'લીલું સોનું' તરીકે ઓળખાતા આ પાકનો પોલીસ પહેરો ભરે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફ્રાન્ચેસ્કા માર્કેઝે
- પદ, બિઝનેસ રિપોર્ટર, બ્રોન્તે, સિસિલી
એક ખાસ પાકની ખેતીનું રક્ષણ કરતા પોલીસ કૅપ્ટન નિકોલો મોરાન્ડી કહે છે કે સપ્ટેમ્બર મહિના પહેલાં જ તેઓ અને તેમના સાથીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઓછામાં ઓછા છ પોલીસ અધિકારીઓ દિવસ દરમિયાન અને રાત્રે 12 વાગ્યા સુધી પૅટ્રોલિંગ કરશે. જરૂર પડશે તો પોલીસ હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ કરાશે.
તેઓ કહે છે કે અમે સાવચેતી ખાતર એકથી વધારે આગોતરાં પગલાં લેશું.
ઇટાલીના ટાપુ સિસિલીમાં આવેલા માઉન્ટ એત્નાની ઉત્તર તરફની તળેટીમાં ઊભા ઊભા કૅપ્ટન મોરાન્ડી આ વાત જણાવી રહ્યા છે.
તેમની વાત પહેલાં સમજાશે નહીં, પણ જાણશો ત્યારે નવાઈ લાગશે.
તેઓ અને તેમની ટીમ પિસ્તાંનો પાક તૈયાર થાય તેની સલામતી માટેની તૈયારી કરી રહ્યા છે.
સિસિલીમાં દુનિયાનાં સૌથી ઉત્તમ પિસ્તાં - પિસ્તાશિયો વર્દે ડી બ્રોન્તે એટલે કે ગ્રીન રંગનાં બ્રોન્તેનાં પિસ્તાં પાકે છે.
બ્રોન્તે શહેરની આસપાસ તેની ખેતી થાય છે. સક્રિય જવાળામુખી ધરાવતા એત્ના પર્વતના ઢોળાવ પર લગભગ 3000 હેક્ટર (7400 એકર)માં પિસ્તાંનાં વૃક્ષો આવેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રોન્તેમાં થતાં પિસ્તાં દુનિયામાં પાકતાં કુલ પિસ્તાંના માત્ર 1% જેટલાં જ છે, પણ તે સૌથી મોંઘાં પિસ્તાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બે વર્ષે એક વખત ઊતરે છે પિસ્તાંનો પાક

ઇમેજ સ્રોત, CARABINIERI
તેને ઘણી વાર 'સિસિલીનું લીલું સોનું પણ કહેવામાં આવે છે. ફોલ્યાં વિનાનાં એક કિલો બ્રોન્તે પિસ્તાંનો ભાવ 17.40 ડૉલર જેટલો થાય છે.
અમેરિકા અને ઈરાનમાં દુનિયામાં સૌથી વધુ પિસ્તાં થાય છે. પણ આ બંને દેશોનાં પિસ્તાં કરતાં આ ભાવ બમણા કરતાંય વધુ છે.
સ્થાનિક વેપારી સંગઠન કોન્સોર્ઝિયો દી ત્યુટેલાના પ્રમુખ એનરિકો ચિમ્બાલી કહે છે કે બ્રોન્તેની હદમાં કુલ 230 અધિકૃત ખેડૂતો છે, જેમની પાસે આ પિસ્તાંના વિશેષાધિકારો છે.
શોખીનો કહે છે કે આ પિસ્તાં આટલાં મોંઘાં બરાબર છે, કેમ કે તેનો સ્વાદ અનોખો છે અને તેનો ચમકતો લીલો રંગ લાંબો સમય રહે છે.
જોકે, પિસ્તાં મોંઘાં છે એટલે એક સમસ્યા પણ ઊભી થઈ છે - પિસ્તાં પાકે ત્યારે ચોરોની ટોળી આવી જાય છે.
અડધી રાત્રે કાર લઈને ચોરમંડળીઓ આવી પહોંચે છે અને શક્ય એટલાં પિસ્તાં ચોરીને ભાગી જાય છે.
પિસ્તાંના વૃક્ષ પર બે વર્ષે એક વાર પાક ઊતરે છે. આ વખતે 2019માં પિસ્તાં ઊગવાનાં છે અને તેની લણણી સપ્ટેમ્બરમાં થવાની છે.
2009માં લણણીની મોસમમાં 300 કિલો જેટલાં પિસ્તાંની ચોરી થઈ હતી. (આજના ભાવે તેનું મૂલ્ય 4600 યુરો થાય.)
તે પછી બ્રોન્તેના મેયરે પિસ્તાંના પાક માટે પોલીસરક્ષણ વધારે ચુસ્ત બનાવવાની માગણી કરી હતી.
આ માગણીને ધ્યાનમાં રાખીને ઇટાલીના રાષ્ટ્રીય પોલીસદળે 2011થી હેલિકૉપ્ટરનું પૅટ્રોલિંગ પણ શરૂ કરાવ્યું હતું. સાથે જ વધારે પોલીસને ચોકીપહેરા માટે ગોઠવવામાં આવ્યા હતા.


પિસ્તાંના પાકને તુરંત થાય છે હવામાનની અસર

ઇમેજ સ્રોત, GAETANO GUIDOTTO
પિસ્તાં ઉગાડતાં એક ખેડૂત મારિઓ પ્રેસ્તિઆની કહે છે, "અમારા સમુદાય માટે લણણીનો સમય બહુ અગત્યનો છે. તેથી આ પ્રકારના પ્રયાસોને કારણે અમારા પ્રામાણિક નાગરિકો રાજી થાય છે."
"એક સાંજે હું મારી વાડીનો દરવાજો બંધ કરી રહ્યો હતો ત્યારે એક પોલીસે આવીને મને અટકાવ્યો. મને પૂછ્યું કે કોણ છો તમે અને અહીં શું કરી રહ્યા છો. આ રીતની પોલીસની હાજરીથી મને રાહત થઈ હતી."
માર્ચમાં પિસ્તાંનાં વૃક્ષોને ફૂલો બેઠાં હતાં અને હવે પિસ્તાં પાકવાની તૈયારીમાં છે, ત્યારે આ વખતે પ્રેસ્તિઆની અને બીજા ખેડૂતો વધુ પાક થાય તેવી આશામાં છે.
2017માં કુલ 1250 ટન જેટલો પાક થયો હતો, તેનાથી વધારે પાક થવાની આશા છે. પિસ્તાંના પાક પર હવામાનની તરત અસર થાય છે. 2015માં 1400 ટન પિસ્તાં થયાં હતાં, પણ 2017માં ઘટી ગયાં હતાં.


પિસ્તાંમાંથી વર્ષે 2 કરોડ યુરોની આવક થતી હોવાનો અંદાજ

ઇમેજ સ્રોત, A AIDALA
આ વખતે પિસ્તાંની વધારે નિકાસની પણ અપેક્ષા છે. કુલ ઉત્પાદનમાંથી 80% ટકા પાકની નિકાસ થતી હોય છે.
બ્રોન્તેના પિસ્તાંના વેપારી ફ્રાન્ચેસ્કો દી સાનો કહે છે, "નિકાસ વધારવા માટે અમે ઑનલાઇન માર્કેટિંગ કરીએ છીએ.
દર વર્ષે વિશ્વમાં ઓછામાં ઓછા 6 પ્રદર્શનોમાં ભાગ પણ લઈએ છીએ. ન્યુરેમ્બર્ગ અને દુબઈના ટ્રેડ શોનો પણ તેમાં સમાવેશ થાય છે."
"પણ અમને પ્રમોશનની બાબતમાં વધારે મદદ મળે તે જરૂરી છે, કેમ કે વિશ્વના લોકોને એ ખબર નથી કે અમારી સુધી કેવી રીતે પહોંચવું."
"કોઈ વૈશ્વિક ભાગીદાર મળે તો જુદીજુદી જગ્યાએ કઈ રીતે ઉપભોગ થાય છે તે સમજવામાં અમને મદદ મળી શકે અને વધુ બજાર સુધી અમે માલ મોકલી શકીએ."
બ્રોન્તે શહેરના અર્થતંત્રને પિસ્તાંમાંથી વર્ષે બે કરોડ યુરોની આવક થતી હોવાનો અંદાજ છે.


ઇટાલિયન વાનગીઓમાં પિસ્તાંનો સમાવેશ

ઇમેજ સ્રોત, LUCA VITELLO
અધિકૃત વિસ્તારનાં પાકતાં વિશેષ પિસ્તાં સિવાયના વિસ્તારમાં થતા સિસિલિયન પિસ્તાંને પ્રોસેસ કરવાનું કામ પણ બ્રોન્તેમાં થાય છે.
વિદેશમાંથી પણ પિસ્તાં મગાવીને પ્રોસેસ કરવાનું કામ કરતી કંપનીઓ બ્રોન્તેમાં છે.
"બ્રોન્તેના કારીગરો પિસ્તાંને પ્રોસેસ કરવામાં એટલા કુશળ બન્યા છે કે વિદેશથી પણ મોટા પ્રમાણમાં પિસ્તા મગાવીને તેનું કામ અહીં થાય છે," એમ સ્થાનિક પ્રૉ-લોકો ટૂરિઝમ જૂથના વિન્સેન્ઝો ચેપિઝી કહે છે.
પ્રોસેસના કામમાં પિસ્તાંને ફોલવાથી માંડીને તેને દળવા સુધીનું કામ થાય છે.
પિસ્તાંનો લોટ વાનગીમાં ઉમેરી શકાય છે.
સિલિલીની ઘણી વાનગીઓમાં પિસ્તાંનો ઉપયોગ થાય છે. પિસ્તાશિયો જેલેટો સહિત ઘણી બધી ઇટાલિયન વાનગીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.


પિસ્તાપર્વ

બ્રોન્તેમાં દર વર્ષે પિસ્તાંપર્વ પણ ઉજવાય છે, જેમાં સમગ્ર યુરોપમાંથી મુલાકાતીઓ આવે છે.
પિસ્તાંનાં વૃક્ષ મૂળ મધ્ય પૂર્વમાં થતાં હતાં. 9મીથી 11મી સદી દરમિયાન ઇટાલી પર મૂરનું શાસન સ્થપાયું હતું ત્યારે આ વૃક્ષોને અહીં લાવવામાં આવ્યાં હતાં.
સિસિલીના જવાળામુખીની રાખને કારણે તૈયાર થયેલી ફળદ્રુપ જમીનમાં પિસ્તાંનાં ઝાડ વાવવામાં આવ્યાં હતાં.
આજે પણ એ જ રીતે પિસ્તાંનો પાક લેવામાં આવે છે - એકએક પિસ્તાંને હાથેથી ઉતારવામાં આવે છે. પ્રેસ્તિઆની જેવા ખેડૂતો લણણીની મોસમમાં પોતાની વાડીમાં જ રહે છે.
તેઓ કહે છે, "ઝાડ પરથી પિસ્તાં ઉતાર્યાં પછી તેને ફોલવામાં આવે છે અને તેને સૂકવવાં માટે પાથરવામાં આવે છે. સિલિલીના સૂર્યમાં ત્રણ દિવસ સુધી પિસ્તાંને તપાવવામાં આવે છે.

સૂરજ ઢળી જાય પછી પિસ્તાંને વળી અંદર લઈ લેવાં પડે, નહીં તો રાત્રે તેનાંમાં ભેજ લાગી જાય. આ ઉપરાંત કોઈ વાર અચાનક દિવસે વરસાદ આવી જાય તો દોડીને સૂકવેલાં પિસ્તાં અંદર લઈ લેવાં પડે."
તડકામાં સૂકવ્યાં પછી પિસ્તાંને ગોદામમાં રાખવામાં આવે છે અને આખરે સ્થાનિક કારખાનાંઓમાં પ્રોસેસ કરવાં માટે મોકલવામાં આવે છે.
આ વખતના સપ્ટેમ્બરના પાક માટેની તૈયારી પ્રેસ્તિઆની કરી રહ્યા છે ત્યારે તેઓ ખુશ છે કે પોલીસે પણ આ વખતે આગોતરી તૈયારીઓ કરી લીધી છે.
તેઓ કહે છે, "ખેતરો શહેરી કેન્દ્રોથી દૂર આવેલાં છે. અમે ખુશ છીએ કે પોલીસ રાત્રે પૅટ્રોલિંગ કરે છે. સશસ્ત્ર ટોળીઓ વાનમાં આવીને એકસાથે મોટો પાક ચોરી ના જાય તે માટે પોલીસ ચોકી રાખે છે તે સારું છે."
(આ આર્ટિકલ 20 મે 2019એ પ્રસિદ્ધ કરાયો હતો)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












