'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા નટુકાકા કોણ છે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ

ઇમેજ સ્રોત, MANISH SHUKLA

ઇમેજ કૅપ્શન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ
    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, મુંબઈથી
લાઇન
  • હવેથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર કિરણ ભટ્ટ ભજવશે
  • ગયા વર્ષે નટુકાકાના અવસાન બાદ આ શો ઘણા મહિનાઓ સુધી નટુકાકા વગર જ ચાલતો હતો
  • કિરણ છેલ્લાં 35 વર્ષથી ગુજરાતી નાટકો કરી રહ્યા છે
  • તેઓ 20 વર્ષની ઉંમરથી નાટકો કરી રહ્યા છે અને થિયેટર સાથે તેઓ 60 વર્ષના થઈ ગયા છે
  • તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમણે 5000થી વધુ નાટકોનો ભાગ લીધો છે
લાઇન

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં બધાં પાત્રો લોકોનાં દિલ-દિમાગમાં છવાઈ ગયાં છે, પછી તે જેઠાલાલ હોય, દયા હોય કે બાઘો હોય કે નટુકાકા હોય.

નટુકાકાનું પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે કૅન્સરને કારણે નિધન થયું હતું. તેમની ખોટ માત્ર શોમાં જ નહીં પરંતુ દર્શકોમાં પણ જોવા મળી હતી.

શોના નિર્માતાએ આ સવાલ પરથી પડદો હટાવી દીધો છે. તેમણે કહ્યું છે કે હવેથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર કિરણ ભટ્ટ ભજવશે.

line

નવા નટુકાકાની શોધ પૂરી થઈ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટુકાકાનો સ્વ.ઘનશ્યામ નાયક

ઇમેજ સ્રોત, TMKOC/FACEBOOK

ઇમેજ કૅપ્શન, ઘનશ્યામ નાયક નટુકાકા તરીકે

આ શો 14 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું દરેક પાત્ર તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. છેલ્લાં 14 વર્ષોમાં કેટલાક કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે આ દુનિયા જ છોડી દીધી.

આ શોમાં નટુકાકાના પાત્રને 13 વર્ષ થયાં છે. ઘનશ્યામ નાયકે આ 13 વર્ષમાં લોકોને ખૂબ હસાવ્યા હતા પરંતુ ગયા વર્ષે તેમના અવસાન બાદ આ શો ઘણા મહિનાઓ સુધી નટુકાકા વગર જ ચાલતો હતો.

ચાહકો તેમને દરેક એપિસોડમાં યાદ કરતા હતા. તેથી હવે નિર્માતાઓએ નવા નટુકાકાને શોધી કાઢ્યા છે.

ચાલો જાણીએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા નટુકાકા કોણ છે અને ઘનશ્યામ નાયક સાથે તેમનો શું સંબંધ છે?

line

કિરણ ગુજરાતી રંગભૂમિનું મોટું નામ

નવા નટુકાકા તરીકે ગુજરાતી રંગભૂમિના અભિનેતા કિરણ ભટ્ટ (ડાબે) આવ્યા છે, જે થિએટર સાથે 30 વર્ષથી જોડાયેલા છે

ઇમેજ સ્રોત, Neela film production

ઇમેજ કૅપ્શન, નવા નટુકાકા તરીકે ગુજરાતી રંગભૂમિના અભિનેતા કિરણ ભટ્ટ (ડાબે) આવ્યા છે, જે થિએટર સાથે 30 વર્ષથી જોડાયેલા છે

અભિનેતા કિરણ ભટ્ટે ગુજરાતી રંગભૂમિમાં ઘણું કામ કર્યું છે. કિરણ ભટ્ટ ઘણાં વર્ષોથી થિયેટર સાથે જોડાયેલા છે.

તેઓ ઘનશ્યામ નાયકની જેવા જ શસક્ત અભિનેતા છે અને તેની પાસે ઘણાં વર્ષો સુધી અભિનય કરવાનો અનુભવ છે, એવું કહેવું છે કિરણ ભટ્ટના ખૂબ જ નજીકના મિત્ર કૌસ્તુભ ત્રિવેદીનું.

કૌસ્તુભ ત્રિવેદી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે અને અનેક ગુજરાતી નાટકોના નિર્માતા રહી ચૂક્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "કિરણ ભટ્ટ 30 વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે. ઘણાં વર્ષોથી તેઓ અનેક ગુજરાતી નાટકોનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેઓ અનેક નાટકોના નિર્માતા પણ રહ્યા છે. આજે ભલે તેઓ નિર્દેશન કરતા જોવા મળે, પરંતુ વાસ્તવમાં તેઓ શરૂઆતથી અભિનેતા જ રહ્યા છે."

તેઓ કહે છે, "કિરણે ઇન્ટર કૉલેજથી લઈને અત્યાર સુધીમાં 60થી વધુ નાટકોનું નિર્દેશન કર્યું છે. મેં તેમની સાથે કામ કર્યું છે. તેણે 'હૂ ઈઝ હૂટ' નામનું એક ગુજરાતી નાટક કર્યું હતું જે મને બહું ગમ્યું હતું. કિરણ એક ઉમદા કૉમેડિયન પણ છે. મને નથી લાગતું કે નટુકાકાનું પાત્ર ભજવવા માટે તેમનાથી વધુ સારી કોઈ વ્યક્તિ મળે."

કિરણ ભટ્ટના ગુજરાતી નાટકોનો ઉલ્લેખ કરતાં કૌસ્તુભ ત્રિવેદી કહે છે, "તેમનાં સૌથી લોકપ્રિય ગુજરાતી નાટકોમાંનું એક 'સૂર્યવંશી' છે જે તેમણે ગુજરાતી કલાકારો સાથે બનાવ્યું હતું. કિરણ સાથે ઘણા મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓએ કામ કર્યું છે."

તેમણે કહ્યું, "'અમે લઈ ગયા તમે રહી ગયા' ખૂબ જ લોકપ્રિય નાટક છે. કિરણ છેલ્લાં 35 વર્ષથી ગુજરાતી નાટકો કરી રહ્યા છે. તેઓ 20 વર્ષની ઉંમરથી નાટકો કરી રહ્યા છે અને આજે થિયેટર સાથે તેઓ 60 વર્ષના થઈ ગયા છે. તેમને ફિલ્મોમાં ક્યારેય બહુ રસ નહોતો. તે ફિલ્મોમાં અભિનયથી દૂર જ રહ્યા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે 5000થી વધુ નાટકોનો ભાગ લીધો છે."

line

ઘનશ્યામ નાયક અને કિરણ ભટ્ટમાં સામ્યતા

કિરણ ભટ્ટ

ઇમેજ સ્રોત, Tmkoc

ઘનશ્યામ નાયક અને કિરણ ભટ્ટ વચ્ચે ગાઢ મિત્રતા હતી અને એમની વચ્ચે ઘણી સામ્યતાઓ પણ છે.

કૌસ્તુભ કહે છે, "બંને નવા કલાકારોને તક આપતા હતા. કિરણ પાંચ વર્ષ પછી અભિનય ક્ષેત્રે પાછા ફરી રહ્યા છે."

"કારણ કે નાટકના દિગ્દર્શક અને નિર્માતા હોવાને કારણે તેમણે થોડાં વર્ષો સુધી અભિનય કર્યો નહોતો, પરંતુ હવે આટલાં વર્ષો પછી તેમને અભિનય કરતા જોવાની મજા પડશે."

શોના નિર્માતા અસિત મોદીએ તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા નટુકાકાનો પ્રોમો વીડિયો શૅર કરીને તેમનો પરિચય કરાવ્યો હતો.

ભાવુક થઈને તેમણે ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા અને કહ્યું કે તેઓ હંમેશાં તેમની ખોટ અનુભવશે.

તેમણે કહ્યું હતું, "તાજેતરમાં એક નવું ગડા ઇલેક્ટ્રૉનિક શરૂ થયું છે અને તે નટુકાકા વિના શરૂ થઈ શકે નહીં. અમે બધા ચાહકો માટે એક નવા નટુકાકા લઈને આવ્યા છીએ. આશા છે કે તમામ ચાહકો નવા નટુકાકાને પણ એટલો જ પ્રેમ આપશે."

કિરણ ભટ્ટના અંગત જીવનનો ઉલ્લેખ કરતાં કૌસ્તુભ ત્રિવેદી કહે છે, "કિરણ ઘણાં વર્ષોથી મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. મોટી દીકરી બ્રિટનમાં રહે છે અને બીજી દીકરી મુંબઈમાં તેમની સાથે રહીને અભ્યાસ કરી રહી છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન