ઇન્ડોનેશિયામાં પામ ઑઇલની કંપનીઓ આદિવાસીઓને કેવી રીતે છેતરી રહી છે? BBC ઇન્વેસ્ટિગેશન
- લેેખક, મહમદ ઇર્રહામ, અસ્તુડેસ્ટ્રા અજેન્ગ્રાસ્ત્રી અને અઘનિયા અદ્ઝકિયા
- પદ, બીબીસી ન્યૂઝ, ઇન્ડોનેશિયા
જ્યારે કરિયાણાની ખરીદી કરવામાં આવે તો તેમાંની ઘણી વસ્તુઓમાં પામઑઇલ હોવાની સંભાવના છે. તેની સપ્લાય ચૅઇનને જોઈએ તો તે મોટા ભાગે ઇન્ડોનેશિયામાં ઊગતા 'ઑઇલ પામ ટ્રી'થી શરૂ થતી હોય છે પરંતુ જે કંપનીઓ આ પામઑઇલને જૉન્સન એન્ડ જૉન્સન, કૅલોન્ગ્સ જેવી કંપનીઓને વેચે છે, તેઓ ઇન્ડોનેશિયામાં રહેતાં આદિવાસીઓનું આર્થિક શોષણ કરતી હોવાનું બીબીસીની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
માત યાદી પોતાના ભાલા સાથે નદીની સાથેસાથે આગળ વધી રહ્યા છે. તેમનો ભાલો શિકાર કરવા માટે તૈયાર છે, પણ રોજની જેમ આજે પણ તેમણે વીલાં મોઢે પાછું ફરવું પડશે. કારણ કે તેમને શિકાર મળ્યો નથી.
તેઓ કહે છે, "પહેલાં અહીં ડુક્કરો, હરણ અને હૅજહૉગ જોવાં મળતાં હતાં. હવે અહીં ભાગ્યે જ કોઈ જીવે છે."
તેઓ ઇન્ડોનેશિયામાં લુપ્ત થવા આવેલી જનજાતિ ઓરાન્ગ રિમ્બામાંથી આવે છે.
આ જનજાતિના લોકો વર્ષોથી સુમાત્રાના જંગલવિસ્તારમાં રહેતા હતા અને રબરનો ઉછેર કરતા હતા, સાથે જ ભોજન માટે શિકાર કરતા હતા અને ફળો એકઠાં કરતા હતા.
પણ 1990માં તેમના આંતરિયાળ ગામમાં એક પામઑઇલ કંપનીનું આગમન થયું અને તેમણે આ લોકોને સમૃદ્ધિ અને જાહોજલાલીનાં વચનો આપ્યાં હતાં.
તેમને કહેવામાં આવ્યું કે તેમની જમીનના બદલામાં તેમને અડધાથી વધુ જમીન ઑઇલ પામ ટ્રી વાવીને પાછી આપવામાં આવશે.
ઓરાન્ગ રિમ્બાના આ સમુદાય સમક્ષ ઑઇલ પામ ટ્રી એક અજાયબી પાક તરીકે રજૂ કરવામાં આવ્યો, જેની વિશ્વભરમાં ખૂબ માગ છે.
તેમને જણાવવામાં આવ્યું કે તેમના માટે આ ફાયદાનો સોદો રહેશે. કારણ કે કંપની તેમની જમીન પર ઊગેલા ઑઇલ પામ પણ ખરીદી લેશે.
અંદાજે 25 વર્ષ સુધી ઑઇલ પામ ઊગતાં રહ્યા. તેના પર ફળ આવતાં રહ્યાં અને કંપનીના મિલમાં પ્રોસેસિંગ થઈને બનેલા ખાદ્ય તેલે સલીમ ગ્રુપને અબજો રુપિયા બનાવી આપ્યા.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
પણ માત યાદી પ્રમાણે, તેમને જે વાયદા કરાયા હતા, તેમાંથી એક પણ વસ્તુ અત્યાર સુધી મળી નથી.
તેઓ કહે છે, "અમને કંઈ પાછું ન મળ્યું, તેઓ બધું જ લઈ ગયા."
મોટા ભાગના લોકોની જેમ સિતિ મનિન્હા ઑઇલ પામની લણણીની ઋતુમાં વૃક્ષ પરથી પડતાં ફળોને વીણીને ગુજરાન ચલાવે છે.
જો તેઓ નસીબદાર હો તો તેઓ એટલાં ફળો વીણી લે કે એક દિવસ માટે પોતાના પરિવારને ખવડાવી શકાય તેટલાં ચોખા તથા શાકભાજી ખરીદી શકે. તેઓ કહે છે, "એટલું પૂરતું છે પણ વધારે નથી."
આ જનજાતિના લોકોનો અવાજ ઉઠાવનારા અને ખેતી તેમજ વનવિભાગ સાથે સંકળાયેલા સાંસદ ડૅનિયલ જ્હૉન કહે છે, "આ માત્ર એક ઉદાહરણ છે. આવું દરેક જગ્યાએ થઈ રહ્યું છે. આ મોટી કંપનીઓ લાલચુ છે."
ઑઇલ પામના વાવતેર માટે વિશ્વમાં સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતાં જંગલોને સાફ કરવામાં આવ્યાં છે. ઇન્ડોનેશિયામાં એક સમયે જંગલોથી ઘેરાયલા બૉર્નિયો અને સુમાત્રા ટાપુ પર હવે દૂરદૂર સુધી ફેલાયેલું ઑઇલ પામનું વાવેતર જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વાવેતર પાછળ વેપાર અને આર્થિક વિકાસનું વચન અપાયું હતું.
સ્થાનિકોનું સમર્થન મેળવવા અને સરકારી લાભ મેળવવા માટે કંપનીઓ વારંવાર 'પ્લાઝમા' તરીકે ઓળખાતા પ્લૉટમાં વાવેતરને ગ્રામજનો સાથે વહેંચવાના વાયદા કરતી આવી હતી.
જોકે, 2007માં સ્થાનિક સમુદાયોને કોઈ પણ નવા વાવેતરનો પાંચમો ભાગ આપવો એ કાયદેસરની જોગવાઈ થઈ ગઈ હતી.
જ્યાં આ યોજના ચાલી, ત્યાં ગ્રામીણ સમુદાયોને ગરીબીમાંથી બહાર આવવામાં મદદ મળી અને આ સમુદાયના લોકોને વાર્ષિક 50 બિલિયન ડૉલરના આ ક્ષેત્રમાં ભાગીદાર બનાવાયા, પરંતુ સતત આક્ષેપો થતાં રહ્યા કે કંપનીઓ પ્લાઝમા પ્રદાન કરવાનાં વચનો અને કાયદેસરની કાર્યવાહીથી દૂર ભાગી રહી છે.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
આ સમસ્યાની ગંભીરતા અજાણી હતી. જેથી છેલ્લાં બે વર્ષ દરમિયાન બીબીસીની ટીમે ઇન્વૅસ્ટિગેટિવ જર્નાલિઝમ ઑર્ગેનાઇઝેશન 'ધ ગૅકો પ્રોજેક્ટ' અને પર્યાવરણસંબંધિત સમાચાર એજન્સી 'મૉન્ગાબે' સાથે મળીને આ સમસ્યાના મૂળ સુધી જવા પ્રયત્ન કર્યો.
સરકારી આંકડાની તપાસ કરતાં જાણવા મળ્યું કે કંપનીઓએ પ્લાઝમા અંતર્ગત આપવાની થતી અંદાજે એક લાખ હૅક્ટર જમીન લાભાર્થીઓને આપી નથી. આ જમીન અમેરિકાના લૉસ ઍન્જલસ શહેર કરતાં પણ વધારે છે.
પામ ઑઇલમાંથી થતાં નફાના ઉપલબ્ધ આંકડા પરથી અમે અંદાજ લગાવ્યો કે તેનાંથી આ સમુદાયોને દર વર્ષે અંદાજિત 90 મિલિયન ડૉલરથી વંચિત રાખવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રાંત ઇન્ડોનેશિયામાં કૉર્પોરેટ કંપનીઓ સંચાલિત ઑઇલ પામના વાવેતરનો માત્ર પાંચમાં ભાગનો હિસ્સો ધરાવે છે.
કૃષિમંત્રાલયના આંકડાનું ઍનાલિસિસ સૂચવે છે કે પામ ઑઇલ ઉત્પાદક અન્ય પ્રાંતોમાં પણ આવી જ પરિસ્થિતિ છે ઇઅને સમગ્ર ઇન્ડોનેશિયામાં 'પ્લાઝમા'ના લીધે સમુદાયોને કરોડો ડૉલરનું નુક્સાન થઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
જોકે, આ સમસ્યાનું પ્રમાણ સત્તાવાર આંકડામાં જોવા મળતું નથી.
અમારી ટીમે એવી કંપનીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો, જેમના પર કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો અને વાયદાઓ પૂરા ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હોય.
જેના પરથી અંદાજ આવ્યો કે 'પ્લાઝમા' સાથે સંકળાયેલ વિવિધ મુદ્દાને લઈને છેલ્લાં છ વર્ષથી દર મહિને વિરોધપ્રદર્શનો યોજાતાં આવ્યાં છે પરંતુ કેટલાંક રાજ્યોમાં આ વિરોધ ઝડપથી શમી જતો પણ જોવા મળ્યો હતો, કેટલાક કિસ્સામાં હિંસક રીતે પણ.
આપનું ડિવાઇસ આ વિઝ્યુલાઇઝેશનને સપોર્ટ કરી રહ્યું નથી.
વર્ષ 2015માં સ્થાનિક નેતાઓએ સલીમ ગ્રૂપ સાથે એક સમજૂતી કરાવી હતી. જેમાં ઓરાન્ગ રિમ્બા સમુદાયને 'પ્લાઝમા' અંતર્ગત જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
જોકે, જાન્યુઆરી 2017 સુધી તેમ થયું નથી. આ સમુદાય બે દાયકાથી પણ વધારે સમયથી જમીન માટે રાહ જોઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
ગુસ્સે ભરાયેલા સમુદાયના લોકોએ કંપનીનાં ખેતરો પર કબજો જમાવ્યો હતો પણ પ્રતિકારમાં કંપનીએ તેમનાં ઝૂંપડા તોડી પાડ્યાં હતાં. એ બાદ ગ્રામજનોએ કંપનીનાં ખેતરોમાં આવેલા એક ચૅકપોસ્ટ પર આગચંપી દીધી હતી અને કંપનીની ઑફિસના કાચ તોડી નાંખ્યા હતા.
ગ્રામજનોના કહેવા પ્રમાણે 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો.
એક વ્યક્તિએ કહ્યું, "કંઈ પણ પૂછ્યા વિના અમને સતત મારવામાં આવતા હતા." સાત લોકો તોડફોડ કરવાના આરોપમાં દોષિત ઠેરવાયા હતા અને તેમને 18 મહિનાની સજા થઈ હતી.
જોકે, ઇન્ડોનેશિયા પોલીસે આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
વિરોધપ્રદર્શન બાદ ટેબિંગ તિંગી ખાતે પહોંચેલા ડૅનિયલ જ્હૉન કહે છે, "તેમણે ઘણો પ્રતિકાર કર્યો, ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો અને તો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી."
વિરોધપ્રદર્શન બાદ સલીમ ગ્રૂપને સંસદીય કમિશન દ્વારા ઓરાન્ગ રિમ્બાની પૈતૃક જમીન પાછી આપવા ભલામણ કરવામાં આવી પરંતુ પાંચ વર્ષ બાદ પણ સમુદાયના લોકો હજુ પણ રાહ જોઈને બેઠા છે.
સલીમ ગ્રૂપ કે પછી તેની સહભાગી કંપનીઓએ ઇન્ટરવ્યૂ માટે ના પાડી દીધી હતી.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
જ્યારે સમુદાયો દ્વારા કંપનીઓ વાયદા પૂરા ન કરતી હોવાની ફરિયાદ કરે ત્યારે સરકાર મોટાભાગે વાટાઘાટથી સમાધાન કરવા પર ભાર મૂકે છે. એક સંશોધન પ્રમાણે માત્ર 14 ટકા વાટાઘાટો સકારાત્મક સમાધાન સુધી પહોંચી હોય.
ઇન્ડોનેશિયામાં સૌથી વધુ પામ ઑઇલનું ઉત્પાદન કરતા પ્રાંત રિઆઉની પ્લાન્ટેશન ઑફિસના વડા સમસુલ કામર કહે છે કે તેમને દર અઠવાડિયે પ્લાઝમા અંતર્ગત નવી ફરિયાદો મળે છે. તેમના અંતર્ગતની 77 કંપનીઓમાંથી અમુક જ આ મામલે પૂરતું કામ કરે છે.
તેમના સમકક્ષ અધિકારીઓની જેમ તેઓ પણ માત્ર વૉર્નિંગ આપવા સિવાય બીજું કાંઈ કરી શકતા નથી. મોટી કંપનીઓએ વાયદો કર્યો છે કે તેઓ પોતાની સપ્લાય ચૅઇનમાંથી "શોષણ"ને દૂર કરશે.
જોકે, અમે કૉલગેટ-પામૉલિવ અને રૅક્કિટ જેવી 13 કંપનીઓની ઓળખાણ કરી છે, જે ગત છ વર્ષથી પ્લાઝમાથી થનારા લાભને રોકનારા ઉત્પાદકો પાસેથી પામ ઑઇલ મેળવે છે.

ઇમેજ સ્રોત, NANANG SUJANA
જૉન્સન એન્ડ જૉન્સન અને કૅલોન્ગ્સ બન્ને સલીમ ગ્રૂપ પાસેથી ખરીદી કરે છે. જે ઓરાન્ગ રિમ્બા ખાતે વાવેતર ધરાવે છે.
અમારી તપાસના જવાબમાં કંપનીઓએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ સપ્લાયરોને કાયદાની મર્યાદામાં રહેવા માટેની ફરજ પાડે છે પરંતુ અમને જાણવા મળ્યું કે ઘણી કંપનીઓની સપ્લાય ચૅઇનમાં એવી અનેક કંપનીઓ છે જે સરકારી ધારાધોરણોનું પાલન કરતી નથી.
જૉન્સન એન્ડ જૉન્સન, કૅલોન્ગ્સ અને મોંડેલેઝ દ્વારા બોર્નેઓના એક એવા પ્લાન્ટેશનમાંથી પામ ઑઇલ ખરીદવામાં આવે છે, જેને એક દાયકાથી વધારે સમય સુધી કાયદાકીય જોગવાઈનું પાલન ન કરવા બદલ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું.
પ્લાઝમાના મુદ્દાને લઈને એક નિર્ણાયક પગલું ભરતાં જયા સમાયા મોનોંગ નામના રાજકારણીએ પ્લાન્ટેશનમાંથી નીકળતી ટ્રકોને રોકવા માટે પોલીસ તહેનાત કરી હતી.
તેમણે કહ્યું, "જો તેમના વિરુદ્ધ કડક પગલાં નહીં લેવાય તો તેમને એમ લાગશે કે તેઓ તેને અવગણી શકશે."
જૉન્સન એન્ડ જૉન્સન અને કૅલોન્ગ્સે કહ્યું કે તેઓ આ આક્ષેપોને ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેમને આ વિશે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે કૅડબરી બનાવનારી કંપની મોંડેલેઝે કહ્યું કે તે આ મુદ્દાને વધુ સારી રીતે સમજવા અને ભવિષ્યમાં તેને કઈ રીતે સંબોધિત કરી શકાય તે માટે તજજ્ઞોની સલાહ લઈ jur છે.
રૅક્કિટે કહ્યું કે તારણો સંભવિત પ્રણાલીગત સમસ્યાઓનું સૂચન કરે છે. જેને વધુ તપાસ અને વિવિધ જાહેર અને ખાનગી હિતધારકો દ્વારા સંકલિત પગલાંની જરૂર છે.
જ્યારે ક#લગેટ- પામોલિવે કહ્યું કે તેઓ પોતાના સપ્લાયk પ્લાઝમાનું પાલન કરે છે કે નહીં તે તપાસવા માટે એક નવી પ્રણાલી શરૂ કરશે.

ઇમેજ સ્રોત, NOPRI ISMI
ગોલ્ડન ઍગ્રી રિસોર્સિસ બૉર્નિઓમાં વાવેતર કરનાર સૌથી મોટું જૂથ છે. આ જૂથ ઇન્ડોનિશયાની સૌથી મોટી પામ ઑઇલની ઉત્પાદક કંપની છે. આ કંપની ઇન્ડોનેશિયામાં લગભગ પાંચ લાખ હૅક્ટર જમીનમાં વાવેતર કરે છે.
કંપનીએ સ્વીકાર્યું કે તેઓ પ્લાઝમા પૂરુ પાડવાની કાયદાકીય જોગવાઈ પૂરી કરી શકી નથી. કંપનીએ કહ્યું કે હાલમાં તે આ દિશામાં કામગીરી કરી રહી છે.
કંપની જણાવે છે કે આવતા વર્ષે બૉર્નિઓમાં તેઓ પ્લાઝમા પ્લાન્ટેશન માટે કામ કરવાના હતા, પરંતુ એક સ્થાનિક નેતા દ્વારા તે બંધ કરી દેવામાં આવ્યું.
ગોલ્ડન ઍગ્રી રિસોર્સિસ સહિત અન્ય જે કંપનીઓને અમે લખ્યું, તમામનો દાવો છે કે પ્લાઝમા સ્કિમ માટે જમીન મેળવવી તેમના માટે પડકારરૂપ છે.
પરંતુ બૉર્નિઓના જ રાજકારણી જયા કહે છે કે તેમણે કંપનીઓને પ્લાઝમા માટે તેમને મળેલી જમીનની બાજુમાં જ જગ્યા ફાળવવા કહ્યું હતું.
તેઓ આગળ કહે છે, "બસ, હવે વધારે બહાનાં સાંભળવાં નથી. કારણ કે પ્લાઝમા એ મુખ્ય પ્લાન્ટેશનની બાજુમાં જ આપવાની જગ્યા છે. શા માટે ત્યાં પ્લાન્ટેશન છે પણ તેની બાજુમાં પ્લાઝમા નથી?"
ઇન્ડોનેશિયાએ ગયા શુક્રવારે પામ ઑઇલની વૈશ્વિક નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ સોમવારથી આ પ્રતિબંધ હઠાવ્યો છે.
વિશ્વના બજારોમાં પામ ઑઇલની વધતી માગ અને ભાવના કારણે ઇન્ડોનેશિયામાં પામ ઑઇલ ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓએ આ વર્ષે ઘણી કમાણી કરી લીધી છે.
ઇન્ડોનેશિયાના ધનકુબેરોની યાદીમાં પામ ઑઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ટોચમાં છે.
ફૉર્બ્સની ઇન્ડોનેશિયાની સૌથી ધનિકોની યાદીમાં ગોલ્ડન ઍગ્રી રિસોર્સિસ કંપનીનું સંચાલન કરનારા વિડજાજા પરિવાર બીજા નંબરે છે. જ્યારે સલીમ ગ્રુપના સીઈઓ ઍન્થોની સલીમ આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે.
પરંતુ ઓરાન્ગ રિમ્બા સમુદાયના લોકો પોતાનો ભાગ મેળવવા માટે હજુય તત્પર છે.
ઑઇલ પામના વૃક્ષ નીચે કિલિન એક લોકગીત ગાઈ રહ્યા છે. તેનો અર્થ સમજાવે છે, "આપણું હૃદય ભરાઈ જાય છે, જો આપણા પૌત્રો સ્વસ્થ રહે અને ફરી વખત જીવી શકે. અમને અમારી પૈતૃક જમીન પાછી આપી દો. અમને તે જ જોઈએ છીએ."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








