ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનું વોરંટ કેમ કાઢ્યું? શું બોલ્યા હાર્દિક પટેલ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ વીરમગામથી ધારાસભ્ય બન્યા એ પછી પછી સરકારે એમની સામેના નવ ગંભીર કેસ પાછા ખેંચી લીધા હતા.
તેના કારણે હાર્દિક પટેલને ઘણી રાહત મળી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ કાઢતાં તેમની મુશ્કેલીઓ વધી છે.
ત્રણ વર્ષથી સતત કોર્ટમાં ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્યકોર્ટે ધરપકડનું વોરંટ કાઢ્યું હતું.
એ પછી અમદાવાદ પોલીસ નિયમ મુજબ, વિધાનસભા અધ્યક્ષ પાસે ધરપકડની મંજૂરી લેવા તજવીજ હાથ ધરી હતી.
હાર્દિક પટેલ સામે કોર્ટે વોરંટ કેમ કાઢવું પડ્યું છે? એ કયો કેસ છે કે જેમાં કોર્ટે હાર્દિકને રાહત નથી આપી? તથા આ અંગે વીરમગામની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પટેલે શું કહ્યું?
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે હાર્દિક પટેલ અને ગીતા પટેલની આગેવાની હેઠળ 18 ઑગસ્ટ, 2018ના દિવસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક રેલીનું આયોજન થયું હતું.
આ રેલી માટેના મેદાનને સરકારે પાર્કિંગ પ્લૉટ જાહેર કરેલો હતો, એટલે અહીં રેલી યોજવા પર પ્રતિબંધ મુકાયો હતો.
પરંતુ એ સમયે હાર્દિક પટેલ અને એમના સાથીદારોએ, ત્યાં ધરણાં કરવાનું નક્કી કર્યું હતું. પછી ત્યાં હાર્દિક પટેલ, તેમની સાથે રહેલા લોકો અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના પછી હાર્દિક પટેલ અને તેમના છ સાથીદારો સામે પોલીસની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા ઉપરાંત તત્કાલીન આઈ.પી.સી.ની (ભારતીય દંડ સંહિતા) કલમ 143, 147, 149, 353, 188, 186, 294A, 506 (1), 34, 120B હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ કેસ 20 જુલાઈ, 2022માં અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આવ્યો હતો. એ સમયે હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ અદાલતમાં દલીલ આપતા કહ્યું હતું કે ઘટના સમયે હાર્દિક પટેલ ત્યાં હાજર નહોતા માટે કેસ રદ કરવામાં આવે.
પરંતુ કોર્ટે એ સમયે એમની દલીલો માન્ય રાખી નહોતી અને કેસ ચાલુ હતો.
ત્યારબાદ ગુજરાત સરકારે હાર્દિક પટેલ અને એમના પટેલ આંદોલનના સાથીદારો સામે ફેબ્રુઆરી, 2025માં કરેલા નવ કેસ પાછા ખેંચ્યા હતા.
કોર્ટે ધરપકડનું વોરંટ કેમ કાઢ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહેલા આ કેસની પ્રાથમિક સુનાવણી થઈ હતી અને કેસની ચાર્જશીટ ફ્રેમ થવાની હતી.
પરંતુ મુખ્ય આરોપી તરીકે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા, ચાર્જશીટ ઘડાઈ શકતી નહોતી.
સતત ત્રણ વર્ષથી તેઓ ગેરહાજર રહેતા હોવાથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કડક વલણ અપનાવ્યું હતું.
કોર્ટે ગત 29 ઑગસ્ટે હાર્દિક પટેલ હાજર નહીં હોવાથી પહેલું ધરપકડ વોરંટ બહાર પાડી વધુ સુનાવણી 10 સપ્ટેમ્બરે રાખી હતી.
તેમ છતાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ જી.બી. સેંગે 10 સપ્ટેમ્બરે હાર્દિક પટેલ સામે ધરપકડનું નવું વોરંટ કાઢવાનો આદેશ આપી વધુ સુનાવણી આવતી આઠ ઑક્ટોબરે રાખી છે.
શું કહે છે હાર્દિક પટેલ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પટેલનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું, "હું કોર્ટનો આદર કરું છું. આ વખતે હું કોર્ટમાં હાજર થવાનો જ હતો, પરંતુ 10 તારીખે વિધાનસભાનો આખરી દિવસ હતો અને અગત્યની કાર્યવાહી ચાલી રહી હોવાથી કોર્ટમાં હાજર રહી શક્યો નહોતો. તેથી, ધરપકડનું વોરંટ નીકળ્યું છે."
હાર્દિક પટેલે જણાવ્યું હતું, "હું કોર્ટના આદેશની અવગણના નથી કરવા માગતો. હું કોર્ટ સમક્ષ હાજર થઈને પરિસ્થિતિની જાણ કરીશ. અહીં કોર્ટની અવમાનના કરવાનો પ્રશ્ન જ ઊભો જ નથી થતો."
પાટીદાર આંદોલન પછી હાર્દિક પટેલની સાથે જ કૉંગ્રેસમાં જોડાયેલાં ગીતા પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "એ દિવસે ખેડૂતોના દેવા માફી અને અનામત અંગે અમે નારોલમાં રેલી યોજી હતી."
"પોલીસે મંજૂરી નહીં આપતા અમારા સુરેન્દ્રનગર અને વસ્ત્રાલ નારોલના કાર્યકરો સહિત કુલ છ લોકો સામે કેસ થયો હતો. હું તો 10 તારીખે કોર્ટમાં હાજર હતી. હાર્દિક પટેલની ગેરહાજરીને કારણે ચાર્જશીટ ફ્રેમ થઈ શકી નહોતી. આથી, કોર્ટે તેમની સામે ધરપકડનું વોરંટ કાઢ્યું છે."
હાર્દિક સામેના કેસ અને રાજકીય કારકિર્દી
2015માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સામે 2015થી 2019 સુધીમાં અમદાવાદ, સુરત, વીસનગર સહિત અનેક સ્થળોએ કેસ થયા હતા.
આ દરમિયાન જ તેઓ 2017માં કૉંગ્રેસમાં જોડાયા હતા. 2019માં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા.
ત્યારબાદ જૂન, 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ડિસેમ્બર, 2022માં વીરમગામથી ચૂંટણી લડીને તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં તેમની સામેના રાજદ્રોહ સહિતના કુલ નવ ગંભીર કેસ ગુજરાત સરકારે પાછા ખેંચી લીધા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












