રોમ પર ચડાઈનાં 100 વર્ષ : કેવી રીતે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં સત્તા કબજે કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાન ફ્રાન્સિસ્કો અલોન્સો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
"સરકારની ધુરા અમને સોંપી દો નહીં તો અમે રોમ પર ચડાઈ કરીને કબજે કરી લેશું!"
24 ઑક્ટોબર, 1922ના રોજ નિયોપૉલિટન પ્લૅબિસિટો સ્કવેર ખાતે બેનિટો મુસોલિનીએ પોતાના સમર્થકોની સભા બોલાવી હતી. તેમાં કેટલાય લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. આ લોકો ઇટાલીની રાજધાની પર કૂચ કરીને રાજા વિક્ટર ઈમાન્યુઅલ તૃતિયને ફરજ પાડવા માગતા હતા કે તેમની સરકારની ધુરા તેમને સોંપી દે.
મુસોલિનીના પક્ષ નેશનલ ફાસિસ્ટ પાર્ટી (PNF)ની બહુ ઓછી બેઠકો સંસદમાં હતી - 535માંથી માત્ર 35 છતાં તે તાકાત દેખાડી રહ્યા હતા.
મામલો ગંભીર હતો, છતાંય બહુ ઓછા લોકોએ આ ધમકીને ગંભીરતાથી લીધી હતી. મુસોલિનીના ટેકેદારોને પણ માન્યામાં આવે તેમ નહોતું, પરંતુ એક જમાનાના પત્રકાર અને ક્રાંતિકારી સમાજવાદી નેતા એવા મુસોલિનીએ ઇતિહાસમાં ફાસીવાદી પ્રથમ સરકારની સ્થાપના શક્ય બનાવી દીધી.
મુસોલિની ફાસીવાદી સત્તા સ્થાપી શક્યા તેનાં ગંભીર પરિણામો ઇટાલીએ ભોગવવા પડ્યાં એટલું જ નહીં, સમગ્ર યુરોપ અને વિશ્વને પણ આગામી દિવસોમાં તેની અસરોમાંથી પસાર થવું પડ્યું હતું.
એ ઘટનાને 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે બીબીસી મુન્ડોએ ઇતિહાસકારો, રાજકીય વિશેષજ્ઞો અને વિશ્લેષકો સાથે વાતચીત કરીને કઈ રીતે ફાસીવાદી સરકારની સ્થાપના શક્ય બની હતી તે જાણવાની કોશિશ કરી છે.

ક્રાંતિની દંતકથા

ઇમેજ સ્રોત, Getty Images
બળવો કરાવીને સત્તા કબજે કરી લેવા માટેની એક યોજના મુસોલિનીએ ઘડી કાઢી હતી, જે "રોમ પર ચડાઈ" તરીકે પ્રસિદ્ધ બની છે.
27 અને 28 ઑક્ટોબર, 1922ના રોજ તેમણે ટુકડીઓ એકઠું કરવાનું શરૂ કર્યું, જેમાં ડઝનબંધ ફાસીવાદી લડવૈયા હતા. તેમના યુનિફોર્મને કારણે તેઓ "બ્લૅક શર્ટ્સ" તરીકે જાણીતા થયા હતા. આવી ટુકડીઓએ ઉત્તર અને મધ્ય ઇટાલીનાં નગરો પર કબજો કરવાનું શરૂ કર્યું. નગરના વહીવટદારોને હઠાવીને મિલિટરી તથા પોલીસમથકો પર પણ હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીઝા, ફ્લૉરેન્સ અને ક્રેમોનારા જેવાં નગરો, કેટલાક કિસ્સામાં કોઈ લોહી વહાવ્યા વિના જ કબજે કરી લેવાયાં તે પછી "બ્લૅક શર્ટ્સ" ટુકડીઓ પાસે હવે સરકારી દળો અને પોલીસ પાસેથી કબજે કરેલા શસ્ત્રો પણ આવી ગયાં હતાં. શોટગન, પિસ્તોલ અને પોલીસ દંડાઓથી સજ્જ થઈને આ ટુકડીઓ હવે રોમ તરફ આગળ વધવા લાગી.
રોમમાં વડા પ્રધાન લુઈજી ફેક્ટાએ સેના અને પોલીસને આદેશ કર્યો કે "કોઈ પણ ભોગે" બંદોબસ્ત ગોઠવો અને મુસોલિનીની ટુકડીઓને રોમમાં પ્રવેશ કરતા અટકાવો. 28 તારીખે તેમણે એક વટહુકમ તૈયાર કરીને રાજા સમક્ષ મૂક્યો છે, જેથી દેશમાં કટોકટી જાહેર કરી શકાય અને બળવો કરનારાની ધરપકડો કરી શકાય.
જોકે આવા વટહુકમ પર સહી કરવાનો રાજાએ ઇનકાર કર્યો એટલે ફેક્ટાએ રાજીનામું આપી દેવું પડ્યું.
બીજા દિવસે રાજા વિક્ટરે સરકારની ધુરા બળવાખોરોના નેતાને સોંપી દીધી, પરંતુ તેનો સ્વીકાર ના થયો કેમ કે તેની સાથે કેટલીક શરતો હતી. રાજાએ શરત મૂકી હતી કે મધ્યમમાર્ગી નેતાઓ સાથે બળવાખોરોએ સત્તામાં ભાગીદારી કરવાની હતી. જોકે બાદમાં રાજાએ તે શરત પડતી મૂકી અને મુસોલિની માની ગયા અને મિલાનમાંથી રોમ પહોંચીને સરકાર રચવાની દરખાસ્ત સ્વીકારી લીધી.
સરકાર રચવાની માગણી સ્વીકારી લેવાઈ હતી, તેમ છતાં ફાસીવાદી દળોએ કૂચ ચાલુ રાખી અને 31 તારીખે રાજાના નિવાસસ્થાન ક્વિરિનલ પૅલેસ સામેથી પરેડ કાઢી હતી.
ઇતિહાસકાર અલ્વારો લોઝાનો કહે છે, "ફાસીવાદીઓમાં એક દંતકથા એવી ચાલે છે કે ઑક્ટોબર 1922માં તેઓએ આક્રમણ કરીને સત્તા મેળવી લીધી. હકીકતમાં તેમને સત્તા સામેથી સોંપી દેવામાં આવી હતી."

સંજોગોનો સાથ

ઇમેજ સ્રોત, Getty Images
"મુસોલિની ઍન્ડ ઇટાલિયન ફાસીઝમ" નામના પોતાના પુસ્તકમાં લોઝાનો લખે છે કે ફાસીવાદના ભક્તો ભવ્ય જીત અને ચડાઈની વાતો કરે છે તેમાં કંઈ દમ નથી.
તેઓ કહે છે, "રોમમાં ભારે વરસાદ પડ્યો હતો અને તે પછી આ ટુકડીઓ વીંખાઈ ગઈ હતી એટલે મુસોલિની કલ્પના પ્રમાણે સીઝર જેવી ભવ્ય સેના કલ્પનામાં જ રહી ગઈ હતી."
તેઓ ઉમેરે છે, "લશ્કરી રીતે આ ચડાઈ બહુ ઢંગધડા વિનાની હતી. સેનાની 16મી ઇન્ફન્ટ્રી ડિવિઝનમાં 12,000 સૈનિકો હતા, તેમણે આ ટુકડીઓને આસાનીથી કચડી નાખી હોત. ધાંધલ અને ધમાલ વચ્ચે ચડાઈ થઈ હતી, પણ સંજોગોને કારણે મુસોલિની ફાવી ગયા હતા."
તે વખતે સત્તામાં રહેલા લોકોમાં સંકલનનો અભાવ હતો તેનો સૌથી મોટો ફાયદો મળ્યો હતો. અમુક પ્રસંગોને બાદ કરતાં સેનાએ બળવાખોરો સામે ભાગ્યે જ કોઈ કામગીરી કરી હતી.

દુશ્મનોની ભૂલોનો ફાયદો

ઇમેજ સ્રોત, Getty Images
1919માં મુસોલિનીએ ફાસી ઇટાલિયાની દી કોમ્બેટિટિમેન્ટો નામે સંગઠન બનાવ્યું હતું, જેમાં બીજા વિશ્વયુદ્ધમાં લડેલા સૈનિકો અને અફસરો જોડાયા હતા.
આ સંગઠન શરૂઆતમાં પ્રજાતંત્રને સમર્થન આપતું રહ્યું હતું અને તેમની સાથે ઔદ્યોગિક કામદારો અને ધાર્મિક સંસ્થાઓને પણ જોડવામાં આવી હતી. આમ છતાં ચૂંટણીઓમાં તેમને ખાસ સમર્થન ના મળ્યું તે પછી મુસોલિનીએ વલણ બદલ્યું હતું.
આ ફાસીવાદીઓ હવે રાષ્ટ્રવાદની વાતો કરવા લાગ્યા અને સમાજવાદની સામે ઉગ્ર વિરોધ કરવા લાગ્યા. તેના કારણે વેપારી વર્ગમાંથી, સેનામાંથી અને રૂઢિચુસ્ત વર્ગોમાંથી પણ તેમને ટેકો મળવા લાગ્યો હતો.
લોઝાનો કહે છે, "1922ના મધ્યમાં અર્થતંત્ર પડી ભાંગ્યું હતું અને તેના કારણે ઇટાલીમાં બહુ કફોડી સ્થિતિ હતી."
તેઓ કહે છે, "જુલાઈ 1922ના અંત ભાગમાં આ ફાસીવાદીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માગણીઓ સાથે સમાજવાદી યુનિયનોએ હડતાળ પાડી હતી. આ તકનો લાભ લઈને મુસોલિનીએ પ્રચાર કર્યો કે આ ડાબેરીઓ બહુ જોખમી છે અને તેમનો સામનો માત્ર ફાસીવાદીઓ જ કરી શકે છે".
"ફાસીવાદીઓએ જાહેર પરિવહન પર કબજો કરી લીધો અને પોસ્ટ વિભાગની કામગીરી પણ હડતાળ વચ્ચે ચાલતી રહે તેની કાળજી લીધી. હડતાળીયા કામદારો વિરોધ કરતા દેખાય ત્યાં તેમના પર હુમલા કરીને ફટકારવામાં આવ્યા. આવી સ્થિતિ વચ્ચે પોતે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડી શકશે એવી રીતે મુસોલિનીએ પોતાની છાપ ઊભી કરી".
વેનેઝુએલાના અર્થશાસ્ત્રી હમ્બર્ટો ગ્રેસિયા લેરાલ્ડેએ "ધ ફાસીઝમ ઑફ ટ્વેન્ટીફર્સ્ટ સૅન્ચુરી: ધ ટોટેલિટેરિયન થ્રેટ ઑફ હ્યુગો ચાવેઝ્સ પૉલિટિકલ પ્રૉજેક્ટ" નામનું પુસ્તક લખ્યું છે. તેમના જણાવ્યા અનુસાર બીજા વિશ્વયુદ્ધ પછીની સ્થિતિને કારણે ફાસીવાદની ચળવળ પેદા થઈ હતી.
તેઓ કહે છે, "ઇટાલી જીતનારા પક્ષ તરફ હતું, પણ તેના ભાગે કોઈ પ્રદેશ આવ્યો નહીં. તેના કારણે સમાજમાં ઘણાને એવું લાગ્યું કે આપણી સ્થિતિ તો હારનારા જેવી જ રહી".


સંક્ષિપ્તમાં: રોમ પર ચડાઈનાં 100 વર્ષ: કેવી રીતે બેનિટો મુસોલિનીએ ઈટાલીમાં સત્તા કબજે કરી અને ફાસીવાદી સરકારની સ્થાપના કરી

- 24 ઑક્ટોબર, 1922ના રોજ નિયોપૉલિટન પ્લૅબિસિટો સ્કવેર ખાતે બેનિટો મુસોલિની ખાતે પોતાના સમર્થકોની સભા બોલાવી હતી. તેમાં કેટલાય લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. આ લોકો ઇટાલીની રાજધાની પર કૂચ કરીને રાજા વિક્ટર ઈમાન્યુઅલ તૃતિયને ફરજ પાડવા માગતા હતા કે તેમની સરકારની ધુરા તેમને સોંપી દે. મુસોલિનીના પક્ષ નેશનલ ફાસિસ્ટ પાર્ટી (PNF)ની બહુ ઓછી બેઠકો સંસદમાં હતી - 535માંથી માત્ર 35 છતાં તે તાકાત દેખાડી રહ્યા હતા.
- મુસોલિની ફાસીવાદી સત્તા સ્થાપી શક્યા તેનાં ગંભીર પરિણામો ઇટાલીએ ભોગવવા પડ્યાં એટલું જ નહીં, સમગ્ર યુરોપ અને વિશ્વને પણ આગામી દિવસોમાં તેની અસરોમાંથી પસાર થવું પડ્યું હતું
- ઇતિહાસકાર અલ્વારો લોઝાનો કહે છે, "ફાસીવાદીઓમાં એક દંતકથા એવી ચાલે છે કે ઑક્ટોબર 1922માં તેઓએ આક્રમણ કરીને સત્તા મેળવી લીધી. હકીકતમાં તેમને સત્તા સામેથી સોંપી દેવામાં આવી હતી."
- 1919માં મુસોલિનીએ ફાસી ઇટાલિયાની દી કોમ્બેટિટિમેન્ટો નામે સંગઠન બનાવ્યું હતું, જેમાં બીજા વિશ્વયુદ્ધમાં લડેલા સૈનિકો અને અફસરો જોડાયા હતા.
- આ સંગઠન શરૂઆતમાં પ્રજાતંત્રને સમર્થન આપતું રહ્યું હતું અને તેમની સાથે ઔદ્યોગિક કામદારો અને ધાર્મિક સંસ્થાઓને પણ જોડવામાં આવી હતી. આમ છતાં ચૂંટણીઓમાં તેમને ખાસ સમર્થન ના મળ્યું તે પછી મુસોલિનીએ વલણ બદલ્યું હતું.
- એ ઘટનાને 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે બીબીસી મુન્ડોએ ઇતિહાસકારો, રાજકીય વિશેષજ્ઞો અને વિશ્લેષકો સાથે વાતચીત કરીને કઈ રીતે ફાસીવાદી સરકારની સ્થાપના શક્ય બની હતી તે જાણવાની કોશિશ કરી છે

ભય અને પલાયન

ઇમેજ સ્રોત, Getty Images
આવી સ્થિતિ વચ્ચે મુસોલિનીએ ઇટાલીમાં લોકતંત્રની પ્રણાલીઓ હતી તેને પણ પડતી મૂકી દીધી.
તેમણે સપ્ટેમ્બર 1922માં જણાવ્યું હતું કે, "ફાસીવાદ એ કોઈ રાજકારણીઓનું મંડળ નથી, પણ લડાયકોનું સંગઠન છે. ગોળીબારી, આગ, વિધ્વંસ એ બધાંમાંથી પસાર થઈને મજબૂત બનેલા આપણે લડવૈયા છીએ."
આવી સ્થિતિ વચ્ચે રાજાએ શા માટે કટોકટી અને યુદ્ધની સ્થિતિની જાહેરાત કરીને સેનાને મુસોલિની સામે ના મોકલી? લોઝાનો માને છે કે એકથી વધુ કારણોસર તેમણે આમ કર્યું હશે.
તેઓ કહે છે, "મુખ્ય નેતાઓ મુસોલિનીને રાજકારણમાં સ્વીકારી લેવા માટે તૈયાર જણાતા હતા એટલે રાજાને લાગ્યું હશે કે તેમનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી."
તેમના જણાવ્યા અનુસાર સેનામાં પણ ઘણા અફસરો હતા, જે ફાસીવાદીના સમર્થકો હતો. યુદ્ધની સ્થિતિમાં "તેમના પર ભરોસો મૂકી શકાય તેમ નહોતો એવું લાગ્યું હશે. છેલ્લે કદાચ રાજાને ભય હશે કે તેમના ભત્રીજા ડ્યુક ઑફ એઓસ્ટા પણ ફાસીવાદીઓ તરફ કૂણી લાગણી ધરાવતા હતા તે સત્તા કબજે કરીને રાજગાદીએ ના બેસી જાય".
"ફાસીઝમ ઍૅન્ડ ધ માર્ચ ઓન રોમઃ ધ બર્થ ઑફ અ રિઝાઇમ" નામના પુસ્તકમાં ઇતિહાસકાર એમિલિઓ જેન્ટાઈલ લખે છે કે 1945માં રાજાએ કેટલાક સેનેટર્સને એમ જણાવ્યું હતું કે "લોહિયાળ ઘર્ષણને ટાળવા ખાતર" તેમણે આમ કર્યું હતું.
રાજાએ એવું કહ્યું હતું કે, "રોમ પર 1,00,000 જેટલા સશસ્ત્ર ફાસીવાદીઓ ચડાઈ કરવા આવી રહ્યા છે તેવો સંદેશ મળ્યો હતો".
જોકે, રાજાના આ નિર્ણયને કારણે ઇટાલીની નકલી એવી લોકશાહી પણ ધ્વસ્ત થઈ ગઈ અને રાજાશાહીનો દાવો હતો કે તે લોકતંત્રની રક્ષા કરે છે તે દાવો પણ તૂટી પડ્યો હતો.

"ફાસીવાદની ચળવળ અટકી જ નથી"

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસો પહેલાં ઇટાલીની ચૂંટણીમાં જ્યોર્જિયો મેલોનીના પક્ષને વિજય મળ્યો છે તેના કારણે ફાસવાદ ફરી કેન્દ્રસ્થાને આવી ગયો છે. શા માટે? આ નેતા બ્રધર્સ ઑફ ઇટાલી સંસ્થાના નેતા છે. મુસોલિનીના ભૂતપૂર્વ ટેકેદારોએ ઇટાલિયન સોશિયલ મૂવમૅન્ટ ઑફ ધ નેશનલ રાઇટ શરૂ કરી હતી તેમાંથી જ આ સંગઠન તૈયાર થયેલું છે.
જોકે તેના કારણે ફાસીવાદ ફરી આવી જશે એવી ચિંતા કરવાની જરૂર નથી એમ જાણકારો કહે છે.
ઇટાલીના જાણકાર આલ્બર્ટો અલેમેનોએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે "મેલોનીનો મુસોલિની સાથેની કડી માત્ર જૂના દિવસોની યાદ સમાન જ છે. પ્રખર જમણેરી રાજકારણ તરફ જવા માટેની વાતો ચાલી રહી છે, પરંતુ ફાસીવાદી ડિક્ટેટરશિપ ફરી આવે તેવા કોઈ સંજોગો નથી."
"એક સદી પહેલાં લોકશાહીને હાનિ થઈ ત્યારે જેવા સંજોગો હતા તેવા સંજોગો અત્યારે યુરોપમાં છે એમ ઘણાને લાગે છે, પરંતુ આજના સમાજમાં એટલી સહેલાઈથી એવું થઈ શકે નહીં અને સરકારની અંદર તથા બહાર બંને જગ્યાએ તેની સામે પડકાર ઊભા કરે તેવાં તત્ત્વો છે."
જોકે લોઝાનો ચેતવણી આપે છે કે ફાસીવાદની વિચારસરણી ખતમ થઈ ગઈ નથી, કેમ કે આજેય "સમાજવાદ અને મૂડીવાદ વચ્ચેની સ્થિતિ તરીકે તે આકર્ષે તેવી છે અને ચીલાચાલુ રાજકારણથી નારાજ થયેલા મતદારોને ગમે તેવી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













