હીરબાઈ લોબી : જ્યારે 500 ડૉલરનું પ્રથમ ઈનામ ગામના વિકાસમાં આપી દીધું, હજારો મહિલાઓને પગભર કરનાર ગુજરાતણનું અવસાન

ઇમેજ સ્રોત, Hanif Khokhar
ગુજરાતમાં મહિલાઓને પગભર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનાર હીરબાઈ ઇબ્રાહીમ લોબીનું શુક્રવાર, 24 જાન્યુઆરીએ નિધન થયું છે.
બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખરના જણાવ્યા અનુસાર, હીરબાઈ 78 વર્ષનાં હતાં અને તેમનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે.
ગીરના જંગલમાં આવેલા જાંબુર ગામમાં જન્મેલા આફ્રિકન મૂળના સિદ્દી જનજાતિ સમુદાયનાં હીરબાઈ લોબીને ભારત સરકારે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યાં હતાં.
તેમણે 700થી વધુ મહિલાઓ અને સેંકડો બાળકોનાં જીવન બદલવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
અભણ હોવા છતાં હીરબાઈએ બાળપણથી રેડિયો સાંભળીને મહિલા વિકાસ યોજનાઓ વિશે માહિતી એકત્રિત કરતી હતી અને સૌપ્રથમ આગા ખાન ફાઉન્ડેશનમાં જોડાયાં હતાં અને પછી ખેડૂતોના સંગઠન BAIF સાથે જોડાયાં હતાં, અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી.
હીરબાઈ થોડો સમય રાજકારણમાં રહીને તાલાળા તાલુકા પંચાયતમાં ચૂંટાયાં હતાં અને સામાજિક ન્યાય સમિતિનાં ચૅરપર્સન બન્યાં હતાં.
હીરબાઈ લોબી કોણ હતાં?

ઇમેજ સ્રોત, ANI
હીરાબાઈએ બાળપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી અને તેમનો ઉછેર તેમનાં દાદીએ કર્યો હતો.
હીરબાઈ સીદી કોમનાં હતાં અને અહીંની સીદી કોમની સંખ્યાબંધ અભણ મહિલાઓ તેઓ પ્રેરણાસ્રોત હતાં. હીરબાઈએ અહીંની આદિવાસી મહિલાઓને પગભર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સીદી સમાજના લોકો મૂળ આફ્રિકાના વતનીઓ છે. હાલ ગીરમાં આવેલા જાંબુરમાં વસતા સીદીઓના વડવાઓને પોર્ટુગીઝ વેપારીઓ દાયકાઓ પહેલાં ગુલામ તરીકે ભારત લાવ્યા હતા.
સમય જતાં પોર્ટુગીઝ વેપારીઓ તો ગયા, પણ સીદી સમાજના લોકો ગીરમાં જ રહી ગયા.
સીદી સમાજનાં મહિલાઓ વર્ષો પહેલાં આજુબાજુના જંગલમાંથી લાકડાં કાપી લાવતાં અને તે લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવતાં હતાં.
આ લોકોને શિક્ષણ, રોજગારી અને અન્ય મામલે જાગૃત કરવામાં સિંહફાળો આપનારાં મહિલા એટલે હીરબાઈ લોબી.
મહિલાઓને પગભર કરવામાં મહત્ત્વની ભૂમિકા

ઇમેજ સ્રોત, ANI
હીરબાઈએ સીદી સમુદાયનાં બાળકોને મૂળભૂત શિક્ષણ પૂરું પાડવા માટે અનેક કિન્ડરગાર્ટન સ્થાપ્યાં હતાં. ઉપરાંત મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2004માં કરી હતી.
હીરબાઈના આ પ્રયાસને કારણે, જાંબુરની મહિલાઓએ કરિયાણાની દુકાનો, સીવણ વગેરે ચલાવીને તેમના પરિવારોને મદદ કરી.
અત્યાર સુધીમાં તેમણે 1000થી વધુ મહિલાઓને બૅન્ક ખાતા ખોલવાનું અને પગભર થવાનું શીખવ્યું હતું.
બીબીસીએ અગાઉ હીરબાઈની મુલાકાત લીધી હતી અને તેમની સફર અંગે માહિતી મેળવી હતી.
એ દિવસોની વાત કરતાં હીરબાઈએ કહ્યું હતું. "20-25 વર્ષ પહેલાં અમારી કોમના લોકો લાકડાં જ કાપતા હતા."
"કાપેલાં લાકડાં વેચાય તો એમનાં છોકરાંને ચટણીને રોટલો ખાવા મળે. ગામમાં ના વેચાય તો બીજા દિવસે બીજે ગામ વેચવા જવું પડે અને છોકરાંને ભૂખ્યાં રાખવાં પડે."
500 ડૉલરનું પ્રથમ ઈનામ ગામના વિકાસમાં આપી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હીરબાઈને બાળપણથી ખેતીનો શોખ હતો અને આગાખાન ફાઉન્ડેશને તેમને વ્યવસ્થિત ખેતીની ટ્રેનિંગ આપી હતી.
તેમને સેન્દ્રીય ખાતર બનાવતાં શીખવ્યું હતું. એ વખતે સીદી સમાજના પુરુષો ખેતીનું કામ કરતા ન હતા. ખેતીનું કામ કરતાં-કરતાં હીરબાઈએ પોતાનું ખેતર પણ લીધું હતું.
હીરબાઈના કહેવા મુજબ, "એક-એક કરીને બધું કર્યું હતું. નબળો સમય હતો. મહિલાઓ અમારી વાડીએ આવતી હતી."
"અમારી વાડીએ કામ કરવા આવતી મહિલાઓના મંડળ બનાવીને 10-10 રૂપિયાથી બચતનું કામ શરૂ કર્યું હતું. 25-30 વર્ષ પહેલાં કોઈનું ખાતું બૅન્કમાં ન હતું. એ વખતે અમારા લોકો ડરતા હતા. બૅન્કના દરવાજે ચોકીદાર બેઠો હોય તો બૅન્કમાં જતાં પણ ડરે."
"મેં એ બહેનોને કહ્યું કે મનમાંથી ડર કાઢી નાખો. જેમ આપણે માણસ છીએ તેમ એ લોકો પણ માણસ છે."
"બહેનો તેમનાં બાળકોને ભણવા મોકલતી ન હતી. આંગણવાડી શરૂ કરાવી અને બાળકોને તેમાં ભણવા મોકલવા માટે બહેનોને સમજાવી."
વીમેન્સ વર્લ્ડ સમિટ 2002માં નેધરલૅન્ડ્ઝ તરફથી તેમને 500 ડૉલરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
હીરબાઈને મળેલું આ પહેલું ઇનામ હતું. એ બધા પૈસા તેમણે ગામના વિકાસમાં લગાવી દીધા હતા.
હીરબાઈએ બીબીસી સાથેની અગાઉની વાતચીતમાં કહ્યું હતું, "ઍવૉર્ડ તો મને બહેનો માટે કામ કરવા બદલ મળ્યા છે. બહેનોમાં જાગૃતિ લાવવા બદલ ઍવૉર્ડ મળ્યા. આંગણવાડી શરૂ કરી એ માટે મળ્યા. એક ઍવૉર્ડમાં જે 500 ડૉલર મળ્યા એ મેં મારા ગામના વિકાસ માટે, શિક્ષણ માટે આપી દીધા હતા."
તેમને રિલાયન્સ તરફથી રિયલ ઍવૉર્ડ, જાનકી દેવી પ્રસાદ બજાજ ઍવૉર્ડ, ગ્રીન ઍવૉર્ડ અને 2022માં નેધરલૅન્ડ્સ તરફથી ઍવૉર્ડ મળ્યા હતા.
ખાતરમાંથી પણ બહેનોને કમાણી કરતી કરી

ઇમેજ સ્રોત, Hanif Khokhar
હીરબાઈ આટલેથી અટક્યાં નહોતાં. તેમની સંસ્થા ઑર્ગેનિક ખાતર બનાવતી. એ ખાતરના વેચાણમાંથી જે નાણાં મળે તેનો પણ તેઓ સદુપયોગ કરતાં.
એ અંગે માહિતી આપતાં હીરબાઈએ કહ્યું હતું, "અમારે ત્યાં બાળક પહેલા ધોરણમાં ભણવા આવે ત્યારે તેના સ્કૂલ યુનિફૉર્મ, પાઠ્યપુસ્તકો અને બેગ મારી સંસ્થા જ તેમને આપે છે."
"દર વર્ષે કેટલાં બાળકો ભણવા બેસવાનાં છે તેની માહિતી અમે અગાઉથી મેળવી લઈએ છીએ અને એ મુજબ આયોજન કરીએ છીએ. અમને અત્યાર સુધી કોઈ સરકારી સહાય મળી નથી."
પોતાના સમાજની સ્ત્રીઓની શક્તિમાં પારાવાર શ્રદ્ધા વ્યક્ત કરતાં હીરબાઈએ કહ્યું હતું, "અમારી બહેનો મહેનત કરીને ગામ માટે આટલું કરે છે."
"અમારી આદિવાસી બહેનો બધું કરી શકે છે એમનામાં બહુ તાકાત છે. સરકાર સપોર્ટ આપે તો વધુ સારું કામ થાય. ક્યા ઘરમાં ગરીબી છે, એ ખબર પડે તો જ ગરીબી દૂર કરી શકાય. બાકી ભારતમાંથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















