'ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું' - રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/ BBC
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
રાજસ્થાનના જેસલમેરની એક ઘટના છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છવાયેલી છે.
જેસલમેરના મોહનગઢના વિક્રમસિંહ ભાટીનાં ખેતરોમાં સિંચાઈનું કોઈ સાધન ન હતું, તેથી તેમણે ટ્યુબવેલ માટે જમીન ખોદવાનું શરૂ કર્યું.
જ્યારે 800 ફૂટનું ખોદકામ કર્યા પછી પણ પાણી ન નીકળ્યું ત્યારે તેઓએ વધારે ઊંડું ખોદવાનું નક્કી કર્યું.
આ પછી વહેલી સવારે પૃથ્વીની અંદરથી પાણીનો એવો પ્રવાહ નીકળ્યો કે તે તેને બંધ થતા ત્રણ દિવસ થયા. ખેતરોમાં ચારેબાજુ સાત ફૂટ પાણી ભરાઈ ગયાં અને ત્યાં ઊભો જીરાનો પાક નષ્ટ થઇ ગયો. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓને જન્મ આપ્યો.
આ વિશાળ થાર રણભૂમિમાં કોઇએ કલ્પના પણ ના કરી હોય કે ભૂગર્ભમાંથી આટલું બધું પાણી આવશે.
વિક્રમસિંહ ભાટી કહે છે, "ખોદતી વખતે પાતાળમાંથી એવી જળધારા ફૂટી કે બાવીસ ટનનું મશીન પણ જમીનમાં દટાઈ ગયું."
"બોરવેલ મશીનની સાથે ટ્રક પણ ડૂબી ગઈ. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે જમીનની ઉપરનું પડ દસ ફૂટ ઊંડુ થઈ ગયું."
ભૂગર્ભમાંથી આટલું પાણી કેવી રીતે આવ્યું ?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/ BBC
વરિષ્ઠ ભૂગર્ભજળ વૈજ્ઞાનિક અને રાજસ્થાન ગ્રાઉન્ડ વૉટર બોર્ડના પ્રભારી ડૉ.નારાયણદાસ ઇણખિયાના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ઘટનાસ્થળે જઈને માહિતી એકઠી કરી અને સતત ત્રણ દિવસ સુધી સંશોધન કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તારના લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે અહીંયા 300 થી 600 ફૂટ ઊંડુ ખોદકામ કર્યા બાદ પાણી મળતું હોય છે.
ઇણખિયા જણાવે છે કે, "850 ફૂટ સુધી ખોદવાને કારણે ખડકો તૂટી ગયા અને પાણીનો ફુવારો ફૂટ્યો. આ માટીના ખડકો છે જે ખૂબ જ મજબૂત હોય છે. જ્યારે પડ તૂટ્યું ત્યારે જ પાણી આટલી તીવ્રતાથી બહાર આવ્યું"
શું આ પ્રકારની પહેલી ઘટના બની?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/ BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇણખિયા સમજાવે છે," ધરતીની અંદર 850 ફૂટ ઊંડે ચીકણી માટીના મજબૂત ખડકનાં સ્તરો હોય છે અને તેમની વચ્ચે ઘણું પાણી ભરેલું રહે છે. આ ખડકો તૂટવાનાં લીધે જ પાણી પૂરજોશથી બહાર આવવા લાગે છે."
"પંદર વર્ષ પહેલાં નાચનાનાં જલુવાળામાં પણ આ જ રીતે પાણી બહાર આવ્યું હતું."
ચાર દાયકા પહેલા પણ આવો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KAJRI) ના બે વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ. વિનોદ શંકર અને ડૉ. સુરેશ કુમારે 1982માં એક સંશોધન પત્ર તૈયાર કર્યું હતું. જેમાં મોહનગઢ વિસ્તારના ભૂગર્ભમાં ઘણું પાણી હોવાનાં પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા.
ડૉ. સુરેશ કુમાર હવે KAJRI માંથી નિવૃત્ત થયા છે પરંતુ તેઓ કહે છે, "માત્ર 176 થી 250 મીમી વરસાદ વાળા આ રણમાં કાંટાળી ઝાડીઓ (હેલોક્સિલૉન સૅલિકોર્નિકમ)ની હાજરી અમુક ચોક્કસ સ્થળોએ પુષ્કળ પ્રમાણમાં મળી આવી હતી અને અમુક સ્થળે તે બિલકુલ નહતી.
"આ સંકેતો જોઈને હું ચોંકી ગયો અને ચારથી પાંચ મીટરના ખોદાણ પછી જાણવા મળ્યું કે આ ઝાડીઓનાં મૂળ ખૂબ જ ઊંડા જઈ રહ્યાં છે. જ્યારે વરસાદનું પાણી માત્ર ત્રણથી ચાર ફૂટ ઊંડે સુધી જ પહોંચી શકે છે. ત્યારે એવું લાગ્યું કે કોઈ ભૂગર્ભ સ્ત્રોત છે જેમાંથી આ ઝાડીઓને પાણી મળે છે."
હેલોક્સિલૉન સૅલિકોર્નિકમ શું છે ?

ઇમેજ સ્રોત, VINOD SHANKAR & SURESH KUMAR
થાર વિસ્તારમાં બધે જોવા મળતો છોડ લાના અથવા લાણા નામે ઓળખાય છે.
રણવિસ્તારોમાં આ જ છોડ બકરાં અને ઊંટોનો ખોરાક છે. આ ખૂબ જ શુષ્ક ઝાડવું છે જે શુષ્ક અને ઉજ્જડ વિસ્તારોમાં ઉગે છે.
તે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને મધ્ય એશિયાના રણ વિસ્તારોમાં જોવા મળે છે. તેનું વૈજ્ઞાનિક નામ Haloxylon salicornicum છે. આ અમરન્થેસી પરિવારનો છોડ છે.
જ્યાં ભેજ અને પોષણનો અભાવ હોય એવી રેતાળ અને ઉજ્જડ જમીનમાં આ છોડ ઉગે છે. આ છોડ ક્ષારયુક્ત અને ઓછી ખાતરવાળી જમીનમાં ઉગે છે.
આ છોડનાં મૂળ ખૂબ ઊંડા અને મજબૂત હોય છે જે 16 ફૂટ ઊંડે સુધી જઈ શકાતા હોય છે.
હેલોક્સિલૉન સૅલિકોર્નિકમ એ સુકા વિસ્તારોના જીવનચક્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને ઉજ્જડ જમીનને જાળવી રાખવામાં મદદ કરે છે.
ડૉ. સુરેશ કુમાર આને પૌરાણિક નદી સાથે પણ જોડે છે.
તેઓ કહે છે, " પૌરાણિક ગ્રંથોના અભ્યાસ અને રિમોટ સેન્સિંગના ડેટા મેળવતા સમજાયું કે આ સરસ્વતીના લુપ્ત થયેલી ધારાનો વિસ્તાર છે."
" આ વિગતોને ચાર્ટમાં મૂકવામાં આવી. આસપાસના છોડની પણ ખરાઇ કરી ડેટા મેળવવામાં આવ્યા ત્યારે અન્ય સ્થળોએ હેલોક્સિલૉન સૅલિકોર્નિકમ જોવા મળ્યાં ન હતાં. બાદમાં જ્યારે સેનાએ આ વિસ્તારોમાં ઊંડે ખોદકામ કર્યું ત્યારે ત્યાં પાણીના પ્રવાહનાં ચિહ્નો મળી આવ્યાં હતાં."
હકીકતમાં સરસ્વતી નદીનું વર્ણન મુખ્યત્વે ઋગ્વેદમાં જોવા મળે છે જ્યાં તેને નદિતમા એટલે કે "નદીઓનાં માતા" અને "પવિત્ર નદી" કહેવામાં આવી છે.
આ સિવાય મહાભારત, પુરાણો (જેમ કે મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ) અને અન્ય ઘણા ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે.
પુરાતત્ત્વ અને ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસો અનુસાર સરસ્વતી નદીનો પ્રવાહ હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી પસાર થતો હતો. આ નદી હવે લુપ્ત થઈ ગઈ છે.
સરસ્વતી નદી હોવાનો દાવો કેટલો નિશ્ચિત છે ?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/ BBC
કાજરી જોધપુરના વૈજ્ઞાનિકો અને ભૂગર્ભજળના વૈજ્ઞાનિકોનાં નિવેદનો તપાસીએ તો પણ ખાતરીથી ના કહી શકાય કે જેસલમેરના મોહનગઢનાં ખેતરોમાં જે પાણીનો પ્રવાહ ફૂટ્યો હતો તે વાસ્તવમાં લુપ્ત થતી સરસ્વતી નદીનો પ્રવાહ હતો.
જો કે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે એવી સરસ્વતી નદીને શોધવાનું કામ વર્ષો પહેલાં શરૂ થયું હતું તેમાં હવે વધારે ઝડપી બનવાની સંભાવના છે.
આ અંગે ભૂગર્ભજળ વિજ્ઞાની નારાયણદાસ ઇણખિયા કહે છે,"હમણાં ફૂટેલો પાણીનો પ્રવાહ 360 મીટરથી પણ વધુ નીચેથી આવ્યો હતો. જ્યારે સરસ્વતી નદીના પ્રવાહને માત્ર 60 ઉંડો જ માનવામાં આવે છે."
જ્યારે અમે વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રીઓ, ખાણકામના નિષ્ણાતો અને સરસ્વતી નદી પર કામ કરતા લોકો પાસેથી આ અંગે જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે મોટાભાગના નિષ્ણાતોએ કહ્યું કે જેસલમેરની તાજેતરની ઘટના વિશે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે.
હવે આનાં તથ્યો, પાણી અને માટીની તપાસ કર્યા બાદ જ કંઇ નક્કર કહી શકાશે.
ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને સરસ્વતી નદી પર સંશોધન કરનારી ટીમના વડા ડૉ. જે.આર. શર્માએ જણાવ્યું , "જેસલમેરમાં જે પાણી બહાર આવ્યું છે તે સરસ્વતી નદીનું છે કે નહીં તે એ પાણીનાં કાર્બન ડેટિંગ દ્વારા જાણી શકાશે. "
"કાર્બન ડેટિંગથી આ પાણીની ઉંમર ખબર પડશે. જો આ સરસ્વતીનું પાણી હોય તો તે ઓછામાં ઓછું ત્રણ હજાર વર્ષ જૂનું હશે."
ડૉ. શર્મા એમ પણ કહે છે, "જો એનાથી પણ આ પાણી જૂનું નીકળશે તો એનો મતલબ એ થશે કે આ દરિયાનું પાણી છે જે રણ પહેલાથી જ અહીં મોજુદ હતું."
"આ પાણીનું કાર્બન ડેટિંગ મુંબઈની ભાભા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા અમદાવાદના ઈસરોની ફિઝિકલ લૅબોરેટરીમાં થઇ શકે છે."
સરસ્વતી નદીને શોધવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/ BBC
15 જૂન, 2002ની વાત છે. તત્કાલીન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જગમોહને સરસ્વતી નદીના પ્રવાહના માર્ગને શોધવા માટે ખોદકામની જાહેરાત કરી હતી.
તેમણે આ કાર્ય માટે નિષ્ણાતોની એક ટીમ બનાવી હતી જેમાં ઈસરો, અમદાવાદના બલદેવ સહાય, પુરાતત્ત્વવિદ્ એસ. કલ્યાણ રમણ, ગ્લેશિયોલૉજિસ્ટ વાય. કે. પુરી અને જળ સલાહકાર માધવ ચિતાલે સામેલ હતા.
તે સમયે જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે હરિયાણાના આદિબદ્રીથી ભગવાનપુરા સુધી ખોદકામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ રાજસ્થાનની સરહદે કાલીબંગા સુધીનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવશે.
આ ટીમે માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સરહદી રાજ્યોનાં જુદા જુદા સ્થળોએ જઇને પણ માહિતી એકઠી કરી હતી.
પ્રારંભિક માહિતીના આધારે ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમે 28 નવેમ્બર, 2015ના રોજ સરસ્વતી નદી અંગેનો રિપોર્ટ જાહેર કર્યો હતો.
વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ. જે.આર. શર્મા, ડૉ. બી.સી. ભાદરા, ડૉ. એ. કે. ગુપ્તા અને ડૉ. જી. શ્રીનિવાસનો આ અહેવાલ હતો,' રિવર સરસ્વતી, એન ઇન્ટિગ્રટેડ સ્ટેડી બેઝ્ડ ઑન રિમોટ સેન્સિંગ ઍન્ડ જીઆઇએસ ટૅક્નિક વીથ ગ્રાઉંડ ઇર્ન્ફોમેશન.'
આ રિપોર્ટ ઇસરોનાં જોધપુરનાં રિજનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ જણાવે છે કે ભૂતકાળમાં ઉપ-મહાદ્વીપના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઘણી મોટી નદીઓ વહેતી હતી.
વર્તમાન સિંધુ નદી પ્રણાલીની જેમ જ વૈદિક સાહિત્યમાં સરસ્વતી નદી તરીકે ઓળખાતી સમાંતર નદી પ્રણાલી હતી. જે લગભગ ઇ.સ પૂર્વે છ હજાર વર્ષ પહેલાં (એટલે કે લગભગ આઠ હજાર વર્ષ પહેલાં) મોટી નદીની જેમ વહેતી હતી.
જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સરસ્વતી નદી પ્રણાલી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી પસાર થતી હતી અને અંતે ગુજરાતના કચ્છના રણમાં જતી હતી. એવું કહેવાય છે કે હિમાલયના ક્ષેત્રમાં આબોહવા અને ટેકટોનિક પ્લેટોમાં આવેલા પરિવર્તનને કારણે નદી સુકાઈ ગઈ અને પાંચ હજાર વર્ષ પહેલાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












