એ વિદ્યાર્થિની જેમણે થાઇલૅન્ડની રાજાશાહીને પડકારી

ઇમેજ સ્રોત, BBC News Thai
"મારા મનમાં એક ડર હતો અને શું પરિણામ આવી શકે છે તેની ભીતિ પણ હતી." આ શબ્દો છે પાનૂસાયા સિથીજીરાવટ્ટાનાકૂલનાં.
ઑગસ્ટમાં 21 વર્ષીય પાનૂસાયાએ થાઇલૅન્ડમાં એક મંચ પર ગભરાયેલા મને ભાષણ આપ્યું હતું પણ પછી તેમણે રાજાશાહીને જાહેરમાં ચેલેન્જ આપી દીધી હતી.
થાઇલૅન્ડની ટોચની યુનિવર્સિટીઓમાંથી એક યુનિવર્સિટીના સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ઉત્સાહની વચ્ચે તેમણે 10 સૂત્રીય ઘોષણાપત્ર વાંચ્યું હતું. જેમાં રાજાશાહીમાં સુધારની વાત પણ કરી.
જોકે આ એક સ્તબ્ધ કરી દેનારું પગલું હતું. કેમ કે થાઇલૅન્ડવાસીઓને બાળપણથી જ રાજાશાહીને સ્વીકાર કરી તેનો આદર કરવાનું શિખડાવવામાં આવે છે.
વળી તેની વિરુદ્ધમાં બોલવાથી ભોગવવાં પડતાં પરિણામોની ભીતિ વિશે પણ ચેતવવામાં આવે છે.
અત્રે નોંધવું કે થાઇલૅન્ડમાં લોકશાહી તરફી દેખાવો થઈ રહ્યા છે અને પ્રદર્શનકર્તાઓ રાજાશાહીને પણ નિશાન બનાવી રહ્યા છે.
આથી અહીં કટોકટી જાહેર કરવી પડી છે. તથા લોકોના ભેગા મળવા પર પણ રોક લગાવાઈ છે.
હૉંગકૉંગની જેમ આ દેખાવોમાં મુખ્ય ચહેરા યુવા વિદ્યાર્થીઓ છે, પાનૂસાયા પણ તેમાંના જ એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'જીવન પહેલા જેવું નહીં રહેશે'

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વમાં કેટલાક દેશો એવા છે જેમાં રાજાશાહીના અનાદરને ગુનો ગણવામાં આવતો કાયદો અમલમાં છે. થાઇલૅન્ડ પણ તેમાં સામેલ છે. તેને 'લિઝ મૅજેસ્ટી લૉ' કહેવામાં આવે છે. જેમાં રાણી, રાજા કે તેમના વારસાદારનું અપમાન કરનારને 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી લોકશાહી તરફી દેખાવોએ દેશમાં નવી લહેર ઊભી કરી છે અને પાનૂસાયા જેવા વિદ્યાર્થીઓ મક્કમપણે ભાગ લઈ રહ્યાં છે.
તેમણે બીબીસી ન્યૂઝની થાઇ સેવાને બાદમાં જણાવ્યું,"મને ખબર છે હવે મારું જીવન પહેલાં જેવું નહીં રહે."
પાનૂસાયાને થાઇલૅન્ડની રાજધાની બૅંગકોકમાં સંખ્યાબંધ લોકો ભેગા થયા હતા અને પ્રદર્શન હાથ ધરાયું હતું ત્યારે તેમને માત્ર 10 મિનિટ પહેલાં જ ઘોષણાપત્ર મળ્યું હતું. તે મળ્યાના 10 મિનિટ પછી તેને તેમણે જનતા સમક્ષ વાંચવાનું હતું.
ઘોષણાપત્રમાં તેમણે ચૂંટણીની સંસ્થાઓ સમક્ષ રાજાશાહીને જવાબદાર ગણાવી અને રાજાશાહીના બજેટમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ તથા રાજાશાહીને રાજકારણમાં દખલગીરી ન કરવા સહિતની બાબતો વાંચી હતી. આમ આ નિવેદને મોટાભાગના થાઇલૅન્ડવાસીઓને સ્તબ્ધ કરી દીધાં હતાં.
"મને એ લોકોએ ઘોષણાપત્ર આપ્યું અને કહ્યું કે શું હું આ વાંચી શકું? મેં જોયું. મને લાગ્યું આ મજબૂત લખાણ છે, તેમને પણ લાગ્યું કે મજબૂત લખાણ છે. એટલે મેં તેને વાંચ્યું."
"મેં મારા સાથી વિદ્યાર્થીઓનો હાથ પકડ્યો અને પૂછ્યું કે શું આપણે યોગ્ય કરી રહ્યા છીએ."
"તેમનો જવાબ હતો કે હા યોગ્ય છે. પછી હું બેઠી થોડી વાર અને એક સિગરૅટ પીધી. પછી મંચ પર ગઈ અને ભાષણ આપ્યું."
બાદમાં પાનૂસાયાનાં ભાષણે વિવાદ સર્જી દીધો હતો અને તેને કેટલાક લિબરલ્સ ઍક્ટિવિસ્ટ તરફથી પ્રશંશા મળી તો રાજાશાહી સંબંધિત મીડિયાએ તેને વખોડ્યું. જેમાં કેટલાક થાઇલૅન્ડવાસીઓની ગેરમાન્યતાઓ પણ ભળેલી હતી.

'તમારા જ દેશને નફરત કરવી એ એક રોગ છે'

ઇમેજ સ્રોત, Reuters
રેલીપ્રદર્શનના કેટલાક દિવસો પછી પાનૂસાયાનો વિરોધ કરનારા જૂથો આગળ આવ્યા. ફેસબુક પર રાજાશાહીના સમર્થક કાર્યકર્તાઓએ તેમની પર શાબ્દિક પ્રહારો શરૂ કર્યા.
વળી કેટલાકે તો એવા આરોપ પણ લગાવ્યા કે તેમને રિપલ્બિકન રાજનેતાઓએ ભ્રમિત કરી દીધા છે. જોકે પાનૂસાયાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા.
આ વિશે લશ્કરનું પ્રભુત્ત્વ ધરાવતા દેશના શક્તિશાળી આર્મી કમાન્ડર અપિરાત કૉંગસૉંપોગનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ 'ચંગ ચાર્ટ'થી અસરગ્રસ્ત છે. આ શબ્દનો અર્થ થાય છે પોતાના દેશને નફરત કરવી. તેમણે ઉમેર્યું કે આ બાબત ખરેખર કોવિડની મહામારી કરતા પણ વધુ જોખમી છે.
તેમણે ઉમેર્યું, "તમારા જ દેશને નફરત કરવી એ એક અસાધ્ય રોગ છે."
દરમિયાન પાનૂસાયા કહે છે કે એક નાના બાળક તરીકે થાઈ પરિવારમાં રાજાશાહીની સત્તા સંબંધિત બાબતનો એક કડવો અનુભવ તેમને હજુ પણ યાદ છે.
આ કડવા અનુભવ વિશે તેઓ જણાવે છે કે એક દિવસ એક અધિકારી તેમના ઘરે આવ્યા અને તેમના પરિવારને ઘરની બહાર આવવા કહ્યું હતું. પછી તેમને બહાર બેસાડી દેવાયાં અને રાજાશાહીના કાફલાનું અભિવાદન કરવા કહેવામાં આવ્યું હતું.
"અમારે શા માટે તડકામાં બહાર રાજાશાહીના કાફલાને જોવા ઘરની બહાર રહેવાનું? અમને કંઈ સમજાતું નહોતું કે અમે શું કરીએ. પણ હું તો બહાર નહોતી ગઈ."
ત્રણ બહેનોમાં પાનૂસાયા સૌથી નાનાં છે અને તેમને પહેલાથી જ રાજકારણમાં રસ છે. તેઓ સ્કૂલમાં પણ સાથીમિત્રો સાથે રાજકારણની વાતો કરતાં હતાં. વળી જ્યારે વર્ષ 2014માં તખ્તાપલટ થયો ત્યારે તેમના પિતા પરિવારમાંથી એકમાત્ર વ્યક્તિ હતા જેમણે રાજનીતિમાં રસ લીધો હતો. જેથી તેમને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા મળી.
"અને પછી મારામાં મોટું પરિવર્તન આવ્યું. મને બોલવાની હિંમત જાગી."

ઇમેજ સ્રોત, EPA
પાનૂસાયા પ્રતિષ્ઠિત થામાસેટ યુનિવર્સિટીમાં દાખલ થયાં પછી રાજકીય રીતે વધુ સક્રિય થઈ ગયાં. બે વર્ષ પૂર્વે તેઓ 'ડૉમ રૅવૉલ્યૂશન' નામના વિદ્યાર્થી સંગઠનની રાજકીય પાર્ટીમાં જોડાયાં હતાં.
ફેબ્રુઆરીમાં તેમણે 'ફ્યૂચર ફૉરવર્ડ પાર્ટી'ના વિઘટન પછી શરૂ થયેલા લોકશાહી તરફી નવા દેખાવોના આયોજનમાં મદદ પૂરી પાડી હતી.
ફ્યૂચર પાર્ટી યુવા મતદારોમાં ઘણી લોકપ્રિય હતી. પણ તેના નેતાઓ દ્વારા પાર્ટીને ગેરકાનૂની લૉન મળી હોવા મામલે કોર્ટના વિવાદીત ચુકાદા બાદ તેને પ્રતિબંધિત કરી દેવાઈ હતી.
વળી પાર્ટીએ વર્ષ 2019 સામાન્ય ચૂંટણીમાં સારુ પરફૉર્મન્સ બતાવ્યું હતું. જોકે તેને પ્રતિબંધિત કરવાના નિર્ણયને તેના સમર્થકોએ પાર્ટીના વધતા રાજકીય પ્રભુત્વને રોકવાના પ્રયાસ બરાબર ગણાવ્યો હતો.
પણ તાજેતરના વર્ષોમાં થાઇલૅન્ડમાં વધી રહેલા લોકશાહી તરફી દેખાવોને વેગ આપવા માટે માત્ર આ જ ઘટનાઓ જવાબદાર નથી.
રાજા મહા વજિરાલૉંગકોર્ન, જેમની તાજપોશી વર્ષ 2016માં થઈ હતી તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળ્યા છે. કોવિડની મહામારી આવી ત્યારથી તેઓ મોટાભાગે વિદેશમાં જ રહ્યા છે. સોશિયલ મીડિયા પર થાઇલૅન્ડના લોકોએ આ નિર્ણયની ઘણી ટીકાઓ કરી હતી.

ઇમેજ સ્રોત, PANUSAYA SITHIJIRAWATTANAKUL
ઉપરાંત થાઇલૅન્ડમાં કેટલાક ભ્રષ્ટાચાર સંબંધિત કૌભાંડો પણ થયા છે. જેમાં એક વિવાદ ઘણો ચર્ચામા રહ્યો હતો. એ વિવાદ એમ હતો કે વર્ષ 2012માં એક ઘાતક અકસ્માત કેસમાં રેડ બૂલ કંપનીના માલિકી ધરાવતા જૂથની વ્યક્તિ સામેના ગુના રદ કરી દેવાયા હતા.
બીજી તરફ થાઇ સરકારનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરે છે અને ટીકાને સહન પણ કરે છે પરંતુ વિદ્યાર્થીઓએ કાયદાની હદમાં રહીને હકોનો ઉપયોગ કરવો જોઈએ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં ન મૂકવી જોઈએ.
વિદ્યાર્થીઓને પણ તેમની સુરક્ષાની ચિંતા છે. વર્ષ 2014ના તખ્તાપલટ પછી વિદેશ ભાગી ગયેલા એકંદરે 9 કાર્યકર્તાઓએ સરકારની ટીકા કરી હતી પણ તેઓ એકાએક લાપતા થઈ ગયા હતા. જેમાં બાદમાં બે વ્યક્તિની લાશ નદી કિનારેથી મળી આવી હતી.
જોકે આ મામલે થાઇ સરકારે તેની કોઈ ભૂમિકા નહીં હોવાનું કહ્યું હતું.
પાનૂસાયા કહે છે કે જ્યારથી તેમણે ઘોષણાપત્ર વાંચ્યું છે ત્યારથી તેમની હિલચાલ પર નજર રાખવામાં આવે છે અને કૅમ્પસમાં પણ નજર રાખવામાં આવી રહી છે.
"તેઓ સાદા કપડામાં હોય છે. તેમની હૅરકટ જોઈને કહી શકું કે તેઓ પોલીસ છે અને તેઓ જાહેરસ્થળો પર મારી તસવીરો લે છે."
જોકે તેમની હજુ સુધી ધરપકડ નથી થઈ. તેઓ કહે છે કે તેઓ ક્યારેય સત્તાધિકારીઓ સમક્ષ સરૅન્ડર નહીં કરે.

ઇમેજ સ્રોત, BBC NEWS THAI
વળી તેમની સામે લિઝ-મૅજેસ્ટી કાનૂન હેઠળ કાર્યવાહી નથી થઈ. રાજપરિવારની વિનંતીને પગલે આ કાયદાનો તાજેતરના વર્ષોમાં ઓછો પ્રયોગ થયો છે પરંતુ પોલીસે ખોટી માહિતીઓ વહેંચવી અને રાજદ્રોહ સહિતના ગુના હેઠળ વૉરંટ ઇસ્યૂ કર્યા છે. કેમ કે પ્રદર્શનકર્તાઓએ કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પણ કર્યું છે.
આ કેસોમાં રાજદ્રોહમાં મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
બીજી તરફ પાનૂસાયાને પણ કેટલીક પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પર મર્યાદા ઓળંગી હોવાના આરોપ લાગ્યા છે.
જેથી પાનૂસાયાના માતા પણ ડરી ગયાં છે અને તેમણે તેને બહાર ન જવા વિનંતી કરી હતી.
આને કારણે તેમણે પાનૂસાયા સાથે પાંચ દિવસ સુધી વાતચીત નહોતી કરી.
"મારી માતાને ચિંતા છે, પણ તેઓ જાહેર નથી કરતાં અને સામાન્ય રહે છે. પણ જ્યારે તેઓ બહેનો સાથે હોય ત્યારે તેઓ ક્યારેક રડવા લાગે છે."
પછી તેમના માતાએ આ મામલે માથાકૂટ બંધ કરી દીધી અને કહ્યું કે તેમને જેમ કરવું હોય તેમ કરે. પરંતુ રાજાશાહી મામલે સચેત રહેવાની ચેતવણી આપી હતી.
જોકે બાદમાં કેટલીક રેલીઓ પછી તેઓ માનસિક રીતે ઘણા તૈયાર થઈ ગયાં છે જેમાં જેલમાં જવાની બાબત ખાસ છે. તેઓ રાજાશાહી, લશ્કરી, બંધારણ અને શિક્ષણ સહિતની બાબતે આગેકૂચ કરી રહ્યા છે.
તેમણે કહ્યું,"મારી માતાએ સમજવું જોઈએ કે અમે આ મજા માટે નથી કરી રહ્યાં. આ ગંભીર બાબત છે અને અમારે કરવું જ પડશે. આ અમારી ફરજ છે. મને તેના પર ગર્વ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















