વાવાઝોડાની તીવ્રતા માપવા વધારે સારી પ્રણાલીની જરૂર શા માટે છે?

આબોહવા પરિવર્તનને લીધે વધારે મજબૂત તોફાનો અને આત્યંતિક વાવાઝોડા સર્જાય છે ત્યારે વાવાઝોડાના રેન્કિંગની પ્રણાલી બાબતે પુનઃવિચાર કરવાની માંગ વધી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આબોહવા પરિવર્તનને લીધે વધારે મજબૂત તોફાનો અને આત્યંતિક વાવાઝોડાં સર્જાય છે ત્યારે વાવાઝોડાંના રૅન્કિંગની પ્રણાલી બાબતે પુનઃવિચાર કરવાની માગ વધી રહી છે. (પ્રતીકાત્મક તસવીર )
    • લેેખક, ઇસાબેલ ગેરેત્સેન, લ્યુસી શેરીફ અને માર્થા હેન્રિક્સ
    • પદ, બીબીસી ફ્યૂચર

વાવાઝોડાને પવનની ગતિ દ્વારા ક્રમાંકિત કરવામાં આવે છે, જે જોરદાર તોફાન દરમિયાન થતાં 90 ટકા મૃત્યુનું કારણ બને છે. કોઈ વાવાઝોડું કેટલું ઘાતક હશે તેની ચેતવણી આપવા માટે આપણે હાલ જેના પર આધાર રાખીએ છીએ તે અપૂર્ણ મનાઈ રહેલી પ્રણાલીમાં સુધારો કરવા વિજ્ઞાનીઓ ઘણી મહેનત કરી રહ્યા છે.

હરિકેન 'અર્નેસ્ટો'એ પૉર્ટો રિકોમાં વ્યાપક વિનાશ વેર્યો હતો. વાવાઝોડાંના સત્તાવાર વર્ગીકરણ માટે સેફિર-સિમ્પસન સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. હરિકેન અર્નેસ્ટોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 120 કિલોમીટરની હોવાને કારણે તેને હરિકેન સ્કેલ પર સૌથી નીચું રૅન્કિંગ મળ્યું હતું, પરંતુ આ પ્રકારે નીચું રૅન્કિંગ ધરાવતાં વાવાઝોડાં કૅટેગરી ફાઇવનાં વાવાઝોડાં જેટલું નુકસાન કરતાં હોય છે.

આબોહવા પરિવર્તનને લીધે વધારે મજબૂત તોફાનો અને આત્યંતિક વાવાઝોડાં સર્જાય છે ત્યારે વાવાઝોડાંના રૅન્કિંગની પ્રણાલી બાબતે પુનઃવિચાર કરવાની માંગ વધી રહી છે. સેફિર-સિમ્પસન સ્કેલ બહુ જાણીતો છે અને તેનો ઉપયોગ 50થી વધુ વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ તેમાં અનેક ખામીઓ છે. પરિણામે વિજ્ઞાનીઓ એવું વિચારતા થયા છે કે આ પ્રણાલી શ્રેષ્ઠ છે કે કેમ.

સેફિર-સિમ્પસન સ્કેલમાં સુધારાના અને વધુ સારી ચેતવણી પ્રણાલી દ્વારા જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે તેવા ઘણા વિકલ્પો છે.

પાણીની સમસ્યા

 વાવાઝોડું કેટલું ઘાતક હશે તેની ચેતવણી આપવા માટે આપણે હાલ જેના પર આધાર રાખીએ છીએ તે અપૂર્ણ પ્રણાલીમાં સુધારો કરવા વિજ્ઞાનીઓ ઘણી મહેનત કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમેરિકન સિવિલ એન્જિનિયર હર્બર્ટ સેફિર અને હવામાનશાસ્ત્રી રૉબર્ટ સિમ્પસને 1970ના દાયકાના પ્રારંભમાં બનાવેલા સેફિર-સિમ્પસન સ્કેલ દ્વારા વાવાઝોડાની મહત્તમ પવનની ગતિને માપવામાં આવે છે. તેનો ઉપયોગ વાવાઝોડાને એકથી પાંચ સુધીનો ક્રમાંક આપવા માટે કરવામાં આવે છે. પાંચની રૅન્ક સૌથી તીવ્ર હોય છે. પવનની ગતિ નેશનલ ઑસેનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (નોસા) દ્વારા ઉડાડવામાં આવતા રિકોનિસન્સ વિમાન દ્વારા માપવામાં આવે છે. એ વિમાન સમુદ્ર પર પડતાં દબાણ, પવનની દિશા અને ઝડપને માપતાં સાધનો હવામાં છોડે છે.

તોફાન, ભારે વરસાદ અથવા પૂર જેવી વાવાઝોડાની અન્ય અસરોને સેફિર-સિમ્પસન સ્કેલ ધ્યાનમાં લેતો નથી.

જોકે, જીવનને સૌથી મોટો ખતરો પવનની ગતિથી નહીં, પરંતુ પાણીથી હોય છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતેના ફ્લોરિડા ક્લાયમેટ સૅન્ટરના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં વાવાઝોડાંને કારણે થતાં મૃત્યુ પૈકીનાં 90 ટકા વાસ્તવમાં, કાં તો તોફાન અથવા તો ભારે વરસાદને લીધે આવતા પૂરમાં ડૂબવાને કારણે થતાં હોય છે.

કૅલિફોર્નિયામાં લોરેન્સ બર્કલે નૅશનલ લૅબોરેટરીના વરિષ્ઠ વિજ્ઞાની અને હવામાનની આત્યંતિક ઘટનાઓની બદલાતી પ્રકૃતિના નિષ્ણાત માઈકલ વેહનર કહે છે, “સેફિર-સિમ્પસન સ્કેલ અપૂરતો છે. સમસ્યા એ છે કે આ સ્કેલ તોફાનમાં કોઈપણ સમયે પવનની સૌથી વધુ ગતિનું માપન માત્ર છે, જ્યારે કે મોટાભાગનું નુકસાન પવનથી નહીં, પાણીથી થાય છે.”

હરિકેન હેન્ડી જેવા રેકૉર્ડ પરના કેટલાંક સૌથી વધુ વિનાશક વાવાઝોડાં પ્રમાણમાં પવનની ઓછી ગતિ સાથેનાં કૅટેગરી વન તોફાનો હતાં. તેમ છતાં એ તોફાનો દરિયાકાંઠા વિસ્તારમાં ગંભીર પૂરનું કારણ બન્યાં છે. સેન્ડીને લીધે આવેલું પૂરનું પાણી 100 વર્ષના ફ્લડપ્લેઈનની 53 ટકા સીમાને વટાવી ગયું હતું, હજારો ઘરોને અને અંદાજે 88.5 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સૅન્ટર ફૉર ઑશન-ઍટમોસ્ફેરિક પ્રિડિક્શન સ્ટડીઝના હવામાનશાસ્ત્રના પ્રાધ્યાપક વાસુ મિશ્રા કહે છે, “પવનની મહત્તમ ગતિને તોફાન સાથે બહુ ઓછો સંબંધ છે. તોફાનમાં ઉછાળો પવનના દબાણના પ્રમાણમાં હોય છે. તણાવ એ સમુદ્રની સપાટી પરનું પવનનું બળ હોય છે. તેથી તે પૉઈન્ટ ઍસ્ટિમેટને બદલે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની આસપાસના પવનના આડા પ્રસારની બાબત હોય છે.”

તોફાનનું કદ

વાવાઝોડા દરમિયાન તેના જોખમો વિશે લોકોને ચેતવણી આપવા એનએચસીએ સ્ટોર્મ સર્જ વોચ અને વોર્નિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાં દરમિયાન તેનાં જોખમો વિશે લોકોને ચેતવણી આપવા એનએચસીએ સ્ટૉર્મ સર્જ વૉચ અને વૉર્નિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ ઉમેરે છે કે સેફિર-સિમ્પસન સ્કેલ વાવાઝોડાંનાં એકંદર કદ અથવા પવનના આડા વિસ્તરણને ધ્યાનમાં લેતો નથી.

વાવાઝોડાની વિનાશક શક્તિને માપવા, સેફિર-સિમ્પસન સ્કેલના પૂરક તરીકે મિશ્રાએ એક નવા મેટ્રિકનું સૂચન કર્યું છે. ટ્રેક ઈન્ટિગ્રેટેડ કાઈનેટિક એનર્જી અથવા ટિક તરીકે ઓળખાતી એ મેટ્રિક વાવાઝોડાની તીવ્રતા અને તેના સમયગાળા સાથે વિન્ડ ફિલ્ડના કદને માપે છે. રિકૉનિસન્સ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરવાને બદલે આ પદ્ધતિમાં વાવાઝોડાના પવનના વિસ્તરણના સેટેલાઇટ અંદાજ પર આધાર રાખવામાં આવશે, એમ મિશ્રા જણાવે છે.

મિશ્રાના જણાવ્યા મુજબ, કેટલાક પડકારો ચોક્કસ ડેટા મેળવવાનું મુશ્કેલ બનાવી શકે છે. વાવાઝોડાની આસપાસ ઘણીવાર ગાઢ વાદળો છવાયેલાં હોય છે. તેનો અર્થ એ થાય કે “કેટલીક અનિશ્ચિતતા” હશે.

એક અન્ય મોટી વ્યવહારુ સમસ્યા એ છે કે ઉપગ્રહોના સ્થાનને કારણે આવા અંદાજો માત્ર પૂર્વીય પૅસિફિક બેસિન અને એટલાન્ટિક મહાસાગર માટે જ ઉપલબ્ધ છે, હિંદ મહાસાગર અથવા પશ્ચિમ પૅસેફિક મહાસાગર માટે નહીં.

મિશ્રાના જણાવ્યા મુજબ, પવનથી ચાલતી નાની સેઈલબોટ જેવા દેખાતા સેઈલડ્રોન્સ વાવાઝોડાંની તીવ્રતા માપે છે. સેઈલડ્રોન્સ જેવી નવી ટૅક્નોલૉજી હરિકેન ડેટાને સુધારવામાં મદદ કરી રહી છે, “પરંતુ તેમાં ખર્ચ એક મોટી સમસ્યા બનશે.”

મિશ્રા સવાલ કરે છે, “હજારો કિલોમીટર સુધી ફેલાયેલાં વાવાઝોડાંની આસપાસના પવનના વિસ્તરણને કેપ્ચર કરવા તમે ખરેખર કેટલા સેઈલડ્રોન્સ લૉન્ચ કરી શકો?”

મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી (એમઆઈટી) ખાતેના વાતાવરણીય વિજ્ઞાનના પ્રાધ્યાપક કૅરી ઇમેન્યુઅલના કહેવા મુજબ, સમગ્ર પદ્ધતિ બાબતે ધરમૂળથી પુનર્વિચાર કરવાની જરૂર છે.

ઈમેન્યુઅલ કહે છે, “હું સેફિર-સિમ્પસન સ્કેલને છોડીને નવેસરથી શરૂઆત કરવાની તરફેણ કરું છું. એ સ્કેલ વાસ્તવિક જોખમનું બહુ સારું માપ નથી. તેમાં જોખમને બદલે હવામાનશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આપણે પરિવર્તન કરવાની જરૂર છે.”

જોકે, ટિક મેટ્રિક સામે પણ સેફિર-સિમ્પસન જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, એમ જણાવતાં ઇમેન્યુઅલ કહે છે, “માત્ર પવનનું માપ કાઢતો કોઈ પણ સ્કેલ ઘણી વખતે નિષ્ફળ સાબિત થાય છે અને તેથી જ તેને બદલવાની જરૂર છે.”

નોઆના નેશનલ હરિકેન સૅન્ટર (એનએચસી)ના ડેપ્યુટી ડિરેક્ટર જેમી રોમ કહે છે, “કોઈ એક સ્કેલ વાવાઝોડાંની બધી અસરોને માપી શકતો નથી.” વાવાઝોડા દરમિયાન તેના જોખમો વિશે લોકોને ચેતવણી આપવા એનએચસીએ સ્ટૉર્મ સર્જ વૉચ અને વૉર્નિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું છે.

રોમના કહેવા મુજબ, વાવાઝોડા “અનેક સંકટ સર્જતી ઘટના હોવાથી નેશનલ હરિકેન સૅન્ટર આ જોખમની સંભવિત અસરો વિશે અલગથી જણાવે છે. તેનું કારણ એ છે કે અસરો અલગ-અલગ સમયે અને સ્થળોએ થઈ શકે છે.”

ટ્રાફિક લાઇટ

અમેરિકાનાં ફ્લોરિડામાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનાં ફ્લોરિડામાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની ફાઇલ તસવીર

ઇમેન્યુઅલ વર્ગીકરણની એક નવી પ્રણાલી ઈચ્છે છે, જે “બ્રિટનના હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રણાલી જેવી હોય. બ્રિટનની પ્રણાલી જોખમની તીવ્રતાને માત્ર એક કલર સ્કેલ વડે માપે છે અને યલો, એમ્બર અથવા રેડ ઍલર્ટ જાહેર કરે છે.”

હવામાન વિભાગ દ્વારા હવામાનની ઘટનાઓની અસરો અને તેની સંભાવના બન્નેને આધારે રંગ આપવામાં આવે છે.

ઇમેન્યુઅલ કહે છે, “આપણે વાવાઝોડાંની ચેતવણી માટે તોફાન-કેન્દ્રિત માળખાને બદલે માનવકેન્દ્રી માળખા તરફ આગળ વધવાની જરૂર છે.”

તેમના કહેવા મુજબ, વધારે વ્યક્તિગત અભિગમ અપનાવવાથી લોકોને તેમના વિસ્તારોમાં બનતી હવામાન સંબંધી ગંભીર ઘટનાઓની જાણકારી આપવામાં ઉપયોગી થશે. એ ઉપરાંત ઘટનાઓના જોખમના સ્તરને સમજવામાં અને જરૂરી સાવચેતી રાખવામાં પણ મદદ કરશે.

તેઓ કહે છે, “આપણને એક અલગ સ્માર્ટફોન ઍપ્લિકેશનની જરૂર છે, જે જોખમકેન્દ્રી હોય અને તમે ક્યાં છો તેનાથી માહિતગાર હોય, જેથી તે તમને જણાવી શકે કે તમારા વિસ્તારમાં વિનાશક પવન ફૂંકાશે અથવા પૂરનું પાણી તમારા ઘર સુધી પહોંચવાની શક્યતા કેટલી છે. હવામાનની સામાન્ય આગાહી તો પહેલાંથી જ કરવામાં આવે છે.”

ઇમેન્યુઅલ નોંધે છે કે “લોકો આનું અર્થઘટન કરવા જેટલા અત્યાધુનિક અથવા બુદ્ધિશાળી નથી,” એવી લાગણી વિજ્ઞાનીઓમાં પ્રવર્તે છે. જોકે, ઇમેન્યુઅલ પોતે આવું માનતા નથી.

સેફિર-સિમ્પસન સ્કેલ અત્યંત સરળ હોવાથી લોકો આસાનીથી સમજી શકે છે. મિશ્રા કહે છે, “આ શ્રેણીઓને આધારે ઉષ્ણકટીબંધીય ચક્રવાતના ખતરાની માહિતી પ્રસારિત કરવી આસાન છે અને કદાચ કદાચ એ જ આ મૅટ્રિકમાં કોઈ પણ ફેરફાર ન કરવાનું પ્રાથમિક કારણ છે.”

વેહનરના કહેવા મુજબ, “સેફિર-સિમ્પસન સ્કેલ જ બધું નથી,” એ વાત લોકો સમજે તે જરૂરી છે.

તેઓ કહે છે, “મને લાગે છે કે વધુ વિગતવાર માહિતીથી જાહેર જનતાને ફાયદો થાય છે. નેશનલ હરિકેન સૅન્ટર આવી માહિતી પ્રદાન કરે છે અને સારા પ્રસારણ હવામાનશાસ્ત્રીઓ તેનો અસરકારક રીતે ઉપયોગ કરે છે.”

વાવાઝોડાની છઠ્ઠી શ્રેણી?

વાવાઝોડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વાવાઝોડાં વધુ તીવ્ર અને વિનાશક બની રહ્યાં છે, કારણ કે સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, જે તોફાન માટે વધુ ઇંધણ પૂરું પાડે છે.

2020ના એક અભ્યાસના તારણ મુજબ, આજના તોફાનો, 40 વર્ષ પહેલાંના પ્રતિ કલાક 180 કિલોમીટરની ગતિ સાથેનાં મોટાં વાવાઝોડાં(શ્રેણી ત્રણ અને તેથી ઉપર)ના થ્રેશહોલ્ડ સુધી પહોંચવાની સંભાવના 25 ટકાથી વધારે છે.

વાવાઝોડાં વધુ તીવ્ર બની રહ્યાં છે, પવનની ગતિ ઝડપી બની રહી છે ત્યારે હાલના સેફિર-સિમ્પસન સ્કેલમાં વાવાઝોડાંની છઠ્ઠી શ્રેણી ઉમેરવામાં આવશે?

વેહનર અને નોઆમાંથી નિવૃત્ત થયેલા આબોહવા તથા વાતાવરણ વિજ્ઞાની સાથીદાર જૅમ્સ કોસિને ફેબ્રુઆરી 2024માં સેફિર-સિમ્પસન સ્કેલની ખામીઓ વિશે એક અભ્યાસ પત્ર પ્રકાશિત કર્યો હતો. કોસિને 2024ની શરૂઆતમાં હરિકેન બેરીલ વખતે બીબીસીને કહ્યું હતું, “હવે સ્કેલને મર્યાદિત રાખવાનું કોઈ કારણ નથી.” 2015ના હરિકેન 'પૅટ્રિશિયા' અને 2013ના ટાયફૂન 'હૈયાન' જેવા કેટલાંક વાવાઝોડાં કૅટેગરી છ માટેના સૈદ્ધાંતિક થ્રેશહોલ્ડને વટાવી ચૂક્યાં છે.

જોકે, મજબૂત તોફાનનું વર્ણન કરવા માટે માત્ર છઠ્ઠી શ્રેણી ઉમેરવાથી લાભને બદલે નુકસાન વધુ થઈ શકે છે, એમ જણાવતાં કોસિને કહ્યું હતું, “વાસ્તવમાં તે અનેક કારણોસર એક ભયંકર વિચાર હોય એવું મને લાગે છે.” દાખલા તરીકે, ઉચ્ચ શ્રેણી દાખલ કરવાથી લોકો પાંચમી શ્રેણી એટલી ખતરનાક નથી એવું માની શકે છે. કોસિને ચેતવણી આપી હતી કે “આ માનવ સ્વભાવ છે. કેટલાક લોકો સ્થળાંતર નહીં કરવાના બહાના શોધશે.”

વેહનરના કહેવા મુજબ, વર્તમાન સ્કેલમાં છઠ્ઠી કેટેગરી ઉમેરવી કે નહીં તેનો નિર્ણય આખરે તો નોઆના નેશનલ હરિકેન સૅન્ટરે કરવાનો છે.

એનએચસીના રોમ કહે છે કે પાંચમી શ્રેણી પવનથી થતા “આપત્તિજનક નુકસાન”નું વર્ણન પહેલાંથી જ કરે છે. “તેથી તોફાન વધુ મજબૂત બને તો વધુ એક શ્રેણીની જરૂર છે કે કેમ તે સ્પષ્ટ નથી,” કારણ કે મોટાભાગની વાવાઝોડા સંબંધી જાનહાનિ પવનને લીધે નહીં, પાણીને કારણે થાય છે. “અમે શ્રેણી પર વધુ ભાર મૂકીને પવનના સંકટને વધારે પડતું ગંભીર ગણાવવા ઇચ્છતા નથી.”

આ વાત સાથે સહમત થતાં વેહનર કહે છે, “વાવાઝોડાંના જોખમ એક આંકડા દ્વારા વ્યક્ત કરવું શક્ય નથી. તે વધારે જટિલ છે.”

જોકે, કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે છઠ્ઠી કૅટેગરી ઉમેરવી જોઈએ. ઇમેન્યુઅલ કહે છે કે આપણે સેફિર-સિમ્પસન સ્કેલને જ વળગી રહેવાના હોઈએ તો તેમાં છઠ્ઠી કેટગરી ઉમેરવાથી “લોકોને સ્પષ્ટ સંદેશો મળશે કે આબોહવા પરિવર્તન વાવાઝોડાને પ્રભાવિત કરી રહ્યું છે. તેની પ્રાથમિક ઉપયોગિતા એ હકીકત તરફ ધ્યાન દોરવાની રહેશે.”

અલબત, અન્ય વિજ્ઞાનીઓ વર્ગીકરણ બાબતે ચિંતા વ્યક્ત કરે છે. મિશ્રા કહે છે, “ત્રીજી કૅટગરીથી ઉપરની દરેક બાબતને જોખમી ગણવી જોઈએ. છઠ્ઠી કૅટેગરીની ક્રિયા-પ્રતિક્રિયા બાબતે લોકોએ રાહ ન જોવી જોઈએ.”

નોઆ ખાતેના હરિકેન રિસર્ચ ડિવિઝનના સંશોધન સહાયક હીથર હોલબેચને પણ એ વાતની ચિંતા છે કે કૅટેગરીઝની સંખ્યામાં વધારો કરવાથી લોકો નીચી કેટગરીના વાવાઝોડાની ગંભીરતાને અવગણી શકે છે અને વૈજ્ઞાનિક હેતુ માટે છઠ્ઠી કૅટગરીનું કોઈ કારણ નથી.

હીથર હોલબેચ કહે છે, “મારી એક ચિંતા એ છે કે પહેલી અને બીજી કૅટગરીમાં પણ જોખમ નોંધપાત્ર હોય છે, પરંતુ વધુ એક કૅટેગરી ઉમેરવાથી લોકો પહેલી અને બીજી કૅટગરીને ઓછી જોખમી ગણતા થશે? મને લાગે છે કે તેમાં એક વિશાળ સામાજિક વિજ્ઞાન ઘટક છે અને તેને વધુ સારી રીતે સમજવાની જરૂર છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.