એ અગ્રણી ભારતીય મહિલા વૈજ્ઞાનિક, જેમણે જર્મની જઈને નાઝી વંશના સિદ્ધાંતોને પડકાર્યા હતા

બીબીસી ગુજરાતી, કર્વે ઈરાવતી કર્વે નૃવંશશાસ્ત્રી મહિલા ભારત

ઇમેજ સ્રોત, Urmilla Deshpande

ઇમેજ કૅપ્શન, ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તથા જ્ઞાતિ વ્યવસ્થા વિશેનાં ઈરાવતી કર્વેનાં લખાણો અદ્ભુત છે
    • લેેખક, ચેરીલાન મોલન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ઈરાવતી કર્વે એક એવું જીવન જીવ્યાં હતાં, જે તેમની આસપાસના લોકોથી એકદમ અલગ હતું.

બ્રિટિશ-શાસિત ભારતમાં અને મહિલાઓને ઘણા અધિકારો કે સ્વતંત્રતા ન હતી ત્યારે જન્મેલાં ઈરાવતી કર્વેએ અકલ્પ્ય કાર્ય કર્યું હતું. તેમણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો, કૉલેજમાં પ્રોફેસર બન્યાં હતાં અને ભારતનાં પ્રથમ મહિલા નૃવંશશાસ્ત્રી બન્યાં હતાં.

તેમણે પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. બેથિંગ સૂટ પહેરીને સ્વિમિંગ કર્યું હતું. સ્કૂટર ચલાવ્યું હતું અને તેમના ડૉક્ટરેટના સુપરવાઇઝર તથા પ્રખ્યાત જર્મન નૃવંશશાસ્ત્રી યુજેન ફિશરની વંશવાદી પૂર્વધારણાને પડકારવાની હિંમત પણ કરી હતી.

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા તથા તેની જ્ઞાતિ વ્યવસ્થા વિશેનાં ઈરાવતી કર્વેનાં લખાણો અદ્ભુત છે. તે ભારતીય કૉલેજોના અભ્યાસક્રમોનો એક ભાગ છે, છતાં ઇતિહાસમાં તેમનું વ્યક્તિત્વ અસ્પષ્ટ છે અને તેમના જીવન વિશે ઘણું બધું અજાણ્યું છે.

તેમનાં પૌત્રી ઉર્મિલા દેશપાંડે અને શિક્ષણવિદ્ થિયાગો પિન્ટો બાર્બોસાએ લખેલું 'ઈરુઃ ધ રિમાર્કેબલ લાઇફ ઑફ ઈરાવતી કર્વે' નામનું પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેમાં ઈરાવતી કર્વેના રસપ્રદ જીવન અને તેમણે પાર કરેલી અનેક અડચણો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

બર્મા (હવે મ્યાંમાર)માં 1905માં જન્મેલાં ઈરાવતીનું નામ ઈરાવતી નદી પરથી રાખવામાં આવ્યું હતું. છ ભાઈ-બહેનોમાં એકમાત્ર દીકરી હોવાને કારણે પરિવારમાં તેમનો ઉછેર બહુ લાડકોડ અને કોઈ તકલીફ વિના થયો હતો.

જોકે, આ યુવતીના જીવનમાં અણધાર્યા વળાંક આવ્યા હતા, જેના પરિણામે તેમને એવા અનુભવ થયા હતા, જેણે તેમના વ્યક્તિત્વના આકાર આપ્યો હતો. મજબૂત મહિલાઓ ઉપરાંત ઈરાવતી સહૃદયી, પ્રગતિશીલ પુરુષોના સંપર્કમાં પણ આવ્યાં હતાં. એ કારણે અવરોધોને પાર કરવાનો માર્ગ મોકળો થયો હતો અને ઈરાવતીએ અવરોધો પાર કર્યા ત્યારે એ લોકોએ તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

એ સમયે સાત વર્ષની વયે મોટાભાગની છોકરીઓના લગ્ન કરી નાખવામાં આવતાં હતાં ત્યારે ઈરાવતીને પૂણેની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યાં હતાં. પૂણેમાં તેમની મુલાકાત પ્રખ્યાત શિક્ષણવિદ્ આર. પી. પરાંજપે સાથે થઈ હતી. પરાંજપેના પરિવારે ઈરાવતીને અનધિકૃત રીતે દત્તક લીધાં હતાં અને પોતાના પરિવારના સભ્યની માફક ઉછેર્યાં હતાં.

પરાંજપેના પરિવારમાં ઈરાવતીને એવી જીવનશૈલીનો પરિચય કરાવવામાં આવ્યો હતો, જેમાં વિવેચનાત્મક વિચારસરણી અને ધાર્મિક જીવનને મહત્ત્વ આપવામાં આવતું હતું, ભલે તેનો અર્થ ભારતીય સમાજની નીતિરીતિની વિરુદ્ધ જવાનો હોય.

પરાંજપેને ઈરાવતી અપ્પા કે બીજા પિતાના હુલામણા નામે બોલાવતાં હતાં. પરાંજપે તેમના સમય કરતાં ઘણા આગળ હોય તેવી વ્યક્તિ હતા.

દત્તક લેનાર પિતાએ પ્રોત્સાહન આપ્યું

બીબીસી કર્વે ઈરાવતી કર્વે નૃવંશશાસ્ત્રી મહિલા ભારત

ઇમેજ સ્રોત, Urmilla Deshpande

ઇમેજ કૅપ્શન, ઇરાવતી કર્વે તેમનાં પતિ દિનકર સાથે. તેમણે પોતાની પસંદના પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ કૉલેજમાં પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષણના કટ્ટર સમર્થક હોવાની સાથે નાસ્તિક પણ હતા. ઈરાવતીને સામાજિક વિજ્ઞાનની રસપ્રદ દુનિયા અને સમાજ પરની તેની અસરનું જ્ઞાન તેમની પાસેથી મળ્યું હતું.

અસલી પિતાના વિરોધ છતાં ઈરાવતીએ બર્લિનમાં નૃવંશશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમને તેમના પતિ, વિજ્ઞાનના પ્રોફેસર દિનકર કર્વે અને પરાંજપેનો ટેકો મળ્યો હતો.

જહાજમાં અનેક દિવસો સુધી પ્રવાસ કર્યા પછી 1927માં તેઓ જર્મની પહોંચ્યાં હતાં અને નૃવંશશાસ્ત્ર તથા યુજેનિક્સના પ્રખ્યાત પ્રોફેસર ફિશરના માર્ગદર્શન હેઠળ ડિગ્રી સંબંધી અભ્યાસ શરૂ કર્યો હતો.

જર્મની એ સમયે પણ પ્રથમ વિશ્વયુદ્ધની અસરથી પીડાઈ રહ્યું હતું અને હિટલર સત્તા પર આવ્યા ન હતા, પરંતુ યહૂદી-વિરોધનું કદરૂપું ભૂત માથું ઉંચકવા લાગ્યું હતું. ઈરાવતી જે ઇમારતમાં રહેતાં હતાં ત્યાં એક યહૂદી વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ખબર પડી એ દિવસે ઈરાવતી તે નફરતનાં સાક્ષી બન્યાં હતાં.

આ પુસ્તકમાં લેખકોએ ઈરાવતીએ તેમના મકાનની બહાર ફૂટપાથ પર પડેલા માણસના મૃતદેહ, કૉન્ક્રિટ પર વહેતા લોહીને જોઈને અનુભવાયેલા ભય, આઘાત અને અણગમા વિશે વાત કરી છે.

ફિશરે આપેલા થીસીસ પર કામ કરતી વખતે ઈરાવતીએ, શ્વેત યુરોપિયનો વધુ તાર્કિક તથા વાજબી હતા અને તેથી બિન-શ્વેત યુરોપિયનો કરતાં વંશીય રીતે શ્રેષ્ઠ હતા એ પુરવાર કરવા આ લાગણીઓ અનુભવી હતી. તેમાં 149 ખોપરીઓના કાળજીપૂર્વકના અભ્યાસ તથા માપનનો સમાવેશ થતો હતો.

ફિશરનું અનુમાન એવું હતું કે શ્વેત યુરોપિયનોમાં મોટા જમણા આગળના લોબ્સને સમાવવા માટે ખોપરી અસમપ્રમાણમાં હતી, જે ઉચ્ચ બુદ્ધિનું માર્કર છે. જોકે, ઈરાવતીના સંશોધનમાં વંશ અને ખોપરીની અસપ્રમાણતા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો ન હતો.

પુસ્તકમાં લેખકો લખે છે, "ઈરાવતીએ ફિશરની પૂર્વધારણા તેમજ એ સંસ્થાના સિદ્ધાંતો અને તે સમયના મુખ્ય પ્રવાહના સિદ્ધાંતોનું ખંડન કર્યું હતું."

પોતાના ગુરુની નારાજગી અને પોતાની ડિગ્રીને જોખમમાં મૂકીને ઈરાવતીએ પોતાનાં તારણ સાહસપૂર્વક પ્રસ્તુત કર્યાં હતાં.

ફિશરે તેમને સોથી ઓછા ગ્રેડ્સ આપ્યા હતા, પરંતુ ભેદભાવને સાચા સાબિત કરવા માટે માનવીય મતભેદોનો ઉપયોગ કરવા બદલ ઈરાવતીની શોધને આલોચનાત્મક અને વૈજ્ઞાનિક રીતે નકારી કાઢી હતી. (બાદમાં નાઝીઓએ પોતાનો એજન્ડા આગળ વધારવા માટે ફિશરના વંશીય શ્રેષ્ઠતાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો અને ફિશર નાઝી પાર્ટીમાં જોડાયા હતા)

બીબીસી કર્વે ઈરાવતી કર્વે નૃવંશશાસ્ત્રી મહિલા ભારત

ઇમેજ સ્રોત, Urmilla Deshpande

ઇમેજ કૅપ્શન, ઇરાવતી કર્વે ભારતમાં તેમના એક પુરાતત્ત્વ કામગીરી દરમિયાન

ઈરાવતી કર્વેએ તેમના સમગ્ર જીવન દરમિયાન, ખાસ કરીને તેમની મુલાકાત થઈ હતી તે તમામ મહિલાઓ પ્રત્યે કરુણા અને અસીમ સહાનુભૂતિ દર્શાવી હતી.

જે સમયે એક મહિલા માટે ઘરથી દૂર મુસાફરી કરવાનું અશક્ય હતું ત્યારે ઈરાવતી સ્વદેશ પાછા ફર્યાં હતાં અને વિવિધ આદિવાસીઓના જીવનનો અભ્યાસ કરવા માટે ભારતનાં અંતરિયાળ ગામડાઓનો પ્રવાસ ક્યારેક પુરુષ સાથીદારો સાથે, ક્યારેક તેમના વિદ્યાર્થીઓ સાથે તો ક્યારેક બાળકો સાથે પણ કર્યો હતો.

ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી જેવા 15,000 વર્ષ જૂનાં હાડકાં મેળવવા માટે તેઓ પુરાતત્ત્વીય અભિયાનોમાં જોડાયાં હતાં. એ કઠોર યાત્રાઓ દરમિયાન તેમણે અઠવાડિયાં કે મહિનાઓ સુધી જંગલો અને ઊબડખાબડ ભૂપ્રદેશનો પ્રવાસ કર્યો હતો. એ દરમિયાન તેઓ કોઠારમાં અથવા ટ્રક બેડ્સમાં સૂતાં હોવાનો અને ઘણીવાર બહુ ઓછા ભોજન સાથે દિવસો પસાર કર્યા હોવાનું વર્ણન આ પુસ્તકમાં છે.

ઈરાવતીએ જીવનના તમામ ક્ષેત્રોના લોકો સાથે વાતચીત કરતી વખતે સામાજિક અને વ્યક્તિગત પૂર્વગ્રહોનો સામનો બહાદુરીપૂર્વક કર્યો હતો.

પરંપરાગત રીતે શાકાહારી, હિંદુ સમુદાયની ઉચ્ચ જ્ઞાતિના ચિત્તપાવન બ્રાહ્મણ ઈરાવતીએ એક આદિવાસી દ્વારા આપવામાં આવેલું આંશિક રીતે કાચું માંસ પોતાના અભ્યાસના હેતુસર કેવી બહાદુરીથી ખાધું હતું તેનું વર્ણન લેખકોએ આ પુસ્તકમાં કર્યું છે. તેમણે એ કૃત્યને દોસ્તીના સંકેત અને વફાદારીની કસોટી ગણીને ખુલ્લા દિલે પ્રતિભાવ આપ્યો હતો.

ઈરાવતી કર્વેના અભ્યાસથી માનવજાત પ્રત્યે ઊંડી સહાનુભૂતિ જાગી હતી, જેના કારણે તેમણે બાદમાં હિન્દુ ધર્મ સહિતના તમામ ધર્મોમાં કટ્ટરવાદની ટીકા કરી હતી. તેઓ માનતા હતાં કે ભારત એ દરેક મનુષ્યનું છે, જેને તેઓ પોતાનું ઘર કહે છે.

યહૂદીઓ દ્વારા નાઝીઓ પર કરવામાં આવેલા અત્યાચારોનો વિચાર કરતાં ઈરાવતીનું મન એક ચોંકાવનારા અહેસાસ તરફ ખેંચાયું હતું અને તેણે માનવજાત વિશેના તેમના દૃષ્ટિકોણને કાયમ માટે બદલી નાખ્યો હતો. એ ક્ષણનું વર્ણન પણ આ પુસ્તકમાં છે.

લેખકો લખે છે, "આ ચિંતને ઈરાવતીને હિન્દુ તત્ત્વજ્ઞાનનો સૌથી મુશ્કેલ પાઠ શીખવ્યોઃ એ બધું તમે પણ છો."

ઈરાવતી કર્વેનું 1970માં અવસાન થયું હતું, પરંતુ તેમનો વારસો તેમના કાર્ય અને તેનાથી પ્રેરિત લોકો દ્વારા ટકી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.