ગુજરાત : એ નેતાઓ જે સતત સરકારનો વિરોધ કરતા રહ્યા અને પછી ભાજપમાં જોડાઈ ગયા

ઇમેજ સ્રોત, fb/gujarat bjp/ ani
તાજેતરમાં, બોટાદમાં ખેડૂત આંદોલન પછી ચર્ચામાં આવેલા અને સરકાર સામે સતત વિરોધ કરનાર નેતા રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સરકાર સામે સતત બાંયો ચઢાવતા કેટલાક નેતાઓ એકાએક ભાજપમાં જોડાયા હોય તેવો સિલસિલો યથાવત રહ્યો છે.
આવા ઘણા નેતાઓ લોકોમાં એક આગવી લોકપ્રિયતા પણ ધરાવતા હતા, જે પાછળથી ભાજપમાં જોડાયા બાદ, આમાંથી કેટલાક નેતાઓ ભાજપમાંથી ધારાસભ્ય અને મંત્રીઓ પણ ચૂંટાઈ આવ્યા.
9 એપ્રિલ 2026ના રોજ રાજુ કરપડા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે.
ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર 2025માં બોટાદમાં કડદાપ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ, હડદડ ગામે હિંસા થઈ હતી, જેને લઈને રાજુ કરપડા સહિત ઘણા લોકોને જેલમાં જવું પડ્યું હતું.
આ ઘટના બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. જેલમુક્ત થયા બાદ તેમણે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
જો કે, ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોનાં આંદોલનો તરફ નજર કરીએ, તો કેટલાક આંદોલનકારીઓનાં નામ સામે આવે છે, જેમણે સરકાર સામેનાં મોટાં આંદોલનોમાં નેતા તરીકે ઊભરી આવ્યા હોય અને લોકપ્રિયતા હાંસલ કરી હોય અને સમય જતાં તેઓ પણ સત્તાધારી ભાજપ સાથે જોડાઈ ગયા હોય.
વિપક્ષનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હોય તેવા ઘણાં ઉદાહરણો સામે આવે છે. જેમકે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, રાજુ કરપડા, અર્જુન મોઢવાડિયા, ગોરધન ઝડફિયા, અલ્પેશ કથીરિયા, અંબરીષ ડેર, આ તેવા નેતાઓ છે જે પાછળથી ભાજપમાં જોડાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલમાં નજર કરીએ એવા નેતાઓ તરફ, જે શરૂઆતમાં વ્યપક વિરોધ કરતાં રહ્યા અને પાછળથી ભાજપમાં જોડાઈ ગયા.
રાજુ કરપડા

ઇમેજ સ્રોત, Gujarat BJP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલા રાજુ કરપડા ગઈકાલે ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી.
તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં.
તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા સીમિત હતાં.
2022માં રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા.
2021થી રાજીનામું આપ્યું, ત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન પાંખના વડા રહ્યા હતા.
ઑક્ટોબર 2025માં બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડમાં કડદાપ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભામાં બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે હિંસા થઈ હતી, જેને લઈને રાજુ કરપડા સહિત ઘણા લોકોને જેલમાં જવું પડ્યું હતું.
આ ઘટના બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. જેલમુક્ત થયા બાદ તેમણે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ પક્ષમાં રહીને ખેડૂતોનાં કામ કરશે.
હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Hardik Patel fb
2015માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ એક નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
તેઓ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પ્રચાર કરવા માટે પ્રખ્યાત હતા.
કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વની પણ તેમના પર નજર હતી, આ દરમિયાન જ તેઓ 2017માં કૉંગ્રેસમાં જોડાયા અને 2019માં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા હતા.
હાર્દિક સામે 2015થી 2019 સુધીમાં અમદાવાદ, સુરત, વીસનગર સહિતનાં સ્થળોએ કેસ થયા હતા.
ત્યારબાદ જૂન, 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ડિસેમ્બર, 2022માં વીરમગામથી ચૂંટણી લડીને તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં તેમની સામેના રાજદ્રોહ સહિતના કુલ નવ ગંભીર કેસ ગુજરાત સરકારે પાછા ખેંચી લીધા હતા.
સરકારની મંત્રીમંડળની યાદીમાં પણ તેમનું નામ ચર્ચામાં હતું, પણ ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવાયા નહોતા.
કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ વીરમગામથી ધારાસભ્ય બન્યા એ પછી પછી સરકારે એમની સામેના નવ ગંભીર કેસ પાછા ખેંચી લીધા હતા.
અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Alpesh Thakor fb
પાટીદાર અનામત આંદોલન સામે ઓબીસીમાંથી પાટીદારોને અનામત આપવાના વિરોધ સાથે અલ્પેશની ખરેખર રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.
ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'ની સ્થાપના કરી હતી.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોર સેનાએ દારૂના વેચાણ પર જનતા રેડ શરૂ કરી. જેમાં ઠાકોર મહિલાઓ અને યુવાઓ જોડાયા હતા.
કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપી અને કૉંગ્રેસને આજુબાજુની ઠાકોર બહુમતીવાળી બેઠકો પર લાભ થયો.
ભાજપના વિરોધ બાદ કૉંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી હતી.
ત્યાંરે તેમનું પણ સરકારની મંત્રીમંડળની યાદીમાં પણ નામ ચર્ચામાં હતું, પણ ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવાયા નહોતા.
અર્જુન મોઢવાડિયા

ઇમેજ સ્રોત, Arjun Modhwadia fb
અર્જુન મોઢવાડિયા વિદ્યાર્થીકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા.
2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમરસિંહ ચૌધરી એ સમયે વિરોધપક્ષના નેતા હતા. 2004માં તેમનું નિધન થતાં અર્જુન મોઢવાડિયાને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. ધારાસભ્ય તરીકે આ તેમની પહેલી ટર્મ હતી.
અર્જુન મોઢવાડિયા સરકારને અભ્યાસપૂર્ણ પ્રશ્નો દ્વારા ઘેરવા માટે જાણીતા રહ્યા છે. 2007માં તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી હતી.
2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ ગુજરાતમાં માત્ર 17 અને સૌરાષ્ટ્રમાં ગણીને ફકત ત્રણ બેઠકો મેળવી શકી ત્યારે પણ અર્જુન મોઢવાડિયાએ બાબુભાઈ બોખીરીયાને હરાવ્યા હતા.
અર્જુન મોઢવાડિયાએ માર્ચ 2024માં પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાને ગુજરાત સરકારના વન-પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી બનાવાયા હતા.
ગોરધન ઝડફિયા

ઇમેજ સ્રોત, Gordhanbhai Zadafia fb
ગોરધન ઝડફિયા ભાવનગર જિલ્લાના ગારિયાધારના છે. 1995માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના વિશ્વાસુ માનવામાં આવતા હતા.
2005માં મંત્રીમંડળનું વિસ્તરણની શપથવિધિના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નેતાઓ, જનમેદની અને મીડિયાની વચ્ચે ઝડફિયાએ મંત્રીપદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.
2007ની ચૂંટણી દરમિયાન કેશુભાઈ, કાશીરામ રાણા કે સુરેશ મહેતાની નજીક ગણાતા તેમની ટિકિટ કપાઈ હતી.
2008માં ઝડફિયાએ 'મહા ગુજરાત પાર્ટી'ની સ્થાપના કરી હતી. 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની જાહેરાત કરી અને ઝડફિયાનો પક્ષ તેમાં ભળી ગયો.
2014માં લોકસભાની ચૂંટણી પહેલાં જીપીપી ભાજપમાં ભળી ગઈ અને તેના નેતાઓએ ફરી કેસરિયો ધારણ કરી લીધો.
2019 લોકસભાની ચૂંટણી પૂર્વે 2018માં ઝડફિયાને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા.
હાલ તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ છે.
અલ્પેશ કથીરિયા

ઇમેજ સ્રોત, Alpesh Kathiriya fb
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાની સામે આંદોલન દરમિયાન રાજદ્રોહનો કેસ ચાલતો હતો, જે કેસમાં ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા.
હાર્દિક પટેલ જ્યારે રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે અલ્પેશ કથીરિયા પણ કૉંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પણ શરૂ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકારણમાં 2025 એપ્રિલમાં ગોંડલ કેન્દ્રસ્થાને આવી ગયું હતું. તેનું કારણ હતું કે, અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પહેલાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રાજીનામા આપવાનો સિલસિલો શરૂ થયો હતો.
ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં કાર્યરત નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટી સાથે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
અંબરીષ ડેર

ઇમેજ સ્રોત, Ambarish Der fb
ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાવા મામલે બીબીસીએ કરેલા પ્રશ્નના જવાબમાં અંબરીષ ડેરે કહેલું "આદમી બિકતા જરૂર હૈ, કિંમતે તય કરતી હૈ ઊસકી મજબૂરીયા. ઔર જરૂરી નહીં કી ઊસકી મજબૂરી પૈસા હી હો."
અંબરીષ ડેર ગુજરાત કૉંગ્રેસના આક્રમક વલણ ધરાવતા નેતા તરીકેની છબિ ધરાવતા હતા. અંબરીષ ડેર રાજુલામાં વર્ચસ્વ ધરાવતા આહીર સમાજમાંથી આવે છે.
52 વર્ષીય અંબરીષ ડેરની રાજકીય કારકિર્દીની શરૂઆત નગરપાલિકાથી થઈ હતી.
તેઓ સૌપ્રથમ વખત વર્ષ 2003માં બીએસપીમાંથી રાજુલા નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, પછી 2005માં તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા. જે દરમિયાન એક વર્ષ માટે તેઓ રાજુલાના યુવા ભાજપના ઉપપ્રમુખ પણ રહ્યા હતા."
જોકે, બાદમાં ભાજપે નગરપાલિકાની ટિકિટ ન ફાળવતાં તેઓ વર્ષ 2009 સુધી તેઓ અન્ય પક્ષ થકી નગરપાલિકામાં ચૂંટાયા. બાદમાં 2009માં સમાજવાદી પાર્ટીથી તેઓ નગરપાલિકાની ચૂંટણીમાં જીત્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં 19 વર્ષથી આ બેઠક પર હીરા સોલંકીને હરાવ્યા હતા.
ગુજરાત ભાજપની ટીકા કરતા અંબરીષ ડેરે ભાજપમાં સામેલ થવાની શક્યતા અંગે સપ્ટેમ્બર, 2022માં કહ્યું હતું :
"2000ની સાલ બાદથી આ રાજ્યમાં મૅનપાવર, મનીપાવર અને મસલપાવરે લોકશાહીને ઘણું નુકસાન કર્યું છે."
ચાર માર્ચ, 2024ના રોજ ગુજરાત કૉંગ્રેસના મોટા નેતા અને રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































