ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરી પડશે વરસાદ, કયા વિસ્તારોમાં સૌથી પહેલા જોર વધશે?

હવામાનના વિવિધ મૉડલો અને ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બનવાની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટી ગયું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. બીજી તરફ હવેના દિવસોમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે.

જોકે, રાજ્યમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જે હજી કેટલાક સમય સુધી ચાલતો રહે તેવી સંભાવના છે.

હવામાનનાં વિવિધ મૉડલો અને ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બનવાની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે.

બંગાળની ખાડી હાલ સક્રિય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે, જેના લીધે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની હતી તે થઈ શકી નથી.

બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે, ગુજરાત તરફ આવશે?

હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં 22 સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તે બાદ તે થોડું મજબૂત થઈને એકાદ બે દિવસોમાં લૉ-પ્રેશર એરિયા બની શકે છે.

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં 22 સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તે બાદ તે થોડું મજબૂત થઈને એકાદ બે દિવસોમાં લૉ-પ્રેશર એરિયા બની શકે છે

હવામાનના વિવિધ મૉડલ અને ભારતના હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આ અઠવાડિયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બની શકે છે અને તે થોડું મજબૂત થઈને લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે.

તાજેતરમાં જ એક બાદ એક સર્જાયેલી બે સિસ્ટમોએ ઉત્તર અને પૂર્વ ભારતમાં વધારે અસર કરી હતી એટલે કે ત્યાં વધારે વરસાદ થયો હતો.

સ્કાયમેટ પ્રમાણે આ નવી સિસ્ટમ વરસાદી ગતિવિધિઓને મધ્ય ભારત સુધી લઈ આવશે, એટલે કે આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં 22 સપ્ટેમ્બરની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તે બાદ તે થોડું મજબૂત થઈને એકાદ બે દિવસોમાં લૉ-પ્રેશર એરિયા બની શકે છે.

જે બાદ તે 24 સપ્ટેમ્બરની આસપાસ ભારતના ભૂ-ભાગો તરફ આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. સ્કાયમેટ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ઓડિશાના દરિયાકિનારા પરથી ગુજરાત સુધી આવે તેવી સંભાવના છે.

આ સિસ્ટમ આગળ વધતા વરસાદી ગતિવિધિ વધશે અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં કઈ તારીખથી ફરી વરસાદ વધશે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25-26 સપ્ટેમ્બર બાદ વરસાદી ગતિવિધિ વધવાની શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25-26 સપ્ટેમ્બર બાદ વરસાદી ગતિવિધિ વધવાની શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાનનાં વિવિધ મૉડલોની સચોટતા 4થી 5 દિવસ સુધીની વધારે હોય છે, જે બાદ તેમાં ફેરફારો થવાની શક્યતા વધી જતી હોય છે. જેના કારણે હાલની સ્થિતિમાં જો ફેરફાર થાય તો વરસાદની તારીખો અને સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં વરસાદનું જોર ફરીથી વધશે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25-26 સપ્ટેમ્બર બાદ વરસાદી ગતિવિધિ વધવાની શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પણ થઈ શકે છે. આ મહિનાના છેલ્લા પાંચથી છ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

સૌથી પહેલાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે, જે બાદ તેની અસર સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં પણ થઈ શકે છે.

ગુજરાતમાં હાલ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ એકાદ વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. બાકી મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત 10 જૂનના રોજ થઈ હતી અને તે બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું. 22 જૂન બાદ ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થયું હતું અને વરસાદ વધવા લાગ્યો હતો.

જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update : હવે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.