનગી કંપની અને સરકાર છે. એમાં જનતા તો છે જ નહીં. સરકારે બનાવેલા રોડ-રસ્તાનું કંપનીઓ મૅન્ટેનન્સ કરે અને રૂપિયા તેમને ચૂકવાય."

સામાજિક ધોરણે પરસ્પર વ્યક્તિઓ વચ્ચે થનારી અસર વિશે જણાવતા તેઓ ઉમેરે છે,"આગામી પેઢી માત્ર બજાર કહે તેમ કરશે. બજાર કહેશે કે આ જગ્યાએ 5 લાખ રૂપિયામાં ઍડમિશન લઈ લેવું તો ત્યાં દોરાઈ જશે. પણ તેની ગુણવત્તા સમજવા માટે સક્ષમ કેવી રીતે બનશે?"

"બંધારણમાં સમાજવાદ અને લોકશાહીની વાત થઈ છે. પણ જો ગ્રાહકવાદ તેના પર હાવી થશે તો તેના પરિણામ ભોગવવા પડશે."

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો