આરબ દેશોમાં કામ કરતા ભારતીયો પર મુસ્લિમ નફરતના રાજકારણની શી અસર થશે?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

તેજસ્વી સૂર્યા 31 વર્ષના યુવા સાંસદ છે. બે વર્ષ પહેલાં એમની 2015ના એક ટ્વીટ અંગે વિવાદોથી હોબાળો થયો હતો. એ ટ્વીટમાં તેજસ્વી સૂર્યાએ લખેલું કે, આરબની 95 ટકા મહિલાઓને પાછલાં સોએક વર્ષોથી ક્યારેય ઑર્ગેઝમ નથી મળ્યો.

તેજસ્વી સૂર્યા જ્યારે સાંસદ બન્યા ત્યારે એમની આ ટ્વીટનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો.

આરબ દેશોમાં લાખો ભારતીય કામ કરે છે (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરબ દેશોમાં લાખો ભારતીય કામ કરે છે (પ્રતીકાત્મક તસવીર)

એ સમયે પણ આરબજગતમાંથી આકરી પ્રતિક્રિયાઓ આવી હતી. પાર્ટીએ તો ત્યારે કોઈ કાર્યવાહી ના કરી પરંતુ સૂર્યાએ પાંચ વર્ષ પછી ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.

હવે, ભાજપ ફરી એક વાર પોતાનાં 37 વર્ષનાં નેતા નૂપુર શર્માના કારણે બૅકફૂટ પર છે.

નૂપુર શર્માએ એક ન્યૂઝ ચૅનલ પરના ડિબેટ શોમાં મહમદ પયગંબર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

નૂપુર શર્મા ઉપરાંત ભાજપના બીજા એક પ્રવક્તા નવીનકુમાર જિંદલે પણ પયગંબર વિશે વાંધાજનક ટ્વીટ કર્યું હતું.

આ બંનેની ટિપ્પણીઓ પર આરબ ઇસ્લામિક દેશોએ આકરી પ્રતિક્રિયા આપી. કતારે તો ભારતને માફી માગવાનું કહ્યું. વિવાદ વધતો દેખાતાં ભાજપે કહ્યું કે આ પાર્ટીનો મત નથી; અને નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યાં તથા નવીનકુમાર જિંદલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

આરબ દેશો સાથે ભારતના સંબંધો પહેલાંથી જ સારા રહ્યા છે. ખાડી દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો કામ કરે છે. ભારતીય કામદારોમાં હિન્દુઓની સંખ્યા પણ મોટી માત્રામાં છે. સંયુક્ત આરબ અમિરાત એટલે કે યુએઇમાં 35 લાખ ભારતીયો કામ કરે છે.

આ સંખ્યા યુએઇની કુલ વસ્તીના 30 ટકા છે. આ જ રીતે સાઉદી અરેબિયામાં પણ લાખો ભારતીય કામ કરે છે.

ઑક્ટોબર, 2019માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી આરબના પ્રવાસે ગયા હતા. એ પ્રવાસ દરમિયાન એમણે આરબ ન્યૂઝને 29 ઑક્ટોબરે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લાઇન

સંક્ષિપ્તમાં : ભાજપનાં નેતા નૂપુર શર્માનો શું હતો વિવાદ?

લાઇન

નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ ચૅનલ'ની એક ડિબેટમાં ભાગ લીધો હતો.

આ ચર્ચા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને યોજવામાં આવી હતી. પોતાનો વારો આવતાં તેમણે એક એવી ટિપ્પણી કરી કે જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો.

નૂપુર પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે મહમદ પયગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી.

જોકે, નૂપુરનો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

આ બાદ ઉત્તર પદેશના કાનપુરમાં બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતાં અશાંતિનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાના થોડા દિવસ બાદ નૂપુરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

line

વિરોધાભાસી રાજકારણ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આરબ ન્યૂઝને એ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહેલું, "લગભગ 26 લાખ ભારતીયોએ સાઉદી અરેબિયાને પોતાનું બીજું ઘર બનાવ્યું છે. અહીંની પ્રગતિમાં પણ તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે. હજયાત્રા અને વેપારવાણિજ્ય માટે દર વરસે મોટી સંખ્યામાં ભારતીયો અહીં આવે છે."

"એમના માટે મારો સંદેશ છે કે તમે સાઉદીમાં જે સ્થાન ઊભું કર્યું છે એ માટે ભારતને ગર્વ છે. એમની આકરી મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે સાઉદીમાં ભારતનું માન વધ્યું છે અને એનાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થવામાં મદદ મળી છે. અમને વિશ્વાસ છે કે સાઉદી સાથેનો તમારો સંબંધ આ રીતે આગળ વધતો રહેશે."

પીએમ મોદીએ કહેલું કે આ વિસ્તારમાં ભારતના 80 લાખ લોકો રહે છે. આ લાખો ભારતીય અહીંથી અબજો ડૉલર કમાઈને ભારત મોકલે છે. વર્લ્ડ બૅન્ક અનુસાર, ગયા વર્ષે વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોએ 87 અબજ ડૉલર ભારત મોકલ્યા અને એમાં ખાડી દેશોમાં કામ કરતા ભારતીયોનું યોગદાન 45 ટકાથી વધારે હતું.

ઊર્જા સંરક્ષણના મામલે પણ ભારત ખાડીના દેશો પર નિર્ભર છે. 2019માં સાઉદીના પ્રવાસે ગયેલા મોદીએ કહેલું કે, ભારત 18 ટકા કાચું તેલ અને પોતાની જરૂરિયાતનો 30 ટકા એલપીજી સાઉદી આરબમાંથી જ આયાત કરે છે. એ ઉપરાંત ઇરાક અને ઈરાનમાંથી પણ તેલની આયાત કરે છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. યુએઇ ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે અને સાઉદી આરબ ચોથા.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન અને પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન અને પીએમ મોદી

એક તરફ પીએમ મોદીનું એમ કહેવું કે ભારતીયોએ સાઉદી અરેબિયામાં જે સ્થાન ઊભું કર્યું છે એનાથી ભારતને ગર્વ છે અને બીજી તરફ એમની પાર્ટીના નેતા મહમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરી રહ્યાં છે? શું ભાજપનું ઘરેલુ રાજકારણ વિદેશનીતિને આગળ વધારવામાં નબળું સાબિત થઈ રહ્યું છે?

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંના પશ્ચિમ એશિયાની બાબતોનાં વિશેષજ્ઞ પ્રૉફેસર સુજાતા ઐશ્વર્યાએ કહ્યું, "ભાજપનું ઘરેલુ રાજકારણ વિદેશનીતિ માટે નુકસાનકારક છે. તમારા ઘરેલુ રાજકારણની છાયા વિદેશનીતિ પર પણ પડે છે. લાખોની સંખ્યામાં જે ભારતીય ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે, એમની રોજીરોટી પર આ રાજકારણ અસર કરશે."

"ઘણા નોકરીદાતા ભારતીયોને નોકરી આપવાનો ઇનકાર કરશે. આરબ દેશોની નારાજગીથી ભારતને જે નુકસાન થશે તે ખૂબ ભારે પડશે. એવું નથી કે તેઓ તેલ આપવાનું બંધ કરી દેશે, પરંતુ 1973માં ઇઝરાયલ બાબતે ખાડી દેશોએ પશ્ચિમને તેલ આપવાનું બંધ કરી દીધું હતું. સાઉદી અરેબિયાએ ભારતને એ માટે તેલ આપવાનું બંધ નહોતું કર્યું, કેમ કે ભારતનું સ્ટૅન્ડ ઇઝરાયલતરફી હતું."

સુજાતાએ કહ્યું, "આરબ સાથેનો સંબંધ પૈસાના બદલામાં તેલ લેવા પૂરતો જ નથી. આપણો સંબંધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક છે. ભારતીયોએ ખૂબ મહેનતથી ત્યાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે. એમની મહેનત પર ભાજપનું રાજકારણ પાણી ઢોળી દેશે."

"તમે અબુધાબીમાં મંદિરનો શિલાન્યાસ કરાવીને ફૂલ્યા નથી સમાતા અને અહીં આટલું હીન રાજકારણ કરી રહ્યા છો. આપણા રાજકારણનું એક સ્તર હતું અને એના કારણે વિદેશોમાં આપણી પ્રતિષ્ઠા ઊભી થઈ હતી. હવે લોકો આ પ્રતિષ્ઠાને ભૂંસવાના પ્રયાસો કરે છે. આ રાજકારણથી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. ખાડી દેશોમાં અત્યારથી જ ભારતીય સામાનના બહિષ્કારની ઝુંબેશ ચાલી રહી છે."

line

આરબ દેશોમાં કામ કરતા ભારતીય શું કહે છે?

ભાજપનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના નિવેદન અંગે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના નિવેદન અંગે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાશે?

અલાહાબાદના ડૉ. તારિક અફાક સાઉદી આરબની રાજધાની રિયાદમાં સર્જન છે. એમને પૂછ્યું કે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયો પર ભારતમાં બનતી ઘટનાઓની અસર કેવી પડે છે?

ડૉ. અફાકે કહ્યું, "અહીંની શાસનવ્યવસ્થામાં વિરોધ-પ્રદર્શન વર્જિત છે. મીડિયાની પણ પોતાની એક હદ છે. અહીંના સ્થાનિક લોકો શું વિચારે છે, એનો બહુ અંદાજ નથી આવતો. પરંતુ અમે લોકો વ્યક્તિગત ધોરણે એનાથી અસરગ્રસ્ત થઈએ છીએ. એક મુસલમાન માટે મહમદ પયગંબર જ બધું છે. એમનું અપમાન તો કોઈને યોગ્ય નહીં લાગે."

અફાકે કહ્યું કે, "આવું બધું થાય ત્યારે અહીં કામ કરતા હિન્દુઓ માટે પણ અસહજ સ્થિતિ ઊભી થાય છે. સાઉદી આરબ અને મહમદ પયગંબરનો સંબંધ અહીં રહેતા હિન્દુઓ પણ ખૂબ સારી રીતે જાણે છે. અમે અહીં અરસપરસ વાત કરીએ ત્યારે દુઃખ થાય છે."

"ભારતીયોની છબિ અહીં સારી રહી છે પરંતુ આ પ્રકારનું રાજકારણ દેશમાં થતું રહ્યું તો આગામી સમયમાં એની અસર થશે. લોકો નોકરી આપવાની ના પાડી દેશે. આરબ દેશોએ કહ્યા પહેલાં જ ભાજપે પોતાનાં પ્રવક્તાઓ સામે સખત કાર્યવાહી કરી હોત તો શું એ સારું ના હોત? એનાથી અમારું મસ્તક પણ ઊંચું થાત અને ભારતની સેક્યુલર છબિ પણ મજબૂત થાત."

બિહારના ઔરંગાબાદના શ્યામકુમાર દુબઈમાં એક ભારતીય કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજર છે. તેઓ પોતાને ભાજપના સમર્થક ગણાવે છે.

એમને નૂપુર શર્માની ટિપ્પણી અને આરબ દેશોની પ્રતિક્રિયાઓની સંપૂર્ણ માહિતી છે. શ્યામને પૂછ્યું કે શું એક હિન્દુ તરીકે એમને ક્યારેય દુબઈમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો? કે હિન્દુ આરાધ્યોની બાબતમાં ત્યાંની સરકાર દ્વારા ક્યારેય કોઈ વાંધાજનક ટિપ્પણી થઈ?

આ સવાલના જવાબમાં શ્યામે કહ્યું, "એવું ક્યારેય નથી થયું. હિન્દુ તરીકે મારે કોઈ પણ પ્રકારના ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો. મારાં પત્ની અહીં છઠ પૂજા પણ કરે છે અને દરિયામાં અર્ઘ્ય અર્પે છે. એમાં પણ ક્યારેય કોઈ પરેશાની નથી થઈ."

ભારતમાં મુસલમાનો સાથેના ભેદભાવના સમાચારો મળે છે ત્યારે શ્યામ એને કઈ રીતે જુએ છે?

શ્યામે કહ્યું, "મોદી સરકાર આવ્યા પછીથી એનઆરઆઇને પરેશાની નથી થઈ. મને લાગે છે કે ઘણી વસ્તુઓ સકારાત્મક થઈ છે. એટલે સુધી કે યુએઇની સરકારી ઑફિસોમાં અગત્યની સૂચનાઓ હિન્દીમાં લખેલી જોવા મળે છે."

"સીએએ અને એનઆરસીનો વિવાદ થયો ત્યારે હું પણ સોશિયલ મીડિયા પર લખતો હતો, પરંતુ ઘણા મુસ્લિમ મિત્રો નારાજ થઈ ગયા તો ફેસબુક છોડી દીધું. જ્યાં સુધી નૂપુર શર્માની ટિપ્પણીની વાત છે તો આ કંઈક વધારે પડતું થઈ ગયું. આપણે કોઈના આરાધ્ય અંગે આવું ના બોલવું જોઈએ."

line

દ્વિપક્ષીય સંબંધો પર અસર?

સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ સલમાન અને પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ સલમાન અને પીએમ મોદી

શું આવી ટિપ્પણીઓની અસર ખાડી દેશોમાં રહેતા ભારતીયો પર પણ પડે છે?

શ્યામે કહ્યું કે, "અહીંની વ્યવસ્થામાં પૈસા, રોજગાર અને કારોબાર જ રોજિંદું જીવન છે. ધાર્મિક વિવાદો માટે કોઈ ચર્ચા નથી થતી. વ્યક્તિગત ધોરણે કયો માણસ શું વિચારે છે, એ કહેવું મુશ્કેલ છે. યુએઇ જો ધર્મને મહત્ત્વ આપતું તો ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય ના કરત અને એની સાથે ટ્રેડ ડીલ પણ ના કરત. યુએઇની પ્રકૃતિ સાઉદી, કતાર અને કુવૈત કરતાં બિલકુલ જુદી છે."

શ્યામે કહ્યું કે, "ભારત અને આરબના ઇસ્લામિક દેશોનો સંબંધ કંઈ એકતરફી નથી. એમની પાસે તેલ છે અને તેલનો ખેલ 50 વર્ષથી વધારે નહીં ચાલે. ખાવા-પીવાથી માંડીને ઘણી બાબતોમાં એમની નિર્ભરતા તો બીજા દેશો પર છે."

"જો ભારતીયોની અહીં કામ કરવાની વાત છે, તો તેઓ કશો અહેસાન નથી કરી રહ્યા. ભારતીય અહીં આકરી મહેનત કરે છે. અહીં ભારતના લોકો મજૂરથી માંડી સીઇઓ સુધ્ધાં છે."

બિહારના રામેશ્વર સાવ સાઉદી આરબના દમામમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂર છે.

એમને નૂપુર શર્માની ટિપ્પણી અને આરબ દેશોની પ્રતિક્રિયા અંગે પૂછ્યું તો એમણે કહ્યું, "મને પણ ફેસબુક દ્વારા ખબર પડી. પરંતુ સાઉદી આરબમાં લોકો બસ કામ કરે છે અને ઘરે જાય છે. ખોટું એ વાતનું લાગે છે કે ધર્મ જ બધું આપતો હોત તો મને ભારતમાં જ રોજગાર મળી જતો."

"હું મારાં પત્ની-બાળકોથી આટલો દૂર શા માટે રહું છું? દેખીતું છે, મજબૂરીમાં. અહીં ભારતની ઇમેજ સારી છે પરંતુ ભારતનું રાજકારણ આવું જ રહ્યું તો આપણી ઇમેજ ખરાબ થશે. સારી ઇમેજના કારણે જ પાકિસ્તાનના લોકો પણ પોતે ભારતીય હોવાનું જણાવે છે. ક્યાંક એવું ના થાય કે ભારતીયોએ પાકિસ્તાની કહેવું પડે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શું ભારતનું આંતરિક રાજકારણ ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન કરશે? યુપીએ-2માં વિદેશમંત્રી રહી ચૂકેલા સલમાન ખુર્શીદે કહ્યું, "આ વાતનું સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે. દેશમાં સત્તા પ્રાપ્ત કરવા માટે એવા રાજકારણથી દૂર રહેવાની જરૂર છે, જેનાથી આપણી અર્થવ્યવસ્થા અને વિદેશનીતિને ગંભીર નુકસાન થઈ શકે."

યુએઇ અને ભારત વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી થવાની છે.

સાઉદી અરબે 2019માં ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટક્ચર અને રિફાઇનરીમાં 100 અબજ ડૉલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો હતો.

ઈરાન સાથે ભારત ચાબાહાર પૉર્ટ પર કામ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ભારતનાં હિતો તાલિબાનો આવ્યા તે પહેલાંથી જ સંકટમાં મુકાયાં છે.

ભારત હિન્દુ-મુસલમાન નફરતના રાજકારણ દ્વારા પોતાનાં આ હિતોની પૂર્તિ કરી શકે એમ નથી.

સાઉદી આરબમાં ભારતના રાજદૂત તરીકે રહેલા તલમીઝ અહમદનું કહેવું છે કે આરબજગતમાં ભારતની ઇજ્જત ઘણી ઊંચી રહી છે અને આવું રાજકારણ બધું ખતમ કરીને જ શાંત પડશે.

તલમીઝ અહમદે કહ્યું, "આરબ દેશોમાં વિરોધ-પ્રદર્શન વર્જિત છે, તેથી લોકો માર્ગો પર ઊતરીને દેખાવો નથી કરતા, પરંતુ આમજનતાના મનમાં પણ ગુસ્સો હોય છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો