વાવાઝોડાં કેમ ભયાનક, શક્તિશાળી અને ખતરનાક બની રહ્યાં છે?

દરેક તોફાનનાં ચોક્કસ કારણો જટિલ હોય છે, પરંતુ તેની પાછળ બે મુખ્ય પરિબળ હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરેક તોફાનનાં ચોક્કસ કારણો જટિલ હોય છે, પરંતુ તેની પાછળ બે મુખ્ય પરિબળ હોય છે

બેરીલ વાવાઝોડું ઍટલાન્ટિકમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને એ ઝડપભેર તીવ્ર બનીને ઈતિહાસ સર્જી રહ્યું છે.

એ માત્ર ઘાતક જ નહીં, પરંતુ જૂનમાં નોંધાયેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું બન્યું છે.

અમેરિકન નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું સોમવારે સવારે લગભગ 11 વાગ્યે ગ્રેનાડાના આશ્રિત કેરિયાકો દ્વીપ પર ત્રાટક્યું હતું.

એજન્સીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું જમીન પર પહોંચવાની સાથે જ ઉષ્ણકટિબંધીય પ્રણાલી મજબૂત થઈ ગઈ હતી અને હવે તે પ્રતિકલાક 241 કિલોમીટરની ઝડપે નિરંતર ફૂંકાતા પવન સાથેનું કૅટેગરી 4નું તોફાન છે.

ગ્રેનેડાનો વિસ્તાર 95 ટકા વીજળી વિહીન બની ગયો હતો. ગ્રેનેડાઈન્સ, બાર્બાડોસ અને ટોબાગોમાં પણ ભયંકર નુકસાન થયાના સમાચાર છે.

કૅરેબિયન બેસિનમાં સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરની આસપાસ પહેલું મોટું વાવાઝોડું આવતું હોય છે.

ઍક્યુવેધરના સીનિયર હરિકેન ફોરકાસ્ટર એલેક્સ ડીસિલ્વાએ કહ્યું હતું, “ઍટલાન્ટિકના આ હિસ્સામાં સિઝનમાં આટલી ઝડપથી વાવાઝોડું તીવ્ર બનતું નથી. આ દુર્લભ સ્થિતિ છે. લોઅર ઍટલાન્ટિકના અનેક દ્વીપોમાં લોકો અને સંપત્તિ પર જોરદાર જોખમ છે.”

ઉત્તર ઍટલાન્ટિકમાં આ વર્ષે કૅટેગરી 3 કે તેનાથી વધારે તીવ્રતાવાળાં સાત મોટાં વાવાઝોડાં ત્રાટકવાની સંભાવના છે.

ઑબ્ઝર્વેશન સેન્ટર્સનું શક્તિશાળી નેટવર્ક ધરાવતી અમેરિકન હવામાન વિજ્ઞાન ઍજન્સી એનઓએએએ ચેતવણી આપી છે કે આ આંકડો સામાન્ય દર કરતાં બમણો છે.

સામાન્ય રીતે એક સિઝનમાં ત્રણ મોટાં વાવાઝોડાં અપેક્ષિત હોય છે.

આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કૅટેગરી વન કે તેનાથી વધુ તીવ્રતાવાળા 13 ઍટલાન્ટિક વાવાઝોડાં આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

વાવાઝોડાં પાછળનાં મુખ્ય કારણો

ઉત્તર એટલાન્ટિકમાં આ વર્ષે કેટેગરી 3 કે તેનાથી વધારે તીવ્રતાવાળા સાત મોટા વાવાઝોડા ત્રાટકવાની સંભાવના છે

ઇમેજ સ્રોત, NOAA/REUTERS

ઇમેજ કૅપ્શન, ઉત્તર ઍટલાન્ટિકમાં આ વર્ષે કૅટેગરી-3 કે તેનાથી વધારે તીવ્રતાવાળાં સાત મોટાં વાવાઝોડાં ત્રાટકવાની સંભાવના છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ માટે દરિયાની સપાટીનું ઊંચું તાપમાન આંશિક રીતે જવાબદાર છે, કારણ કે તેનાથી પ્રાદેશિક હવામાન પૅટર્ન્સમાં ફેરફાર થતો હોય છે. આબોહવામાં પરિવર્તનને લીધે વધુ વાવાઝોડાં સર્જાઈ રહ્યાં હોવાના કોઈ પુરાવા નથી, પરંતુ તેનાથી શક્તિશાળી વાવાઝોડાંની સંભાવના સર્જાય છે અને વરસાદને કારણે તેની તીવ્રતા વધે છે.

એનઓએએના ડિરેક્ટર રિક સ્પિનરાડે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, “વાવાઝોડાંની આ વખતની સિઝન અસામાન્ય લાગે છે.”

તાજેતરમાં અલ નીનો વેધર પૅટર્ન નબળી પડી છે અને આગામી મહિનાઓમાં લા નીનાના આગમનની શક્યતા છે. તેથી ઍટલાન્ટિકમાં આ પ્રકારનાં વાવાઝોડાં માટે વધુ અનુકૂળ વાતાવરણીય પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ઍટલાન્ટિકનાં પાણીમાં શું થશે તેનાથી વિપરીત એનઓએએ સેન્ટ્રલ પેસિફિક પ્રદેશમાં “સામાન્યથી નીચી” હરિકેન સિઝનની આગાહી કરવામાં આવી છે. આ પ્રદેશમાં લા નીનાના આગમનની વિપરીત અસર થતી હોય છે.

ઍટલાન્ટિક બેસિનમાં ઍટલાન્ટિક મહાસાગર, કૅરેબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાતનો સમાવેશ થાય છે. ઍટલાન્ટિક બેસિનમાં વર્ષે સરેરાશ 14 ઉષ્ણકટિબંધીય તોફાનો આવે છે. તેમાંથી સાત નાનાં અને ત્રણ મુખ્ય વાવાઝોડાં હોય છે.

ઉષ્ણકટિબંધીય તોફાનોમાં પવનની મહત્તમ ગતિ પ્રતિ કલાક 119 કિલોમીટરના સ્તરે પહોંચે છે ત્યારે તે વાવાઝોડાં બની જાય છે. કૅટેગરી 3 અને તેથી ઉપરનાં મોટાં વાવાઝોડાંમાં પવનની ગતિ કમસે કમ પ્રતિકલાક 178 કિલોમીટરની થઈ જાય છે.

એનઓએએને કુલ 17થી 25 ઉષ્ણકટિબંધીય તોફાનોની અપેક્ષા છે. તેમાં આઠથી 13 તોફાનો વાવાઝોડાં થઈ શકે છે અને ચારથી સાત મોટાં વાવાઝોડાં સર્જાઈ શકે છે.

સાત મોટાં વાવાઝોડા

સામાન્ય રીતે એક સિઝનમાં ત્રણ મોટા વાવાઝોડાં અપેક્ષિત હોય છે.

ઇમેજ સ્રોત, CAITLYN MOORE/GOFUNDME

ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે એક સિઝનમાં ત્રણ મોટાં વાવાઝોડાં અપેક્ષિત હોય છે.

2024ની ઍટલાન્ટિક વાવાઝોડાંની સિઝનના નામ આલ્બર્ટો, બેરીલ, ક્રિસ, ડેબી, અર્નેસ્ટો, ફ્રાન્સિન, ગોર્ડન, હેલેન, આઈઝેક, જોયસ, કિર્ક, લેસ્લી, મિલ્ટન, નાડીન, ઓસ્કર, પેટી, રાફેલ, સારા, ટોની, વેલેરી અને વિલિયમ હશે.વાવાઝોડાં આકાર પામે તો આ દરજ્જો વિશ્વ હવામાન સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

દરેક વાવાઝોડાંને નામ આપવાથી ચેતવણી મોકલતી વખતે મદદ મળે છે.

માત્ર એક જ ઍટલાન્ટિક સિઝન દરમિયાન સાત મોટાં વાવાઝોડાં આવ્યાં હતાં. તેવું 2005 અને 2020માં પણ જોવા મળ્યું હતું.

એનઓએએની આગાહી સૂચવે છે કે 2024માં પણ વાવાઝોડાંની સંખ્યા તે સ્તરે પહોંચી શકે છે.

દરેક તોફાનનાં ચોક્કસ કારણો હોય હોય છે, પરંતુ તેની પાછળ બે મુખ્ય પરિબળ હોય છે.

પહેલું પરિબળ એ કે આગામી મહિનાઓમાં અલ નીનોમાંથી લા નીનાની પરિસ્થિતિ આકાર પામવાની સંભાવના છે. તે આ વાવાઝોડાંને વધુ સરળતાથી આગળ વધવામાં મદદ કરે છે.

બીજું પરિબળ એ કે ઉષ્ણકટિબંધીય ઍટલાન્ટિકમાં વાવાઝોડાંના વિકાસના મુખ્ય પ્રદેશમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે ગરમ છે.

તેનો અર્થ ઘણીવાર વધારે શક્તિશાળી વાવાઝોડાં એવો કરવામાં આવે છે, કારણ કે તોફાનોને પશ્ચિમ તરફ આગળ વધવા માટે ગરમ પાણી વધારે ઊર્જા પ્રદાન કરે છે.

અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવાના ડિરેક્ટર કેન ગ્રેહામે કહ્યું હતું, “શક્તિશાળી વાવાઝોડાંની સિઝનનાં તમામ ઘટકો ઉપલબ્ધ છે.”

એનઓએએએ ઍટલાન્ટિક ટ્રેડ વિન્ડ્સ અને પવનનાં ઓછા દબાણોનો ઉલ્લેખ પણ કર્યો છે, જે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના આકાર પામવાની સંભાવના સર્જે છે.

માનવ-સર્જિત આબોહવા પરિવર્તન વૈશ્વિક સ્તરે અને ઍટલાન્ટિક બેસિનમાં મહાસાગરોને ગરમ કરી રહ્યું છે તેમજ જમીન પરનો બરફ પીગળી રહ્યો છે. તેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે અને તોફાનનું જોખમ વધી રહ્યું છે.

સમુદ્રની સપાટીમાં થતો વધારો વાવાઝોડાંના સંભવિત નુકસાન પરનો માનવ પ્રભાવ દર્શાવે છે.

ગ્લોબલ વૉર્મિંગ મજબૂત તોફાનોની સંભાવના કેવી રીતે સર્જે છે તે બાબતે ધ્યાન દોરવા તાજેતરના અભ્યાસમાં નવી કૅટેગરીના સિક્સ લેવલ બનાવવાની સંભાવના ચકાસવામાં આવી છે.

એ અભ્યાસના મુખ્ય લેખક અને બર્કલે લૅબના વિજ્ઞાની માઇકલ વેહનરે કહ્યું હતું, “તે લોકોને ચેતવશે કે આપણે અત્યારે જે મજબૂત ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો અનુભવ કરી રહ્યા છીએ તે અભૂતપૂર્વ છે અને તેનું કારણ આબોહવા પરિવર્તનને લીધે ગરમ થતી સમુદ્રની સપાટી છે.”

ગરમ હવા વધુ ભેજ જાળવી શકે છે અને તેનાથી વરસાદની તીવ્રતામાં વધારો થાય છે.

બીજી તરફ સ્ટ્રૉર્મ સર્જ (વાવાઝોડાંને કારણે દરિયાની સપાટીમાં થતો ટૂંકા ગાળાનો વધારો) હવે ઊંચા સ્તરે થઈ રહ્યો છે અને તેનું કારણ મુખ્યત્વે પીગળતા ગ્લૅશિયર્સ અને સમુદ્ર ગરમ થવાથી ઊંચુ થયેલું સમુદ્રનું સ્તર છે.

ટૅક્સાસ એ ઍન્ડ એમ યુનિવર્સિટીના વાતાવરણીય વિજ્ઞાનના પ્રોફેસર એન્ડ્રુ ડેસ્લરે કહ્યુ હતું, “સમુદ્રની સપાટીમાં વધારો થવાથી પૂરનું ઊંડાણ વિકટ બને છે અને તે અગાઉની સરખામણીએ આજનાં વાવાઝોડાંને વધારે નુકસાનકારક બનાવે છે.”

આ વાવાઝોડાંનાં જોખમો અને ખાસ કરીને તેનાં ઝડપથી તીવ્ર બનવાંની ઘટનાઓ બાબતે લોકોએ જાગૃત રહેવું જોઈએ, એ વાત પર સંશોધકો ભાર મૂકે છે. ઝડપી તીવ્રતા અનપેક્ષિત હોઈ શકે છે.

અમેરિકાની રોવાન યુનિવર્સિટી ખાતે આસિસ્ટંટ પ્રોફેસર એન્ડ્રા ગાર્નરે કહ્યું હતું, “ઍટલાન્ટિક વાવાઝોડાંની તીવ્રતાના દરમાં એકંદરે વધારો પહેલેથી જ જોવા મળી રહ્યો છે. તેનો અર્થ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોના સમુદાયો પર વધારે જોખમની સંભાવના છે.”

તેમણે ઉમેર્યું હતું, “તોફાનોની ઝડપી તીવ્રતાની આગાહી કરવી હજુ પણ મુશ્કેલ છે. તે દરિયાકાંઠાના સમુદાયોને સુરક્ષિત કરવાના પડકારોમાં વધારો કરે છે.”