ગુજરાત પેટાચૂંટણી 2020 : ભાજપ હારેલા ઉમેદવારો પર દાવ કેમ ખેલી રહ્યો છે?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, CMO Gujarat twitter

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે અને પાર્ટીઓએ તમામ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.

ગુજરાતમાં અગાઉ થયેલી રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને તેમની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.

ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે.

અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા - આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

આ ચૂંટણીમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જે ગત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામાં આપ્યાં હતાં, તેઓને ફરી ટિકિટ મળી નથી કે અપાઈ નથી.

તેમાં ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ, લીમડીના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ (કોળી) અને ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

પણ ત્રણ ધારાસભ્યો એવા છે, જેઓ ગત ચૂંટણીમાં હાર્યા હતા અને તેમને ફરી ભાજપે ટિકિટ આપી છે.

તો શું ભાજપની આ રણનીતિથી પેટાચૂંટણીમાં કોઈ ચોક્કસ અસર થઈ શકે કે સ્થાનિક સ્તરે નુકસાન કે લાભ થઈ શકે છે?

ભાજપની રેલી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં આ આઠ બેઠકો માટે ત્રીજી નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે.

કોરોનાના સમયમાં પહેલી વાર થતી ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચારમાં લાગી ગયા છે અને જીતના દાવા પણ કરી રહ્યા છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક પરથી કૉંગ્રેસના સોમા ગાંડા પટેલે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા.

તો ગઢડા (એસ.સી.) સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને હરાવ્યા હતા.

એ જ રીતે ડાંગની બેઠક પરથી કૉંગ્રેસના મંગળ ગાવિતે ભાજપના વિજય પટેલને હરાવ્યા હતા.

જોકે આ ચૂંટણીમાં ભાજપે ફરી વાર લીમડીથી કિરીટસિંહ રાણા, ગઢડાથી આત્મારામ પરમાર અને ડાંગમાંથી વિજય પટેલને ટિકિટ આપી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજકીય નિષ્ણાતો અનુસાર અગાઉ થયેલી ભૂલોને સુધારવા માટે તેમને ફરીથી ટિકિટ આપી હોય એવું લાગી રહ્યું છે.

લીમડી બેઠક પર ક્ષત્રિય, કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે, અહીં પાટીદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

જોકે ભાજપ કે કૉંગ્રેસે અહીં કોળી ઉમેદવારને પસંદ કર્યા નથી. ભાજપમાંથી કિરીટસિંહ રાણા અને કૉંગ્રેસમાંથી ચેતન ખાચર ચૂંટણી લડી રહ્યા છે.

આથી આ બેઠક પર સોમા ગાંડા પટેલ પણ મોટી ભૂમિકા ભજવી શકે છે.

રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "આત્મારામ પરમાર અને કિરીટસિંહમાં એવું છે કે તેઓ એક વાર જીતે છે અને એક વાર હારે છે. એમની સ્થાનિક લેવલે પકડ તો છે જ."

"એટલે નહીં જીતી શકે એ કહેવું મુશ્કેલ છે અને આ વખતે તેમની સાથે કૉંગ્રેસના ધારાસભ્યો પણ છે, જે ગત ચૂંટણીમાં ચૂંટાયા હતા. એટલે એ પણ પક્ષને ફાયદો કરાવી શકે તેમ છે."

જોકે તેઓ એમ પણ કહે છે કે કૉંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવામાં આવ્યા તેનાથી પાંચેય બેઠકો પર ભાજપમાં આંતરિક વિરોધ થઈ રહ્યો છે.

line

ભાજપને હારેલા ઉમેદવાર ફળશે?

ડાંગના ભાજપના ઉમેદવાર વિજય પટેલ

ઇમેજ સ્રોત, Gujarat bjp

ઇમેજ કૅપ્શન, ડાંગના ભાજપના ઉમેદવાર વિજય પટેલ

જે આઠ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, એ તમામ બેઠકો 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ખાતામાં હતી અને રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

આમ જોવા જઈએ તો ભાજપમાં માટે કશું ગુમાવવા જેવું છે નહીં. ભાજપ પણ માને છે કે તેમને તો આ પેટાચૂંટણીમાં 'વકરો એટલો નફો' છે.

કેટલાક રાજકીય નિષ્ણાતોના મતે પેટાચૂંટણીનું એટલું બધું મહત્ત્વ હોતું નથી. રાજકીય પક્ષો સિવાય સામાન્ય લોકોને આમાં બહુ ઓછો રસ હોય છે.

આમ પણ હાલમાં કોરોનાના સમયમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા લોકોને ચૂંટણીમાં બહુ રસ દેખાતો નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તાલીમ રિસર્ચના ડિરેક્ટર અને જાણીતા સેફોલૉજિસ્ટ એમ.આઈ. ખાનના મતે ગુજરાતમાં યોજાતી પેટાચૂંટણી સત્તાધારી પક્ષ અને વિપક્ષ માટે બહુ મહત્ત્વની માનવામાં આવતી નથી.

હારેલા ઉમેદવારને ફરીથી ટિકિટ આપી એ સંદર્ભે બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "તેમની એક વોટબૅન્ક છે અને તેને તેઓ ચાલુ રાખવા માગે છે."

"જો નવો ઉમેદવાર લાવે તો તેનું સમીકરણ અલગ હોઈ શકે છે. એટલે આ ચૂંટણીથી કોઈ ફરક પડે એવું લાગતું નથી. બની શકે કે ભાજપ એ ત્રણેય સીટ જીતી પણ જાય."

તો યુવાપત્રકાર અને રાજકીય વિશ્લેષક ફયસલ બકીલી ડાંગ બેઠકની વાત કરતાં કહે છે કે "વિજય પટેલ બહુ ઓછા માર્જીનથી ચૂંટણી હાર્યા હતા. વિજય પટેલ અગાઉ ચાર વાર ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમાં એક વાર જીત્યા છે. હવે તેઓ પાંચમી વાર ચૂંટણી લડી રહ્યા છે."

"તો પાર્ટીએ તેમને ફરી વાર કયાં સમીકરણને આધારે ટિકિટ આપી છે એ પણ આશ્ચર્ચજનક છે."

"ડાંગમાં તેઓ 2007ની ચૂંટણી જીત્યા હતા અને 2006માં ડાંગમાં શબરીકુંભ નામે એક મોટો મેળો થયો હતો. પછીના વર્ષમાં આવેલી ચૂંટણીમાં તેનો લાભ વિજય પટેલને મળ્યો હતો."

બકીલીના જણાવ્યા અનુસાર, ભાજપ પાસે બીજો એવો કોઈ ચહેરો નહોતો કે આખા જિલ્લા પર પ્રભાવ રાખી શકે. તો ડાંગમાં કૉંગ્રેસના પ્રતિબદ્ધ મતદારો પણ છે.

લીમડી બેઠકની વાત કરતાં તેઓ કહે છે "કિરીટસિંહને ફરી લાવવાનું કારણ એ હોઈ શકે કે તેઓ કમિટેડ છે અને કોઈ ભરપાઈ કરવા માગતા હોય એવું બની શકે. એટલે ત્રણેય સીટ પર કરેલી ભૂલને સુધારવાની તક આપતા હોય એવું લાગી રહ્યું છે."

line

ભાજપને જીતનો ભરોસો

આત્મરામ પરમાર

ઇમેજ સ્રોત, Gujarat bjp

ઇમેજ કૅપ્શન, ભાજપના ગઢડાના ઉમેદવાર આત્મારામ પરમાર

ગુજરાતના ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી બીબીસી સાથે વાત કરતાં કહે છે કે ભાજપનો મતદાર અને કાર્યકર એ ઉમેદવારને નથી જોતો કમળને મત આપે છે. અમારું મતદાન એ કમળ પરનું મતદાન છે, મતદાર વ્યક્તિને મતદાન નથી કરતો."

"આ ત્રણેય સીટ પરના ઉમેદવારો ભાજપના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો છે અને રિપિટેડ ચૂંટણી જીત્યા પણ છે અને હાર્યા પણ છે."

"જે તે સમયે આ ત્રણેય સીટ પર પાટીદાર આંદોલનની અસર હતી અને આઠેય સીટો પર બહુ પાતળી સરસાઈથી હારજીત થઈ હતી. એટલે આ વખતે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે આઠેય આઠ બેઠકો જીતીશું."

હારેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ અપાતાં સ્થાનિક કાર્યકરોમાં નારાજગી થઈ શકે કે ખરી એ સવાલના જવાબમાં કિશનસિંહ સોલંકી કહે છે, "ત્રણેય ઉમેદવારોએ તેમના વિસ્તારમાં લાંબા સમય સુધી કામ કર્યું છે, સંગઠનમાં રહ્યા છે."

"રાષ્ટ્રવાદી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને વરેલા છે. જે સમયે સ્થાનિક કારણો અને આંદોલનને લીધે અસર થઈ હતી, હવે અમને જીતનો ભરોસો છે."

line

પેટાચૂંટણીના ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપ તરફથી કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે અને કૉંગ્રેસે ડૉ. શાંતિલાલ સંઘાણીને ઉમેદવાર બનાવ્યા છે.

તો પાટીદારોના પ્રભુત્વવાળી મોરબી બેઠક પરથી ભાજપ તરફથી બ્રિજેશ મેરજાની પસંદગી કરવામાં આવી અને કૉંગ્રેસમાંથી જયંતીલાલ પટેલ ઉમેદવાર છે.

અમરેલીની ધારી બેઠક પર ભાજપે જે. વી. કાકડિયા પર પસંદગી ઉતારી છે, તો કૉંગ્રેસે અહીં સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. તો કૉંગ્રેસે અહીં મોહનભાઈ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ દ્વારા કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો કૉંગ્રેસે અહીં કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે.

તો ભાજપે ડાંગ બેઠક માટે વિજય પટેલને ટિકિટ આપી છે અને કૉંગ્રેસમાંથી સૂર્યકાંત ગામિતને મેદાનમાં ઉતારાયા છે.

અને કપરાડા બેઠક માટે ભાજપે જિતુભાઈ ચૌધરીને પસંદ કર્યા છે અને કૉંગ્રેસના ઉમેદવાર બાબુબાઈ વરથા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો