સુરત : નવ વર્ષથી ફરાર હત્યારો બિસ્કિટના એક પૅકેટથી કેવી રીતે ઝડપાઈ ગયો?

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ સુરત જેલ પેરોલ જામીન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, વર્ષોથી નાસતા ફરતા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાની આદત ઘણા લોકોને હોય, પરંતુ ગુજરાતમાં પોલીસથી નાસતા-ફરતા એક ગુનેગારને આ આદત મોંઘી પડી.

પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો એક ગુનેગાર પેરોલ પર છૂટ્યા પછી નવ વર્ષથી નાસતો-ફરતો હતો.

આ દરમિયાન તેણે બીજાં લગ્ન કરીને ઘર પણ વસાવી લીધું હતું. પરંતુ બિસ્કિટના એક પૅકેટના કારણે પોલીસ તેના સુધી પહોંચી ગઈ અને ગુનેગારને પકડીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું છે આખી ઘટના?

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ સુરત જેલ પેરોલ જામીન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સુરતના એસીપી નીરવ ગોહિલ

સુરતની એક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો સુરેન્દ્ર વર્મા સુરતના સચિન વિસ્તારમાં એક રૂમ-રસોડાના ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યાં તેને અવારનવાર પત્ની સાથે ઝઘડા થતા હતા.

વર્ષ 2007માં સુરેન્દ્રએ તેની પત્નીની હત્યા કરી નાખી અને સચિન પોલીસે તેને પકડી લીધો. મજબૂત પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે સુરત સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી, ત્યારથી તે લાજપોર જેલમાં સજા ભોગવતો હતો.

સુરતના એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે, "વર્ષ 2016માં સુરેન્દ્ર વર્માએ પેરોલ પર છૂટવા અરજી કરી હતી. તેની અરજી માન્ય રહી અને સુરેન્દ્રને 28 દિવસના જામીન મળ્યા હતા. પેરોલની મુદત દરમિયાન સુરેન્દ્ર ભાગી ગયો, જેના કારણે સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે 'પ્રિઝન ઍક્ટ' હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારથી તે ફરાર હતો."

સુરેન્દ્ર વર્માના કૌટુંબિક સંબંધી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, "સુરેન્દ્રના પરિવાર પાસે યુપીમાં થોડી જમીન છે, પરંતુ ખાસ આવક નહોતી. સુરેન્દ્ર ખાસ ભણેલો નહોતો. ખેતીમાં સારી આવક ન હોવાથી તે બ્યોહરા ગામથી 10 કિમી દૂર કાર્વીમાં રિક્ષા ચલાવતો અને લોકોને રિક્ષામાં બેસાડી ચિત્રકૂટ લઈ જતો."

તેમનું કહેવું છે કે, "આ દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો, જેનાથી ગામમાં વિવાદ થયો અને 2005માં પોતાની જ્ઞાતિની એક છોકરી સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતા. થોડા સમય પછી કામકાજની શોધમાં તે ગામના કેટલાક લોકો સાથે સુરત આવ્યો અને સચિનમાં એક કારખાનામાં કામ કરવા લાગ્યો. આ ઉપરાંત તે રાત્રે ભાડાની રિક્ષા પણ ચલાવતો."

કહેવાય છે કે સુરેન્દ્ર તેની પત્ની પાસે સતત દહેજ માંગતો અને દહેજના રૂપિયા મળે તો ભાડાની રિક્ષા છોડીને પોતાની રિક્ષા ખરીદવાની વાતો કરતો હતો.

એ પછી તેના સગાં-સંબંધોઓને જાણવા મળ્યું કે સુરેન્દ્રએ તેની પત્નીની હત્યા કરી છે.

નવ વર્ષથી નાસતો ફરતો ગુનેગાર કઈ રીતે પકડાયો?

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ સુરત જેલ પેરોલ જામીન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રને પોલીસ ઉત્તર પ્રદેશથી સુરત લઈ આવી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેરોલ દરમિયાન ભાગી ગયેલા 42 વર્ષના સુરેન્દ્રને પકડવા પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું હતું.

એસીપી ગોહિલે જણાવ્યું કે, "સૌથી પહેલાં સુરેન્દ્રના ગામના લોકો પાસેથી થોડી વિગતો મેળવીને એક ટીમ બનાવી. તપાસ માટે ટીમને સુરેન્દ્રના વતન ઉત્તર પ્રદેશના બ્યોહરા ગામે મોકલવામાં આવી. અમે યુપી પોલીસ સાથે પણ સંપર્કમાં હતા."

સુરેન્દ્રને અંદાજ હતો કે એક દિવસ પોલીસ તેને શોધતી આવી પહોંચશે, તેથી પેરોલ જમ્પ કર્યા પછી તેણે પોતાના માતા-પિતા અને ભાઈ સાથે કોઈ સંપર્ક રાખ્યો નહોતો.

પોલીસના કહેવા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં સુરેન્દ્રનું ગામ નાનું છે, તેથી ધીરજપૂર્વક કેટલાક સગાં-સંબંધીઓની પૂછપરછ કરી.

તેમાં માહિતી મળી કે સુરેન્દ્ર બ્યોહરાથી થોડે દૂર કાર્વીમાં રિક્ષા ચલાવતો હતો. અહીં પોલીસે કેટલાક રિક્ષાચાલકો સાથે વાત કરી.

પોલીસે સુરેન્દ્રનો ફોટો રિક્ષાચાલકોને બતાવ્યો ત્યારે એક રિક્ષાવાળાએ કહ્યું કે, સુરેન્દ્ર અહીં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતો હતો. તેણે હવે બીજાં લગ્ન કરી લીધાં હતાં અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેને એક દીકરો પણ છે.

છ મહિના અગાઉ તે શંકરપુર ગામે સાળાના લગ્નમાં પણ આવ્યો હતો. પોલીસે સુરેન્દ્રની બીજી પત્નીના ભાઈની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે ગુરુગ્રામમાં ઘાટ પાસે મજૂરી કરે છે. પોલીસ પાસે હવે તેની પત્નીનો ફોન નંબર અને સરનામું હતાં.

સુરેન્દ્રને રોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાની આદત હતી. તેથી પોલીસે સાદા વેશમાં તેના ઘર પાસે બે દિવસ સુધી વૉચ ગોઠવી.

આ દરમિયાન 14 નવેમ્બરે સુરેન્દ્ર પોતાના દીકરા સાથે બિસ્કિટ ખરીદવા આવ્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો. સુરેન્દ્રને ઉત્તર પ્રદેશથી સુરત લાવવામાં આવ્યો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

હત્યાના ગુનેગારને ક્યારે પેરોલ મળે?

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ સુરત જેલ પેરોલ જામીન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

સુરેન્દ્રએ તેની પત્નીની હત્યા કરી હતી અને આ ગુના બદલ તે જેલમાં હતો, જ્યાંથી તેને પેરોલ પર છોડવામાં આવ્યો હતો.

હત્યાના ગુનેગારને પેરોલ ક્યારે મળી શકે તે વિશે ઍડ્વોકેટ આશિષ શુક્લાએ જણાવ્યું કે, "હત્યાના કેસમાં સજા ભોગવતા ગુનેગારને બે રીતે પેરોલ મળે છે. એક, ગુનેગારના પરિવારમાં કોઈ ગંભીર બીમાર હોય અથવા એવું યોગ્ય કારણ હોય ત્યારે તે પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં અરજી કરી શકે. કોર્ટ અરજી માન્ય રાખે તો પેરોલ મળે છે. "

"બીજું, કેદીએ કેટલાંક વર્ષની સજા પૂરી કરી હોય ત્યારે જેલ સુપરિન્ટેન્ડન્ટ જાતે નિયત ફોર્મ ભરીને પેરોલ માટે અરજી કરી શકે. ત્યાર પછી ગુનેગારના જેલમાં વર્તન, અન્ય કેદીઓ સાથે વ્યવહાર વગેરે માટે તેઓ પોતાનો અભિપ્રાય આપે છે અને પોલીસ તેનું વેરિફિકેશન કરે છે. પોલીસ અને જેલ સુપરિન્ટેન્ડન્ટને ગુનેગારની અરજી યોગ્ય ન લાગે તો પેરોલ મળતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન