નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાળી ઇમેજ અખાતના ઇસ્લામી દેશોમાં નડતર કેમ નથી બની?

યુએઈએ નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઓફ ઝાયેદ એનાયત કર્યું હતું

ઇમેજ સ્રોત, @MEAINDIA

ઇમેજ કૅપ્શન, યુએઈએ નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઓફ ઝાયેદ એનાયત કર્યું હતું
    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • આરબ વિશ્વ 1.3 કરોડ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે
  • આરબ વિશ્વની વસ્તીને ઉત્તર આફ્રિકા, લેવેન્ટાઇન આરબ અને ગલ્ફ અરબ એમ ત્રણ સમૂહમાં જોવામાં આવે છે
  • 2002ના રમખાણ પછી નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ-વિરોધી ઇમેજ ઇસ્લામી દેશો સાથેના સંબંધમાં નડતરરૂપ બની છે ખરી?
  • ગત વર્ષે 28 જૂને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાએદ અલ નાહ્યાન પ્રોટોકોલ તોડીને આવ્યા હતા
  • જ્યારે ગત મેમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત આરબ અમિરાત ગયા ત્યારે તેમનું સ્વાગત એક જુનિયર મંત્રીએ કર્યું હતું
  • 2017માં ગણતંત્ર દિવસ નિમિત્તે મોદી સરકારે મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને જ અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાનું નિમંત્રણ પાઠવ્યું હતું
  • ફેબ્રુઆરી-2019માં નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે નરેન્દ્ર મોદીને પોતાના મોટાભાઈ ગણાવ્યા હતા
  • સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફેબ્રુઆરી-2019માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં નરેન્દ્ર મોદી પણ પ્રોટોકોલ તોડીને ઍરપૉર્ટ ગયા હતા
  • યુએઈએ નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઓફ ઝાયેદ એનાયત કર્યું હતું
બીબીસી ગુજરાતી

આરબ વિશ્વ 1.3 કરોડ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પશ્ચિમે મોરોક્કોથી માંડીને ઉત્તરમાં સંયુક્ત આરબ અમિરાત સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં ઘણા લોકો એવા છે, જે વંશીય રીતે આરબ નથી અને અરબી ભાષા પણ કડકડાટ બોલી શકતા નથી. તેમ છતાં આરબ સંસ્કૃતિના પ્રભાવને કારણે તેમને આરબ વિશ્વનો હિસ્સો ગણવામાં આવે છે.

આરબ વિશ્વની વસ્તીને ઉત્તર આફ્રિકા, લેવેન્ટાઇન આરબ અને ગલ્ફ અરબ એમ ત્રણ સમૂહમાં જોવામાં આવે છે.

ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણ વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. રમખાણ પછી મોદી મુસ્લિમ-વિરોધી હોવાથી ઇમેજ બની હતી. તેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ હતી.

2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અમેરિકાએ તેમના પર યુએસ ઇન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ ઍક્ટ-1998 હેઠળ વિઝા પ્રતિબંધ લાદ્યો હતો.

એ પ્રતિબંધ અમેરિકન એજન્સી કમિશન ઑન ઇન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમની ભલામણને પગલે લાદવામાં આવ્યો હતો. તે પંચે 2002ના રમખાણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની ટીકા કરી હતી. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે અમેરિકાએ તે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

સાઉદી અરેબિયાએ પણ પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાએ પણ પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું

અમેરિકાના બાયડન વહીવટીતંત્રે લગભગ દોઢ મહિના પહેલાં 18, નવેમ્બરે નિર્ણય કર્યો હતો કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યાના મામલામાં અમેરિકામાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો સામનો નહીં કરવો પડે.

અમેરિકાની તપાસ એજન્સીઓએ જમાલ ખાશોજ્જીની હત્યા માટે ક્રાઉન પ્રિન્સને જવાબદાર ગણાવ્યા હતા. ક્રાઉન પ્રિન્સને અમેરિકાએ આ મામલામાં છૂટ આપી એટલે પ્રમુખ જો બાયડનની ટીકા થઈ રહી છે.

તે ટીકાના જવાબમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય નિયમ અનુસાર લેવામાં આવ્યો છે અને નરેન્દ્ર મોદીને પણ પણ તેઓ 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે આવી છૂટ આપવામાં આવી હતી. સાઉદી કિંગ સલમાને તેમના પુત્ર મોહમ્મદ બિન સલમાનને વડા પ્રધાન બનાવવાની જાહેરાત ગઈ 27 નવેમ્બરે કરી હતી.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સને છૂટ આપવાના મામલામાં નરેન્દ્ર મોદીનો સંદર્ભ આપવામાં આવ્યો તેને ભારતીય વિદેશ મંત્રાલયે બિનજરૂરી અને અપ્રાસંગિક ગણાવ્યો હતો.

નરેન્દ્ર મોદી 2014 પછી અનેક વખત અમેરિકા ગયા છે અને 2016માં તો તેમણે અમેરિકન સંસદને સંબોધન પણ કર્યું હતું.

જો બાયડન તેમની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં, સાઉદી અરેબિયા વિરુદ્ધ માનવાધિકારના મામલામાં આકરાં પગલાં લેવાની વાતો કરતા હતા, પરંતુ તેમની સરકારે ક્રાઉન પ્રિન્સને કાયદાકીય સુરક્ષા આપવા મજબૂર થવું પડ્યું છે.

જો બાયડને ગત જુલાઈમાં સાઉદી અરેબિયાની મુલાકાત પણ લીધી હતી. બાયડન ક્રૂડનું ઉત્પાદન વધારવાનો આગ્રહ સાઉદી અરેબિયાને વારંવાર કરતા રહ્યા છે, પરંતુ ક્રાઉન પ્રિન્સે તેમને કોઠું આપ્યું નથી.

ગ્રે લાઇન

નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી ઇમેજ ઇસ્લામી દેશોમાં નડી?

ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા યુએઈના રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, @MEAINDIA

ઇમેજ કૅપ્શન, ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા યુએઈના રાષ્ટ્રપતિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2002ના રમખાણ પછી નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ-વિરોધી ઇમેજ ઇસ્લામી દેશો સાથેના સંબંધમાં નડતરરૂપ બની છે ખરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગયા મહિને અમદાવાદના સરસપુરમાં એક જાહેરસભાને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “2014 પછી સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને બહેરીન સાથેની આપણી દોસ્તી ગાઢ બની છે. આ દેશોએ અભ્યાસક્રમમાં યોગને સત્તાવાર રીતે સામેલ કર્યા છે. ભારતના હિન્દુઓ માટે અબુધાબી અને બહેરીનમાં મંદિરો પણ બની રહ્યા છે.”

નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી વડા પ્રધાન છે અને એ દરમિયાન તેમણે અખાતના ઇસ્લામી દેશો સાથેના સંબંધને મજબૂત બનાવવાનું કામ ગંભીરતાપૂર્વક કર્યું છે.

નરેન્દ્ર મોદીએ છેલ્લા આઠ વર્ષમાં ચાર વખત સંયુક્ત આરબ અમિરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. પહેલો પ્રવાસ ઑગસ્ટ-2015માં, બીજો ફેબ્રુઆરી-2018માં, ત્રીજો પ્રવાસ ઑગસ્ટ-2019માં અને ચોથો પ્રવાસ જૂન-2022માં કર્યો હતો.

ઑગસ્ટ-2015ની નરેન્દ્ર મોદીની મુલાકાત, છેલ્લાં 34 વર્ષમાં કોઈ પણ ભારતીય વડા પ્રધાનની પહેલી સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત હતી. નરેન્દ્ર મોદી પહેલાં 1981માં ઈંદિરા ગાંધીએ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લીધી હતી.

ગત વર્ષે 28 જૂને નરેન્દ્ર મોદીનું વિમાન અબુધાબી ઍરપૉર્ટ પર ઉતર્યું ત્યારે તેમનું સ્વાગત કરવા સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાએદ અલ નાહ્યાન આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિનું ઍરપૉર્ટ પર જવું પ્રોટોકોલની વિરુદ્ધનું હતું, પરંતુ તે પ્રોટોકોલ ભારતીય વડા પ્રધાન માટે તોડવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદીના એ સ્વાગતની પાકિસ્તાનમાં જોરદાર ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના હાઈ કમિશનર તરીકે ભારતમાં ફરજ બજાવી ચૂકેલા અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે ભારતની આ પ્રતિષ્ઠા પરેશાન કરે છે. ગત મેમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ સંયુક્ત આરબ અમિરાત ગયા ત્યારે તેમનું સ્વાગત એક જુનિયર મંત્રીએ કર્યું હતું.

કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે અસાધારણ દોસ્તી કેળવી છે. 2017માં ગણતંત્ર દિવસ નિમિત્તે મોદી સરકારે મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને જ અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.

મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન એ વખતે સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ નહીં, પરંતુ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ હતા. પરંપરા મુજબ, ભારત ગણતંત્ર દિવસે કોઈ દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને જ અતિથિ વિશેષ તરીકે બોલાવે છે.

ગ્રે લાઇન

નિકટતા કેવી રીતે સર્જાઈ?

મોદી

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

અબુધાબીમાં ફરજ બજાવી ચૂકેલા પશ્ચિમના એક દેશના ભૂતપૂર્વ રાજદૂતે કાર્નેગી ઍન્ડાઉમૅન્ટ નામની થિંક ટેન્કને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું વ્યવહારુ રાજનીતિનું વલણ અને મજબૂત નેતા તરીકેની શૈલી સાઉદી અને સંયુક્ત આરબ અમિરાત બન્નેના ક્રાઉન પ્રિન્સને પસંદ છે.

નરેન્દ્ર મોદીએ 2016 અને 2019માં સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. તેમણે 2019માં બહેરીન તથા 2018માં ઓમાન, જોર્ડન, પેલેસ્ટાઇનની અને 2016માં કતારની મુલાકાત લીધી હતી.

તેમણે 2015માં શેખ ઝાયેલ ગ્રાન્ડ મસ્જિદની અને 2018માં ઓમાનના સુલ્તાનની કબૂસ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત પણ લીધી હતી. નરેન્દ્ર મોદીને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને બહેરીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનની નવાજેશ પણ કરી હતી.

કાર્નેગી ઍન્ડાઉમૅન્ટે તેના ઑગસ્ટ-2019ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે “શરૂઆતમાં એવું લાગતું હતું કે નરેન્દ્ર મોદીની રાજકીય પશ્ચાદભૂ આરબ દ્વીપકલ્પ સાથેના સંબંધને આગળ વધારવામાં નડતર બનશે. નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રવાદના પ્રબળ સમર્થક છે.”

“2002માં ગુજરાતના રમખાણનો પ્રભાવ નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય ઇમેજ પર પણ પડ્યો હતો. એ રમખાણમાં અનેક મુસ્લિમ માર્યા ગયા હતા, પરંતુ અખાતી દેશોના નેતાઓ તથા ખાસ કરીને સાઉદી અરેબિયાએ નરેન્દ્ર મોદીનું આકલન તે સંદર્ભમાં કર્યું નથી.

“રાજકીય ઇસ્લામના સમાધાનમાં નરેન્દ્ર મોદીનો સલામતી સંબંધી દૃષ્ટિકોણ બન્ને દેશના શાસકોના વિચારોને અનુકૂળ હતો. ફેબ્રુઆરી-2019માં નવી દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે નરેન્દ્ર મોદીને પોતાના મોટાભાઈ ગણાવ્યા હતા.”

મધ્ય-પૂર્વના નિષ્ણાત અને ઓઆરએફ ઈન્ડિયા થિંક ટેન્કના ફેલો કબીર તનેજાએ લખ્યું છે કે “2002ના રમખાણ દરમિયાન અખાતી દેશોના નવી દિલ્હીમાંના દૂતાવાસોએ ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી કોઈ સ્પષ્ટતા માગી ન હતી. જોકે, પાકિસ્તાન ઇસ્લામી દેશોના સંગઠન આઇઓસીમાં આ મુદ્દો સતત ઉઠાવતું રહ્યું છે.”

“અમેરિકાએ નરેન્દ્ર મોદી પર વીઝા પ્રતિબંધ લાદ્યો ત્યારે આ વિશેની ચર્ચા શરૂ થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજય થયો ત્યારે અખાતી દેશોનો પ્રતિભાવ બહુ નરમ હતો. ભારતમાં પરિવર્તનનું અખાતી દેશોએ મોકળાશથી સ્વાગત કર્યું ન હતું, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાઈ હતી. નરેન્દ્ર મોદી બિનજોડાણની નીતિને વળગી રહ્યા ન હતા.”

“પહેલી ગલ્ફ વૉરમાં ભારતનું વલણ સદ્દામ હુસૈન તરફી હતું. 2014 પછી નરેન્દ્ર મોદી અખાતી દેશો સાથેના સંબંધમાં પ્રભાવશાળી પરિવર્તન લાવ્યા છે.”

કબીર તનેજાએ ઉમેર્યું હતું કે “2014માં નરેન્દ્ર મોદીને ફોન કરીને અભિનંદન આપનારા વિશ્વના નેતામાં એક મોહમ્મદ બિન ઝાયેદ પણ હતા.”

બીબીસી ગુજરાતી

મોદીને ગણાવ્યા મોટાભાઈ

સાઉદી અરેબિયાના રાજાએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના રાજાએ 2006માં ભારતની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફેબ્રુઆરી-2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા. નવી દિલ્હી પર તેમનું સ્વાગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નરેન્દ્ર મોદી પણ પ્રોટોકોલ તોડીને ઍરપૉર્ટ ગયા હતા. એ વખતે ક્રાઉન પ્રિન્સ સાઉદી અરેબિયાના વડા પ્રધાન બન્યા ન હતા.

એ પ્રવાસ દરમિયાન નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે “અમે બે ભાઈ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મોટાભાઈ છે. હું તેમનો નાનો ભાઈ છું અને તેમને વખાણું છું.”

“આરબ દ્વીપકલ્પ સાથે ભારતનો હજારો વર્ષ જૂનો સંબંધ છે. ઇતિહાસ લખાયો તે પહેલાંનો. આરબ દ્વીપકલ્પ અને ભારત વચ્ચેનો સંબંધ અમારા ડીએનએમાં છે.”

મોહમ્મદ બિન સલમાને એમ પણ કહ્યું હતું કે “છેલ્લાં 70 વર્ષથી ભારતના લોકો દોસ્ત છે અને સાઉદી અરેબિયાના નિર્માણમાં તેઓ ભાગીદાર બની રહ્યા છે.”

ઘણા નિષ્ણાતો માને છે કે 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી અખાતી દેશો સાથેના ભારતના સંબંધ મજબૂત બન્યા છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીની કથિત રીતે મુસ્લિમ-વિરોધી ઇમેજ બની હતી તેને તોડવા માટે તેમણે અખાતી દેશો પર ઘણું ધ્યાન આપ્યું છે.

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય જનતા પાર્ટીનાં તત્કાલીન પ્રવક્તા નૂપુર શર્માએ 2022ના મેમાં પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને જૂન શરૂ થતાંની સાથે જ એ બાબતે ઇસ્લામી દેશોની આકરી પ્રતિક્રિયા મળવી શરૂ થઈ ગઈ હતી.

એ સમયે ભારતીય ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કતારના પ્રવાસે ગયા હતા. કતારે રોષે ભરાઈને વેંકૈયા નાયડુના સન્માનમાં યોજાનારો ભોજન સમારંભ રદ્દ કર્યાના સમાચાર આવ્યા હતા. તેનાથી ભારતની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હોવાનું ઘણા લોકો માને છે.

નૂપુર શર્માનું નિવેદન ભારત માટે ધક્કા સમાન હતું? લીબિયા તથા જોર્ડનમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા અનિલ ત્રિગુણાયતે કહ્યું હતું કે “ભારતનો આરબ દેશો સાથેનો સંબંધ એટલો નબળો નથી કે તેને આવી ઘટનાઓની અસર થાય.”

“ભારત સરકારે આરબ વિશ્વને પોતાની અગ્રતામાં સામેલ કર્યું છે તે તદ્દન સાચું છે. મોદી સરકારના આગમન પછી આરબ વિશ્વ સાથેનો સંબંધ મજબૂત થયો છે. હું ભારપૂર્વક માનું છું કે ભારતમાં ઈસ્લામી વારસો આપણી સહિયારી સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ આરબ દેશો સાથેની દોસ્તી મજબૂત કરવા માટે થવો જોઈએ.”

અનિલ ત્રિગુણાયતે એમ પણ કહ્યું હતું કે “અખાતી દેશોમાં લગભગ 90 લાખ ભારતીયો કામ કરે છે. ભારતીયોએ તેમની મહેનત તથા ઈમાનદારીથી એ દેશોમાં પ્રતિષ્ઠા મેળવી છે. તેમની મહેનત પર પાણી ફરી તેવું કશું જ ન થાય તેનો ખ્યાલ ઘરેલુ રાજકારણમાં રાખવો જોઈએ.”

“એ દેશોમાં ભારતની ઇમેજ બહુ સારી છે અને તેને મજબૂત કરવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે. નરેન્દ્ર મોદીને સાઉદી અરેબિયા તથા સંયુક્ત આરબ અમિરાતે પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપ્યું છે.”

બીબીસી ગુજરાતી

ભારતનો સહયોગ

મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનો અખાતી દેશો સાથેનો સહકાર મહત્વના ઘણાં ક્ષેત્રોમાં વધી રહ્યો છે. ઊર્જા તથા સુરક્ષાના ક્ષેત્રે ભારત આ દેશો સાથે ઘણા મોરચે કામ કરી રહ્યું છે.

અબુધાબી નેશનલ ઑઇલ કંપનીએ ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વને ભરવાની જવાબદારી 2018માં સાત વર્ષના કરાર મુજબ લીધી છે. એ કરાર હેઠળ મેંગલોરના એક સ્ટોરેજમાં 50,860 લાખ બેરલ ક્રૂડ ભરવાનું હતું.

અબુધાબી નેશનલ ઑઇલ કંપની અને સાઉદી અરેબિયાની મહારાષ્ટ્રમાં 12 લાખ બેરલની એક રિફાઈનરી બનાવવાની યોજના છે. એ માટે 44 અબજ ડૉલરનો ખર્ચ થવાનો છે.

ઈરાન જેવા દેશોમાંથી ક્રૂડની આયાત પર અમેરિકા પ્રતિબંધ લાદે તો તેવી સ્થિતિમાં આ યોજનાઓ બહુ મહત્વની છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો પરમાણુ કરાર તોડી નાખ્યો હતો અને તેના પર અનેક આકરા પ્રતિબંધ લાદ્યા હતા. એ પ્રતિબંધો પછી ભારતે ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરવી પડી હતી.

ભારતે 2018માં ઈરાનથી ક્રૂડની આયાત સત્તાવાર રીતે બંધ કરી દીધી હતી. ભારતની ક્રૂડની કુલ આયાતમાં ઈરાનનો હિસ્સો 10 ટકા હતો.

સંયુક્ત આરબ અમિરાત સાથેનો ભારતનો સલામતી સહકાર અનેક સ્તરે વિસ્તર્યો છે. મોહમ્મદ બિન ઝાયેદના નેતૃત્વનું ઇસ્લામી આતંકવાદીઓ પ્રત્યેનું વલણ બહુ આકરું છે. ખાસ કરીને મુસ્લિમ બ્રધરહૂડના સંદર્ભમાં. ઈસ્લામી ઉગ્રવાદ સામે ભારતને સંયુક્ત આરબ અમિરાત તરફથી ઘણી મદદ મળી છે.

પાકિસ્તાનને ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશો સાથે ઐતિહાસિક રીતે સારા સંબંધ હોવા છતાં ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો ત્યારે પણ અખાતી દેશો તરફથી કોઈ આકરો પ્રતિભાવ આવ્યો ન હતો.

1970ના દાયકામાં ભારતનો સંયુક્ત આરબ અમિરાત સાથેનો દ્વિપક્ષી વ્યાપાર માત્ર 18 અબજ ડૉલરનો હતો, જે આજની તારીખે વધીને 73 અબજ ડૉલરનો થઈ ગયો છે. અમેરિકા અને ચીન પછી સંયુક્ત આરબ અમિરાત 2021-22માં ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રૅડ પાર્ટનર બની ગયું છે. અમેરિકા પછી ભારત સૌથી વધુ નિકાસ સંયુક્ત આરબ અમિરાતમાં કરે છે.

2021-22માં સંયુક્ત આરબ અમિરાતમાં ભારતની નિકાસ 28 અબજ ડૉલરની હતી, જ્યારે 2021માં સંયુક્ત આરબ અમિરાત ભારતનું સૌથી મોટું ટ્રૅડ પાર્ટનર હતું. બન્ને વચ્ચે ક્રૂડ સિવાયનો 45 અબજ ડૉલરનો કારોબાર થયો હતો.

બન્ને દેશ વચ્ચે 2022ની 18 ફેબ્રુઆરીએ કોમ્પિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ થયું હતું. તે કરારનો હેતુ બન્ને દેશ વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારને 100 અબજ ડૉલરનો કરવાનો લક્ષ્યાંક છે.

બીબીસી ગુજરાતી

ઐતિહાસિક સંબંધ

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતને આરબ વિશ્વ સાથે ઐતિહાસિક સંબંધ છે. અખાતી દેશોમાં લગભગ 90 લાખ ભારતીયો વસે છે. તેઓ ત્યાં નોકરી કરીને દર વર્ષે અબજો ડૉલર ભારતમાં મોકલે છે. એ ભારતીયોએ 2019માં 40 અબજ ડૉલર સ્વદેશ મોકલ્યા હતા.

તે પ્રમાણ ભારતના કુલ રેમિટન્સના 65 ટકા હતું અને ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનના ત્રણ ટકા જેટલું હતું. ભારત તેની કુલ ક્રૂડ આયાત પૈકીની 33 ટકા આયાત અખાતી દેશોમાંથી કરે છે. ભારતને ગૅસ પૂરો પાડતા દેશોમાં કતાર ટોચ પર છે.

ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલ(જીસીસી)ના સભ્ય દેશોમાં સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમિરાત, ઓમાન, કતાર અને બહેરીનનો સમાવેશ થાય છે. 2021-22માં જીસીસી દેશો સાથેનો ભારતનો દ્વિપક્ષી વેપાર 154 અબજ ડૉલરનો હતો. તે ભારતની કુલ નિકાસના 10.4 ટકા અને આયાતના 18 ટકા છે.

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતે છેલ્લા બે દાયકાથી ભારત સાથેના સંબંધને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા વચ્ચે ક્યાંય પણ હાથ છોડી શકે છે અને પાકિસ્તાનનો ભરોસો કરી શકાય તેમ નથી એ વાતથી બન્ને દેશો સારી રીતે વાકેફ છે.

સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લાહ બિન અબ્દુલ અઝીઝ અલ-સાઉદની 2006ની ભારત મુલાકાતને બહુ મહત્વની માનવામાં આવે છે. તેમના એ પ્રવાસને બન્ને દેશો વચ્ચેના સંબંધમાં સીમાચિહ્નરૂપ ગણવામાં આવે છે.

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત છેલ્લા બે દાયકાથી ભારતના રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યું છે. એ સિવાય બન્ને દેશોનો ભારત સાથેનો ક્રૂડ ઑઇલ સિવાયનો વ્યાપાર પણ વધી રહ્યો છે. ભારતમાંથી બન્ને દેશો દ્વારા ઘઉં તથા વેક્સીનની આયાત પણ વધી છે.

અનિલ ત્રિગુણાયતે કહ્યું હતું કે “સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તથા સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાન માને છે કે ભારત સાથેનો સંબંધ બહુ જરૂરી છે.”

“તેઓ ભારતના આંતરિક રાજકારણ પર જરાય ધ્યાન આપતા નથી. અબ્રાહમ એકોર્ડ્ઝ બાદ ઇઝરાયલની આરબ વિશ્વમાં વધતી સ્વીકાર્યતાને કારણે ભારતનો અખાતી દેશોના નારાજ થવાનો ડર પણ ખતમ થઈ ગયો છે.”

“નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત લેનાર પહેલા વડા પ્રધાન છે. તેમણે આરબો સાથેનો સંબંધ મજબૂત કરવા માટે ઇઝરાયલની ઉપેક્ષા કરી નથી. મોદી સરકારે ઇઝરાયલ તથા અખાતી દેશો સાથે અનેક સ્તરે આર્થિક તથા સંરક્ષણ સંબંધ આગળ વધાર્યો છે. ભારત, ઇઝરાયલ, સંયુક્ત આરબ અમિરાત અને અમેરિકાએ મળીને આઈટુયુટુ નામનું સંગઠન પણ બનાવ્યું છે.”

બીબીસી ગુજરાતી

પયગંબર વિશેની ટિપ્પણી અસ્વીકાર્ય

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા તલમીઝ અહમદ માને છે કે આ બધા છતાં ભારતે દેશમાં કેટલીક સંવેદનશીલ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે “ધર્મના નામે મુસ્લિમ સમુદાયનું ઉત્પીડન થયું હોય અને ઇસ્લામી વારસાને ખતમ કરવાનો પ્રયાસ થયો હોય એવું ભારતમાં ઘણી વાર જોવા મળ્યું છે. કોઈ દેશના આંતરિક મામલમાં દખલ નહીં કરવાની પરંપરા છે, પરંતુ મોહમ્મદ પયગંબરની વાત આવશે તો આરબ દેશો ચૂપ રહેશે નહીં.”

“મેં વિદેશમાં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે હવે બહુ થયું. તમે ઘરમાં એક ખાસ સમુદાય પર નિશાન તાકશો અને વિદેશમાં નૈતિકતાની ઊંચી ઊંચી વાતો કરશો તો એ લાંબા સમય સુધી નહીં ચાલે.”

નૂપુર શર્મા વિવાદ બાબતે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉપદ્રવીઓની ટિપ્પણી ભારતનું સત્તાવાર વલણ નથી.

તલમીઝ અહમદે કહ્યું હતું કે “ભારતના લોકો જીસીસી દેશોમાંથી જે રેમિટન્સ મોકલે છે, તેમાંથી ભારતના ક્રૂડના વાર્ષિક બિલનો 33 ટકા હિસ્સો કવર થઈ જાય છે. સ્થાનિક રાજકારણમાં ભારત આવી બાબતો પર પૂર્ણવિરામ નહીં મૂકે તો તેને મોટું આર્થિક નુકસાન થશે. ભારતીયો સામાનનો બહિષ્કાર પણ શરૂ થઈ શકે છે. તેની ભારતીય કામદારોની નિમણૂંક પર પણ નકારાત્મક અસર થશે.”

અમેરિકા, ચીન અને સંયુક્ત આરબ અમિરાત પછી સાઉદી અરેબિયા ભારતનું ચોથું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. ભારત તેની જરૂરિયાત પૈકીનું 18 ટકા ક્રૂડ અને 22 ટકા એલપીજી સાઉદી અરેબિયામાંથી આયાત કરે છે.

2021-22માં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 44.8 અબજ ડૉલરનો હતો. તેમાંથી સાઉદી અરેબિયાએ ભારતમાં 34 અબજ ડૉલરની સામગ્રીની નિકાસ કરી હતી અને 8.76 અબજ ડૉલરની સામગ્રીની આયાત કરી હતી. 2021-22માં ભારતના કુલ વ્યાપારમાં સાઉદી અરેબિયાની હિસ્સેદારી 4.14 ટકા હતી.

રેડ લાઇન
રેડ લાઇન