આસામના પૂરથી બચેલા લોકોનું જીવન વેરવિખેર, તસવીરોમાં...

આસામ પૂર
ઇમેજ કૅપ્શન, આસામમાં આવેલું પૂર તબાહી છોડીને ગયું છે

ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય આસામમાં અત્યાર સુધીના સૌથી ભયંકર પૂરે તબાહી મચાવી છે. આ પૂરના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અને હજારો લોકો નિરાશ્રિત બન્યા છે.

બીબીસીના અંશુલ વર્માએ તાજેતરમાં સિલ્ચર શહેરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હજારો લોકોને ખોરાક, દવાઓ તેમજ પીવાના પાણી સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતા જોયા હતા.

લોકો રાહત કૅમ્પ સુધી પહોંચવા માટે રબર બોટ્સ, તરાપા કે પછી પરિવહનના કોઈપણ માધ્યમ માટે વલખા મારતા નજરે પડ્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે તેઓ વૃદ્ધોને બહાર કાઢવા અને પરિવારના બીમાર સભ્યોને હૉસ્પિટલ સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ભારતીય સેના અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ હાલ આસામમાં રાહતકાર્ય હાથ ધરી રહી છે.

તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓને બહાર કાઢી રહ્યા છે અને તેમના માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.

આસામની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ રાહત કૅમ્પોમાં 1,48,000થી વધુ લોકો આશરો મેળવી રહ્યા છે.

જોકે, આ રાહત કૅમ્પોમાં પરિસ્થિતિ ભયાવહ છે. મોટાભાગના કૅમ્પ શાળાઓમાં બનાવવામાં આવ્યા છે. અહીં નાનકડી જગ્યામાં ઘણા પરિવારોને રાખવામાં આવ્યા છે. કેટલાક ઓરડાઓમાં 30થી વધુ લોકો આશરો મેળવી રહ્યા છે.

આ રાહત કૅમ્પોમાં પણ પીવાનું પાણી એ સૌથી મોટી સમસ્યા છે. મોડીરાત્રે ઘરોમાંથી નીકળતી વખતે ઈજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કૅમ્પમાં તબીબી સારવાર મેળવી શક્યા નથી.

ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તેઓ પોતાનું ઘર છોડીને આવ્યા છે અને તેમણે પૂરમાં ઓળખના દસ્તાવેજો પણ ગુમાવી દીધા છે.

આસામ પૂર
ઇમેજ કૅપ્શન, ઘરો બરબાદ થતા હજારો રહેવાસીઓ કામચલાઉ કૅમ્પમાં આશરો મેળવી રહ્યા છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, લોકોનું કહેવું છે કે તેમના જીવનમાં આ સૌથી ભયંકર પૂર છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, રાહત કૅમ્પમાં રહેવાની સુવિધાઓ પણ અપૂરતી છે, લોકોનું કહેવું છે કે તેમની પાસેનું ભોજન અને પીવાનું પાણી પૂરું થઈ રહ્યું છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાથી લોકો માટે ઘર ખાલી કરવું અને સુરક્ષિત સ્થળોએ પહોંચવું મુશ્કેલ બની ગયું છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, આસામના લોકોને પોતાનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, લોકો પૂરના પાણીમાંથી પસાર થઈને સિલ્ચર શહેરમાં કામચલાઉ રાહત કૅમ્પ સુધી પહોંચે છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, "ગયા વખતે પૂરમાં મારી ઓળખના તમામ પુરાવા પલળી ગયા હતા. જેથી આ વખતે મેં પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા છે"
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, ભારતીય સેના અને એનડીઆરએફની ટીમો અલગ-અલગ વિસ્તારોમાં રહેતા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે
આસામ પૂર
ઇમેજ કૅપ્શન, પૂરના કારણે કામધંધા બંધ થઈ ગયા હોવાથી લોકોને મદદની સખત જરૂર છે

તસવીરો : અંશુલ વર્મા

આલેખન : મૅરિલ સૅબેસ્ટિયન

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન