દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં ઘરો અને ખેતરો જળમગ્ન, નવસારીમાં ત્રીજી વખત પૂર

ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક રસ્તાઓ તૂટી ગયાં છે

ઇમેજ સ્રોત, NIRAV KANSARA

ઇમેજ કૅપ્શન, ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક રસ્તાઓ ધોવાયા
    • લેેખક, શીતલ પટેલ,
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નવસારી, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર પંથકમાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયાં છે.

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અંબિકા નદી ઓવરફ્લૉ થતાં નવસારી શહેરના કેટલાક વિસ્તારમાં પૂર આવ્યું હતું. ડાંગ જિલ્લામાં પૂર્ણા નદીનાં પાણીની સપાટીમાં વધારો થતા ઝાવડા, ભેંસકાતરી અને કાકરદા ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં.

મંગળવારે પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ 18 ઇંચ, તાપીના સોનગઢમાં 10 ઇંચ, વ્યારામાં નવ ઇંચ, સુરતના માંગરોળમાં આઠ ઇંચ, ડાંગના વઘઈમાં આઠ ઇંચ ,ભરૂચમાં સાડા સાત, તિલકવાડામાં સાત ઇંચ, ઉચ્છલમાં સાત ઇંચ, ડોલવણમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

નવસારીમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ

મંગળવારે પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે

ઇમેજ સ્રોત, NIRAV KANSARA

ઇમેજ કૅપ્શન, મંગળવારે પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનાં પાણી શહેરના ભેંસત ખાડા, હિદાયત નગર, દશેરા ટેકરી અને કાશિવાડી સહિતના વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં સ્થાનિકોમાં ચિંતા સાથે આક્રોશ પણ જોવા મળે છે. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે આ વિસ્તારના લોકોએ પૂરનો સામનો કર્યો છે.

નવસારી જિલ્લા કલેકટર શિપ્રા આગ્રેએ જણાવ્યું, ''જિલ્લાની મહત્ત્વની નદીઓ પૂર્ણા, કાવેરી અને અંબિકામાં પાણીની સપાટી ખતરાના નિશાનથી ઉપર છે. આ સ્થિતિના કારણે સમગ્ર જિલ્લામાં 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરવામાં આવેલા લોકો માટે ફૂડપૅકેટ્સ અને બીજી વ્યવસ્થા કરવામાં આવી છે.''

''પૂરને કારણે નવસારી જિલ્લામાં 39 આંતરિક રસ્તાઓ અને પાંચ મુખ્ય માર્ગો પણ બંધ કરવામા આવ્યા છે. વરસાદમાં ઘટાડો થતાં માર્ગો ફરી પૂર્વવત કરાશે.''

અનાધાર વરસાદના કારણે નવસારી જિલ્લાના માર્ગો ઉપર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. કેટલીક જગ્યાએ વીજળીના થાંભલાઓ તૂટી જતા અને વૃક્ષો વીજળીના થાંભલાઓ પર પડી જતાં અનેક ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અંબિકા નદી કિનારે આવેલાં 27 ગામો ડૂબમાં

ભારે વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણા રસ્તાઓ અવરજવર માટે બંધ થઈ ગયા છે

ઇમેજ સ્રોત, SHITAL PATEL

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણા રસ્તાઓ અવરજવર માટે બંધ થયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદી પણ ઓવરફ્લૉ થઈ છે. સોમવારે પડેલા ભારે વરસાદના કારણે નદીના જળ સપાટીમાં માત્ર ચાર કલાકમાં 19.68 ફૂટનો વધારો થયો હતો. અંબિકા નદી ભયજનક સપાટી 28 ફૂટની છે જે સોમવારે 33 ફૂટ સુધી પહોંચી જતા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

અંબિકા નદી ઓવરફ્લૉ થતાં બીલીમોરા શહેરના વડીયા અને બંદર રોડ સહિત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. નદીની સપાટી વધતાં અંબિકા નદીના કિનારે આવેલાં ગોલ, તોરણ, મોરલી, કકવાડા, સાલેજ સહિતનાં 27 જેટલા ગામોમાં પૂર આવ્યું છે.

બીજી તરફ કાવેરી નદી પણ ઓવરફ્લૉ થતાં કિનારાનાં 18 ગામોમાં પણ નદીનું પાણી ફરી વળ્યું છે. કેટલાક વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં લોકોને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી.

ભારે વરસાદના કારણે અમલસાડ-ગણદેવી, ગણદેવી- બીલીમોરા, બીલીમોરા-અમલસાડ સહિતના સાત મુખ્ય માર્ગો પણ અવરજવર માટે બંધ થયા છે.

પાક નિષ્ફળ જવાની ભીતિ

ભારે વરસાદના કારણે અનેક ગામો હાલ સંપર્ક ગુમાવી દીધો છે

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદના કારણે અનેક ગામોએ હાલ સંપર્ક ગુમાવી દીધો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખરીફ સિઝનમાં મુખ્યત્વે શેરડી, શાકભાજી અને ડાંગરની ખેતી કરે છે પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. માંડ વરસાદ શાંત પડતા ખેડૂતોએ હાલમાં જ ફેર રોપણી કરીને આર્થિક નુકશાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં તો ફરી ભારે વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

ગણદેવી બીલીમોરાના ખેડૂતો મોટાભાગે ચીકુ અને કેરીની ખેતી કરે છે પરંતુ આ વર્ષે પડેલા અવિરત વરસાદને કારણે અહીંના ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

ગણદેવીના કછોલી ખાતે રહેતા મિહિરભાઈ નાયકએ બીબીસીને જણાવ્યું, ''મારી ત્રણ વીઘા જમીનમાં ચીકુની વાડી છે. આ વર્ષે ચાર-ચાર વખત પાણી ભરાઈ જતાં સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો છે. આ વખતે ફ્લાવરિંગ પણ થયું નથી જેના કારણે મને મોટું નુકસાન ઉઠાવવુ પડશે. આ પરિસ્થિતિ માત્ર મારી નહીં પરંતુ મારાં ગામના દરેક ખેડૂતની છે.''

તેઓ વધુમાં જણાવે છે કે કછોલી ઉપરાંત ધમડાછા, દેવધા, મોહનપુર અને અમલસાડ સહિતનાં અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. હજી સુધી અહીં કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી અને અમને કોઈ પ્રકારની સહાય પણ આપવામાં આવી નથી.

ડાંગ અને તાપી જિલ્લામાં સર્વસ્ત્ર વરસાદ

શહેરી વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતી છે

ઇમેજ સ્રોત, SHITAL PATEL

ઇમેજ કૅપ્શન, શહેરી વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતી છે

ડાંગ જિલ્લામાં રવિવાર રાતથી જ ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની સપાટીમાં ભારે વધારો થતા જિલ્લાના આહવા, વઘઇ, સુબીર અને સાપુતારામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ધોધમાર વરસાદને કારણે જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લાના મહાલ, કાલીબેલ, ભાલખેત, ભેંસકાતરી અને ઝાવડા ગામોને જોડતાં રોડ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લામાં અનેક ગામોએ હાલ સંપર્ક ગુમાવી દીધો છે.

વઘઇ તાલુકામાં પણ ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ડાંગરનો પાક ધોવાઈ જવાને કારણે આદિવાસી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાક ધોવાતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. વ્યારા અને વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા જિલ્લાના 101 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમે 350થી વધુ લોકોને રૅસ્ક્યૂ કર્યા છે.

બીબીસીના સહયોગી નીરવ કંસારાએ જણાવ્યું, ''તાપી જિલ્લામાં મુશળધાર વરસાદે લોકોની અને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું છે. જિલ્લાના કેટલાક લો-લેવલ બ્રિજ અને રસ્તાઓને ક્ષતિ પહોંચી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી છે.''

ભરૂચના વાલિયામાં 18 ઇંચ વરસાદ

જળબંબાકારની સ્થિતી

ઇમેજ સ્રોત, SHITAL PATEL

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં મંગળવારે રેડ-ઍલર્ટની જાહેરાત કરી છે.

બીબીસીના સહયોગી સાજીદ પટેલે જણાવ્યું કે 'ભરૂચના વાલિયામાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. પાણી ભરાઈ જતાં કેટલીક જગ્યાએ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદ બાદ વાલિયાના દેસાડ અને સોડ ગામ બેટમાં ફેરવાઈ ગયાં હતાં. ભરૂચ શહેરમાં વરસાદ બંધ થયો હોવા છતાં કસબ સર્કલ અને ફૂર્ઝા વિસ્તારમાં વરસાદનાં પાણી હજી સુધી ઓસર્યા નથી.

ભરૂચમાં અત્યાર સુધીમાં સિઝનનો 125 ટકા વરસાદ જિલ્લામાં પડી ચૂક્યો છે. જિલ્લા કલેકટરે બે દિવસ અતિભારે વરસાદની આગાહીને લઈ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.