આપણી ત્વચા પરની અદૃશ્ય રેખાઓ હોય છે અને એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તે નરી આંખે જોઈ શકાતી નથી, છતાં તેનું અસ્તિત્વ હોય છે. આપણે ભલે તેને જોઈ ન શકીએ, પરંતુ આપણા જન્મની ક્ષણથી જ આ રેખાઓ આખા શરીર પર—માથાથી પગ સુધી—પટ્ટાના સ્વરૂપમાં ફેલાયેલી હોય છે. તે માથાના ભાગે સર્પાકાર હોય છે, ચહેરા પર ફેલાયેલી હોય છે, પીઠ પર અંગ્રેજી 'V' આકારમાં અને નિતંબ પર પણ જોવા મળે છે.
આ રેખાઓ અદૃશ્ય હોવા છતાં, જર્મન ત્વચા નિષ્ણાત આલ્ફ્રેડ બ્લાશ્કોને તેના અસ્તિત્વ અંગે શંકા જાગી હતી. તેમણે 19મી સદીના અંતમાં દર્દીઓના શરીર પરની ફોડલીઓ, જન્મજાત નિશાન (બર્થ માર્ક્સ) અને તલ વિશે ઊંડાણપૂર્વક સંશોધન કર્યું અને પ્રાપ્ત વિગતોની સમીક્ષા કરી.
તેમના ધ્યાનમાં આવ્યું કે ઘણા લોકોના શરીર પર, જાણે અગાઉથી માર્ગ નિર્ધારિત હોય તેમ, એક સમાન પ્રકારની પેટર્ન જોવા મળે છે. ત્વચા પર 'લેંગર્સ લાઈન' જેવી અન્ય રેખાઓ વિશે વિજ્ઞાન પહેલેથી જ જાણતું હતું.
સર્જનો શરીર પર કાપો મૂકતી વખતે આ રેખાઓને અનુસરે છે, કારણ કે તે ત્વચાના લઘુત્તમ તણાવવાળા સ્થાનો દર્શાવે છે, જે ઘા રૂઝવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

આ રેખાઓ ત્વચાના કોલેજન તંતુઓની કુદરતી ગોઠવણીને સમાંતર અને સ્નાયુ તંતુઓની સીધમાં હોય છે. નવાઈની વાત એ છે કે, આ રેખાઓ ચેતાઓ, રક્તવાહિનીઓ, સ્નાયુતંત્ર કે લસિકા તંત્ર સાથે સુસંગત હોતી નથી. આ રહસ્યમય પેટર્ન માત્ર અમુક વિશિષ્ટ સંજોગોમાં જ પ્રગટ થાય છે.
ચોક્કસ પ્રકારની ત્વચા ધરાવતા દર્દીઓની માહિતી એકત્ર કર્યા બાદ, આલ્ફ્રેડ બ્લાશ્કોએ 1901માં 'ડર્મેટોલોજી કૉંગ્રેસ'માં પોતાના અભ્યાસનાં તારણો રજૂ કર્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, "ત્વચા પરના જખમ અને પટ્ટા જેવા વિકારો અજાણતા જ મારા અભ્યાસનો મુખ્ય વિષય બની ગયા. મેં આ વિકારો સંબંધી પુષ્કળ સામગ્રી એકત્ર કરી છે. હું સૌપ્રથમ આ રેખાઓની પ્રતિકૃતિ પ્રત્યે સૌનું ધ્યાન દોરવા માંગુ છું, જે મારા સંશોધનનો સાર છે."
ભવિષ્યની આગાહી જેવા શબ્દો

ઇમેજ સ્રોત, GORAN_TEK-EN
બ્લાશ્કોનું 1922માં અવસાન થયું, પરંતુ તે પહેલાં જ તેઓ ત્વચાના રોગો સામેની લડાઈ માટે ખ્યાતિ પામ્યા હતા. તેમના સાથી અબ્રાહમ બુશ્કેએ એક જર્નલમાં લખ્યું હતું કે, "આ ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા તમામ અભ્યાસ માટે બ્લાશ્કોનું કામ પાયારૂપ રહેશે અને એક અગ્રણી ત્વચારોગ નિષ્ણાત તરીકે તેમનું નામ અમર રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના આ શબ્દો સાચા સાબિત થયા. આ પેટર્નને 'બ્લાશ્કોસ લાઈન્સ' નામ આપવામાં આવ્યું એટલું જ નહીં, પણ તેનું મૂળ ગર્ભના વિકાસમાં રહેલું છે તેવી તેમની ધારણા પાછળના તમામ સંશોધનો માટે માર્ગદર્શક બની.
આ રેખાઓ શું દર્શાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્લાશ્કો બાદ ચિકિત્સક રુડોલ્ફ હેપલે આ વિષયમાં વધુ વિગતો ઉમેરી. તેમણે 186 કેસની તપાસ કરી તારણ કાઢ્યું કે ચહેરા પર આ રેખાઓ નાકના મૂળ પાસે 'રેતઘડિયાળ' જેવો આકાર બનાવે છે. મસ્તકની ત્વચા પર તેની રૂપરેખા સર્પાકાર હોય છે.
નિષ્ણાતોના મતે, આ રેખાઓ આપણા શારીરિક વિકાસના 'સેલ્યુલર અવશેષો' છે. આપણા અસ્તિત્વની શરૂઆત એક કોષથી થાય છે. ચામડીના કોષો વિભાજિત થઈને વિકસતા શરીરને આવરી લે છે. દરેક નવી કોષરેખા બીજીને ધકેલે છે અને વલયાકારે ફેલાતી રહે છે.
આ રેખાઓ આનુવાંશિક પુરાવા પણ પૂરા પાડે છે. માતા-પિતા પાસેથી મળેલા 'એક્સ ક્રોમોઝોમ' કોષોના વિભાજન દરમિયાન કેવી રીતે ગોઠવાય છે, તેની તે સાબિતી છે.
આમ, આપણે આનુવાંશિક રીતે બે અલગ ભ્રૂણ ત્વચા પ્રાપ્ત કરીએ છીએ, જે વલયાકારે ઘૂમતી રહે છે. સામાન્ય રીતે તે દેખાતી નથી, પરંતુ ત્વચાના અમુક વિકારો કે ફોલ્લીઓ વખતે તે પ્રગટ થાય છે. તેને સમજવાથી ડૉક્ટરોને નિદાન કરવામાં સરળતા રહે છે.
માનવ શરીરમાં ડઝનેક એવી ત્વચાની સ્થિતિઓ છે જે બ્લાશ્કોની રેખાઓ સ્પષ્ટ કરે છે. આવી જ એક દુર્લભ સ્થિતિ 'કાઇમરીઝમ' છે. જ્યારે બે અલગ-અલગ ડીએનએ સેટ્સમાંથી એક જીવતંત્ર રચાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
દાખલા તરીકે, જોડિયાં બાળકોના કિસ્સામાં જો એક ગર્ભ શરૂઆતમાં જ મૃત્યુ પામે અને બીજો ગર્ભ તેના કોષો શોષી લે, તો કાઇમરીઝમ સર્જાય છે.
આ પેટર્ન ભલે દેખાય કે ન દેખાય, પણ તે આપણા સમગ્ર શરીર પર વણાયેલી છે. તે આપણા શરીર પર લખાયેલી જીવનની એવી વાર્તા છે, જેને આપણામાંના મોટા ભાગના લોકો ક્યારેય વાંચી શકતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












