નો-કૉસ્ટ EMI કે ઝીરો ઇન્ટરેસ્ટ લોન ખરેખર શું હોય, ગ્રાહકોને ફાયદો થાય કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં તહેવારોની સિઝન આવતાની સાથે જ શૉપિંગની સિઝન આવે છે.
ગ્રાહકોને આકર્ષવા માટે દરેક જગ્યાએ 'સેલ' કે 'ડિસ્કાઉન્ટ'નાં પાટિયાં જોવા મળે છે અને મોબાઇલ ફોન, લૅપટૉપથી લઈને ટીવી, ફ્રિજ, વૉશિંગ મશીન સહિતની ચીજો વેચવા માટે કંપનીઓ પોતાની તમામ તાકાત કામે લગાવી દે છે.
આ દરમિયાન દરેક મૉલ અથવા ઈ-કૉમર્સ વેબસાઇટ પર 'નો-કૉસ્ટ ઈએમઆઈ' અથવા 'ઝીરો ઇન્ટરેસ્ટ ઈએમઆઈ' જેવા શબ્દો પણ સાંભળવા મળે છે.
તેમાં કોઈ ઉત્પાદન માટે તમે એક સાથે પેમેન્ટ ન કરી શકો, તો 'ઝીરો કૉસ્ટ ઈએમઆઈ' અથવા વગર વ્યાજના હપતા કરી આપવાની ઑફર અપાય છે.
પરંતુ શું આવા હપતા ખરેખર વ્યાજમુક્ત હોય છે? ગ્રાહકોને ખરેખર ફાયદો થાય છે કે નુકસાન? કંપનીઓ તેમાંથી કેવી રીતે કમાણી કરે છે? અહીં આ સવાલોનો જવાબ ચાર મુદ્દામાં મેળવવાની કોશિશ કરીએ.
1. નો-કૉસ્ટ ઈએમઆઈના દાવા કેટલા યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
નો-કૉસ્ટ ઈએમઆઈ એ એવી લોન હોય છે જેમાં તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો ત્યારે એકસાથે આખી રકમ ચૂકવવાની નથી આપતી, પરંતુ રકમને એકસરખા માસિક હપતામાં વહેંચી નાખવામાં આવે છે જેના પર વ્યાજ લાગતું નથી.
બૅન્કો અથવા ફાઇનાન્સ કંપનીઓ દાવો કરે છે કે નો-કૉસ્ટ ઈએમઆઈ પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતું નથી, પરંતુ ઘણી વખત હકીકત અલગ હોય છે.
અમદાવાદસ્થિત મની પ્લાન્ટ ફિનમાર્ટના ડાયરેક્ટર મેહુલ શાહે કહ્યું કે "એકસાથે મોટી રકમ ચૂકવવી ન પડે તે માટે ઘણા લોકો નો-કૉસ્ટ ઈએમઆઈ અથવા ઇન્ટરેસ્ટ ફ્રી ઈએમઆઈ પસંદ કરતા હોય છે, પરંતુ તેમાં મોટા ભાગે વ્યાજનો ખર્ચ સામેલ હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે "ટીવી, એસી, વૉશિંગ મશીન, ફ્રીઝ જેવાં હોમ ઍપ્લાયન્સિસ અથવા મોબાઇલ, લૅપટૉપ વગેરે માટે લોકો નો-કૉસ્ટ ઈએમઆઈનો ઑપ્શન પસંદ કરે છે, પરંતુ તેના માટે ચોક્કસ પ્રોસેસિંગ ફી ભરવી પડે છે જે 800થી 1500 રૂપિયા સુધી હોય છે."
"પ્રોસેસિંગ ફીનો આધાર પ્રોડક્ટની કિંમત અને લોનના સમયગાળા પર આધારિત હોય છે."
મેહુલ શાહ કહે છે કે "તમે પ્રોસેસિંગ ફી ભરો એટલે તમારો ખર્ચ વધી જાય છે. તેથી તેને સાવ નો-કૉસ્ટ ન કહી શકાય."
2. નો-કૉસ્ટ ઈએમઆઈ કોના માટે યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
ઝીરો કૉસ્ટ ઈએમઆઈ અથવા વગર વ્યાજના હપતામાં કેટલાંક છુપાં જોખમો છે, પરંતુ તે સાવ નિરર્થક છે એવું પણ નથી.
મેહુલ શાહ કહે છે કે "તમારી પાસે મોટી રકમ ન હોય અને ધીમે ધીમે પેમેન્ટ કરીને ઉત્પાદનો ખરીદવાં હોય ત્યારે આ એક ઉપયોગી રસ્તો છે. ઉદાહરણ કોઈએ નવું ઘર ખરીદ્યું છે અને હવે હોમ લોનના હપતા શરૂ થઈ ગયા છે."
"આવામાં તેમણે ઘરમાં નવું ટીવી, ફ્રિજ, એસી, વૉશિંગ મશીન વગેરે સાધનો વસાવવાં હોય તો એકસાથે મોટી રકમ કાઢવી મુશ્કેલ બને છે. તેથી ઝીરો કૉસ્ટ ઈએમઆઈનો ઉપયોગ કરીને ધીમે ધીમે એક પછી એક ચીજો ખરીદતા હોય છે."

ઇમેજ સ્રોત, Mehul Shah
વિનોદ ફોગલા કહે છે કે "સરળ અને વગર વ્યાજના હપતેથી ખરીદી કરવાની ઑફર હોય ત્યારે પ્રોસેસિંગ ફી જરૂર લાગે છે અને તેના પર 18 ટકા જીએસટી પણ ભરવાનો આવે છે."
"આ ઉપરાંત તમને બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની ટેવ પડી જવાની શક્યતા રહે છે. આના પર અંકુશ ન રહે તો દેવાની જાળમાં ફસાઈ જવાનો ડર રહે છે."
3. નો-કૉસ્ટ ઈએમઆઈનાં જોખમો

ઝીરો કૉસ્ટ ઈએમઆઈમાં તમે એક સાથે મોટી રકમ ચૂકવવાના બદલે 12 કે 24 હપતામાં રકમ ચૂકવો છો તેથી નાણાકીય બોજ હળવો થઈ જાય છે. પરંતુ તેમાં સૌથી મોટું જોખમ બિનજરૂરી શૉપિંગની આદત પડી જવાનું છે.
મેહુલ શાહે જણાવ્યું કે "એક સાથે મોટી રકમ ચૂકવવાની ન હોય ત્યારે આપણે જે ચીજ જરૂરી ન હોય તેને ખરીદવા માટે પણ પ્રેરાઈએ છીએ. તેના કારણે તમે એક પછી એક ચીજ ખરીદતા જાવ અને ખર્ચ પર કન્ટ્રોલ ન રહે તેવું જોખમ રહે છે."
"આ ઉપરાંત ઝીરો કૉસ્ટ ઈએમઆઈની બીજી પણ મર્યાદાઓ છે. જેમ કે કેટલીક ઈકૉમર્સ વેબસાઇટ્સ અમુક બૅન્કો સાથે જોડાણ કરીને ઑફર આપતી હોય છે. તેમાં ચોક્કસ ક્રૅડિટ કાર્ડ ધરાવતા લોકોને જ સ્કીમનો લાભ મળે છે. પરિણામે ઘણી વખત લોકો જરૂરી ન હોય તેવા ક્રૅડિટ કાર્ડ પણ ખરીદે છે જેની પાછળ છુપા ખર્ચ હોઈ શકે છે."
તમે પ્રોડક્ટની કિંમત એકસાથે ચૂકવો ત્યારે સારા એવા ડિસ્કાઉન્ટની આશા રાખી શકો છો. જે સુવિધા ઝીરો કૉસ્ટ ઈએમઆઈમાં નથી મળતી.

ઇમેજ સ્રોત, Vinod Fogla
જયપુરસ્થિત સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે "કોઈ પણ ડીલ કરતી વખતે ફાઇનપ્રિન્ટ વાંચવી અને સમજવી જરૂરી છે. તહેવારોની સિઝનમાં જ્યારે લોકો ફટાફટ ખરીદી કરવા પ્રેરાતા હોય છે ત્યારે તેઓ કેટલીક શરતો પર ધ્યાન નથી આપતા. આ ઉપરાંત શક્ય હોય તો એક જ પ્રોડક્ટ માટે અલગ અલગ પ્લૅટફૉર્મ પર ભાવની સરખામણી કરો."
ઘણી વખત ગ્રાહકને ઝીરો કૉસ્ટ ઈએમઆઈથી ખરીદી કરવામાં વધુ ફાયદો પણ કરાવવામાં આવે છે. આની પાછળનું ગણિત સમજાવતા મેહુલ શાહ કહે છે કે "અમુક મોંઘા ઍપ્લાયન્સિસ અથવા મોબાઇલ ફોનમાં કંપનીઓ અથવા ડીલરોનું માર્જિન ઘણું ઊંચું હોય છે. તેથી તેઓ પોતાના માર્જિનમાં થોડો કાપ મૂકીને લોકોને ઈએમઆઈથી ખરીદી કરવા સમજાવે છે. તેમાં ગ્રાહકને વ્યાજ ચૂકવવાનું નથી રહેતું, પરંતુ તેઓ અનાવશ્યક ઉત્પાદનો ખરીદે તેવું બની શકે છે."
4. નો-કૉસ્ટ ઈએમઆઈ માટે આટલું યાદ રાખો

ઇમેજ સ્રોત, Getty Images
- ઝીરો કૉસ્ટ કે 'નો-કૉસ્ટ ઈએમઆઈ' વખતે ઉત્પાદનની કિંમતમાં જ વ્યાજ ઉમેરાઈ જાય છે.
- રિઝર્વ બૅન્કે 2013માં એક પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે શૂન્ય ટકા વ્યાજ, નો-કૉસ્ટ ઈએમઆઈ કે ઝીરો કૉસ્ટ ઈએમઆઈ જેવી કોઈ ચીજ નથી. આવી ઑફરો પર મનાઈ પણ ફરમાવવામાં આવી હતી. ટૂંકમાં પ્રોડક્ટની કિંમતમાં જ વ્યાજની રકમ સામેલ છે.
- ઝીરો કૉસ્ટ ઈએમઆઈ એ એક પ્રકારની લોન જ છે, તેથી ઘણા કિસ્સામાં પ્રોસેસિંગ ફી ભરવી પડે છે.
- કેટલીક વખત પ્રોડક્ટના ભાવમાં જ વ્યાજ ઉમેરીને પછી નો-કૉસ્ટ ઈએમઆઈ પેટે વેચવામાં આવે છે. તેથી પ્રોડક્ટ ખરીદતા પહેલાં બીજી જગ્યાએ ઈએમઆઈ વગર ભાવ ચેક કરો.
- ઈએમઆઈના કારણે મોંઘી વસ્તુની ખરીદી પણ એફોર્ડેબલ લાગવા લાગે છે, જેના કારણે ઘણા મહિના સુધી માસિક આઉટફ્લો શરૂ થઈ જાય છે.
- આ એક પ્રકારની અનસિક્યોર્ડ લોન જ છે. તેના પેમેન્ટમાં વિલંબ થાય કે ડિફોલ્ટ થાય તો આકરી પેનલ્ટી લાગે છે, તમારો ક્રૅડિટ સ્કોર ખરાબ થઈ શકે છે.
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












