'આખી રાત બાળકો લઈને પલંગ પર બેસીને જીવ બચાવ્યો,' વડોદરામાં પાણી ભરાયાં ત્યારે લોકોની કેવી હાલત થઈ

વડોદરામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં
ઇમેજ કૅપ્શન, સરસ્વતીબહેનનું કહેવું છે કે તેમના ઘરમાંથી મોટાભાગનો સામાન તણાઈ ગયો છે અને બાકી બચ્ચો તે ખરાબ થઈ ગયો છે
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

"આ વિસ્તારમાં આઠ ફૂટ પાણી હતાં એટલે તમે અંદાજો લગાવી શકો કે ઘરની પરિસ્થિતિ કેવી હશે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે કેટલાંક ઘરને નુકસાન પણ થયું છે અને ઘરનો સામાન બધો ખરાબ થઈ ગયો છે."

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ અનુસાર, "સામાન્ય રીતે દર વર્ષે થોડું ઘણું પાણી આવે છે, પરંતુ પાણી ઊતરી જાય છે. પરંતુ આ વખતે પાણીનું સ્તર ખૂબ જ વધારે હતું."

વડોદરામાં 25 ઑગસ્ટની સાંજથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું જ્યાર બાદ શહેરમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું.

વિશ્વામિત્રી નદીનું જળસ્તર 37 ફૂટ સુધી પહોંચી ગયું હતું જે તેના ખતરાના નિશાનથી ઘણું ઊંચું હતું. નદીની આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને શહેરના મોટાભાગના બ્રિજ બંધ કરવા પડ્યા હતા.

લોકોનું કહેવું છે કે ત્રણ દિવસ સુધી શહેરમાં પાણી ભરાયેલાં રહ્યાં અને ગુરુવારથી પાણી ઓસરવાની શરૂઆત થઈ અને શહેરમાં પાણી ઘટતા ઠેર-ઠેર નુકસાનીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. સમગ્ર શહેરમાં લોકો પોતાના ઘર અને ઑફિસની સફાઈ કરતા નજરે પડ્યા હતા.

ગુરુવારથી વરસાદનું જોર ઘટતા મધ્ય ગુજરાતમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં આંશિક ઘટાડો આવ્યો છે.

રાજ્ય સરકારના માહિતી ખાતાએ આપેલી જાણકારી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10 હજાર 335 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી હાલમાં નવ હજાર 704 લોકો આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે, જ્યારે 333 લોકો સ્થિતિ સામાન્ય થતાં તેમનાં ઘરે પરત ફર્યા છે.

બીબીસી ગુજરાતીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. શહેરના સમાસાવલી, હરણી તળાવ, પાણીગેટ, મેમણ કૉલોનીમાં જનજીવન ધીમેધીમે સામાન્ય થઈ રહ્યું છે.

'કોઈ મદદ કરવા માટે નહોતું આવ્યું'

ઘણા લોકોના ઘરમાં અનાજના કોથળાઓ સહિત ઘરની ઘણી વસ્તુઓ પૂરનાં પાણીમાં પલળી ગઈ છે
ઇમેજ કૅપ્શન, ઘણા લોકોના ઘરમાં અનાજના કોથળાઓ સહિત ઘરની ઘણી વસ્તુઓ પૂરનાં પાણીમાં પલળી ગઈ છે

શહેરના સૌથી પૉશ વિસ્તારમાં કરોડોના બંગલાના માલિક હોય કે સામાન્ય ઘરમાં રહેતા લોકો, આ પૂરની સ્થિતિમાં દરેક લોકોને હાલાકી ભોગવવી પડી છે.

ત્રણ દિવસ સુધી કેટલાય વિસ્તારોમાં મકાનો, શૉપિંગ સેન્ટર, રસ્તાઓ બધું પાણીમાં ડૂબેલું હતું. જોકે, રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ચાર દિવસ સુધી પાણી ભરાયેલાં રહ્યાં.

શહેરમાં મોટા ભાગનાં સ્થળોએ વીજળી નહોતી અને કેટલાક વિસ્તારોમાં લોકો પીવાનાં પાણી અને દૂધ જેવી રોજની જરૂરિયાતની વસ્તુની કાળાબજારી કરવાની ફરિયાદો કરતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત શહેરના જે વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે ત્યાં લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય છે. કારણ કે અનાજના કોથળાઓ સહિત ઘરવખરીની વસ્તુઓ પૂરનાં પાણીમાં પલળી ગઈ છે અને પલળેલા અનાજમાંથી ભારે દુર્ગંધ પણ આવી રહી છે.

લોકોએ વીજળી અને પીવાનું પાણી ન હોવાના કારણે તેમને પારવાર મુશ્કેલી થઈ હોવાની વાત કરી હતી.

આ ઉપરાંત છેલ્લા ત્રણ-ચાર દિવસમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓને પણ નુકસાન થયું હતું.

ઘરોમાં પાણી ભરાઈ ગયાં અને લોકો ઘર છોડવા મજબૂર થયા

લોકોની ઘરવખરી, નાનાં-મોટાં કામ-ધંધા પાણી ભરાઈ જવાને કારણે પ્રભાવિત થયાં છે
ઇમેજ કૅપ્શન, લોકોની ઘરવખરી, નાનાં-મોટાં કામ-ધંધા પાણી ભરાઈ જવાને કારણે પ્રભાવિત થયાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાણીગેટ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં રહેતા લોકો ભારે વરસાદને કારણે પોતાના ઘર છોડીને જવા માટે મજબૂર બન્યા હતા. આ વસાહતમાં લગભગ 200 મકાનો છે.

આ વસાહતના કેટલાક રહેવાસીઓ ચાર દિવસ પછી પોતાના ઘરે પાછાં ફર્યા હતા. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કમલેશભાઈ ગાડગેએ કહ્યું, "અમારી આખી લાઇનમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. જોકે, તંત્ર તરફથી કોઈએ જાણ ન કરી અને મદદ મળી નથી. કૉર્પોરેશનનો કોઈ માણસ અમને પૂછવા આવ્યો નથી."

"અમારા ઘરમાં ખાવા-પીવા માટે વસ્તુઓ ન હતી. આ ઉપરાંત અમારા ઘરમાં કાદવ કીચળ થઈ ગયું અને અમારા સોફા અને ઘરવખરી બધી જ પલળી ગઈ હતી."

પૂજાબહેન ગાડગેએ કહ્યું કે "અમારા ઘરમાં સાપ આવી ગયો હતો".

જ્યારે પ્રવીણભાઈએ કહ્યું, "આ વિસ્તારમાં આઠ ફૂટ પાણી હતાં એટલે તમે અંદાજો લગાવી શકો કે ઘરની પરિસ્થિતિ કેવી હશે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે કેટલાંક ઘરને નુકસાન થયું છે અને અમે ઘર છોડવા માટે મજબૂર બન્યા હતા."

તેમનું કહેવું છે કે દર વર્ષે થોડું ઘણું પાણી આવે છે જે સામાન્ય રીતે ઊતરી જતું હોય છે. પરંતુ આ વખતે પાણીનું સ્તર ખૂબ જ વધારે હતું.

પ્રવીણભાઈએ કહ્યું કે," આ વિસ્તારમાં રહેતા લૉઅર મિડલ ક્લાસના લોકોને પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે મદદ મળવી જોઈએ."

વડોદરા શહેરની સ્થિતિ વિશે જાણકારી મેળવ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

ગુરુવારે તેમણે કહ્યું, "વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરનાં પાણી ઓસરી રહ્યાં છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવની કામગીરી ઉપર છે.વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકારે આર્મીની ત્રણ, એનડીઆરએફ અને એસડીઆરએફની સાત ટીમો તહેનાત કરાવી છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે."

વડોદરામાં રાજારાણી તળાવ પાસેના વિસ્તારોમાં આવેલાં મકાનો પાણીમાં તરબોળ હતાં. લોકોનું કહેવું છે કે તેમના ઘરમાં હાજર બધો સામાન ખરાબ થઈ ગયો હતો.

તળાવની નજીક આવેલી આ વસાહતમાં મકાનો એક સાંકળી શેરીની બંને બાજુ બનેલાં છે અને અનેક પરિવારો દૈનિક મજૂરી કરીને કમાણી કરે છે.

આ વિસ્તારમાં રહેતાં સરસ્વતીબહેન નામનાં એક મહિલાએ જણાવ્યું કે, "પાણી ભરાયું તો અમે આખી રાત નાનાં-નાનાં બાળકોને લઈને પલંગ પર બેસી રહ્યાં હતાં. ચાર-પાંચ દિવસ થયા પછી ગુરુવાર સવારે પાંચ વાગ્યે પાણી ઊતર્યાં."

તેમણે પોતાનું લગભગ ખાલી ઘર બતાવતાં કહ્યું કે "ઘણો બધો સામાન પાણીમાં તણાઈ ગયો છે અને જે બચ્યો હતો તે બધો જ સામાન ખરાબ થઈ ગયો એટલે બધું ફેકવું પડ્યું."

ત્યારે અન્ય મહિલા ભાનુબહેન કહારે ઘરની ભીની દીવાલો બતાવતાં કહ્યું કે, "બધી દીવાલો અડધી પાણીમાં ડૂબી ગઈ હતી. ત્રણ-ચાર દિવસ બહાર જ રહ્યા અને હવે ફ્રિજ સહિત અન્ય બધો સામાન ઘરની બહાર કાઢીને રાખ્યો છે."

નીતાબહેન કહારનું કહેવું છે કે તેમના ઘરની દીવલો અડધે સુધી પાણીમાં ડૂબી ગઈ હતી અને તેઓ ત્રણ-ચાર દિવસ સુધી બહાર રહ્યાં હતાં.
ઇમેજ કૅપ્શન, ભાનુબહેન કહારનું કહેવું છે કે તેમના ઘરની દીવલો અડધે સુધી પાણીમાં ડૂબી ગઈ હતી અને તેઓ ત્રણ-ચાર દિવસ સુધી બહાર રહ્યાં હતાં.

અહીં રહેતાં નીતાબહેન નામનાં મહિલાનું કહેવું છે કે, "એટલું બધું પાણી હતું કે સામાન તણાઈ ગયો અને ઘર ખાલી થઈ ગયું છે. કોઈ મદદ માટે આવ્યું નથી."

આ વસાહતની પાછળ રાજા-રાણી તળાવ છે જેમાં મગર અને કાચબા આવી જતાં લોકોને બીક લાગી રહી છે.

લોકોનું કહેવું છે કે, "પરિસ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે ફોનથી મદદ માગવા પર જવાબ મળતો કે અમારા વિસ્તારોમાં પણ પાણી છે તો કેવી રીતે મદદ કરીએ."

અહીં એક નાનકડા ઓરડામાં રહેતા શબ્બીર સાદીવાને કહ્યું કે, "ખરાબ પરિસ્થિતિ છે. કંઈ નથી બચ્યું, ખાવાપીવા માટે પણ કંઈ નથી. ચાર દિવસથી પાણી-પાણી થઈ ગયું છે. બાલદીથી ભરીભરીને પાણી કાઢ્યું હતું."

વેપાર-ધંધામાં ભારે નુકસાન

વડોદરામાં દુકાનો પાણીમાં ગરકાવ
ઇમેજ કૅપ્શન, વડોદરામાં દર્શન રેસ્ટોરાં ચલાવતા મેંહદીભાઈનું કહેવું છે કે તેમને સામાનનું સો ટકા નુકસાન થયું છે.

વડોદરામાં દુકાનો અને વેપાર ધંધા ચલાવતા લોકોને ઘણું નુકસાન થયું છે.

લોકોનું કહેવું છે કે પાણી છોડવામાં આવ્યું ત્યારે જાણ નહોતી કરાઈ જેથી તેમને ઘણું નુકસાન વેઠવું પડ્યું.

શૉપિંગ સેન્ટર્સના ભોંયરામાં હજુ પાણી ભરાયેલાં છે. એક શૉપિંગ સેન્ટરના ભોંયરામાં રેસ્ટોરાં ચલાવતા મેંહદીભાઈએ પાણીમાં ડૂબેલી પોતાની રેસ્ટોરાં બતાવી.

દર્શન રેસ્ટોરાં નામની ચલાવતા મેંહદીભાઈએ કહ્યું કે, "જ્યારે પાણી છોડવામાં આવ્યાં ત્યારે જાણ નહોતી, અને ત્યારે સ્ટાફના સભ્યો તેમાં સૂઈ રહ્યા હતા. લોકો તો જીવ બચાવીને નીકળી ગયા પરંતુ સામાનનું સો ટકા નુકસાન થયું છે. ફ્રિજ, પંખા, એસી બધું બગડી ગયું છે. ભોંયરામાંથી પાણી કાઢવા માટે મોટર બોલવીએ પણ તેમાં ઘણી લાંબી લાઇન છે."

મેંહદીભાઈની દર્શન રેસ્ટોરાંમાં ચાર દિવસ બાદ પણ પાણી ભરાયેલાં છે
ઇમેજ કૅપ્શન, મેંહદીભાઈની દર્શન રેસ્ટોરાંમાં ચાર દિવસ બાદ પણ પાણી ભરાયેલાં છે

શહેરમાં વેપાર-ધંધાને થયેલા મોટા નુકસાનના આવા અનેક કિસ્સા છે. વડોદરામાં જાણીતા જગદીશ ફરસાણ ચલાવતા ઉમેશ કંદોઈનું પણ કહેવું છે કે, "ઘણું નુકસાન થયું છે".

તેમણે કહ્યું કે, "આજવા ડેમમાંથી પાણી છોડાય છે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. ચોથી વખત દુકાનમાં આવી રીતે પાણી ભરાઈ ગયું છે. 30 વર્ષથી કૉર્પોરેશન કોઈ પ્લાનિંગ નથી કરી શક્યું."

તેમણે કહ્યું કે, "દર પાંચ વર્ષે આવી સમસ્યા આવે છે. આજવા ડેમમાંથી ધીરે ધીરે પાણી છોડવામાં આવે તો પાણીનો નિકાલ થાય અને આટલી તકલીફ ન થાય. વરસાદનું પાણી ભરાય તો નિકાલ પણ થઈ જાય છે. પણ ઉપરવાસમાં વરસાદ થાય ત્યારે આજવા ડેમમાંથી ધમધમાવીને પાણી છોડે છે એ ન કરવું જોઈએ."

તેમણે કહ્યું કે આ રીતે એકદમ પાણી છોડવાથી તેમના જેવા વેપારીઓ અને લોકોને ઘણું નુકસાન થાય છે જેની ગણતરી કરવી મુશ્કેલ છે.

વડોદરામાં પાણી કેમ ભરાયાં?

વડોદરામાં પૂર
ઇમેજ કૅપ્શન, વરસાદ અને ત્યારબાદ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સમગ્ર વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી

વડોદરામાં છેલ્લા ચાર દિવસોમાં લગભગ 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાંથી 27 ઑગસ્ટના રોજ સૌથી વધારે લગભગ 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.

વરસાદ અને ત્યારબાદ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સમગ્ર વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

વડોદરામાં બીબીસીના સહયોગી રાજીવ પરમારે શહેરની પરિસ્થિતિ વિશે ચિતાર આપતા બુધવારે કહ્યું હતું, "રવિવાર સાંજથી વરસાદ શરૂ થયો અને ધીમે-ધીમે તેની તીવ્રતા વધતી ગઈ. ભારે વરસાદના કારણે સોમવાર મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા આજવા ડેમમાં પાણીની આવક વધવા લાગી હતી. સાવચેતીના ભાગરૂપે રવિવાર મોડી રાત્રે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું."

"ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધવા લાગ્યું હતું. મંગળવાર બપોર સુધીમાં સમગ્ર શહેરમાં વિશ્વામિત્રીનું પાણી પ્રવેશ કરી ગયું હતું. ભારે વરસાદ અને પાણી છોડવામાં આવવાને કારણે વડોદરા શહેરમાં ભયાનક પૂર આવ્યું હતું."

જોકે પરિસ્થિતિ બગડતાં વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશ્નરે મીડિયામાં જણાવ્યું હતું કે આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મંગળવારે જે માહિતી આપી હતી તે અનુસાર વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 37 ફૂટની આસપાસ પહોંચી ગયું હતું.

કેયુર રોકડિયાએ તે સમયે કહ્યું હતું, "વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 37 ફૂટની આસપાસ છે, જે 2005 પછી સૌથી વધુ છે."

દિલીપ રાણાએ જણાવ્યું હતું, "વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં ઘટાડો થાય તે માટે લોકહિતમાં નક્કી કરવામાં આવ્યું છે કે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી પાણી નહીં છોડવામાં આવે."

"આજવા ડેમમાં પાણીની સપાટી 212 ફૂટ હોવી જોઈએ અને હાલ 213.65 ફૂટ છે પરંતુ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઓછું થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે."

જ્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવ્યું હતું કે, "વડોદરા શહેરમાં પ્રવેશતા વિશ્વામિત્રી નદીના પાણીને અટકાવવા માટે આજવા ડેમ અને પ્રતાપપુરામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદી જ્યારે વડોદરામાંથી પસાર થતી વખતે ઢાઢર નદીને મળે છે. ઢાઢર નદીમાં પાણીની સપાટી ઘટાડવા માટે દેવ ડેમને બંધ કરવામાં આવ્યું છે."

રોગચાળાનો ભય

છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10 હજાર 335 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10 હજાર 335 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

શહેરના જે વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે ત્યાં લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય છે.

જોકે, ગુજરાત સરકારના માહિતી ખાતાએ આપેલી જાણકારી પ્રમાણે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળા અટકાયત માટે રાજ્ય સરકારની 20 અને વડોદરા મહાનગરપાલિકાની 67 ટીમ સહિત કુલ 87 ટીમો આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે.

રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે, આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 48 હજાર 500 ઘરોની તપાસ કરવામાં આવી છે. જ્યારે 10 હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ અને ૩૦ હજારથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ છ હજાર 500થી વધારે ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.