વડોદરામાં આટલું ભયંકર પૂર કેમ આવ્યું હતું કે દિવસો સુધી પાણી ભરાઈ રહ્યાં

વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી, નવ ઑગસ્ટની તસવીર જ્યારે ભારે વરસાદ બાદ નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું.
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

જન્માષ્ટમી પર જ્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું જોર વધ્યું ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પણ વડોદરા શહેર પર મોટું સંકટ તોડાયું હતું.

25 ઑગસ્ટથી શરૂ થયેલા ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિ એવી બની કે વડોદરા શહેરનો મોટો ભાગ લગભગ ત્રણ-ચાર દિવસ સુધી પાણીમાં ડૂબેલો હતો.

વડોદરા શહેરમાં સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને લીધે અને વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી ગઈ હતી અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

પૂર આવવાથી નદીની આસપાસના વિસ્તારની સોસાયટીમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત નદીમાં રહેતા મગરો પણ રસ્તા પર આવી ગયા હતા.

સ્થિતિ એવી ભયાનક હતી કે વડોદરા મહાનગરપાલિકા અનુસાર પાંચ હજાર 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં પડ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી એક હજાર 200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે નદીની કોતરો અને કાંસમાં થયેલું દબાણ, પૂરનાં મેદાનો અને પ્લાનિંગ વગરના વિકાસના કારણે વડોદરામાં આવી પરિસ્થિતિ થઈ હતી.

નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે વરસાદનાં પાણીના નિકાલની કુદરતી વ્યવસ્થામાં ભંગાણને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

વડોદરામાં પૂર આવ્યું ત્યારે શું થયું

વડોદરામાં પૂરનાં દૃશ્યો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરામાં પૂરનાં દૃશ્યો

વડોદરામાં 25 ઑગસ્ટની સાંજથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ આજવા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું જ્યાર બાદ શહેરમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શહેરના સૌથી પૉશ વિસ્તારમાં કરોડોના બંગલાના માલિક હોય કે સામાન્ય ઘરમાં રહેતા લોકો, આ પૂરની સ્થિતિમાં દરેક લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

ત્રણથી ચાર દિવસ સુધી કેટલાય વિસ્તારોમાં મકાનો, શૉપિંગ સેન્ટર, રસ્તાઓ બધું પાણીમાં ડૂબેલું હતું.

પરિસ્થિતિ બગડતાં આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનું એલાન વહીવટીતંત્રે કર્યું હતું.

આ પૂરનાં કારણો વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિ વડોદરામાં આવેલું પૂર કુદરતી આફત નહીં પરંતુ માનવસર્જિત પૂર માને છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે,"ઓછો વરસાદ હોવા છતાં આ વર્ષે વડોદરામાં પાણી ભરાઈ જવાની અને પૂરની સમસ્યા સર્જાઈ હતી."

તેમણે ઉમેર્યું કે વરસાદી પાણીના કુદરતી રીતે નિકાલ માટે કાંસ હતા. આ કાંસ ઉપર પુરાણ કરીને બાંધકામ કરી દેવામાં આવ્યું છે. નદીનાં કોતરો પર દબાણ કરી દેવામાં આવ્યું છે.

રોહિત પ્રજાપતિ કહે છે કે, "શહેરમાં રસ્તાઓ બનાવવામાં આવે ત્યારે ડામરના એક થર ઉપર બીજો થર લગાવવામાં આવે છે. આ કારણે રોડની ઊંચાઈ વધી રહી છે અને આસપાસના વિસ્તારો નીચા રહે છે અને પાણી નીકળી શકતું નથી."

"શહેરમાં વિસ્તારો સમતળ હોતા નથી. પરંતુ ઊંચા-નીચા હોય છે. જેથી શહેરની ટોપોગ્રાફીને ધ્યાનમાં રાખીને રોડ કે મકાનના બાંધકામના નિયમો બનાવવામાં આવતા નથી. શહેરોમાં ખાલી જગ્યા પર લગાવવામાં આવતા પેવર બ્લૉકને કારણે પાણી જમીનમાં ઊતરતું નથી."

2019માં વડોદરામાં પૂર આવ્યું ત્યારની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2019માં વડોદરામાં પૂર આવ્યું ત્યારની તસવીર

નેહા સરવતે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર અને ઍન્વાયરમેન્ટલ પ્લાનર છે.

નેહા સરવતેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વડોદરમાં વિશ્વામિત્રી નદીના કાંસ અને કોતરો પર કાયદેસર અને ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવ્યું છે. પૂર આવે ત્યારે નદીનું પાણી કોતરોમાં સમાઈ જાય છે, કોતરોએ પૂરનું પાણી સમાવવાની કુદરતી વ્યવસ્થા હતી."

"વડોદરામાં નદીની કોતરો પર પુરાણ કરીને મકાનો બનાવી દેવામાં આવ્યાં છે. આ મકાનો બનાવવા ભલે તેની કાયદેસરની મંજૂરી લેવામાં આવી હોય તો તેને કાયદેસર દબાણ કહેવાય."

"નદીમાં કચરો નાખવામાં આવે કે ડેબરીઝ નાખવામાં આવે તે પણ દબાણ છે. જેને કારણે નદીઓ સાંકડી થઈ ગઈ છે."

તેમણે ઉમેર્યું કે, "આપણે નદીને વૈજ્ઞાનિક રીતે ઓળખી શક્યા નથી. નદીની એક ઇકોલૉજી હોય છે.નદી એટલે માત્ર વહેણ નહીં પંરતુ કોતરો, કાંસ, તળાવો, પૂરનાં જંગલો વગેરે નદીનો ભાગ જ છે."

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધ પક્ષનાં પૂર્વ નેતા અમી રાવતે આ મુદ્દે મ્યુનિસિપલ કૉર્પોરેશન પર આરોપ લગાવ્યો હતો.

તેમણે બીબીસને કહ્યું, "વિશ્વામિત્રી નદીની આસપાસનો વિસ્તાર ગ્રીન ઝોન હતો.જ્યાં મકાનો બાંધકામ માટે પરમિશન ન હતી."

"વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઝોન બદલી ગ્રીન ઝોનને રહેણાક ઝોનમાં બદલવામાં આવ્યો છે."

અમી રાવતનો દાવો છે કે, "મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પણ સ્લમ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ નદીની આસપાસના વિસ્તારમાં જ કરવામાં આવ્યા છે."

વડોદરામાં પૂર આવ્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરામાં ભારે વરસાદ બાદ શહેરમાં દિવસો સુધી પાણી ભરાયાં હતાં.

જોકે, વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમૅન શીતલ મિસ્ત્રીએ શહેરમાં પૂરની સ્થિતિ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવ્યું હતું.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ક્લાઇમેટ ચેન્જના કારણે અતિભારે વરસાદનાં પગલે વડોદરામાં પાણી ભરાયું હતું. વડોદરામાં 24 કલાકમાં સાડા 12 ઇંચ વરસાદ અને આજવા અને તેના આસપાસના વિસ્તારનું 24 કલાકમાં 24 ઇંચ કરતાં વધુ વરસાદ પડવાને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી આવી ગયું હતું. જેને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી."

"નદીની કેચપીટ પર થોડા ઘણા દબાણ થઈ જવાને તથા વર્ષોથી નદી વહેતી હોવાથી તેની ક્ષમતામાં 25 ટકા જેટલો ઘટાડો થવાને કારણે સમસ્યા સર્જાઈ હતી. નદી ક્ષમતા વધારવા માટે અમે કામ કરી રહ્યા છીએ. નદીમાંથી 1500 ટન જેટલો ડેબરીઝ નીકાળવામાં આવ્યો છે. આ સીવાય લો લાઇન એરિયામાં અમે પરકોલેટિંગ કૂવા બનાવી રહ્યા છીએ."

પૂર નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય

વડોદરાના કેટલાક વિસ્તારમાં લોકો ત્રણ-ચાર દિવસ સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરાના કેટલાક વિસ્તારમાં લોકો ત્રણ-ચાર દિવસ સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા

નિષ્ણાતો પૂરને નિયંત્રણ કરવા માટે નદીના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણને હટાવવાની વાત કરે છે.

નેહા સરવતે કહે છે, "પૂરના નિયંત્રણ માટે માત્ર વડોદરા વિસ્તારમાં જ નહીં પરંતુ વિશ્વામિત્રી નદીના ઉદ્ગમસ્થાન પાવાગઢની ટેકરીઓથી લઈને ખંભાતના અખાત સુધીની નદીનો સરવે કરીને તેના પર થયેલા દબાણ દૂર કરવા પડશે."

"નદીની જમીન નદીને પાછી આપવી પડશે. નદીનું વહેણ સર્પાકાર છે તેને બદલવામાં આવ્યું છે. તેને મૂળ સ્થિતીમાં રાખવું પડશે. નદીની જૈવવિવિધતાને ઓળખવી પડશે અને તે મુજબ જ શહેરનું ટાઉન પ્લાનિંગ કરવું પડશે."

તેમણે ઉમેર્યું, "માત્ર વડોદરાના વરસાદની જ અસર નહીં થાય પરંતુ પાવાગઢમાં વરસાદ આવશે તો તેની અસરથી નદીમાં પાણીનું સ્તર વધશે. જેથી નદીના આખા રૂટને સાચવવા પડશે અને તે મુજબનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે."

વિશ્વામિત્રી નદી પાવાગઢના પશ્ચિમ અને દક્ષિણ ઢાળમાંથી ઉદ્ભવે છે. વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી વહે છે અને તેની શાખાઓ ધાધર અને જાંબુવા નદી સાથે જોડાયેલી છે.

નેહા સરવતે કહ્યું, "આપણે ત્યાં વરસાદની સીઝનમાં પાણીનું પૂર આવે છે. પરંતુ ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય છે. પાણી મૂલ્યવાન છે. તેને સાચવવું જોઈએ. પાણીને જમીનમાં રિચાર્જ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. બે તળાવો તેમજ તળાવો અને નદીઓ પર કુદરતી રીતે ઇન્ટલિંક હોય છે પરંતુ અણઘડ બાંધકામોને કારણે તેનું જોડાણ તૂટી ગયું છે."

જોકે, વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમૅન શીતલ મિસ્ત્રી કહે છે કે, "વિશ્વામિત્રી નદી અને ભુખી કાંસનું પાણી મહિસાગર નદીની શાખા એવી મિની નદીમાં ડાયવર્ટ કરવા માટેની યોજના બનાવવમાં આવી છે."

"આ યોજના માટે જમીન સંપાદનની જરૂરીયાત ઊભી થાય છે. જેને કારણે યોજનાની કિંમત આશરે 1500થી 2000 કરોડ સુધી થઈ શકે તેમ હોવાથી યોજનામાં મોડું થઈ રહ્યું છે. વડદલા, હરીપુરા અને ઘમોટા આ મોટા તળાવ છે. આ ઉપરાંત તળાવો પર દરવાજા લગાવીને પાણીને નિયંત્રણ કરવામાં આવશે."

વર્ષ 2021માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ શું આદેશ આપ્યો હતો?

વડોદરામાં 1800 ટન કચરો સાફ કરાયો

ઇમેજ સ્રોત, @Info_Vadodara

ઇમેજ કૅપ્શન, વડોદરામાં 1800 ટન કચરો સાફ કરાયો

હાલનાં વર્ષોની વાત કરીએ તો 2019માં પણ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિએ વડોદરાની નદીના સંરક્ષણ અને તેને પુનર્જીવિત કરવા અંગે નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.

વર્ષ 2021માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશમાં જણાવ્યા અનુસાર નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે નદીનાં સમગ્ર પૂરનાં મેદાનોના ક્ષેત્રનો સર્વે કરવા, વધુ વૃક્ષારોપણ, નદીની અખંડિતતા જાળવી રાખવા પગલાં લેવા અને ‘વિશ્વામિત્રી રિવર ઍક્શન પ્લાન’ નો અમલ કરવાનો આદેશ આપ્યો હતો.

નદીના તટ કે કોતરોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા, પૂરનાં મેદાનોનું રક્ષણ કરવા , ગટરના પાણીની વ્યવસ્થા , કચરાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો.

આ અંગે અમી રાવતનો દાવો છે કે આ અંગે આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી."

જોકે, શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, "નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ અનુસાર નદીના રૂટનો સરવે કરાવી રહ્યા છીએ. સરવેથી નદી પર દબાણો થયા હોવાનું જણાશે તો દબાણો પણ દૂર કરવામાં આવશે."

"પૂર નિયંત્રણ અંગે જરૂરી પગલાં લેવામાં આવશે. નદીના પટમાં દબાણ અંગેની વાત કરવામાં આવે છે. પરંતુ દબાણ અંગે અમારા ધ્યાનમાં કંઈ આવ્યું નથી. નાની મોટી દીવાલ બનાવી હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. પરંતુ તેનાથી કંઈ પૂર આવે નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.