ગુજરાતની આ નદીઓને કુંવારી કેમ કહેવાય છે તે ક્યાં અદૃશ્ય થઈ જાય છે?

પ્રતીકાત્મક તસવીર ગુજરાતની કુંવારી નદીઓ ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

ઓહ રે તાલ મીલે નદી કે જલ મેં

નદી મીલે સાગર મેં

સાગર મીલે કોન સે જલ મેં

કોઈ જાને ના...

ફિલ્મ 'અનોખી રાત'માં મુકેશ દ્વારા ગવાયેલા અને રોશન દ્વારા સ્વરબદ્ધ કરાયેલા ગીતમાં નદીના જળચક્રનું ફિલોસોફિકલ વિવરણ આપવામાં આવ્યું છે.

તો શાળામાં ભણાવાતા ભૂગોળના પાઠ પ્રમાણે, દરેક નદી છેવટે દરિયામાં ભળી જાય, પરંતુ દરેક વખતે આ સાચું નથી હોતું.

ગુજરાતની કેટલીક નદીઓ દરિયામાં નથી મળતી તથા અન્યત્ર ભળી જાય છે. આવી સરિતાઓને ગુજરાતમાં 'કુંવારી નદી' તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના મુખ્ય ત્રણેય ભૌગોલિક જળવિસ્તારોમાં આવી નદીઓ જોવા મળે છે.

આ સિવાય ગુજરાતની એક મુખ્ય નદી સાગરમાં સમાઈ જતી હોવા છતાં તેને 'કુંવારી નદી' તરીકે ઓળખવામાં આવે છે અને તેની પાછળ એક 'નદ' સાથેની નિષ્ફળ પ્રેમકહાણીની અનુશ્રુતિ ટાંકવામાં આવે છે.

ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ નદી

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@Itishree001

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના ટોંકમાં બિસલદેવ મંદિર પાસે બનાસ નદી પર બિસલ ડૅમ બાંધવામાં આવ્યો છે

બનાસ ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે, જે રાજસ્થાનના અરવલ્લીના સિરોહી જિલ્લાના પિંડવારા ગામેથી નીકળે છે. તેની કુલ લંબાઈ 266 કિલોમીટર જેટલી છે. જેમાંથી 78 કિલોમીટર જેટલી રાજસ્થાનમાં વહે છે. તેનો કુલ વહેણક્ષેત્ર આઠ હજાર 675 ચો. કિલોમીટર જેટલું છે, જેમાંથી લગભગ 38 ટકા રાજસ્થાન અને 62 % ગુજરાતમાં છે.

આ નદી પાલનપુર, ધાનેરા, ડીસા અને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં થઈને વહે છે.

આ નદી મુદતી છે અને ઉનાળામાં સુકાઈ જાય છે. સીપુ જમણેથી મળતી બનાસની એકમાત્ર ઉપનદી છે. બત્રિયા, સુકરી, સેવારણ, સુકેત બાલારામ અને ખારી તેની ડાબેથી મુખ્ય નદીના પ્રવાહમાં ભળે છે.

દાંતીવાડા (દાંતીવાડા, ધાનેરા ; 1965) અને સીપુ (અતલ, દાંતીવાડા; 2001) આ નદી પરની મુખ્ય જળાશય યોજના છે. બનાસ નદી કચ્છ જિલ્લાના નાના રણમાં ફેલાઈ જાય છે.

રૂપેણ નદી

રૂપેણ નદી મહેસાણા જિલ્લાના તારંગા હિલ્સમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં ભળે છે. આ પહેલાં તે સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાંથી પસાર થાય છે. રૂપેણ નદીની લંબાઈ 156 કિલોમીટર જેટલી છે. તેનું વહેણક્ષેત્ર બે હજાર 500 વર્ગકિમી જેટલું છે.

ખેરાલુ, શંખેશ્વર, મોઢેરા, કાંસા અને થાંભેલ તેના કિનારે આવેલાં જાણીતાં ગામો છે. પુષ્પાવતી તેની જમણા કાંઠાની, જ્યારે ખારી એ ડાબા કાંઠાની મુખ્ય શાખા છે. તે બારમાસી નદી નથી.

સરસ્વતી નદી

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને આંતરવાહિની સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની હિંદુઓની માન્યતા

સરસ્વતી નદી દાંતાના ડુંગરોમાં અંબાજી શક્તિપીઠથી સાતેક કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર પાસેથી ઉદભવે છે. તે બનાસકાંઠા અને પાટણ થઈને કચ્છ જિલ્લામાં પ્રવેશે છે અને નાના રણમાં લુપ્ત થઈ જાય છે. નદીના કિનારે સિદ્ધપુર આવેલું છે, જેના બિંદુ સરોવર ખાતે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે.

એક તબક્કે સાબરમતી નદીના જળને ધરોઈ પ્રોજેક્ટમાંથી કૅનાલ મારફત સરસ્વતી નદીમાં ઠાલવવાની યોજના હતી. સરસ્વતી નદી પર બૅરેજ (માતરવાડી, પાટણ; વર્ષ 1972) અને મુક્તેશ્વર (મુક્તેશ્વર, વડગામ ; વર્ષ 2004) બાંધવામાં આવ્યા છે, જે 50થી વધુ ગામોની સિંચાઈની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

કેટલાકની માન્યતા પ્રમાણે, પ્રાચીન સરસ્વતી નદી 'કુંવારી' ન હતી, તે હરિયાણા પાસે ઉદ્દભવતી અને ગુજરાતમાં પ્રવેશીને કચ્છ પાસે દરિયામાં ભળી જતી. ઋગ્વેદના સાતમા મંડળની 95મી ઋચાની બીજી કડીમાં 'પર્વતથી સાગર સુધીની શુદ્ધ ધારા' એવી રીતે વર્ણવામાં આવી છે. સરસ્વતી નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી તેને 'આંતરવાહિની' તરીકે પણ ઓળખવામાં આવતી.

મચ્છુ નદી

વીડિયો કૅપ્શન, BBC Exclusive : 1979ની મચ્છુ હોનારત બાદ સર્જાયેલી તારાજીનાં દૃશ્યો

મચ્છુ એ સૌરાષ્ટ્ર પ્રદેશની મુખ્ય નદી છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખોખરા ગામ પાસે ઉદ્દભવે છે. તે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાંથી પસાર થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. વાંકાનેર, મોરબી અને માળિયા (મિયાણા) વગેરે તેના કિનારે વસેલાં નગર છે.

જાંબુરી, બેનિયા, મચ્છોરી અને મહા તેને જમણા કાંઠેથી જ્યારે બેટી અને અસોઈ ડાબા કાંઠેથી ભળે છે. મચ્છુ-1 અને મચ્છુ-2 આ નદી પરના મુખ્ય ડૅમ છે.

11 ઑગસ્ટ 1979ના મચ્છુ-2 ડૅમ તૂટી ગયો હતો, જેના કારણે મોરબી શહેરમાં તારાજી ફેલાઈ હતી. તે વિશ્વની સૌથી મોટી ડૅમ દુર્ઘટનાઓમાંથી એક છે. તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, તેનો નક્કર આંકડો ક્યારેય બહાર ન આવ્યો, અમુક લોકો 25 હજાર મૃત્યુનું અનુમાન મૂકે છે. જોકે સરકારી આંકડા મુજબ, એક હજાર 800 લોકો મૃત્યુ પામ્યા હતા.

લૂણી નદી

લૂણી નદી રાજસ્થાનની મુખ્ય નદીઓમાંથી એક છે. ગુજરાતી વિશ્વકોશમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, તે અજમેરની નૈર્ઋત્યે આવેલી અરવલ્લીની હારમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ 320 કિલોમીટર જેટલી છે.

લૂણી નદી રાજસ્થાનના ઝાલોર, નાગોર, પાલી અને જોધપુર જેવા જિલ્લામાંથી પસાર થાય છે. તે ગુજરાતમાં પ્રવેશીને કચ્છની કાદવકીચડવાળી ખાડીમાં સમાઈ જાય છે. આ નદી વરસાદી નદી છે. અમુક સ્થળોએ તેનું પાણી ખારું રહેતું હોવાથી તેને 'લૂણી' નામ આપવમાં આવ્યું છે.

રાજસ્થાનમાં તેના મીઠા પાણી ઉપરની નિર્ભરતાને કારણે તેને 'મરુગંગા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

સાગરમાં ભળતી 'કુંવારી નદી' નર્મદા

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/NitinPatel

ઇમેજ કૅપ્શન, નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડૅમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળે છે અને ભરૂચ પાસે ખંભાતના અખાત મારફત અરબ સાગરમાં ભળી જાય છે. આમ છતાં લોકમાન્યતામાં તેને 'કુંવારી નદી' માનવામાં આવી છે.

હિંદુઓ માટે તે ખૂબ જ પવિત્ર નદી છે એટલે તેની પરિકમ્મા પણ હાથ ધરે છે, જે દોઢેક વર્ષે પૂર્ણ થાય છે. તેને કુંવારી નદી ગણવા સાથે માન્યતા જોડાયેલી છે.

જ્ઞાનપીઠ નવસર્જન પુરસ્કારથી સન્માનિત લેખિકા અને કવયિત્રી બાબુષા કોહલીના કહેવા પ્રમાણે, "લોકકથા પ્રમાણે, સોન, નર્મદા અને જોહિલા બાળમિત્રો છે. સોન એ 'નદ' (નદીનું પુરુષવાચક) છે, જેની સાથે નર્મદાના વિવાહ નિર્ધારવામાં આવ્યા હતા. જ્યારે લગ્ન થવાનાં હોય છે, ત્યારે નર્મદાને ખબર પડે છે કે જોહિલા નામની એક નાનકડી નદી પ્રત્યે સોન આકર્ષણ ધરાવે છે."

"તે ખૂબ જ ગર્વિલી નાયિકા છે એટલે માંડવામાંથી ઊભી થઈ જાય છે અને પારોઠનાં પગલાં ભરે છે. આગળ જતાં સોન અને જોહિલાનો સંગમ થાય છે. નર્મદા પશ્ચિમવાહિની છે, એ ભૌગોલિક સત્ય પણ છે."

સોન, નર્મદા અને જુહિલાના કથિત પ્રણયત્રિકોણ વિશે અનેક કવિતા લખાઈ તથા અલગ-અલગ સ્વરૂપે લોકકથાઓમાં આ વાત સાંભળવા મળે છે. કોહલીએ પણ આ વિષય પર લઘુફિલ્મ પણ બનાવી છે.

ઉત્તર અને દક્ષિણ ભારતની પ્રમુખ નદીઓ મહદંશે પૂર્વીય જળપરિવાહવાળી છે, પરંતુ નર્મદા (અને તાપી) અપવાદરૂપ છે.

સોન, નર્મદા અને જોહિલાનો ઉદ્દભવ મધ્ય પ્રદેશની મૈકલ પર્વતશ્રેણીમાં થાય છે, ત્રણેયનાં ઉદ્દગમસ્થાનો વચ્ચે બહુ થોડું અંતર છે. આગળ જતાં ઉમરિયામાં જોહિલા નદીનો સંગમ સોન સાથે થાય છે.

વર્ષ 1966માં ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાયથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના વિશે તપાસ કરવાનો હતો.

સૌરાષ્ટ્રની સુકાઈ જતી નદીઓ

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદીના કિનારે આવેલા અમદાવાદ શહેરનું દૃશ્ય

ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતની નદીઓને તળગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની અનેક નદીઓ અરબ સાગરમાં નથી મળતી અને 'કુંવારી' રહી જાય છે.

બ્રહ્માણી

બ્રહ્માણી નદી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામ પાસેથી નીકળીને હળવદ તાલુકામાંથી પસાર થઈને કચ્છના નાના રણમાં મળે છે. આ નદીની લંબાઈ 75 કિલોમીટર જેટલી છે અને તેનો આવરાક્ષેત્ર 966 ચો કિમી જેટલું છે. આ નદી પર બ્રહ્માણી-1 અને બ્રહ્માણી-2 યોજનાઓ આવેલી છે.

ઘોડાધ્રોઈ

આ નદી સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામ પાસેથી નીકળીને કચ્છના નાના રણમાં ફેલાઈ જાય છે. આ નદી રાજકોટ તથા મોરબી નદીમાંથી પસાર થાય છે. મોરબી તાલુકાના જિકયાણી ગામ પાસે ઘોડાધ્રોઈ યોજના આવેલી છે.

ફલ્કી નદી

ફલ્કી નદી લીલપર ગામ પાસેથી નીકળીને કચ્છના રણમાં સમાઈ જાય છે. 18 કિલોમીટરની લંબાઈમાં તેનું વહેણક્ષેત્ર 120 ચોરસ કિલોમીટર જેટલું છે. નદી તથા તેની પ્રશાખા પર નાની સિંચાઈ યોજનાના બે ડૅમ આવેલા છે. આ બેઝિનની ફુલ્કુ નદીના કળમાદ ગામ પાસેથી શરૂ થઈને કચ્છના નાના રણમાં ફેલાઈ જાય છે.

લીંબડી ભોગાવો

લીંબડી ભોગાવો નદી ચોટીલા તાલુકાના રેશમિયા ગામ ખાતેથી નીકળે છે, જે લીંબડી તાલુકાના પાણશીણા ગામ પાસે ભાલપ્રદેશમાં ફેલાઈ જાય છે. તેમાં નાની-મોટી 22 પ્રશાખા નીકળે છે. તેની કુલ લંબાઈ 95 કિમી જેટલી છે અને તેનું વહેણક્ષેત્ર એક હજાર 116 વર્ગકિમી જેટલું છે. તેના પર લીંબડી ભોગાવો-1 અને લીંબડી ભોગાવો-2 જેવી યોજનાઓ આવેલી છે.

કચ્છ જિલ્લાની નદીઓ

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્ર કચ્છની અનેક નદીઓ કચ્છના નાના-મોટા રણમાં સમાઈ જાય છે

કચ્છ જિલ્લાની અનેક નદીઓ બારમાસી નથી. તે ખૂબ જ ટૂંકી છે અને કચ્છના નાના કે મોટા રણમાં ભળી જાય છે. કચ્છની ઉત્તરવાહિની નદીઓ મોટા રણમાં તથા દક્ષિણવાહિની નદીઓ કચ્છના નાના રણ અથવા તો અરબી સમુદ્રમાં મળે છે.

સુવી નદી

આ નદી રાપર તાલુકાના બાદરગઢ ગામ પાસે ઉદ્દભવે છે અને રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે. નદીની કુલ લંબાઈ 16 કિલોમીટર જેટલી છે અને તેનું વહેણક્ષેત્ર 160 વર્ગ કિલોમીટર જેટલું છે. આ નદી ઉપર સુવી ડૅમ બાંધવામાં આવ્યો છે.

પુર નદી

આ નદી ભુજ તાલુકાના નાગોર ગામ પાસેથી નીકળીને કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. તેની લંબાઈ 40 કિલોમીટર છે તથા તેનું વહેણક્ષેત્ર 603 કિલોમીટર જેટલું છે. તેની ઉપર રૂદ્રમાતા ડૅમ આવેલો છે.

ભુરુડ નદી

કચ્છની ભુરુડ નદી ચાવડકા અધોછની ગામ પાસેથી નીકળે છે અને કચ્છના મોટા રણમાં ભળે છે. નદીની કુલ લંબાઈ 50 કિલોમીટર જેટલી છે. તેનું વહેણક્ષેત્ર 326 ચો. કિમી છે. નદી ઉપર નીરોણા ડૅમ આવેલો છે.

નરા નદી

નરા નદી લખપત તાલુકાના વાલ્કા પાસેથી નીકળીને કચ્છના મોટા રણમાં મળે છે. 25 કિલોમીટરની લંબાઈમાં તેનું વહેણક્ષેત્ર 233 ચોરસ કિલોમીટર જેટલું છે. આ નદી ઉપર નરા ડૅમ પણ આવેલો છે.

ખારી

ખારી નદી માતાના મઢ ગામ પાસેથી નીકળે છે. જેની લંબાઈ 50 કિલોમીટર જેટલી છે અને તેનું વહેણક્ષેત્ર 113 ચો. કિમી જેટલું છે. આ નદી ઉપર જંગડિયા ડૅમ આવેલો છે, તે કળણવાળી કોરીક્રિકમાં ભળે છે.

ગુજરાતમાં નદીઓ

ગુજરાતની 'કુંવારી' નદીઓ, નર્મદા, સરસ્વતી, રૂપેણ, કચ્છ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1670 આસપાસ તાપી નદીના કિનારે અંગ્રેજોની કોઠીનું પૅઇન્ટિંગ

ગુજરાતમાં લગભગ 180 કરતાં વધુ નોંધપાત્ર નદીઓ વહે છે, જેમાંની દરેક બારમાસી નથી. જળજથ્થાની દૃષ્ટિએ તળગુજરાતનો વિસ્તાર સમૃદ્ધ છે, એટલે જ ફળદ્રુપ મેદાનો પણ વધારે છે. આ વિસ્તારમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી અને દમણગંગા સહિત અઢારેક નદીઓ મુખ્ય છે.

નર્મદા નદી ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ માટે જીવાદોરી સમાન છે, તે ગુજરાતમાં બહુ ટૂંકી વહે છે અને અરબ સાગરમાં ભળી જાય છે. કેવડિયા ખાતેના સરદાર સરોવર ડૅમને 'ગુજરાતની જીવાદોરી' તરીકે ઓળખવામાં આવે છે. કૅનાલ દ્વારા આ નદીના જળ કચ્છ-સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. તેની વીજળીનો લાભ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે.

જ્યારે અમદાવાદ શહેર સાબરમતી નદી અને ડાયમંડ સિટી સુરત તાપી નદીના કિનારે વસેલાં છે.

સૌરાષ્ટ્રમાં 70થી વધુ નદીઓ વહે છે. જેમાંથી મચ્છુ, શેત્રુંજી, મચ્છુ, સિંહણ, ઓઝત, વર્તુ, આજી, રૂપેણ અને હીરણ મુખ્ય છે. સૌરાષ્ટ્રમાં પણ સરસ્વતી નદી આવેલી છે, જે ગિરનારના પર્વતમાંથી નીકળીને અરબ સાગરમાં ભળી જાય છે.

કચ્છમાં 95થી વધુ નદી પસાર થાય છે. મોટા ભાગની નદીઓ બારમાસી નથી અને તે ખૂબ જ ટૂંકી છે. તે કચ્છના ડુંગરોમાંથી નીકળે છે અને કચ્છના નાના રણ, મોટા રણ કે અરબ સાગરમાં ભળી જાય છે. ખારી, ભૂખી, હમીરપુર, કાળી વગેરે આ વિસ્તારની મુખ્ય નદીઓ છે.

(અલગ-અલગ નદીઓનાં ઉદ્દગમસ્થાન, સિંચાઈ યોજના, તેનાં સ્થાન અને આવરાક્ષેત્રની વિગતો ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની વેબસાઇટના આધારે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.