ટી20 વર્લ્ડકપ : 0...0...0..., અભિષેક શર્મા કઈ ભૂલ વારંવાર કરી રહ્યા છે, શા માટે યુવરાજસિંહ સાથે તેમની સરખામણી થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ ક્રિષ્ના
- પદ, બીબીસી તામિલ
- વાંચવાનો સમય: 6 મિનિટ
ટી-20 વર્લ્ડકપમાં સતત ચાર વિજય મેળવીને ભારતે ગ્રૂપ સ્ટેજની મૅચો પૂરી કરી લીધી છે. ચારેય મૅચોમાં વિજય સાથે ભારત પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ ઉપર છે.
છતાં એક બાબત ભારતીય ટીમ તથા પ્રશંસકોને પજવી રહી છે. આ બાબત એ છે વિશ્વના ટોચના ટી20 બૅટ્સમૅન અભિષેક શર્માનું ફૉર્મ.
બુધવારે નૅધરલૅન્ડ્સ સામેની મૅચમાં તેઓ સળંગ ત્રીજી વખત (યુએસ, પાકિસ્તાન અને નૅધરલૅન્ડ્સ) શૂન્ય રને આઉટ થયા હતા.
નાદુરસ્ત તબિયતને કારણે તેઓ નામિબિયા સામેની મૅચ રમી શક્યા ન હતા.
અભિષેકે વર્ષ 2024માં ટી-20 ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પહેલી જ મૅચમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હતા, પરંતુ એ પછીની મૅચમાં સદી ફટકારીને તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા.
ટી20 વર્લ્ડકપ શરૂ થયો એ પહેલાં અભિષેક શર્માને ભારતનું કારગત હથિયાર માનવામાં આવતા હતા. હવે, ફૅન્સ તેમના પ્રદર્શન અંગે ચર્ચા અને ચિંતા કરવા લાગ્યા છે.
અભિષેક શર્મા સાથે શું થયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા સામેની પહેલી મૅચમાં અભિષેક શર્માનું શૂન્ય રને આઉટ થવું એ આઘાતજનક ન હતું, કારણ કે તેના માટે અમેરિકાની ચપળતા ભરી ફિલ્ડિંગ વધુ જવાબદાર હતી.
અલી ખાને બૉલ નાખ્યો, તેને અભિષેક શર્માએ તેને સ્વીપર કવર તરફ ઉછાળી દીધો. એ ખૂબ જ સારો શૉટ હતો. પાવર પ્લે ચાલી રહ્યું હતું એટલે માત્ર બે ફિલ્ડરને બાઉન્ડ્રી પાસે તહેનાત કરી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે અમેરિકાએ ત્યાં એક ફિલ્ડર તહેનાત હતો. એ પછીની બે મૅચોમાં પણ એ જ વ્યૂહરચનાનો શિકાર બની ગયા.
પાકિસ્તાન સામેની મૅચમાં કૅપ્ટન સલમાન અલી આગાએ પોતે બૉલિંગ હાથમાં લીધી અને ઑફ-સ્પીન બૉલ કરી. '30 યાર્ડ સર્કલ'માં ફિલ્ડર તહેનાત હોવાને કારણે અભિષેક શર્મા બાઉન્ડ્રી નહોતા મારી શકતા.
સતત ત્રણ બૉલ ખાલી ગયા. ચોથો બૉલ સ્ટમ્પ લાઇન ઉપર આવ્યો, ત્યારે તેઓ ફટકો મારવા ગયા અને મિડ-ઑન પર કૅચ આઉટ થઈ ગયા હતા.
નૅધરલૅન્ડ્સે પણ પાકિસ્તાન જેવી વ્યૂહરચના અપનાવી અને ઑફ-સ્પીનર આર્યન દત્તને પહેલી ઓવર આપી. સલમાનની જેમ આર્યને પણ 'સ્ટમ્પની આસપાસ' બૉલિંગ કરી.
સ્ટમ્પલાઇન ઉપર નાખવામાં આવેલો પહેલો બૉલ ખાલી ગયો, બીજો બૉલ અભિષેકના શરીરની નજીક રહ્યો અને તે પણ ખાલી ગયો. અભિષેક શર્મા ત્રીજા બૉલને ફટકારવા ગયા હતા અને વિકેટ્સ પડી ગઈ હતી.
છેલ્લી બંને મૅચ દરમિયાન તેઓ લગભગ સરખી રીતે જ આઉટ થયા છે. મોટો શૉટ મારીને ઇનિંગની શરૂઆત કરવા જતા અભિષેક આઉટ થયા છે.
અભિષેકની અગાઉની બે ઇનિંગ દરમિયાન ઇશાન કિશને મૅચનો પ્રથમ બૉલ રમ્યો હતો, જોકે, નૅધરલૅન્ડ્સ સામેની મૅચમાં અભિષેકે પહેલા સ્ટ્રાઇક લીધી હતી.
જે ઇરાદા સાથે તેમણે ગત બે મૅચ દરમિયાન શૉટ રમ્યા, તે દેખાડે છે કે શું રન નહીં મળવાને કારણે અભિષેક તણાવ અનુભવી રહ્યા છે.
વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ હોય એટલે સ્વાભાવિક રીતે દરેક ખેલાડી વધારાનું દબાણ અનુભવે જ. ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે અભિષેક પણ એ સહજ ભાર અનુભવી રહ્યા હશે.
અભિષેક શર્માના ફૉર્મની ભારતીય ક્રિકેટ ટીમ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, ANI
ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું હતું કે અભિષેક જે રીતે આઉટ થઈ રહ્યા છે, એ તેમના આત્મવિશ્વાસને અસર કરી શકે છે.
બાંગરે કહ્યું હતું, "અભિષેકે બૉલને ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ 'ક્રૉસ બૅટ'ને કારણે અભિષેક આઉટ થઈ ગયા. ક્રૉસ બૅટથી રમવું એ ચોક્કસપણે તેમના આત્મવિશ્વાસ માટે સારી બાબત નથી. તમે આઉટ થઈ ગયા. આ રીતે આઉટ થવું એ આગામી મૅચમાં તેમના પ્રદર્શન વિશે સવાલ ઊભા કરે છે."
એ જ કાર્યક્રમમાં બોલતી વેળાએ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વરૂણ ઍરોને કહ્યું કે તેના કારણે ટીમના પર્ફૉર્મન્સ ઉપર અસર પડી રહી છે.
તેમણે કહ્યું, "છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઇન્ડિયા આ ફૉર્મેટમાં જે રીતે રમી છે, એના કરતાં વર્લ્ડકપમાં ભિન્ન રીતે રમી રહી છે. ભારતના આક્રમક વલણના કેન્દ્રમાં અભિષેક શર્માની રમત છે, પરંતુ હવે તેમને રન નથી મળી રહ્યા. ગત મૅચમાં ઇશાન કિશને તેમની ભૂમિકા ભજવી હતી."
ટીમ ઇન્ડિયાના વલણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતની ટીમે આ ફૉર્મેટમાં મોટાભાગે 200 કરતાં વધુ રન બનાવ્યા છે. જોકે, વર્લ્ડકપ દરમિયાન માત્ર નામિબિયાની ટીમ સામે ભારતીય ટીમનો સ્કૉર 200ના આંકડાને પાર થયો હતો.
અભિષેકની ગેરહાજરીમાં એ મૅચમાં ઇશાન તથા સંજૂ સૅમ્સને સારી શરૂઆત આપી હતી. પાકિસ્તાન સામેની મૅચ મુશ્કેલ પીચ ઉપર યોજાઈ રહી હોવા છતાં ઇશાને આક્રમણનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ભારતે કપરી પીચ ઉપર પણ 175 રન ફટકાર્યા હતા.
શરૂઆત નબળી હોવાને કારણે ટીમ પહેલાં જેવું મૉમેન્ટમ નથી પકડી શકતી. યુએસ સામે શરૂઆતમાં ફાંફા પડ્યા બાદ માંડ 161 રને સ્કૉર પહોંચ્યો હતો. નૅધરલૅન્ડ સામેની મૅચમાં પણ શિવમ દુબેએ છેલ્લે-છેલ્લે તાકત દેખાડી હતી, જેના કારણે ભારતનો સ્કૉર 193 રન ઉપર પહોંચ્યો હતો.
અત્રે એ યાદ રાખવું ઘટે કે, ભારતની ટીમે પહેલી 10 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે માત્ર 74 રન બનાવ્યા હતા.
ઈજામાંથી બહાર આવેલા તિલક વર્મા હજુ સુધી તેમની આક્રમક રમત દેખાડી નથી શક્યા. અભિષેક શર્મા વહેલાં આઉટ થઈ જાય, એટલે તિલકે પણ ડિફેન્સિવ રમત રમવી પડે છે.
એટલું જ નહીં, ગત બે મૅચમાં ઑફ-સ્પીનરોએ અભિષેક શર્માની વિકેટ લીધી હતી. ત્યારે આગામી મૅચમાં દક્ષિણ આફ્રિકા પણ કૅપ્ટન મારક્રમ પોતે કે સલીમ અલી જેવા સ્પીનર બૉલિંગ આક્રમણ સંભાળી શકે છે.
ઝીમ્બાબ્વે બ્રાયન બૅનેટ તથા વેસ્ટ ઇન્ડિયન રોસ્ટન ચૅઝને ભારત સામે બૉલિંગની શરૂઆત કરવાની જવાબદારી સોંપી શકે છે. જેના કારણે ન કેવળ અભિષેક શર્મા, પરંતુ ભારતના ટોચના બૅટ્સમૅનો દબાણ હેઠળ આવી શકે છે.
ગત ત્રણ મૅચની ઉપર નજર કરીએ તો ઇશાન કિશનની વિકેટ ઑફ-સ્પીનરોએ જ લીધી છે.
અભિષેકે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, ANI
ગાડીને ફરીથી પાટા ઉપર ચઢાવવા માટે અભિષેક શર્માને મુખ્યત્વે બે સૂચન અપાઇ રહ્યા છે.
સંજય બાંગરનું માનવું છે, "અભિષેક શર્મા વહેલાં આઉટ થઈ જાય છે. એમણે પોતાને થોડો સમય આપવો જોઈએ. તેમણે ચાર-છ બૉલ રમવા રમવા જોઈએ. એ પછી તેઓ ઝડપભેર સ્કૉર કરી શકે છે."
અમુક ખેલાડીઓ જ્યારે વહેલા આઉટ થઈ જાય છે, ત્યારે આ પ્રકારનું વલણ અપનાવતા હોય છે. પહેલો રન થાય એ પછી દબાણ ઓછું થવા લાગે છે અને પછી તેઓ રાબેતા મુજબ રમી શકે છે.
બાંગર માને છે કે અભિષેક તેમની ગિયર સરળતાથી બદલી શકે છે એટલે તેમણે શરૂઆતમાં ધીરજ ધરીને પછી આક્રમકતા દેખાડવાનું વલણ અપનાવવું જોઈએ.
ક્રિસ ગેઇલ તથા રોહિત શર્મા ધીમી શરૂઆત કરે એ પછી જ ઍક્શનમાં આવે છે. શ્રીલંકા સામેની મૅચમાં રોહિત શર્માએ 264 રન બનાવ્યા હતા. જોકે એ મૅચ દરમિયાન રોહિતે શરૂઆતના 20 બૉલમાં માત્ર છ રન જ બનાવ્યા હતા. એ પછી તેમણે પોતાની આક્રમક રમત શરૂ કરી હતી.
વરૂણ ઍરોન કહે છે કે અભિષેક અત્યારે અવઢવમાં છે. તેઓ કહે છે, "અભિષેકે તેમની કારકિર્દીમાં અત્યાર સુધી આક્રમક રમત દાખવી છે. તેમની સ્ટ્રાઇક 200થી ઉપર છે. આના માટે તમારે સાતત્યપૂર્વક સારું અને 30 કરતાં વધુની સરેરાશ સાથે રમવું પડે."
"જોકે, ત્રણ મૅચમાં શૂન્ય રને આઉટ થયા પછી, તેઓ કદાચ વિચારતા થશે કે શું તેમનું આક્રમક વલણ બરાબર હતું ? મને એવું લાગે છે કે તેમણે એવો વિચાર કરવાની જરૂર નથી."
ઍરોન ઉમેરે છે, "અભિષેક જે રીતે રમતા રહ્યા છે, એવી જ રીતે રમવું જોઈએ."
સંજુ સૅમ્સનને તક મળશે?

ઇમેજ સ્રોત, ANI
અભિષેક શર્માના પર્ફૉર્મન્સથી એવા પણ સવાલ ઊઠી રહ્યા છે કે શું સંજુ સૅમ્સનને તક મળવી જોઈએ?
એક સમયે સંજુ ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમના નિયમિત સભ્ય હતા. પરંતુ વર્લ્ડકપ પહેલાં તેમણે ફૉર્મ ગુમાવી દીધું. ન્યૂઝીલૅન્ડ સામેની પાંચ મૅચોની ટી-20 સિરીઝમાં તેમણે 9.2ની સરેરાશથી માત્ર 46 રન બનાવ્યા હતા.
આ ગાળા દરમિયાન ઇશાન કિશને જોરદાર પર્ફૉર્મ કર્યું, જેના કારણે સંજુએ ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું.
નામિબિયા સામેની મૅચમાં સંજુએ આઠ બૉલમાં 22 રન બનાવ્યા હતા, એટલે કેટલાક ફૅન્સનું માનવું છે કે અભિષેકના સ્થાને સંજુને સ્થાન મળવું જોઈએ.
ટીકાકારોનું કહેવું છે કે તાજેતરનાં વર્ષો દરમિયાનનાં પર્ફૉર્મન્સને કારણે અભિષેકને તકો મળી રહી છે.
કૉમેન્ટેટર ભગવતી પ્રસાદે પાકિસ્તાન સામેની મૅચ પછી બીબીસી તામિલ સાથે વાત કરતાં કહ્યું હતું, "મોટી ટીમોમાં એક વાત મોટાભાગે જોવા મળે છે. જો તેમનો ટોચનો ખેલાડી સારું ન રમે, તો પણ તેને તાત્કાલિક પડતો મૂકવામાં નથી આવતો. તેને તક આપવામાં આવે છે. અણિના સમયે કે મહત્ત્વપૂર્ણ મૅચોમાં પોતાનું પ્રદર્શન કરી દેખાડતા હોય છે."
"ઉદાહરણ જોઈએ તો, વર્ષ 2003ના વર્લ્ડકપ દરમિયાન ડેમિન માર્ટિન તથા વર્ષ 2007માં ગિલક્રિસ્ટ. ટુર્નામેન્ટની શરૂઆતમાં બંનેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું રહ્યું. જોકે, ફાઇનલમાં તેમણે ધમાકેદાર ઇનિંગ રમી હતી. અભિષેક શર્મા પણ કટોકટીના સમયે કામ આવી શકે છે."
અભિષેક શર્મા આઇસીસી રૅન્કિંગ મુજબ, ટી20 ક્રિકેટમાં અભિષેક શર્માએ 931 પૉઇન્ટ્સ મેળવ્યા હતા. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે. એટલે એવું માનવામાં આવે છે કે અભિષેકને થોડી વધારે તક મળવી જોઈએ.
અભિષેક સાથે 'ગુરૂ' યુવરાજસિંહ જેવું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2007માં પહેલા ટી20 વર્લ્ડકપ દરમિયાન અભિષેક શર્માના 'મૅન્ટર' યુવરાજસિંહે ઇંગ્લૅન્ડ સામેની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેમણે ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અડધી સદી મારી હતી. જેના કારણે ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું.
જોકે, એ ટુર્નામેન્ટ દરમિયાન યુવરાજની શરૂઆત શાનદાર નહોતી રહી. શરૂઆતની બે મૅચોમાં તેમણે માત્ર છ રન બનાવ્યા હતા. ફૅન્સને આશા છે કે અભિષેક શર્મા પણ એવો કમાલ કરી દેખાડશે.
એ પણ યોગાનુયોગ જ છે કે વર્ષ 2007ના વર્લ્ડકપ દરમિયાન યુવરાજસિંહે ઈજાને કારણે પહેલી મૅચ ગુમાવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












