ગર્ભાવસ્થા દરમિયાન કેટલી અને કેવી કસરત કરવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ વધુ ચાલવું જોઈએ? શું ગર્ભાવસ્થા વખતે કસરત કરી શકાય? શું ગર્ભાવસ્થા વખતે જોગિંગ કરી શકાય?
સગર્ભા મહિલાઓ અને તેમના પરિવારજનોને આવી પ્રકારની અનેક મૂંઝવણો રહેતી હોય છે.
આ અંગે પાડોશીઓ અને સંબંધીઓ જાતભાતની સલાહો આપતા હોય છે અને કેટલીકવાર આવી સલાહો તમારી મૂંઝવણમાં વધારો કરે છે.
આ વિશે ડૉક્ટરો અને તજજ્ઞો શું સલાહ આપે છે એ જાણીએ આ અહેવાલમાં...
ખરેખર સગર્ભાએ કસરત કરવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના આરોગ્ય વિભાગના સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન પ્રમાણે...
- ગર્ભાવસ્થા વખતે અને એ પછી મહિલાઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ હળવી કસરત અથવા ઍરોબિક્સ કરવું જોઈએ.
- ગર્ભાવસ્થા વખતે અને એ પછી મહિલાઓએ ઝડપથી ચાલવું જોઈએ, આ ઍક્ટિવિટી દરરોજ કરવી જોઈએ.
- જે મહિલાઓ પહેલાંથી જ કસરત કરતી હોય, તેમણે ગર્ભાવસ્થા દરમિયાન પણ કસરત કરવી જોઈએ.
વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનની સલાહ પ્રમાણે...
- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ઓછામાં ઓછી 150 મિનિટ માટે હળવી કે મધ્યમ કસરત કરવી જોઈએ અથવા ચાલવું જોઈએ.
- અલગ-અલગ પ્રકારના ઍરોબિક્સ માંસપેશીઓને મજબૂત કરે છે.
- હળવી કસરતથી સગર્ભાને પ્રિ-ઍક્લેમ્પ્સિયા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, વજનમાં અતિશય વધારો, ડિલિવરી વખતે થતી સમસ્યાઓ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને ઘટાડી શકાય છે, કેટલાક કિસ્સામાં તેને સંપૂર્ણપણે નિવારી શકાય છે.
- હળવી કસરત કરવાથી બાળકના વજન પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી અથવા મૃત્યુનું જોખમ વધતું નથી.
ગર્ભાવસ્થામાં સક્રિય રહેવાથી નોર્મલ ડિલિવરી થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. બીના શાહે જણાવ્યું કે, "ગર્ભાવસ્થા સમયે મહિલાઓએ જમ્પિંગ, જોગિંગ જેવી કસરતો ન કરવી જોઈએ, ચાલી શકાય ખરું અને દરરોજ ચાલવું જ જોઈએ. જે મહિલાઓને ચાલુ પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગની સમસ્યા થાય અથવા ગર્ભનાળ નીચેના ભાગમાં હોય તો આવા કિસ્સાઓમાં ચાલવું ન જોઈએ."
"જે મહિલાઓને મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય તો ચાલવા માટે બહાર ન જવું જોઈએ. જે મહિલાઓને અધૂરા મહિને ડિલિવરી મિસકૅરેજ થઈ ગઈ હોય ત્યારે વૉક ના કરવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ચાલતી વખતે ફૂટવેર અને કપડાંનું વધુ ધ્યાન રાખવું જોઈએ, એ સમયે સાડી કે ચંપલ ન પહેરવા જોઈએ, અને સ્પૉર્ટ્સ શૂઝનો જ ઉપયોગ કરવો જોઈએ."
"જે રસ્તા પર ખાડા ન હોય, પાણી ન હોય તેવી જગ્યાએ જ ચાલવું જોઈએ, બને ત્યાં સુધી શુદ્ધ હવા જ્યાં મળી રહે એવી જગ્યાએ વૉકિંગ કરવું જોઈએ. ચાલવા માટે ગાર્ડન શ્રેષ્ઠ જગ્યા છે."
વધુમાં તેઓએ કહ્યું હતું કે, "ચાલવાથી તમારું શરીર ઍક્ટિવ રહે છે અને લોહીનું પરિભ્રમણ સારું થાય છે. પગના પંજાની કસરતના કારણે પગમાં સોજા આવતા નથી."
"મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન જેટલી વધારે ઍક્ટિવ રહે નૉર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે."
‘રોજ 20-30 મિનિટની કસરત કરવી જોઈએ’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. શિક્ષા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ચાલવું જોઈએ અને હળવી કસરત પણ કરવી જોઈએ. ગર્ભાવસ્થા સમયે રોજ 20-30 મિનિટની કસરત કરવી જોઈએ. કસરત કરવાથી ઍક્ટિવ રહેવાય છે, તેથી મહિલાઓને ડિલિવરી સમયે મુશ્કેલી આવતી નથી."
"પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરો ચોક્કસ પ્રકારની કસરત કરવાનું સૂચવે છે. જાતે યૂટ્યૂબ પર જોઈને કસરત ન કરવી જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે. કસરત માટે ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી જોઈએ."
નવી દિલ્હીના એલેન્ટીસ હેલ્થકૅરના ગાયનેકૉલૉજિસ્ટ ઍક્સપર્ટ ડૉ. મનન ગુપ્તાએ કહ્યું કે, "આ વ્યાયામથી મહિલા તેમના શરીરને ફિટ રાખી શકે અને શરીરને લૅબર પેઇન અને ડિલિવરી માટે તૈયાર કરવામાં પણ મદદ મળે છે."
જ્યારે સી-સેક્શન ડિલિવરી, ઓછા વજનવાળું બાળક અથવા પ્રિ-ટર્મ જન્મનું જોખમ ઘટાડે છે. વધુમાં તે પીઠનો દુખાવો, કબજિયાત, પેટનું ફૂલવું, સોજો અથવા મૂડ અને ઊર્જા લેવલને વધારવા જેવા અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થઈ શકે છે. તેનાથી મહિલાઓને સારી ઊંઘ પણ આવે છે."
(નોંધ- આ અહેવાલ તજજ્ઞો અને ડૉક્ટરનાં તારણો આધારે તૈયાર કરાયો છે, આમ છતાં આ અંગે તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.)












