કૉંગ્રેસે ગુજરાતમાં એકસાથે 7 કાર્યકારી પ્રમુખ કેમ નીમવા પડ્યા? ચૂંટણીમાં કેટલો લાભ થશે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
7મી જુલાઈએ ગુજરાત કૉંગ્રેસના નવા સાત કાર્યકારી પ્રમુખોની જાહેરાત કરવામાં આવી, નોંધનીય વાત એ છે કે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કૉંગ્રેસે એક સાથે સાત કાર્યકારી પ્રમુખની જાહેરાત કરી હોય.
આ એવા વખતે થઈ રહ્યું છે, જ્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થોડા જ મહિનાઓમાં યોજાવાની છે અને થોડા વખત પહેલાં જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે.
નવા સાત કાર્યકારી પ્રમુખમાંથી પાંચ ધારાસભ્ય છે. જેમાં જિજ્ઞેશ મેવાણી (વડગામ), લલિત કગથરા (પડધરી - ટંકારા), અંબરીષ ડેર (રાજુલા), હિંમતસિંહ પટેલ (બાપુનગર, અમદાવાદ) અને ઋત્વિક મકવાણાનો સમાવેશ થાય છે. આ સિવાયના નવા બે કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને કદીર પીરઝાદા છે.

ઇમેજ સ્રોત, @JIGNESH MEVANI FB
કદીર પીરઝાદા સુરતના પૂર્વ મેયર છે અનેઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય છે. ઇન્દ્રવિજયસિંહ ગુજરાત યૂથ કૉંગ્રેસ તેમજ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા)ના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમજ ગુજરાત કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
કૉંગ્રેસના પ્રદેશપ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "પ્રથમ વખત એકસાથે સાત કાર્યકારી પ્રમુખની જાહેરાત થઈ છે. આ અગાઉ 2017માં પાર્ટીમાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઈ હતી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
"મને પૂરો વિશ્વાસ છે કે આ નિમણૂકથી કૉંગ્રેસ પક્ષ બળવત્તર બનશે." આવું ટ્વીટ કરીને કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં નવનિયુક્ત સાત કાર્યકારી પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.
જોકે પ્રશ્ન એ પણ ચર્ચાઈ રહ્યો છે કે વર્તમાન સમયમાં એવી તો શું જરૂર પડી કે ગુજરાત કૉંગ્રેસ માટે એકસાથ સાત કારોબારી અધ્યક્ષ નીમવા પડ્યા?

જ્ઞાતિ અને પ્રદેશનું સમીકરણ?

ઇમેજ સ્રોત, Getty Images
સાત કાર્યકારી પ્રમુખમાં જિજ્ઞેશ મેવાણી અને ઇન્દ્રવિજયસિંહ પાર્ટીના યુવા ચહેરા છે, તો સાથે હિંમતસિંહ અને લલિત કગથરા જેવા મધ્યમ વયસ્ક છે. આમ જૂની અને નવી એમ બંને પેઢીઓનું સંતુલન જાળવવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ રીતે જ્ઞાતિગત બાબતનું પણ ધ્યાન રખાયું છે. દલિત, પાટીદાર, મુસ્લિમ, અને ઓબીસી વર્ગના આગેવાન આમાં જોઈ શકાય છે.
આ ઉપરાંત અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર એમ રાજ્યના ભૌગોલિક ક્ષેત્રનું સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પણ પ્રયાસ દેખાય છે.
અમદાવાદમાં રહેતા કૉંગ્રેસના યુવા આગેવાન પાર્થિવરાજ કઠવાડિયા કહે છે કે, "ઇન્દ્રવિજયસિંહ અને જિજ્ઞેશ મેવાણી એ બંને આંદોલનના ચહેરા છે, ઇન્દ્રવિજયસિંહ અને હિંમતસિંહ કૉંગ્રેસની કૅડરનું પ્રતિનિધિત્વ કરે છે."
અગાઉ મધ્ય ગુજરાતમાંથી અમિત ચાવડા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ ઉત્તર ગુજરાતમાંથી ચૂંટાયેલા જગદીશ ઠાકોર પ્રમુખ છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આદિવાસી ચહેરો સુખરામ રાઠવા છે. હવે આ જે કાર્યકારી પ્રમુખની નવી વરણી છે, એ એને સાંકળતી કડી છે, એટલે દરેક વર્ગ અને વિસ્તારને સાંકળવાનો પ્રયાસ આ માળખામાં વર્તાય છે.
જોકે, જે સાત કાર્યકારી પ્રમુખની જાહેરાત થઈ છે, એમાં એક પણ મહિલા નથી. જો દરેક વર્ગ અને વિસ્તારનો વિચાર કરીએ તો રાજ્યમાં અડધોઅડધ મહિલા મતદાર છે તો પછી સાતમાંથી એકપણ મહિલા કેમ નથી?
આના જવાબમાં પાર્થિવરાજે કહ્યું કે, "મહિલા પ્રતિનિધિત્વ પર કૉંગ્રેસે ધ્યાન આપ્યું જ છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ત્રણ સાંસદ છે, તેમાંથી એક મહિલા છે. એઆઈસીસીના સેક્ર્ટરી ગુજરાતનાં સોનલ પટેલ છે. તેથી મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું જ છે."

કાર્યકારી પ્રમુખ પાસે કેટલી સત્તા?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે હાર્દિકને ખૂબ જલદી કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું. જોકે, હાર્દિક પટેલે બળાપો કાઢ્યો હતો કે કૉંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેમને કામ અને મહત્ત્વ મળતાં નહોતાં. હાર્દિક પટેલ કહી ચૂક્યા છે કે પાર્ટીમાં તેમની હાલત 'નસબંધી કરાવી ચૂકેલા વર જેવી' હતી.
વિશ્લેષકોએ એવું અર્થઘટન કર્યું હતું કે અવગણનાનું એક કારણ એ પણ છે કે કાર્યકારી અધ્યક્ષનું પદ એ ઘણું સિનિયર પદ છે. 'પાટીદાર કાર્ડ' રમવાના ઇરાદાથી જો તેઓ 27 વર્ષના યુવકને આ પદ સોંપે તો સિનિયર નેતાઓમાં નારાજગી તો રહેવાની જ ને!
કૉંગ્રેસમાં નેતા વિપક્ષ, પ્રદેશ પ્રમુખનું પદ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ગુજરાતમાં કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ પાસે કેટલી સત્તા હોય છે, તે સતત ચર્ચાનો વિષય રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, "ભાજપમાં સંગઠન મહામંત્રીનો હોદ્દો કે ડાબેરી પક્ષમાં જનરલ સેક્રેટરીનો હોદ્દો જે રીતે મહત્ત્વનો હોય છે, એવું મહત્વ કે જવાબદારી કૉંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પાસે હોતી નથી."
"કૉંગ્રસમાં તે માનદ હોદ્દા જેવું જ હોય છે, એનાથી ખાસ ફરક નથી પડતો. ફેર એનાથી પડે છે કે તેમને જવાબદારી કઈ આપવામાં આવે છે."
જ્યારે કૉંગ્રેસી આગેવાન પાર્થિવરાજ આ વાત સાથે અસહમત થતા કહે છે કે, "એ માત્ર માનદ હોદ્દો નથી, ઇન્દિરા ગાંધી પણ કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યાં છે."
"આ સાત લોકો સમાજની આગામી નવી સ્ટેટ લીડરશીપ છે. તેઓ પ્રસ્થાપિત પણ છે અને વધુ ઊભરી પણ રહ્યા છે. લોકશાહીમાં વિકેન્દ્રીકરણ અર્થાત જવાબદારીની વહેંચણીનું મહત્ત્વ છે, એ કાર્યકારી પ્રમુખના હોદ્દામાં સાકાર થાય છે."
જોકે, સાથે તેઓ એ વાતમાં સૂર પુરાવે છે કે "કૉંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પાસે શું જવાબદારી હોય છે, એ તેમને ક્યાં, કઈ જવાબદારી સોંપાય છે તેના પર નિર્ભર હોય છે."
દિલીપ ગોહિલે એમ પણ કહ્યું હતું કે, "સાતમાંથી પાંચ ધારાસભ્યો છે. ચૂંટાયેલા ધારાસભ્યને માન મળે છે અને તેનું વજન પણ હોય છે, એ રીતે જોતાં ચૂંટાયેલા સભ્યોને વધારે સ્થાન આપવામાં આવ્યું છે એ ગકારાત્મક બાબત કહી શકાય."
"કાર્યકારી પ્રમુખોની નવી વરણીને 2022ની ચૂંટણીના સંદર્ભે જોઈએ તો ચૂંટણીલક્ષી કોઈ સીધો ફાયદો નથી પણ સંગઠનનું માળખું મજબૂત બને છે. વિવિધ વર્ગ અને વિસ્તાર સચવાય છે."

ભાજપમાં જતા રહેવાની બીક હતી?

ઇમેજ સ્રોત, @SUKHRAMRATHAVA
ઉલ્લેખનીય છે કે વચ્ચે એવી ચર્ચા હતી કે લલિત કગથરા, લલિત વસોયા વગેરે નેતા ભાજપમાં જોડાઈ શકે છે. અમરેલીના બાબરિયાધારના સમૂહલગ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, "મારા પક્ષના ઘણા લોકો અંબરીષ ડેરના મિત્રો છે, તેમના માટે હજુ ખાસ જગ્યા રાખી છે."
એ પછી પાટીલે એમ પણ કહ્યું હતું કે, "તે ભાજપના જ કાર્યકર્તા હતા. મેં તેમને આમંત્રણ આપ્યું નથી. મારી વાતને ફેરવીને રજૂ કરવામાં આવી છે."
કૉંગ્રેસમાંથી ઘણા નેતા અને ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે, તો કગથરા કે ડેર પણ ન જતા રહે તે માટે તેમને આ હોદ્દા આપીને સાચવવાનો પ્રયાસ હોઈ શકે?
એ સવાલના જવાબમાં દિલીપ ગોહિલે કહ્યું હતું કે, "ના, કાર્યકારી પ્રમુખના હોદ્દાથી કોઈ રોકાઈ ન જાય. એ વાતમાં તથ્ય નથી કે તેમને રોકવા માટે આવું કર્યું હોય."

નવા કાર્યકારી પ્રમુખથી ચૂંટણીમાં શું ફાયદો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને પૂછવામાં આવ્યું કે, એવાં કયાં કામો છે જે તમે કાર્યકારી પ્રમુખ બન્યા પછી કરવા ઇચ્છો છો?
તેમણે જવાબમાં કહ્યું, "શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના ક્ષેત્રમાં એક નવા ગુજરાતની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવી છે. ઉત્તર ગુજરાતમાં હું વધારે ફોકસ રાખીશ. બેરોજગારી, તેમજ એસસીએસસી અને લઘુમતીના મુદ્દે પણ મારૂં ફોકસ રહેશે."
આ કામો તો તમે કાર્યકારી પ્રમુખ બન્યા વગર પણ કરી શકો છો. તો મેવાણીએ કહ્યું કે, "હા, પણ જ્યારે કાર્યકારી પ્રમુખ બનો ત્યારે સમગ્ર પાર્ટી તમારી સાથે જોડાય છે. પાર્ટીના તમામ હોદ્દેદારો, અન્ય ધારાસભ્યો, અધિકારીઓનું નૅટવર્ક તમારી સાથે આવે."
કૉંગ્રેસે ગુજરાતમાં અગાઉની ચૂંટણીમાં પણ મુખ્ય મંત્રીનો ચહેરો કોણ હશે તેની જાહેરાત કરી નહોતી. આ વખતે પણ નથી કરવાના.
દિલીપ ગોહિલ કહે છે કે, "2022ની ચૂંટણીમાં કૉંગ્રેસને કાર્યકારી પ્રમુખોની જાહેરાત કરતાં પણ દેખીતો ફાયદો ત્યારે થાય જો તેઓ મુખ્યપ્રધાનનો ચહેરો કોણ છે તે જાહેર કરે. જો નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાયા હોત તો કદાચ એવું થાત."
આની સામે પાર્થિવરાજ કઠવાડિયા દલીલ કરતા કહે છે કે "એ નિર્ણય કોર કમિટી અને પાર્ટી હાઈકમાન્ડ લેતી હોય છે. બીજી વાત એ છે કે લોકશાહીમાં પ્રજા મુખ્ય મંત્રી નથી ચૂંટતી, પ્રજા ધારાસભ્ય, સરપંચ, સાંસદને ચૂંટે છે. તેથી કૉંગ્રેસ પાર્ટી મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર નથી કરતી અને એ એક લોકશાહી ઢબ છે."
પરંતુ ભૂતકાળમાં દિલ્હીની ચૂંટણી વખતે અજય માકનને મુખ્ય મંત્રીના ચહેરા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા જ હતાને? એના જવાબમાં પાર્થિવરાજ કહે છે કે, "હા એ વાત સાચી છે, પણ એવું જરૂરી નથી કે નામ જાહેર કરે જ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













