મોદીનામા

    વડા પ્રધાનના પ્રયોગો
    સરનામું : 7, રેસકોર્સ રોડ, નવી દિલ્હી

    News imageNews image

    રાષ્ટ્રવાદ

    News image

    ફેબ્રુઆરીની એ ઠંડી રાત્રે સરહદી સંઘર્ષથી ત્રસ્ત શ્રીનગર શહેરના રહીશો કાળાડિબાંગ આકાશમાં ફાઇટર જેટના અવાજોથી સફાળા જાગી ગયા. ઘણા લોકોને ફડક હતી કે બસ થોડા જ સમયમાં યુદ્ધ થશે.

    ભારત પ્રશાસિત કાશ્મીરના રહીશો અનાજનો સંગ્રહ કરવા લાગ્યા હતા.પેટ્રોલપંપો પર પેટ્રોલ ખૂટવા લાગ્યું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોને દવાનો જથ્થોભેગો કરી રાખવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ચિંતાતુર રહીશો પોતાના ગાર્ડનમાં બંકર બનાવવાની વાતો કરી રહ્યા હતા. એક અગ્રણી રાજકારણીએ ઍરપૉર્ટની નજીક ઘર ખરીદવા અંગે પસ્તાવો વ્યક્ત કર્યો. તેમને લાગતું હતું કે તેમણે ભૂલ કરી હતી.

    થોડાક જ દિવસો બાદ ભારતનું ફાઇટર ઍરક્રાફ્ટ મિરાજ 2000 સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયું.

    મિરાજ 2000 હવાઈ પ્રૅક્ટિસ દરમિયાન

    મિરાજ 2000 હવાઈ પ્રૅક્ટિસ દરમિયાન

    ભારતે કહ્યું કે આ જેટ પ્લેન દ્વારા લેસર ગાઇડેડ બૉમ્બ ઝીંકીને તેમણે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં બાલાકોટ નજીક આવેલા આતંકી ટ્રેનિંગ કૅમ્પનો સફાયો કર્યો હતો.

    1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ આ પહેલી વાર હતું જ્યારે કાશ્મીરને વિભાજિત કરતી સરહદ એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ)ને પાર કરીને આ પ્રકારનો હવાઈ હુમલો કરવામાં આવ્યો હોય.

    કહેવાય છે કે પડોશી દેશ પાસે ન્યુક્લિયર શસ્ત્રો હોય ત્યારે તેની સાથે સંભાળીને વ્યવહાર કરવો જોઈએ, પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આ સમજથી વિપરીત કામ કરી રહ્યા હતા.

    થોડા દિવસ અગાઉ કાશ્મીરમાં ભારતના સુરક્ષા જવાનો પર એક ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો અને 68 વર્ષીય મોદીએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાના આદેશ આપ્યા હતા. મોદીએ લોકોને કહ્યું કે તેમણે લશ્કરને છૂટો દોર આપ્યો છે.

    એક સભા દરમિયાન તેમણે કહ્યું, “લોકોનું લોહી ઊકળી રહ્યું છે.” બીજી એક સભામાં તેમણે લોકોને કહ્યું, “તમારી અંદર છે તેવી જ આગ મારા દિલમાં પણ સળગી રહી છે.”

    ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ જૂની છે અને બંને દેશોને થકવી રહી છે, અને કાશ્મીર તેની યુદ્ધભૂમિ છે.

    બંને દેશ દાવો કરે છે કે મુસ્લિમ બહુમતી અને અદ્ભુત સૌંદર્ય ધરાવતા સમગ્ર કાશ્મીર પ્રદેશ પર તેમનો હક છે. જોકે, બંને દેશ તેના થોડા-થોડા હિસ્સા પર કબજો ધરાવે છે. બંને દેશને એકબીજા તરફથી જોખમ લાગે છે. બંને દેશો વચ્ચે આ પ્રદેશમાં બે યુદ્ધ અને કેટલીક અથડામણો પણ થઈ ચૂકી છે.

    News image
    News image

    14 ફેબ્રુઆરીના રોજ ભારતના અર્ધલશ્કરી દળની 78 બસનો કાફલો ભારે સુરક્ષા સાથે શ્રીનગરથી 19 કિલોમિટર દૂરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વિસ્ફોટક ભરેલી એક મિની વાને કાફલાને નિશાન બનાવ્યો.

    આ વિસ્ફોટમાં 46 જવાનોનાં મૃત્યુ થયાં. છેલ્લા દશકાઓમાં ભારતીય જવાનો પર થયેલો આ સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદે કોઈ વિલંબ વિના તરત કહ્યું કે આ હુમલા પાછળ તેમનો હાથ હતો.

    આ વિસ્ફોટમાં 46 જવાનોનાં મૃત્યુ થયાં. છેલ્લા દશકાઓમાં ભારતીય જવાનો પર થયેલો આ સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદે કોઈ વિલંબ વિના તરત કહ્યું કે આ હુમલા પાછળ તેમનો હાથ હતો.

    ફેબ્રુઆરી 2019: પુલવામા હુમલો જેમાં 46 જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

    ફેબ્રુઆરી 2019: પુલવામા હુમલો જેમાં 46 જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

    મોદીએ આપેલા પ્રતિસાદને લીધે માહોલ વધુ સંઘર્ષમય બની ગયો.

    તેમનો પક્ષ ભાજપ કાયમ કહેતો આવ્યો છે કે 'રાષ્ટ્રવાદ' અને 'રાષ્ટ્રીયએકતા' તેમના માટે સર્વોપરી છે. મોદીએ પોતાની તાકાત અને દૃઢ રાષ્ટ્રવાદથી કાર્યકર્તાઓમાં ઊર્જા ભરી દીધી હતી.

    મોદીના સમર્થકો માનવા લાગ્યા કે પાકિસ્તાનને એક જબરદસ્ત લપડાક આપવાનું પોતાનું વચન તેમણે પૂરું કર્યું.

    જોકે, હકીકત વધુ જટિલ હતી.

    હવાઈ હુમલાના 24 કલાકની અંદર પાકિસ્તાન પ્રસાશિત કાશ્મીરમાં ભારતના એક ફાઇટર જેટ વિમાનને પાકિસ્તાને તોડી પાડ્યું અને એક ભારતીય પાઇલટને બંદી બનાવી લીધો. બંને દેશો પર તણાવ હળવો કરવાનું ભારે દબાણ ઊભું થયું ત્યારે પાકિસ્તાને પાઇલટને મુક્ત કરવાની જાહેરાત કરી. બીજા દિવસે પાઇલટ ભારત પરત ફર્યા.

    વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ભારત વાપસી નીહાળતી વ્યક્તિ

    વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ભારત વાપસી નીહાળતી વ્યક્તિ

    આ બાજુ, મોદીએ ક્ષણનોય વિલંબ કર્યા વિના આ સમગ્ર ઘટનાને પોતાના લાભમાં ઢાળી લીધી.

    તેમણે કહ્યું, “દેશ સુરક્ષિત હાથોમાં છે.”

    એક નહીં પણ ઘણી રીતે આ મોદીની જીત હતી.

    તેમની લોકચાહના, જે રાજ્યોની ચૂંટણીઓમાં નબળા દેખાવને લીધે ઘટી ગઈ હતી, તેમાં ફરી ઉછાળ આવી ગયો.

    2014માં ભાજપને અભૂતપૂર્વ વિજય અપાવીને મોદી સત્તાના સિંહાસને બેઠા હતા. 1984 બાદ લોકસભા ચૂંટણીમાં પહેલી વાર કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી.

    વ્યાપક જનાદેશ છતાં મોદીની કામગીરી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

    વધુ રસ્તાઓ, ગ્રામીણ વિકાસનાં કામો, સસ્તો રાંધણગૅસ, ગામડાંમાં શૌચાલયો, એકસમાન સેલ્સટૅક્સ, 50 કરોડ દેશવાસીઓને લાભ મળી શકે તેવી આરોગ્ય વીમા યોજના, નાદારી અંગેનો નવો કાયદો - આ બાબતો તેમનું જમા પાસું છે.

    તો સામે પક્ષે, અર્થતંત્રની કામગીરી નબળી છે. ભારતની મહત્તમ વસતી જેની સાથે જોડાયેલી છે તેવા ખેતીના કામમાં પાકના પૂરા ભાવ ન મળવાની સમસ્યા છે. બેરોજગારી વધી રહી છે અને નોટબંધીના વિવાદાસ્પદ નિર્ણયથી છેવટે ગરીબોને માર પડ્યો છે.

    સામાજિક દૃષ્ટિએ ભાજપના ઘોંઘાટિયા હિંદુ રાષ્ટ્રવાદને લીધે દેશમાં ધ્રુવીકરણ થયું છે અને લઘુમતીઓમાં ભય છે. ભારત ફેક ન્યૂઝના રોગચાળાની ઝપટમાં આવી ગયું છે. ભાજપથી વિરુદ્ધ મત ધરાવનારા કેટલાક લોકોને 'દેશવિરોધી'નું લેબલ આપવામાં આવ્યું છે અને જેલમાં ધકેલવામાં આવ્યા છે.

    મોદીએ હવે બીજી વાર મહત્ત્વની લોકસભા ચૂંટણીનો સામનો કરવાનો છે.

    આ ચૂંટણી મોદી અંગેનો જનમત સ્પષ્ટ કરશે. ઘણા લોકોને લાગે છે કે મોદીની ઇચ્છા ભારતને તેમના પોતાના જેવું બનાવવાની છે – બળજબરીપૂર્વકનું રાષ્ટ્રવાદી, સામાજિક રીતે રૂઢિચુસ્ત, નજરે ચઢે તેવી દેશભક્તિવાળું.

    News image
    News image

    એપ્રિલ અને મે મહિનામાં દેશભરમાં આયોજિત ચૂંટણી મૅરેથૉનમાં 90 કરોડ જેટલા લોકો મતપાત્ર બનશે. આ અત્યાર સુધીની સૌથી મોટી, સૌથી લાંબી અને શક્યત:સૌથી ખર્ચાળ ચૂંટણી હશે.

    શું આ ચૂંટણી, કોઈએ કહ્યું છે એમ, “ભારતના આત્મા માટેનો સંગ્રામ હશે?”

    સમર્થકોનો સાથ

    News image

    ગુજરાતના વડોદરામાં આકરા તાપમાં માર્ગો પર રંજનબહેન ધનંજય ભટ્ટનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

    છપ્પન વર્ષનાં રંજનબહેન ભટ્ટ આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર છે.

    કાળી ચમકદાર ખુલ્લી જીપમાં તેઓ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં છે.

    રોડ ઉપર પુરુષો, મહિલાઓ અને બાળકોની કતાર તેમના સ્વાગત માટે જમા થઈ છે. લોકો તેમની પર ફૂલવર્ષા કરી રહ્યા છે, તેમને આશીર્વચનો આપી રહ્યા છે, તેમને મીઠાઈ અને જ્યૂસ આપી રહ્યા છે. ભટ્ટ હાથ વડે વિજયની નિશાની કરે છે. ઘરઆંગણે અને અગાસી ઉપર ઊભેલા લોકોનાં ટોળાં પણ તેવી જ નિશાની સાથે ઉત્સાહથી તેમને પ્રતિસાદ આપે છે.

    શેરીઓ અને માર્ગો પર ભાજપનો ભગવો રંગ છવાયો છે. કેસરી સાફા અને ટોપીઓ પહેરીને મોટરસાઇકલો રેલીને આગળ ધપાવી રહી છે. એક ખુલ્લી લાંબી ટ્રકમાં હસતાં ચહેરે ડીજે મજેદાર મ્યુઝિક વગાડી રહ્યા છે અને આજુબાજુ ફટાકડાઓ ફૂટી રહ્યા છે.

    આ ઘોંઘાટિયા અને રંગભર્યા આનંદી ઉત્સવમાં વાતાવરણ નારાઓથી ગૂંજી રહ્યું છે. તેઓ બધા એક માણસનું નામ પોકારી રહ્યા છે.

    “મોદી, મોદી, મોદી”, યુવા પાર્ટી કાર્યકર્તાઓ આવેશપૂર્વક એક અવાજે બૂમ લગાવે છે. પછી ભાજપના 2019ના ચૂંટણીઝુંબેશનો નારો શરૂ થાય છે: “મોદી હૈ તો મુમકિન હૈ!”

    News image

    ટીશર્ટ અને ટોપી પર, પ્રચારનાહોર્ડિંગ્સ અને કારનાં સ્ટિકર્સ પર બધે મોદીનો ચહેરો છે.

    થાક્યા વગર પ્રચારમાં લાગેલા રંજનબહેન કહે છે કે, “મોદી અહીંથી ચૂંટણી નથી લડી રહ્યા. પણ તેઓ જાણે કે એક મહામાનવ છે. મને વોટ આપવાનો મતલબ મોદીને વોટ આપવા બરાબર છે.”

    2014માં મોદી વડોદરામાંથી 5,70,128 વોટથી જીત્યા હતા. તેમણે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી બીજી બેઠક જીત્યા બાદ વડોદરા બેઠક ખાલી કરી હતી. (ભારતની ચૂંટણીમાં ઉમેદવાર એકથી વધુ બેઠકો પરથી ઊભા રહી શકે છે અને જીત્યા બાદ કોઈ એક બેઠક પસંદ કરી શકે છે).

    રંજનબહેન ભટ્ટ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર રહી ચૂક્યાં છે અને મોદીએ આ બેઠક છોડ્યા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે વિજય મેળવ્યો હતો.

    વડોદરાથી ભાજપનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટ

    વડોદરાથી ભાજપનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટ

    તેઓ હવે બીજી ટર્મ માટે લડી રહ્યાં છે. પણ અહીં કાંઈ ખાસ લડત જેવું છે નહીં, કારણ કે આ ભાજપનો ગઢ છે. ભાજપ અહીં 1996થી સત્તામાં છે અને વિરોધ પક્ષ આજકાલ અદૃશ્ય જેવો છે.

    રંજનબહેન કહે છે, “આ ચૂંટણીમાં સવાલ મારા જીતવાનો નથી, પણ કેટલી બહુમતીથી વિજય થશે તેનો છે. મારું લક્ષ્ય ઓછામાં ઓછા છ લાખ વોટથી જીતીને ગુજરાતમાં એક નવો રેકર્ડ સ્થાપવાનું છે.”

    “અમે અહીં જે કરીએ એ બધું આખરે નરેન્દ્રભાઈને સમર્પિત છે. અહીં વોટ મોદીને આપવામાં આવે છે. ગુજરાત તેમની જન્મભૂમિ છે અને વડોદરા તેમની કર્મભૂમિ છે.”

    આશ્ચર્યની વાત એ છે કે ભારતના સૌથી શક્તિશાળી રાજકારણી તરીકે ઊભરી આવનારા આ માણસ અંગે જાણકારી હજી ઓછી છે.

    મોદીનો જન્મ વડોદરાથી 200 કિલોમીટર દૂર આવેલા વડનગરમાં થયો હતો. તેમના પિતા ચાની નાની દુકાન ધરાવતા હતા.

    એક લેખકના કહેવા મુજબ મોદી વડનગરમાં તેમના પરિવારના સભ્યો કે મિત્રો સાથે કોઈ ખાસ ઘનિષ્ઠ નાતો ધરાવતા નહોતા. યુવાનીમાં તેમણે આ જગ્યા લગભગ છોડી જ દીધી હતી.

    તેઓ તરુણ હતા ત્યારે તેમનાં લગ્ન પારંપરિક વિધિ મુજબ થયાં હતાં. 2014માં જ્યારે તેમણે ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું ત્યારે આ હકીકતની પુષ્ટિ થઈ હતી. તેઓ પોતાનાં પત્ની જશોદાબહેન સાથે માત્ર ત્રણ વર્ષ રહ્યા હતા.

    મોદી જીવનના શરૂઆતનાં વર્ષોમાં જેને ભાજપની પૈતૃક સંસ્થા ગણવામાં આવે છે તેવા જમણેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયા અને પૂર્ણ સમયના સ્વયંસેવક બન્યા.

    આરએસએસ કાર્યકર્તાઓ, ભોપાલ 2015

    આરએસએસ કાર્યકર્તાઓ, ભોપાલ 2015

    1925માં સ્થાપિત આરએસએસ ભારતના બહુમતી હિંદુઓની એકતા અને સુરક્ષા કરવામાં વિશ્વાસ ધરાવે છે. સંસ્થાના કહેવા મુજબ તેનું કોઈ રાજકીય લક્ષ્ય નથી. તેના મિશન સ્ટેટમેન્ટ મુજબ તે સંસ્કૃતિ અને દેશભક્તિ પર ભાર મૂકે છે.

    જોકે, આરએસએસ છેક બ્રિટિશ-શાસનના સમયથી હિંદુ રાષ્ટ્રવાદનું પુરસ્કર્તા રહ્યું છે. સંઘના એક પૂર્વ સભ્ય દ્વારા 1948માં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

    આજે આરએસએસ 6,000થી વધુ પૂર્ણ સમયના સ્વયંસેવકો ધરાવે છે. બે લાખ જેટલા લોકો ભારતભરની તેની 80,000 જેટલી શાખાની પ્રવૃત્તિમાં ભાગ લે છે.

    ભાજપ એ આરએસએસનું રાજકીય સહયોગી છે. તે હિંદુઓ અને હિંદુ જીવનશૈલીની સર્વોપરિતા સ્થાપિત કરવામાં વિશ્વાસ ધરાવે છે.

    ભાજપના કાર્યકર્તાઓના કહેવા મુજબ મોદી તેમના આરએસએસ સાથેના શરૂઆતના દિવસોમાં લાંબા સમય સુધી વડોદરામાં રહ્યા હતા. તેઓ આરએસએસની માલિકીના એક બેડરૂમના સાદા ઘરમાં રહેતા હતા.

    પક્ષના એક પદાધિકારી કહે છે કે, “તેઓ ક્યારેક કાર્યકર્તાઓને મળવા નીકળી પડતા. તેઓ અહીંની દરેક ગલીઓને જાણે છે, અને શહેરમાં હજી પણ તેમના મિત્રો છે.”

    2014માં દિલ્હી ગયા પહેલાં મોદીએ ગુજરાતમાં 13 વર્ષનાં શાસન દરમિયાન એક કાર્યદક્ષ મુખ્ય મંત્રી અને ઉદ્યોગો માટે સાનુકૂળ નેતા તરીકેની છબી ઊભી કરી.
    2014માં દિલ્હી ગયા પહેલાં મોદીએ ગુજરાતમાં 13 વર્ષનાં શાસન દરમિયાન એક કાર્યદક્ષ મુખ્ય મંત્રી અને ઉદ્યોગો માટે સાનુકૂળ નેતા તરીકેની છબી ઊભી કરી.

    ગુજરાતને ઇકૉનૉમિક પાવરહાઉસ બનાવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. જોકે, કહેવાતા “મોદીનૉમિક્સ”ની સફળતા અર્થશાસ્ત્રીઓ માટે ચર્ચાનો વિષય છે.

    2002નાં કોમી તોફાનો કે જેમાં 1000 લોકો, અને મુખ્યત: મુસ્લિમોનો ભોગ લેવાયો હતો તેને અટકાવવામાં મોદીએ પૂરતો પ્રયાસ નહોતો કર્યો તેવો આરોપ પણ તેમની પર લગાવાય છે. ગોધરામાં ટ્રેનના એક ડબ્બાને આગ લગાવવામાં આવી, જેમાં 60 હિંદુયાત્રિકોનાં મૃત્યુ થયાં હતાં. જેના લીધે આ હિંસા ફાટી નીકળી હતી. મુસ્લિમ સમુદાયના લોકોએ આ આગ લગાવી હતી તેવો આરોપ મૂકવામાં આવે છે.

    2002ના રમખાણોમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં

    2002ના રમખાણોમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં

    2013માં મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. તેના એક વર્ષ બાદ તેઓ વડા પ્રધાન બન્યા.

    તેમના સમર્થકો તેમને એક મહેનતુ અને ખોટું ન ચલાવી લેનાર નેતા માને છે, એક એવા નેતા જે લઘુમતીને પંપાળતા નથી. લઘુમતી શબ્દ દ્વારા તેમનો ઇશારો ભારતના 17 કરોડ મુસ્લિમો તરફ છે.

    તેઓ કહે છે કે મોદી એક સામાન્ય ઘરના માણસ છે જે જાતમહેનતથી આગળ આવ્યા છે, જ્યારે તેમની સામે ભારત પર અડધી સદી સુધી શાસન કરનાર મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસના નહેરુ-ગાંધી પરિવારને બધું વિરાસતમાં મળ્યું છે.

    પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ સક્રિય રાજનીતિમાં જોડાયાં.

    પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ સક્રિય રાજનીતિમાં જોડાયાં.

    ભાજપના એક વરિષ્ઠ પદાધિકારી કહે છે, “મોદી અહીં ભાજપ કરતાં વધુ લોકપ્રિય છે. તેઓ એક વ્યક્તિ નહીં પણ ઘટના છે. તેઓ ગુજરાતના સૌથી સફળ મુખ્ય મંત્રી હતા, અને હવે ભારતના સૌથી કદાવર નેતા છે. ગુજરાતીઓને તેમના માટે ગૌરવ છે.”

    વડોદરાની એમએસ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિષયના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે ગુજરાતમાં રાજકીય હિંદુત્વનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે જેનો લાભ મોદીને થયો છે.

    તેઓ ઉમેરે છે કે મોદી જાણે છે કે રાજકીય હિંદુત્વની પોતાની મર્યાદાઓ છે, કારણ કે હિંદુઓ જૂથોમાં વહેંચાયેલા છે. ગુજરાતમાં પણ ભાજપને ક્યારેય 48 ટકાથી વધારે મત મળ્યા નથી. એટલે હવે તે રાષ્ટ્રવાદ અને વિકાસની વાતો વધારે કરવા લાગ્યા છે. હિંદુત્વ તો માત્ર પ્રચારમાં થોડો ગરમાવો લાવવા પૂરતું છે.

    નોટબંધી

    News image

    નવેમ્બરની એક ઠંડી રાત્રિએ કોલકાતામાં અમરીશ નાગ વિશ્વાસ નામની એક વ્યક્તિ કામથી પોતાના ઘરે પાછા ફરી રહી હતી, ત્યાં તેમનો મોબાઇલ રણક્યો.

    સામે છેડે તેમના મિત્ર હતા. તેમનો અવાજ ગભરાયેલો લાગતો હતો.

    થરથર અવાજે તેમણે કીધું કે નરેન્દ્ર મોદી ટીવી ઉપર છે અને તેઓ આપણા બધા પૈસા ઝૂંટવી રહ્યા છે. વિશ્વાસે પૂછ્યું, “તું શું કહેવા માગે છે?”

    ગભરાયેલા મિત્રે થોડો શ્વાસ લઈને આખી વાત કરી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ચલણી નોટ ચલણમાંથી દૂર કરી હતી. તેમણે કહ્યું હતું કે ચાર કલાક બાદ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરાશે.

    ભારતના વ્યાપક અને અંધાધૂંધીભર્યા રોકડ આધારિત અર્થતંત્રમાં આ બંને નોટોનું પ્રમાણ કુલ કરન્સીના 80 ટકા જેટલું હતું. (500 રૂપિયામાં દિલ્હીમાં સાત લિટર પેટ્રોલ ખરીદી શકાય તેમ હતું.)

    મોદીના કહેવા મુજબ આ પગલા પાછળનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારીઓ ઉપર તવાઈ લાવવાનો હતો. આ પગલાને લીધે અબજો રૂપિયાનું છુપાવેલું કાળુંનાણું બહાર આવવાનું હતું, કારણ કે જૂની નોટોના બદલે નવી નોટો લેવા માટે લોકોએ જૂની નોટો બૅન્કમાં જમા કરાવી પડે તેમ હતું.

    આ પગલા પાછળનો અન્ય એક ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને નાથવાનો પણ હતો. આ ઉપરાંત નવી સરકારનો ઉદ્દેશ્ય ભારતને કૅશ આધારિત અર્થતંત્રમાંથી બહાર લાવવાનો હતો. (વર્લ્ડ બૅન્કના આંકડાઓ મુજબ ભારતમાં ગેરકાનૂની આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ દેશના કુલ જીડીપીના પાંચમા ભાગ જેટલું છે.)

    વિશ્વાસ આખી રાત જાગતા રહ્યા

    અંબરિશ નાગ 

    અંબરિશ નાગ 

    48 વર્ષના વિશ્વાસ એક ડેરી કંપનીમાં કામ કરતા હતા. કોઈ કટોકટીની ક્ષણોને પહોંચી વળવા માટે તેમણે ઘરમાં 24 હજાર રૂપિયા બચાવીને રાખ્યા હતા.

    હવે તેમણે બૅન્કમાં જઈને આ બધી નોટો જમા કરાવી પડે તેમ હતી અને તેના બદલામાં નવી નોટો લેવાની હતી. તેમનાં પત્ની રીન્કુ એક ગૃહિણી હતાં અને તેમની દીકરી સબોર્ની હાઈસ્કૂલમાં ભણતી હતી.

    બીજી સવારે વિશ્વાસ જ્યારે બૅન્કમાં પહોંચ્યા ત્યારે બૅન્ક બંધ હતી. ત્યાં એક મોટું ટોળું જમા થયું હતું. કોઈને ખ્યાલ નહોતો કે નવી નોટો કેવી રીતે મેળવવાની હતી.

    વિશ્વાસ આખો દિવસ લાઇનમાં ઊભા રહ્યા છતાં તેમને સફળતા મળી નહીં. બીજા દિવસે તેમણે બીજી બૅન્કમાં જઈને પ્રયત્ન કર્યો. આ બૅન્કમાં પણ તેમનું એક બીજું સેવિંગ્ઝ એકાઉન્ટ હતું. પરંતુ અહીં તો હજી વધુ મોટી ભીડ હતી.

    News image
    News image

    તેઓ પહેલી બૅન્કમાં પહોંચ્યા. તેમણે જોયું કે ત્યાં અચાનક ધાંધલ મચી હતી.

    એક હાથમાં લાકડી અને બીજા હાથમાં પૈસા ભરેલી પ્લાસ્ટિકની કોથળી લઈને કતારમાં ઊભેલા એક વૃદ્ધ અચાનક થાકના લીધે ઢળી પડ્યા હતા. તેઓ બળબળતી ગરમીમાં કલાકોથી લાઇનમાં ઊભા હતા.

    વિશ્વાસ ઝડપથી ત્યાં પહોંચ્યા. તેમણે પેલા વૃદ્ધને ઊભા કર્યા, એક કારને ઊભી રખાવીને વૃદ્ધને હૉસ્પિટલ લઈ ગયા. બે કલાક બાદ પણ વૃદ્ધને ભાન આવ્યું નહોતું.

    ખાધાપીધા વગર આઠ કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ વિશ્વાસ પોતાની જૂની નોટો ડિપૉઝિટ કરાવી શક્યા, પરંતુ માત્ર બે હજાર રૂપિયા જેટલી જ નવી નોટો તેમને મળી શકી. બૅન્કમાં બહુ ઝડપથી રોકડ નાણાં ખતમ થઈ જતાં હતાં.

    વિશ્વાસ કહે છે, "આ બહુ વિચિત્ર હતું. ખાલી અમારા જેવા લોકો જ કતારોમાં ઊભા હતા. ધનિક અને વગદાર લોકો કે જેઓ વધારે કાળુંનાણું ધરાવતા હતા એ લોકો તો ક્યાંય દેખાતા નહોતા.”

    મોદીની આ જાહેરાતથી ભારતમાં અંધાધૂંધી વ્યાપી ગઈ હતી.

    શહેરો અને નગરોમાં લોકો ગભરાટના માર્યા બૅન્કોમાં જઈને જૂની નોટો જમા કરાવી તેના બદલામાં નવી નોટો મેળવવાની મથામણમાં લાગ્યા હતા.

    એટીએમ ખાલી થવાં લાગ્યાં હતાં. લોકો પોતાની પાસે પડેલી ગેરકાનૂની જૂની નોટોના જથ્થાને બાળી રહ્યા હોય તેવા સમાચારો પણ સાંભળવામાં આવતા હતા. ઘણા લોકો પાસે હૉસ્પિટલમાં દાખલા થવા કે સ્મશાન માટેના રૂપિયા પણ નહોતા.

    સાંભળવા મળ્યું કે દિલ્હી નજીકના એક મોબાઇલ ફોન સ્ટોરમાં એક યુવાન આવ્યો. તેણે પોતાની પાસે રહેલી 30 લાખ રૂપિયાની જૂની નોટો કાઢી અને બદલામાં આઈફોનનો આખેઆખો સ્ટૉક ખરીદી લેવાની તૈયારી બતાવી.

    બિહારના એક રાજકારણીએ બે લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં ખરીદી લીધાંની વાત પણ બહાર આવી. ડેન્ગ્યુના એક દર્દીએ નોટો ન હોવાને કારણે ચલણી સિક્કા આપીને હૉસ્પિટલનું બિલ ભર્યું.

    એક રિપોર્ટ અનુસાર બૅન્કની કતારોમાં ઊભેલા 100 જેટલા લોકોનું હાર્ટઍટેકના લીધે મૃત્યુ થયું હતું.

    વિશ્વાસ અને તેમના જેવા ઘણા લોકો માટે તકલીફ અને અપમાનની આ સ્થિતિ મહિનાઓ સુધી ચાલુ રહી.

    વિશ્વાસ કહે છે, "પૈસા ઉપાડવા માટે હું ઓફિસમાં કાયમ જૂઠું બોલતો અને ધીરે રહીને છટકી જતો."

    "ઓફિસનું કામ પત્યા બાદ હું કૅશની શોધમાં નીકળી પડતો. હું ગામડાંઓ તરફ જતો અને જોતો કે ત્યાંનાં એટીએમમાં કૅશ પડી છે કે નહીં. રોજ હું લગભગ એકાદ ડઝન જેટલા એટીએમ ફંફોસતો."

    "મેં સાંભળ્યું હતું કે એક ડેન્ટલ કૉલેજમાં આવેલા એટીએમનો ઓછો ઉપયોગ થતો હતો. ત્યાંથી કૅશ મળશે એવા વિચાર સાથે મેં તેના ચોકીદારને થોડી બક્ષિસ આપી અને અંદર પ્રવેશ્યો. પણ ત્યાં પણ પૈસા નહોતા."

    મોદીએ વચન આપ્યું હતું કે આવી તકલીફ ખાલી 50 દિવસ સુધી ચાલશે.

    News image
    News image

    તેમણે કહ્યું હતું કે, " પ્લીઝ, ખાલી 50 દિવસ, મને ખાલી 50 દિવસ આપો. 30 ડિસેમ્બર પછી, હું વચન આપું છું કે તમને એક એવું ભારત જોવા મળશે જેને જોવાની તમે કાયમ ઇચ્છા રાખી હતી."

    પણ 2017નું વર્ષ આવી ગયું અને બૅન્કો પાસે હજી પણ લોકોને આપવા માટે પૂરતી કૅશ નહોતી.

    પરિસ્થિતિ પુનઃ થાળે પડતા મહિનાઓ લાગ્યા.

    એક વર્ષ બાદ ઍનાલિસ્ટ લોકો એવા તારણ પર આવ્યા કે મોદીનો આ દાવ ભયંકર રીતે નિષ્ફળ રહ્યો હતો.

    આ પગલાને લીધે ભારતના રોજિંદા અનૌપચારિક અર્થતંત્રને જબરદસ્ત ફટકો લાગ્યો હતો, કારણ કે આ અર્થતંત્ર રોકડ પર ચાલતું હતું. નાની ફૅક્ટરીઓ બંધ થઈ ગઈ. ગરીબ કામદારોને છૂટા કરવામાં આવ્યા. એક શિક્ષણવિદે આ સ્થિતિ અંગે અભિપ્રાય આપતા કહ્યું કે તેજીમાં ચાલતી ઇકૉનૉમીમાં નોટબંધી લાવવી એ જાણે કે એક રેસમાં દોડતી કારના ટાયર ઉપર ગોળી મારવા બરાબર હતું.

    મોદીના પોતાના જ એક આર્થિક સલાહકારે નોટબંધી અંગે કહ્યું કે, "આ અર્થતંત્ર પર પડેલો એક ભયંકર આઘાત હતો.” યૂએસ સ્થિત નેશનલ બ્યૂરો ઑફ ઇકૉનૉમિક રિસર્ચના કહેવા અનુસાર નોટબંધીના લીધે 2016ના છેલ્લા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિમાં ઓછામાં ઓછા બે ટકાનો ઘટાડો થયો હતો.

    રિઝર્વ બૅન્કના કહેવા મુજબ નોટબંધી દરમિયાન 99 ટકા જેટલું નાણું તો ફરી બૅન્કોમાં આવી ગયું હતું. અર્થતંત્રમાં પહેલેથી જ મોટાં પ્રમાણમાં કાળુંનાણું હતું જ નહીં અથવા તો પછી કાળુંનાણું ધરાવનારા લોકોએ તેને બદલવાનો કોઈ કાનૂની રસ્તો શોધી કાઢ્યો હતો. બદલાવવામાં આવેલી નોટો પૈકી નકલી નોટોનું પ્રમાણ નજીવું હતું.

    જાન્યુઆરી 2017: કોલકાતામાં પ્રદર્શન કરી રહેલાં મમતા બેનરજી

    જાન્યુઆરી 2017: કોલકાતામાં પ્રદર્શન કરી રહેલાં મમતા બેનરજી

    અર્થતંત્રને સ્વચ્છ બનાવવાના મોદીના આ પગલાનો લાભ બહુ ઓછો મળ્યો હતો, જેની સામે અનેક લોકોએ ઘણી પીડાનો સામનો કરવો પડ્યો હતો.

    ઘણા લોકોને લાગતું હતું કે માર્ચ 2017માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં નોટબંધી અંગે લોકોના અભિપ્રાયનો અંદાજ આવી જશે અને ભાજપને માર ખાવો પડશે.

    પણ આ લોકો ખોટા પડ્યા. ભાજપ લગભગ છેલ્લાં 40 વર્ષમાં પહેલાં ક્યારેય ન મળી હોય તેટલી બહુમતીથી જીતી ગયો.

    માર્ચ 2017: ભાજપના નેતાઓ સાથે મોદી

    માર્ચ 2017: ભાજપના નેતાઓ સાથે મોદી

    જોકે, ઘણા લોકોને કોઈ આશ્ચર્ય થતું નથી. ઉત્તર પ્રદેશમાં હું એક યુવા વિદ્યાર્થીને મળ્યો. તેણે મને કહ્યું કે "એક વિભાજિત અને અસમાનતા ધરાવતા સમાજમાં જો ગરીબોને લાગે કે ધનવાનોને સજા આપવામાં આવી રહી છે, તો એ માટે તેઓ પોતે તકલીફ વેઠવા તૈયાર થઈ જશે. ગરીબ લોકોને બહુ પછી ખ્યાલ આવ્યો કે તેમની ધારણા ખોટી હતી."

    બીજા શબ્દોમાં કહીએ તો નોટબંધી એ ભારતના અનેક સામાન્ય લોકો માટે અન્યની તકલીફને જોઈને ખુશ થવાનો પ્રસંગ હતો.

    જોકે, કોલકાતામાં વિશ્વાસ જેવા લોકો માટે વડા પ્રધાનને માફ કરવા ઘણું મુશ્કેલ હતું.

    તેઓ કહે છે, "જાત મહેનતથી કમાયેલા પૈસા મેળવવા માટે મારે આટલું અપમાન સહન કરવું પડે એ અકલ્પનીય હતું."

    "અમે મોદી ઉપર ભરોસો કર્યો તેનું આ પરિણામ મળ્યું હતું. જ્યારે તેમણે કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારી ધનિકોને પાઠ ભણાવવા માગે છે ત્યારે અમે તેમની પર ભરોસો કરી લીધો. અમે માની લીધું કે સામાન્ય લોકોએ બસ થોડો ભોગ આપવાનો છે અને તેના લીધે અપ્રામાણિક લોકોને સજા મળશે."

    "ત્યારબાદ હું ક્યારેય મોદીનો ભરોસો કરતો નથી. તેઓ સતત જુઠ્ઠું બોલતા આવ્યા છે. એક વડા પ્રધાનને આ વાત છાજતી નથી."

    ગૌરક્ષકો

    News image

    રાજસ્થાન એ દુનિયાભરમાં વખણાતું પ્રવાસન સ્થળ છે. રાજસ્થાનનું નામ પડતાં જ ભવ્ય કિલ્લાઓ, રંગબેરંગી બજારો, કલા-સમૃદ્ધ હોટેલ્સ અને રણમાં ઊંટસવારીનાં ચિત્રો નજર સામે આવી જાય છે.

    પરંતુ સાથે-સાથે રાજ્યમાં હિંદુ રાષ્ટ્રવાદનો વાણીવિલાસ કરતાં હિંસક ગૌરક્ષકો પણ મોટી સંખ્યામાં છે.

    રાજસ્થાન પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

    રાજસ્થાન પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

    ભારતના મોટા ભાગના હિંદુઓ ગાયની પૂજા કરે છે અને તેને એક પવિત્ર પ્રાણી માને છે. ગૌરક્ષાની ઝુંબેશ છેક 1870ના સમયથી ચાલી આવે છે.

    ગાયની કતલના મુદ્દે ચાલતા સંઘર્ષના લીધે ભૂતકાળમાં ઘાતક કોમી રમખાણો થયાં છે, સંસદની બહાર દેખાવો થયા છે અને ભૂખ હડતાલો પણ થઈ છે.

    2014માં ભાજપના સત્તામાં આવ્યા બાદ ગૌરક્ષકોનાં અનેક જૂથો ફૂટી નીકળ્યાં છે.
    મોદીના સમર્થકો માટે ગાય એ શ્રદ્ધાનો વિષય છે. ગાયની કતલ વિરુદ્ધના કાયદાઓને વધુ કડક બનાવવામાં આવ્યા છે અને સજા પણ વધારવામાં આવી છે. રાજસ્થાનમાં ગાયની કતલ અથવા તો કતલ માટે થતી નિકાસના કિસ્સામાં દસ વર્ષની જેલની સજા થઈ શકે છે.

    ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં તો ગૌરક્ષકો પોતે જ પોતાનો કાયદો નક્કી કરે છે. હાઇવે પર તપાસ માટેનાં ચેક-પૉઇન્ટ તેઓ જ નક્કી કરે છે. વાહનોની તપાસ કરે છે.

    રાજસ્થાનમાં દેખરેખ કરી રહેલા ગૌરક્ષકો, 2015ની તસવીર

    રાજસ્થાનમાં દેખરેખ કરી રહેલા ગૌરક્ષકો, 2015ની તસવીર

    ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો, પશુ-વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કે જેઓ મોટા ભાગે મુસ્લિમો છે, તેમને ધમકાવે છે. ગૌરક્ષાનું કામ એક પ્રકારે ખંડણી ઉઘરાવવાનું કૌભાંડ બની ગયું છે.

    હ્યુમન રાઇટ્સ વોચ નામની સંસ્થાના કહેવા મુજબ, 2015 બાદ ગૌરક્ષાના કિસ્સાઓમાં 44 લોકોની હત્યા થઈ છે, જે પૈકી 36 મુસલમાન છે. ઉપરાંત સેંકડો લોકોને ઈજા થઈ છે.

    મોદીએ પોતે આ પ્રકારના હુમલાઓને વખોડી કાઢ્યા છે અને ગૌરક્ષકોના સ્વાંગમાં કામ કરતા આવા લોકોને અસામાજિક ગણાવ્યા છે. પરંતુ મોદીની નજીક રહેલા ભાજપના અમુક નેતાઓ કંઈક અલગ જ સંકેત આપે છે. મોદીના જ એક કૅબિનેટ સાથીનો એક ફોટો બહાર આવ્યો હતો કે જેમાં તેઓ માંસના વેપારીની હત્યાના એક ગુનેગારને હાર પહેરાવી રહ્યા હતા. આરએસએસના એક સિનિયર પદાધિકારીએ કહ્યું હતું કે મુસ્લિમો જો ગૌમાંસ ખાવાનું બંધ કરી દેશે તો આવી હત્યાઓ પણ બંધ થઈ જશે.

    પેહલુ ખાનની હત્યા
    News image

    પેહલુ ખાન પોતાની ગાયને ઘરે લઈ જતા હતા ત્યારે તેમની હત્યા કરી દેવાઈ.

    55 વર્ષીય પેહલુ ખાન પશુપાલક હતા અને હરિયાણાના નુહ નામના જિલ્લામાં પત્ની અને પાંચ બાળકો સાથે રહેતાં હતાં.

    આ એક સામાન્ય જિલ્લો છે, જેમાં એક ધુળિયું નગર અને મુસ્લિમ બહુમતી ધરાવતાં થોડાં ઘણાં ગામડાંઓ તેમજ લીલાંછમ ખેતરો આવેલાં છે. અહીના લોકો ખેતી કરે છે અને દૂધ વેચીને ગુજરાન ચલાવે છે.

    એપ્રિલ 2017માં એક દિવસ પેહલુ ખાન એક ભાડાના વાહનમાં પોતાનાં બાળકો- ઇર્શાદ અને આરિફ તથા ગામના અન્ય બે લોકોની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા.

    રાજસ્થાનમાં ભરાયેલા એક પશુમેળામાંથી ગાય ખરીદીને તેઓ ઘરે આવી રહ્યા હતા.

    કેટલાક કલાકો બાદ અને થોડા ચેક-પૉઇન્ટ પસાર કર્યાં બાદ અચાનક તેમને ખ્યાલ આવ્યો કે છ માણસો મોટરસાઇકલ પર તેમનો પીછો કરી રહ્યા હતા. એ લોકોએ આગળ આવીને પેહલુની ટ્રક રોકાવી.

    પેહલુ ખાનનો પુત્ર આરિફ

    પેહલુ ખાનનો પુત્ર આરિફ

    19 વર્ષનો આરિફ કહે છે, "અમે તેમને વેચાણનો કાગળ બતાવ્યો. તેમણે એ કાગળ ફાડી નાખ્યો. તેમણે કહ્યું કે તેઓ બજરંગદળના સભ્યો છે."

    "તેમણે અમને વાહનમાંથી ખેંચીને બહાર કાઢ્યા. તેમણે મારા પિતાને ખૂબ માર્યા. લાકડી, પટ્ટા- હાથમાં જે હથિયાર આવ્યું તેના વડે તેમણે મારા પિતાને માર્યા. થોડી જ વારમાં ટોળું ભેગું થઈ ગયું અને મારવામાં સામેલ થઈ ગયું."

    ટોળાંએ બૂમો પાડી, "આ મુસ્લિમો છે, તેમને મારો."

    પોલીસ આવીને એમને બચાવે ત્યાં સુધી તો પેહલુ ખાન બેભાન થઈ ગયા હતા. ટોળાંએ તેમની પાસેથી ગાયો છીનવી લીધી. સાથે જ તેમણે ત્રણ ફોન અને 45 હજાર રૂપિયા રોકડા પણ છીનવી લીધા હતા.

    પોલીસ પીડિતોને હૉસ્પિટલ લઈ ગઈ. પેહલુ ખાન બે દિવસ બાદ મૃત્યુ પામ્યા. આ હુમલામાં તેમના દીકરાઓ બચી ગયા.

    ગ્રામજનો પેહલુ ખાનને એક શ્રદ્ધાવાન અને મહેનતુ વ્યક્તિ તરીકે યાદ કરે છે.

    તેમનાં પત્ની જૈબુના કહે છે, "અમને એક સારું જીવન આપવા માટે તેઓ ખૂબ મહેનત કરતા હતા."

    પેહલુ ખાનનાં પત્ની અને તેમનો પુત્ર 

    પેહલુ ખાનનાં પત્ની અને તેમનો પુત્ર 

    તેમનાં મૃત્યુ બાદ પરિવારે કાનૂની ખર્ચને પહોંચી વળવા માટે ગાયો વેચી દીધી. તેમના પરિવારને કોઈ રાહત-સહાય મળી નહીં.

    આરિફ કહે છે, "હવે અમારું ગુજરાન માંડ-માંડ ચાલે છે."

    મોદીના ભારતમાં ગૌરક્ષાને લઈને હત્યા થાય તેવા કેસમાં ન્યાયની કોઈ ખાતરી હોતી નથી.

    હૅમરેજને કારણે મૃત્યુ થયું એ પહેલાં પેહલુ ખાનને ભાન આવતું-જતું રહેતું. આ સ્થિતિમાં તેમણે પોતાની ઉપર હુમલો કરનાર છ વ્યક્તિઓનાં નામ કહ્યાં.

    પણ તેમની ધરપકડ કરતાં પહેલાં પોલીસે પેહલુ ખાન સહિતના પીડિતો પર ગાયની હેરાફેરી કરવાનો આરોપ મૂકીને ફરિયાદ દાખલ કરી.

    સપ્ટેમ્બર મહિનામાં બંને ભાઈઓ તથા અન્ય બે સાક્ષીઓ જ્યારે કોર્ટમાં જુબાની આપવા જઈ રહ્યા હતા ત્યારે એક અજાણી ગાડીએ તેમના વાહનનો પીછો કર્યો.

    આરિફ કહે છે, "તેઓ ગાડીમાં અમારી પાછળ પાછળ આવ્યા અને અમને પાછા ફરી જવાની બૂમ પાડી. અમે ઇન્કાર કર્યો તો ગાડીમાં બેઠેલા એક માણસે હવામાં ગોળીબાર કર્યો. અમે અમારો વાહન પાછું વાળ્યું અને ઘરે પરત ફર્યા."

    મને ન્યાયની આશા નથી. અમારે માત્ર જીવવું છે.

    આરિફ ખાન

    તેઓ કહે છે કે એ પછી તેઓ ક્યારેય કોર્ટમાં જુબાની માટે ગયા નથી. ભાઈઓનું કહેવું છે કે તેઓ કોર્ટમાં ત્યારે જ જશે જો કેસને રાજસ્થાનની બહાર ખસેડવામાં આવે.

    આરિફ કહે છે કે, "મને બહુ ડર લાગે છે. અમે અમારા પિતાને ગુમાવ્યા છે."

    પાંચ મહિના બાદ રાજસ્થાન પોલીસે તમામ છ આરોપીઓ પરના આરોપ પાછા ખેંચી લીધા. ત્યારબાદ પ્રકાશિત એક સ્વતંત્ર રિપોર્ટમાં રાજ્યના સત્તાધીશો પર આ ગુનાહિત કૃત્યની ગંભીરતાને હળવાશથી લેવાનો આરોપ મૂકવામાં આવ્યો.

    ગત ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં મુખ્ય વિરોધ પાર્ટી કૉંગ્રેસે ભાજપને હાર આપી અને સત્તા હાંસલ કરી.

    આરિફ કહે છે, “પણ કંઈ બદલાયું નથી. ચેકપૉઇન્ટ ઉપર હજી પણ ગૌરક્ષકો ચોકી ભરે છે. ગાયોની સાથે બહાર જવામાં અમે હજી પણ ગભરાઈએ છીએ.”

    બેરોજગારી

    News image

    લખનૌની સાંકડી શેરીઓ વચ્ચે એક ઍપાર્ટમેન્ટમાં ત્રણ યુવાનો મહિનાઓથી રોજ 10 કલાક અભ્યાસ કરી રહ્યા છે.

    આ બધા યુવાનોને નોકરી જોઈએ છે.

    આ યુવાનો નાના ખેડૂતોના દીકરા છે. તેમના પરિવારમાં આ પહેલી પેઢી છે જે શિક્ષિત છે. તેઓ એવા લોકો પૈકીના છે જે નોકરીની શોધમાં ગામડામાંથી શહેરમાં આવી રહ્યા છે. તેઓ બધા ભારતના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના વતની છે. ઉત્તર પ્રદેશની વસ્તી લગભગ બ્રાઝિલ જેટલી છે.

    મિથિલેશ યાદવ, કરુનેશ જયસ્વાલ અને રામસાગર ગુપ્તા

    મિથિલેશ યાદવ, કરુનેશ જયસ્વાલ અને રામસાગર ગુપ્તા

    એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા આ ત્રણેય યુવાનો છેલ્લા એક વર્ષમાં બે ડઝન જેટલી નોકરી માટેની પરીક્ષાઓ આપી ચૂક્યા છે.

    પરીક્ષા હોલ સુધી પહોંચવા માટે તેઓ બસ અથવા સેકન્ડ-ક્લાસ ટ્રેનનો ઉપયોગ કરે છે. પૈસા બચાવવા ઘણી વાર તેઓ રેલવે કે બસ સ્ટેશનમાં સૂઈ જાય છે. નોકરી મેળવવા તેઓ મુશ્કેલ પરીક્ષાઓ આપે છે. આવી અમુક નોકરીઓ મેળવવા માટે લાખો યુવાનો સ્પર્ધા કરે છે.

    રેલવે ભારતમાં સૌથી વધુ લોકોને નોકરીઓ આપે છે.જેમાં ગયા વર્ષે બહાર પડેલી 63,000 નોકરીઓ માટે બે કરોડથી વધુ લોકોએ અરજી કરી હતી.

    પુણે, ફેબ્રુઆરી 2019: સૈન્યની પરિક્ષા આપવા આવેલા યુવાનો

    પુણે, ફેબ્રુઆરી 2019: સૈન્યની પરિક્ષા આપવા આવેલા યુવાનો

    ત્રણે યુવાનો ટ્રેન ડ્રાઇવર, ટેકનિશિયન, લાઇન્સમૅન, એન્જિનિયર, ક્લાર્ક, સરકારી વહીવટી સ્ટાફ અને પોલીસ ઓફિસર જેવી નોકરીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પાવર સ્ટેશન, પબ્લિક વર્ક અને રેલવે દ્વારા લેવાતી પરીક્ષાઓ આપી છે. આ સરકારી નોકરીઓ સન્માન અને સુરક્ષા બંને આપે છે, પણ તેમાં સ્પર્ધા ખૂબ તીવ્ર છે અને જગ્યાઓ ઘણી ઓછી છે.

    સપનાં બહુ ઝડપથી તૂટી જતાં હોય છે.

    ત્રણે યુવાનો એન્જિનિયર બનવા માગતા હતા, પરંતુ હવે જે પણ સરકારી નોકરી મળે તે ચલાવી લેવા તૈયાર છે. નોકરીની કોઈ સુરક્ષા નથી. આ ત્રણ યુવાન પૈકીનો એક કરુણેશ જયસ્વાલ ગયા વર્ષે એક એવિએશન ઑઇલ કંપનીમાં મહિને 17 હજાર રૂપિયાના પગારે કૉન્ટ્રેક્ટ પર એન્જિનિયર તરીકે નોકરીએ લાગ્યો હતો. તેનો કૉન્ટ્રેક્ટ પૂરો થયો પછી અનુભવ હોવા છતાં પણ તેને બીજી નોકરી મળી નથી.

    22 વર્ષનો આ યુવાન કહે છે કે, “મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. ભારતમાં જો તમારી પાસે નોકરી ન હોય તો તમે એકલા પડી જાવ છો."

    કરુનેશ જયસ્વાલ: “મારી પાસે વિકલ્પ નથી, મારે પ્રયાસો ચાલુ જ રાખવા પડશે.”

    કરુનેશ જયસ્વાલ: “મારી પાસે વિકલ્પ નથી, મારે પ્રયાસો ચાલુ જ રાખવા પડશે.”

    પાંચ વર્ષ પહેલાં ચૂંટણીપ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિપુલ પ્રમાણમાં રોજગારીનો વાયદો કરીને તેમને અનેક આશાઓ આપી હતી. પણ તેમની ટર્મ પૂરી થયા બાદની સ્થિતિ જોવામાં આવે તો ભારત હાલ બહુ મોટા પ્રમાણમાં બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

    સરકારના એક લીક થઈ ગયેલા રિપોર્ટ અનુસાર ભારતમાં બેરોજગારીનો દર અત્યારે છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ છે.

    એક સ્વતંત્ર થિન્ક-ટૅન્ક 'સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી' (CMIE)ના અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં દેશમાં ત્રણ કરોડ લોકો એવા હતા જે નોકરીની શોધમાં હતા.

    લખનૌમાં સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ

    લખનૌમાં સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ

    દાયકાઓ સુધી ઝડપી વિકાસ થયો હોવા છતાં નોકરીઓની સંખ્યા વધી નથી.

    ભારતના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલા ટેલિકમ, બૅન્કિંગ, ફાઇનાન્સ જેવાં ક્ષેત્રોમાં દેશના ઓછું ભણેલા અને ઓછું કૌશલ્ય ધરાવતા અનેક યુવાનો માટે પૂરતા પ્રમાણમાં નોકરીઓ નથી. મોદીના નેતૃત્વમાં ખાનગી રોકાણનું પ્રમાણ ઘટ્યું છે અને વૃદ્ધિદર ડચકા ખાવા લાગ્યો છે, જેના લીધે રોજગાર સર્જનને વધુ ફટકો પડ્યો છે.

    ભારતમાં 80 ટકાથી વધુ લોકો ઓછો પગાર અને ઓછો લાભ આપનારા અસંગઠિત પ્રકારનાં સ્થળોએ નોકરી કરે છે. 10%થી ઓછા લોકો જ એવા છે જે પૂરા લાભો આપનારી સારી નોકરીઓમાં છે.

    નોકરી મેળવવી એ એક અત્યંત પડકારજનક સંઘર્ષનું કામ બની ગયું છે.

    News image
    News image

    જયસ્વાલ, રામસાગર ગુપ્તા અને મિથિલેશ યાદવ બે રૂમના એક સાદા ભાડાના મકાનમાં રહે છે અને સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. ઝડપથી નાસ્તો કરીને તેઓ અભ્યાસ કરવા બેસી જાય છે. ઘરની સફેદ ચૂનાની દીવાલો પર ભારતનો નકશો લગાવેલો છે. એન્જિનિયરિંગ, ગણિત, ઇંગ્લિશ વ્યાકરણ અને સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો ચારે બાજુ પથરાયેલાં છે. ક્યારેક તેમનાં માતાપિતા ગામડેથી ફોન કરીને પૂછે છે કે શું તેમને નોકરી મળી ગઈ કે નહીં.

    રામ સાગર ગુપ્તા

    રામ સાગર ગુપ્તા

    ગુપ્તા કહે છે, "આ ફોન બહુ મુશ્કેલ હોય છે. તેમને સચ્ચાઈ કહેવામાં મને ઘણું દુઃખ થાય છે. પણ તેઓ મને હંમેશાં સહકાર આપે છે. પરિવાર જ છે જેના લીધે અમારો આગળ વધવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે.”

    તેનું માનવું છે કે મોદી એક દિવસ નોકરીઓ લાવશે. તેણે પોતાની આશા જીવંત રાખી છે.

    તેઓ કહે છે, "મોદી યુવાનોનાં સપનાંઓ અને આકાંક્ષાઓ વિશે વાત તો કરે છે. એ પોતે બહુ મહેનત કરે છે. અમને હજી પણ તેમની પાસે ઘણી આશાઓ છે."

    તેના બેરોજગાર સાથીઓ જોકે આટલા આશાવાદી નથી. તેમાંથી એક જણ પૂછે છે, "મોદીએ જે ફૅક્ટરીઓના નિર્માણની વાતો કરી હતી તે ક્યાં છે?"

    Mithilesh Yadav

    Mithilesh Yadav

    યાદવ કહે છે કે દસ વર્ષના પ્રયાસ પછી આખરે તેના એક કાકાએ પોલીસકર્મીની નોકરી માટેની પરીક્ષા પાસ કરી છે. કાકાએ 27 વર્ષની ઉંમરે નોકરી મેળવી છે. યાદવ કહે છે," એક દિવસ કદાચ મને પણ નોકરી મળશે, પણ ધીરજ બહુ કસોટી કરે છે."

    શું મોદીનો જાદુ કાયમ રહેશે?

    News image

    મેરઠના એક સરકારી પ્લૉટ પર મોદીની પ્રચારસભા ભરાઈ છે.

    ફૂલોથી લદાયેલા સ્ટેજ પર પહોંચીને હર્ષથી કિલયારીઓ પાડી રહેલા હજારોની મેદનીનું મોદી અભિવાદન કરે છે, અને થોડી મિનિટો બાદ પોતાની લાક્ષણિક ઉત્સાહભરી અદામાં ભાષણ શરૂ કરે છે.

    News image
    News image

    તેઓ કહે છે, “130 કરોડ ભારતીયોએ પોતાનું મન બનાવી લીધું છે. ભારતમાં ફરી એક વાર મોદી સરકાર આવશે.”

    મોદી નૈસર્ગિક આત્મવિશ્વાસ ધરાવતા રાજકારણી છે. તેમના શક્તિશાળી સાથી અમિત શાહે પોતાની હોશિયારીથી કેટલાંક ઉપયોગી રાજકીય જોડાણો સાધી આપ્યાં છે, પરંતુ મોદીએ એવી સ્થિતિ ઊભી કરી છે કે 2019ની ચૂંટણી તો તેમના નામ પર જ ખેલવી પડે.

    મોદી થાક્યા વગર પ્રચાર કરે છે. ભાજપના કહેવા મુજબ 2014ના પ્રચારમાં તેઓ 25 રાજ્યોમાં ગયા હતા, અને 3,00,000 કિલોમિટરનો પ્રવાસ કરીને જનસંપર્ક કર્યો હતા. આ વખતે પણ એવું જ બનશે- તેમણે 150 જેટલી જનસભાઓનું આયોજન કર્યું છે.

    મોદી એક આક્રમક નેતા છે. તેઓ પોતાનાં ભાષણોમાં ચપળતાપૂર્વક રાષ્ટ્રવાદ અને લોકરંજક વાતોની ભેળસેળ કરે છે અને પ્રતીકાત્મક રીતે જેને જે સંભળવવાનું હોય તે સંભળાવી દે છે.

    મોદી એવો માહોલ ઊભો કરે છે કે તેમના સમર્થકો રાષ્ટ્રવાદી છે અને તેમના ટીકાકારો, વિરોધીઓ રાષ્ટ્રવિરોધી છે.

    2019ની ચૂંટણી સંઘર્ષમય અને કઠોર અભિયાન સાબિત થવાની છે.

    2014માં અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મેળવ્યા બાદ ભારતની સૌથી જૂની કૉંગ્રેસ પાર્ટી નવી ઊર્જા સાથે કામ કરી રહેલા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક વિશ્વસનીય વિરોધ પક્ષ તરીકે ઊભરવા માટે લડત આપી રહી છે. ભાજપ માટે સૌથી મોટો પડકાર કદાચ સંખ્યાબંધ પ્રાદેશિક પાર્ટીઓ બની શકે છે કે જે જુદાં-જુદાં રાજ્યોમાં મજબૂત સ્થિતિમાં છે.

    મોદીના નેતૃત્વમાં સરકારની એક થિન્ક-ટૅન્કના વાઇસ ચૅરમૅન તરીકે સેવા આપી ચૂકેલા કોલંબિયા યુનિવર્સિટીના ઇકૉનૉમિક્સના પ્રોફેસર અરવિંદ પનગરિયા માને છે કે ટીકાકારો ભલે ગમે તે કહે પણ વડા પ્રધાનનો વિજય નિશ્ચિત છે.

    તેઓ કહે છે કે મોદી હજી પણ અત્યંત લોકપ્રિય છે અને "જનતાની સાથે સંવાદ સાધવા માટે તેમની પાસે ભારે ઊર્જા અને કૌશલ્ય છે."

    "સામાન્ય ભારતીય નાગરિકની નજરમાં તેઓ પોતાની એક પ્રામાણિક, મહેનતુ અને નિર્ણાયક નેતા તરીકેની છબી સફળતાપૂર્વક ઉપસાવી શક્યા છે."

    ભારતીય ચૂંટણી ભાગ્યે જ વિચારો અને વિઝનના આધાર પર લડાય છે અને તેનાં પરિણામોનો અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ છે.

    કેટલાક વિશ્લેષકો માને છે કે ભારત ફરી એક વાર સમગ્ર દેશમાં એક પ્રબળ પ્રભાવી પાર્ટી શાસન કરતી હોય તેવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ કૉંગ્રેસે ચાર દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું હતું અને હવે ભાજપનો વારો છે.

    એક વાત જોકે સ્પષ્ટ છે. 2019માં એ પુરવાર થઈ જશે કે મોદીનો જાદુ આવનારા સમયમાં છવાયેલો રહેશે કે નહીં.