ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જય શાહ અને રાહુલ દ્રવિડને અર્પણ કરતા શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટી20 વિશ્વકપ જીત્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં તેઓએ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણનો ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ કહ્યું હતું, "હું આ ટ્રૉફીને રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને અર્પણ કરવા માગું છું."
ભારતીય ક્રિકેટ ટીમના હૅડ કોચ ગૌતમ ગંભીરે વર્લ્ડકપ 2026ની ટ્રૉફી વિશે જણાવ્યું હતું કે, "મારે આ ટ્રૉફી સૌથી પહેલાં રાહુલભાઈને અને પછી વીવીએસ લક્ષ્મણને અર્પણ કરવી જોઈએ. કારણ કે ભારતીય ક્રિકેટ ટીમને એક સારા શૅપમાં લાવવા માટે તેમણે કામ કર્યું છે."
"તેમણે તેમના કાર્યકાળમાં જે કર્યું છે તેના માટે મારે તેમનો આભાર માનવો જોઈએ."
તેઓએ વીવીએસ લક્ષ્મણ વિશે કહ્યું હતું, "દ્રવિડ પછી વીવીએસ લક્ષ્મણ બીજા છે, તેમણે કોઈપણ પ્રકારની શરત વિના પડદા પાછળ રહીને ભારતીય ક્રિકેટ માટે કામ કર્યું છે."
ગંભીર કહે છે, "સેન્ટર ફૉર ઍક્સેલન્સ ભારતીય ક્રિકેટરો માટે પાઇપલાઇન છે. ત્રીજા છે અજિત અગરકર, જેમની ખૂબ ટીકા થાય છે પરંતુ તેમણે પ્રામાણિકતાથી ખૂબ મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે."
ગૌતમે ગંભીરે કહ્યું, "ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની હાર પછી જયભાઈએ મને ફોન કર્યો હતો."
જય શાહનો ઉલ્લેખ કરતાં ગૌતમ જણાવે છે કે, "ચોથા છે જય શાહ, હું મારા જીવનના સૌથી આકરા સમયમાંથી પસાર થતો હતો ત્યારે બહુ ઓછા લોકોએ મને ફોન કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંભીર કહે છે, "જય શાહે મારી પર ભરોસો કર્યો, મને જ્યારે જવાબદારી સોંપવામાં આવી ત્યારે મારી પાસે કોઈ ટીમના હૅડ કોચ હોવાનો અનુભવ ન હતો."
જયશંકરે સંસદમાં ઈરાની જહાજને આશ્રય આપવા શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાની જહાજને ભારતમાં આશ્રય આપવા અંગે સંસદમાં નિવેદન આપ્યું છે.
જોકે, તેમણે હિંદ મહાસાગરમાં ડૂબી ગયેલા ઈરાની જહાજ આઈઆરઆઈએસ ડેના વિશે કોઈ ટિપ્પણી કરી નથી.
બુધવારે 4 માર્ચના રોજ, અમેરિકાએ એક વીડિયો પ્રકાશિત કરીને કહ્યું હતું કે, તેના એક સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ પર હુમલો કરીને તેને ડુબાડી દીધું હતું.
આ ઘટનાની ભારતમાં પણ વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી અને વિપક્ષી સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે આ મુદ્દા પર ભારતનું મૌન સંપૂર્ણપણે ખોટું છે.
વિપક્ષી નેતાઓએ કહ્યું હતું, આ જહાજ ભારતનું મહેમાન હતું અને અમેરિકા દ્વારા તેને ડુબાડી દેવામાં આવ્યું, તે ફેબ્રુઆરીમાં ભારતના "મિલન યુદ્ધાભ્યાસ" માં ભાગ લેવા અર્થે અહીં આવ્યું હતું.
આ સાથે, ભારતની દરિયાઈ સુરક્ષા અંગે પણ ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થયા.
હવે, આ ઘટના પછી પહેલીવાર, વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં નિવેદન આપ્યું છે.
સોમવારે શરૂ થયેલા બજેટ સત્રના બીજા ભાગમાં રાજ્યસભામાં બોલતા જયશંકરે કહ્યું , "28 ફેબ્રુઆરીના રોજ, ઈરાની સરકારે અમને આપણા પ્રદેશમાં હાજર ત્રણ ઈરાની જહાજોને આશ્રય આપવા કહ્યું."
"અમે એક માર્ચે તેને મંજૂરી આપી. 4 માર્ચે, આઈઆરઆઈએસ લાવાન કોચી બંદર પર ડોક કર્યું."
"બોર્ડ પરના તમામ ક્રૂ સભ્યો અમારી સંભાળ હેઠળ છે. અમને લાગ્યું કે માનવતાવાદી દૃષ્ટિકોણથી આ યોગ્ય છે."
એસ જયશંકરે એમ પણ કહ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ માટે અમારો આભાર માન્યો છે.
જયશંકરે કહ્યું, "હાલની પરિસ્થિતિમાં, ઈરાની નેતૃત્વનો સંપર્ક કરવો મુશ્કેલ છે, પરંતુ મેં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે અબ્બાસ અરાઘચી સાથે વાત કરી હતી અને અમે ભવિષ્યમાં પણ સંપર્કમાં રહીશું."
રાજકોટમાં હવે આ વિસ્તારમાં ડિમોલિશન થયું, લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક રેલવે વિભાગ દ્વારા આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે રેલવે વિભાગે તેમની માલિકીની જમીન પર થયેલા કથિત કાચાં-પાકાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ડિમોલિશનની વિગતો આપતા પશ્ચિમ રેલવે, રાજકોટના અધિકારી નીતિન વાડકેએ બિપીન ટંકારિયાને જણાવ્યું હતું, "રેલવેની હદમાં આવતી જમીનો પર કરવામાં આવેલાં દબાણો દૂર કરવા માટે અનેકવાર નોટિસ આપવામાં આવી હતી. છતાં દબાણકર્તાઓએ જગ્યા ખાલી ન કરવામાં આવતા આખરે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. કુલ 350 જેટલાં દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં 10 જેટલાં જેસીબી તથા 250નો સ્ટાફ સામેલ છે."
જેમનું ઘર આ ડિમોલિશનમાં સામેલ છે તેવા પીડિતો પૈકી એક જયાબહેન પણ છે. જયાબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મારો જન્મ અહીં થયો હતો. મારે 60 વર્ષ થયાં છે. મારી પાસે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રૅશનકાર્ડ બધું જ છે. તો પછી અમને કેમ અહીંથી કાઢવામાં આવે છે."
આ ડિમોલિશન બાદ કેટલાકે કહ્યું હતું કે તેઓ ફૂટપાથ પર આવી ગયા છે અને તેમને હવે ભાડે મકાન સુદ્ધા મળતું નથી.
વધી રહેલા તેલના ભાવ પર ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 110 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલના ભાવમાં થયેલો તીવ્ર વધારો આપ મેળે ઠીક થઈ જશે. અને ગ્લોબલ સિક્યૉરીટીને માટે ચૂકવવા આ કિંમત નાની છે.
તેમણે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં લખ્યું, "છેલ્લા કેટલાક સમયથી તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તે ઈરાનના પરમાણુ બૉમ્બનું જોખમ દૂર થતાં ઝડપથી ઘટશે. અમેરિકા અને વિશ્વની સુરક્ષા અને શાંતિ અર્થે ચૂકવવા માટે આ કિંમત નાની છે."
તેમણે આગળ લખ્યું, "ફક્ત મૂર્ખ લોકો જ આનાથી આગળ વિચારશે."
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલો આ સૌથી મોટો વધારો છે.
કાચું તેલ 110 ડૉલર પ્રતિ બેરલને પાર, જે ચાર વર્ષમાં સૌથી વધુ છે

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ કાચા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 110 ડૉલર પ્રતિ બેરલથી પણ ઉપર પહોંચી ગયો છે.
તેલ અને ગૅસ સપ્લાય માટે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગો પૈકીના એક, હોર્મુઝની સામુદ્રધુની બંધ થયાં પછી ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો થયો છે.
યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની બંધ છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવ 18 ટકાના વધારા સાથે $108.68 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયા છે. ત્યારે, અમેરિકી તેલ ડબલ્યુટીઆઈની કિંમત પણ લગભગ 20% વધીને 110 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.
ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર હુમલા પછી કાચા તેલની કિંમતોમાં આ સૌથી મોટો વધારો છે. તે સમયે પણ, કાચા તેલના ભાવ 110 ડૉલર પ્રતિ બેરલથી ઘણા ઉપર જતાં રહ્યા હતા.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારતના ટી20 વર્લ્ડકપ જીતવા પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપમાં ભારતની થયેલી જીતને લઈને ખેલાડીઓની પ્રશંસા કરી હતી.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, વિરાટ કોહલીએ કહ્યું, "આપણે ફરીથી ચૅમ્પિયન બન્યા છીએ. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં આપણો શાનદાર વિજય થયો છે. સમગ્ર ટુર્નામૅન્ટ દરમિયાન ખેલાડીઓએ પ્રેશર હોવા છતાં શાનદાર જુસ્સો દર્શાવ્યો, અને કોઈ આ પ્રતિભાશાળી ટીમની આસપાસ પણ પહોંચી શક્યું નથી."
કોહલીએ વિજય માટે સમગ્ર મૅનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારે, રોહિત શર્માએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતીય ટીમની પ્રશંસા કરતા લખ્યું હતું, "આખી ટીમે ખૂબ જ સારી મહેનત કરી. અભિનંદન."
રવિવારે રમાયેલી ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે ન્યુઝીલૅન્ડને હરાવતાંની સાથે જ, ભારતીય ટીમ ત્રણ વખત ટી20 વર્લ્ડકપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે.
આ પહેલાં, ભારતે 2024માં રોહિત શર્માની કૅપ્ટનશીપ હેઠળ અને 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપમાં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.
ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ ધોનીએ ગંભીર વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના ટી20 વિશ્વકપ જીત્યા બાદ પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ, સપોર્ટ સ્ટાફ અને ફૅન્સને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીરને લઈને પણ નિવેદન આપ્યું છે.
ધોનીએ ટ્રૉફી સાથે ટીમ ઇન્ડિયાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરતાં કહ્યું, "અમદાવાદમાં ઇતિહાસ રચાયો. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને દુનિયાભરના ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફૅન્સને ખૂબ અભિનંદન."
તેમણે કહ્યું, "તમને રમતા જોવા ખુશીની વાત છે."
ધોનીએ ગૌતમ ગંભીરની સ્માઇલ પર કહ્યું, "કોચ સાહેબ, તમારા ચહેરા પર મુસ્કાન બહુ સારી લાગી રહી છે. ઇન્ટેસિટી સાથે મુસ્કાન એક કિલર કૉમ્બિનેશન છે. બહોત ખૂબ."
પૂર્વ કૅપ્ટને બૉલર જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું, "બુમરાહ માટે હું કંઈ ન લખું તો જ સારું છે, ચૅમ્પિયન બૉલર."
ટી20 વિશ્વ ચૅમ્પિયન બન્યા બાદ ગોતમ ગંભીરે કોચિંગ અને સોશિયલ મીડિયામાં ચાલતી અટકળો પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટી20 વિશ્વકપ જીત્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં તેમની કોચિંગ રીત અને સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ જવાબ આપ્યો છે.
ગૌતમ ગંભીરને સવાલ કરવામાં આવ્યો કે 'જ્યારે ટીમ સારું પ્રદર્શન નથી કરતી, તો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થાય છે. પરંતુ પડદા પાછળ ખેલાડીઓ સાથે તમારો જે પ્રયાસ છે, તેને હૅન્ડલ કરવાની તમારી જે વ્યક્તિગત પ્રક્રિયા છે, તે જો તમને સમજાવી શકો કે, તમે તેના પર કેટલું કામ કર્યું છે?'
ગૌતમ ગંભીરે તેના પર કહ્યું, "સૌથી પહેલી વાત તો એ છે કે મારી જવાબદારી સોશિયલ મીડિયા પ્રત્યેની નથી. મારી જવાબદારી એ 30 લોકો માટે છે, જે ડ્રેસિંગ રૂમમાં બેઠા છે, ઉપરાંત મારી જવાબદારી ન કોઈ હતી, ન છે, ન રહેશે."
તેમણે કહ્યું, "ભલે મેં કોચ તરીકે બે આઈસીસી ટ્રૉફી જીતી હોય. તે અગત્યનું નથી પણ આવનારા સમયમાં મને લાગે છે કે મારા કોચિંગના કાર્યકાળમાં એ 30 લોકો સૌથી વધુ મહત્ત્વના છે. બાકી કશું જ નહીં."
ભારતીય ટીમ ટી20 વિશ્વકપના ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ત્રીજી વખત વિશ્વ ચૅમ્પિયન બની ગઈ છે.
આ પહેલાં ભારતે 2007 અને 2024માં ટી20 વિશ્વકપ જીત્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











