T-20 વર્લ્ડકપ : મહેન્દ્રસિંહ ધોનીની મૅન્ટર તરીકે વરણી, BCCIનો માસ્ટર સ્ટ્રૉક?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઑક્ટોબર-નવેમ્બરમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં આઈસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ યોજાશે. આમ તો વર્લ્ડકપ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી મેગા ઇવેન્ટ પણ અમિરાતનાં મેદાનો પર જ યોજાનારી છે, પરંતુ તાજેતરમાં જ બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી તે સાથે વર્લ્ડકપનો માહોલ જામી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે બુધવારે રાત્રે ટીમની જાહેરાત કરી તેમાં ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સામેલ કર્યો તેનાથી મોટું આશ્ચર્ય સર્જાયું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટેસ્ટ માટેના નિષ્ણાત એવા બૉલરને ઇંગ્લૅન્ડ સામેની પાંચમાંથી ચાર ટેસ્ટમાં પણ તક મળી નથી અને તેમને અચાનક જ ટી-20 માટેની ટીમમાં સામેલ કરાય તેનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમાંય અશ્વિન તો છેલ્લાં ચાર વર્ષથી વન-ડેમાં પણ રમ્યા નથી તો ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટમાં તો તેમના રમવા અંગે કોઈ કલ્પના પણ કરી શકે નહીં.
જોકે અશ્વિન કરતાં પણ મોટું આશ્ચર્ય તો ધોનીના નામની જાહેરાતથી થયું છે.
મહેન્દ્રસિંહ ધોનીએ બરાબર એક વર્ષ અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
તે આ વખતે આઈપીએલમાં રમવાના છે, પરંતુ ભારતીય ટીમ સાથે તેમના કોઈ કનેક્શન અંગે તો વિચારી શકાય તેમ નહોતું તેવામાં બોર્ડે અચાનક જ તેમને ટીમના મૅન્ટર તરીકે નિયુક્ત કરી દીધા.
ધોનીને મૅન્ટર કેમ બનાવાયા?

ઇમેજ સ્રોત, Getty Images
ધોનીની કાબેલિયત અંગે કોઈને શંકા નથી અને હોઈ શકે પણ નહીં, પરંતુ તેમને જે રીતે અચાનક જ મૅન્ટર બનાવી દીધા તેનાથી ઘણા સવાલો પેદા થયા છે. ઘણાં સમીકરણો બંધાવાં લાગ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી વાત તો ભારતીય ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવામાં છે. રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકૅડેમીમાં સુંદર ભૂમિકા અદા કરી રહ્યા છે.
આમેય બોર્ડના નિયમ મુજબ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ લંબાવાય તો પણ એક વર્ષ બાદ તેમની વય 60ની થશે અને એ વખતે તેમને બહાર થવાનું જ છે.
આ સંજોગોમાં બોર્ડ તેમનો વિકલ્પ શોધે તેમાં નવાઈ નથી. રાહુલ દ્રવિડને ભારતીય ટીમના કોચ બનવામાં કેટલો રસ છે તે તેમણે પોતે ક્યારેય જાહેર કર્યું નથી, પરંતુ જુલાઈમાં શ્રીલંકા ગયેલી શિખર ધવનની ટીમના કોચ તરીકે દ્રવિડને મિશ્ર સફળતા મળી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોરોનાની અસર હેઠળ રમેલી ભારતીય ટીમ ટી-20માં હારી ગઈ હતી. કદાચ આ બાબતને બોર્ડે ગંભીરતાથી લીધી હોય તો દ્રવિડની નેશનલ ટીમના કોચ બનાવતા અગાઉ બોર્ડ બે વાર વિચાર કરે.
આમ રવિ શાસ્ત્રી અને દ્રવિડ બેમાંથી એકની પસંદગી કરવી કે રવિ શાસ્ત્રીને દાબમાં રાખવા કે પછી કૅપ્ટન વિરાટ કોહલી પર પણ અંકુશ રહે તે તમામ બાબતો બીસીસીઆઈના મોવડીમંડળે વિચારી હોય તો તેમના માટે ધોનીનો વિકલ્પ એટલે એક કાંકરે બે પક્ષી નહીં પણ સંખ્યાબંધ પક્ષી મારવા જેવી વાત છે.
એક તો રવિ શાસ્ત્રીને આસાનીથી દરવાજો દેખાડી શકાય, બીજું રાહુલ દ્રવિડને એનસીએની જવાબદારીમાંથી મુક્ત કરવાની જરૂર પડે નહીં, કેમ કે એ વાત તો સ્પષ્ટ છે કે નેશનલ ક્રિકેટ એકૅડેમીને રાહુલ દ્રવિડ જેવા કોચિંગ ડાયરેક્ટર મળવા મુશ્કેલ છે.
અને, સૌથી મહત્ત્વની બાબત તો એ કે ભવિષ્યમાં વિરાટ કોહલીનો વિકલ્પ શોધવાનો આવે અથવા તો રોહિત શર્માને ટીમની કમાન સોંપવી હોય ત્યારે ધોની જેવા મૅન્ટર ટીમની સાથે હોય તો બોર્ડ કે તેના પસંદગીકારો ગમે તેવું જોખમ લઈ શકે.

ટીમની જાહેરાત પણ ધોની સૌથી વધુ ચર્ચામાં

ઇમેજ સ્રોત, Getty Images
આ તો એક સમીકરણ છે પણ બુધવારે ટીમની જાહેરાત કરતાં પણ વધારે ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે મહેન્દ્રસિંહ ધોની હતા.
રવિચંદ્રન અશ્વિનના સમાવેશ સિવાય ટીમમાં કોઈ ચર્ચાને અવકાશ ન હતો. યુજવેન્દ્રસિંહ ચહલ કે કુલદીપ યાદવ કે કૃણાલ પંડ્યાને કેમ સામેલ કરાયા નહીં.
શિખર ધવનને કયું ગ્રહણ નડી ગયું, ટીમમાં ઝડપી બૉલર ઓછા અને સ્પિનર વધારે છે. ઑલરાઉન્ડર્સની ભૂમિકા વગેરેની ચર્ચા કરવા માટે તો હજી દોઢ મહિનો બાકી છે પણ એ તમામને કોરાણે મૂકીને ધોની આકર્ષણ બની ગયા.
ધોનીની વાત કરીએ તો બીસીસીઆઈનો આ માસ્ટર સ્ટ્રૉક છે. પહેલી વાત તો ધોનીને નિવૃત્ત થયાને હજી વધુ સમય થયો નથી એટલે વર્તમાન ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ અને વિવિધ ટીમોની રણનીતિથી તેઓ સારી રીતે વાકેફ છે.
આ ઉપરાંત ભારતીય ટીમને તેના કરતાં પણ મોટો ફાયદો એ છે કે ધોની હાલમાં આઈપીએલમાં રમી રહ્યા છે. વર્લ્ડકપ રમાવાનો છે તે જ મેદાનો પર 19મી સપ્ટેમ્બરથી આઈપીએલની અધૂરી રહેલી મૅચો રમાનારી છે.
આમ ધોની અમિરાતમાં જ રમવાના છે. ટી-20 વર્લ્ડકપમાં રમનારા મોટા ભાગના ખેલાડીઓ આઈપીએલમાં પણ રમવાના છે.

મહેન્દ્રસિંહ ધોની અને ટી-20

ઇમેજ સ્રોત, Getty Images
ખાસ વાત તો એ છે કે તેમાંના કેટલાક ખેલાડી તો ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાના છે.
ચેન્નાઈમાં રમનારા ખેલાડીઓ ડ્વેઇન બ્રાવો (વેસ્ટ ઇન્ડીઝ), ફાફ ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, લુંગી એંગિડી (સાઉથ આફ્રિકા), સેમ કરન અને મોઇન અલી (ઇંગ્લૅન્ડ)માંથી એકાદને બાદ કરતાં તમામ પોતપોતાના દેશ માટે વર્લ્ડકપમાં ભારત સામે રમશે.

આમ ધોની તેમની નજીક રહીને તેમના પ્લાનિંગ વિશે જાણી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ બાબત સામાન્ય બની ગઈ છે એટલે કોઈ પોતાની રણનીતિ સ્પષ્ટ કરે નહીં તેમ છતાં ધોની જેવા હોંશિયાર ખેલાડીની નજરમાંથી બચીને રહેવું અશક્ય છે.
બોર્ડે તો એમ જાહેર કર્યું છે કે મૅન્ટર તરીકે ટીમની સાથે રહીને એક રીતે તો ધોની ચીફ કોચ રવિ શાસ્ત્રીના સહાયકની ભૂમિકામાં રહેશે, પરંતુ શાસ્ત્રીની પણ કેટલીક મર્યાદા છે.
એક ક્રિકેટર તરીકે રવિ શાસ્ત્રીએ 1994માં નિવૃત્તિ જાહેર કરી હતી, જ્યારે વર્તમાન ભારતીય ટીમમાંથી મોટા ભાગનો તો જન્મ પણ થયો ન હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજું રવિ શાસ્ત્રી ક્યારેય ટી-20 રમ્યા નથી, જ્યારે ધોનીએ આ ફૉર્મેટમાં ભારતને વર્લ્ડકપ અપાવ્યો છે. વર્તમાન ખેલાડીઓ સાથે ધોની રમેલા છે અને તેઓ આ તમામના કૅપ્ટન રહી ચૂક્યા છે.
આથી તેઓ તમામ ખેલાડીની ખૂબી અને ખામીથી પરિચિત છે. ધોનીની હાજરી અથવા તો એકાદ ઇશારો પણ ભારતના ક્રિકેટરો પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકે છે.
ધોનીની બીજી એક ખાસિયત એ છે કે તેઓ પરિસ્થિતિને તરત જ માપી લે છે. મેદાન પર એક વિકેટકીપર તરીકે તેમણે આ પુરવાર કરેલું છે.
અમ્પાયરના ડિસિઝન સામે રિવ્યૂ લેવાની વાત આવે ત્યારે કૅપ્ટન કોહલી એ 15 સેકન્ડમાં પણ એક નજર તો ધોની સામે કરી જ લે છે અને ધોનીની મંજૂરી બાદ લેવાયેલા રિવ્યૂમાં ભારતને મોટા ભાગે સફળતા જ સાંપડી હતી.
આવી તો ઘણી બાબતો છે જેમાં ધોની ભારતીય ટીમને લાભ કરાવી શકે છે.

શું બોર્ડ નવી પરંપરા શરૂ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હરીફ ટીમ અને તેની રણનીતિને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ પ્લાન બદલવાના આવે તેવા સંજોગોમાં પણ ધોની મોટો ફરક લાવી શકે છે.
ખાસ કરીને ભારતે તેની પહેલી જ મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે ત્યારે હરીફ ટીમને માનસિક રીતે કેવી રીતે દબાણમાં લાવવી તેનું આયોજન ધોનીથી વિશેષ કોઈ કરી શકે તેમ નથી.
રહી વાત ભારતીય ક્રિકેટના ભવિષ્યની તો બોર્ડ કદાચ નવી પ્રથા પાડવા માગતું હોય તેમ પણ બની શકે.
ધોનીને ભારતીય ટીમ કે ભારતીય ક્રિકેટમાં કેવી રીતે સાંકળી લેવો તે માટે બોર્ડે સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં તેવી રીતે કોચને યથાવત્ રાખીને મૅન્ટરનો હોદ્દો ઊભો કરી દીધો. ભવિષ્યમાં પણ ટીમ સાથે કોચને રાખવાને બદલે આ રીતે મૅન્ટર રખાય તો તેમાં ધોની ફિટ બેસે છે.
વળી, મૅન્ટર માટે કોઈ વયમર્યાદા હોતી નથી. સુપ્રીમ કોર્ટે નીમેલી લોધા સમિતિની ભલામણોમાં પણ મૅન્ટર કે તેની વયમર્યાદા અંગે કોઈ ખુલાસો નથી.
આમ બોર્ડ ધારે તો ધોની કે ઇવન રવિ શાસ્ત્રી કે સુનીલ ગાવસ્કર કે કપિલ દેવની કક્ષાના મહાન ક્રિકેટરોને પણ મૅન્ટર તરીકે નિયુક્ત કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













