હિમાલયમાં આવેલાં નાનાં તળાવો કેવી રીતે મોટો ખતરો ઊભો કરે છે, ઍવરેસ્ટ પાસેનાં ગામો તણાઈ જવાનું જોખમ

ઇમેજ સ્રોત, Khumbu Pashanlhamu Rural Municipality
- લેેખક, નવીનસિંહ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
નેપાળનાં ઍવરેસ્ટ વિસ્તારમાં લગભગ ત્રણ હજાર 800 મીટરની (12 હજાર 467 ફુટ) ઊંચાઈ પર સ્થિત થામે શેરપાઓનું એક નાનકડું ગામ છે.
આ ગામ કેટલાક રેકૉર્ડ ધરાવતા શેરપા પર્વતારોહીનું ઘર છે, જેમાં શેરપા તેનજિંગ નોર્ગે પણ સામેલ છે. તેઓ શોધકર્તા ઍડમન્ડ હિલેરી સાથે માઉન્ટ ઍવરેસ્ટ ચઢનાર પ્રથમ વ્યક્તિ હતા.
જોકે, 16 ઑગસ્ટના રોજ એક ગ્લેશિયલ તળાવ તૂટવાને કારણે આ ગામ ખૂબ જ ઠંડા પાણીમાં ડૂબી ગયું. આ કારણે લગભગ 60 લોકોને વિસ્થાપિત થયાં. આ ઉપરાંત એક ડઝનથી વધારે ઘર અને હોટેલ સાથે જ એક શાળા અને સ્વાસ્થ્ય કેન્દ્ર પણ નષ્ટ થઈ ગયાં.
આ ઘટનાએ ગામનાં લગભગ 300 રહેવાસીઓને વિચારવા પર મજબૂર કર્યા છે કે શું હવે તેઓ આ ગામમાં રહેવું સુરક્ષિત છે?
"અમે હજી પણ આઘાતમાં છીએ"
કોઈના મૃત્યુ કે ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી, પરંતુ શેરપા સમાજના સભ્યોએ કહ્યું કે અમે ભાગ્યશાળી હતા કે પૂર દિવસ દરમિયાન આવ્યું જ્યારે બધા લોકો જાગતા હતા અને ઍલર્ટ પણ જલદી મળી ગયું.
નેપાળ પર્વતારોહણ સંગના પૂર્વ અધ્યક્ષ અંગ શેરિંગ શેરપાએ કહ્યું, "જો આ રાતના સમયે થયું હોત તો 200થી 300 લોકોના જીવ જતા રહ્યા હોત."
થામેના મૂળ રહેવાસી યાંગજી ડોમા શેરપાએ કહ્યું, "અમે હજી પણ આઘાતમાં છીએ અને અમે લોકો જ્યારે એકબીજા સાથે વાત કરીએ છીએ ત્યારે રડી પડીએ છીએ."
"મોટો પ્રશ્ન એ છે કે આ જગ્યા હવે રહેવા માટે સુરક્ષિત છે કે નહીં. આ પૂરે અમને અનુભવ કરાવ્યો છે કે અમે હવે વધારે ખતરનાક સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. આ કારણે લોકો વધારે સુરક્ષિત અનુભવ કરી રહ્યા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍવરેસ્ટમાં નીચેની તરફ રહેતા ગામડાંના લોકો પણ આ રીતે જ અસરગ્રસ્ત છે.
થામેથી નીચે તરફ જતાં ટોક ટોક ગામના પાસંગ શેરપાએ કહ્યું,"પૂરને કારણે અમારા ગામનો થોડોક ભાગ વહી ગયો. અમે નસીબથી પહાડ પર ચડવામાં સફળ રહ્યા".
થામે ગામથી ટોક ટોક ગામ લગભગ બે દિવસનો નીચે તરફ ટ્રેક છે.
"દૂધ જેવા રંગની નદીનો રંગ એટલો ભૂરો થઈ ગયો કારણ કે તેમાં પથ્થર અને કાટમાળ વહીને આવી રહ્યો હતો."
"આ અવાજ અને દૃશ્યો એટલાં ભયાવહ હતાં કે હું હજી પણ આઘાતમાં છું. મેં બાજુના એક ગામમાં આશ્રય લીધો અને વિચારી રહ્યો છું કે શું મારે ક્યારેય ટોક ટોક ફરીથી જવું જોઈએ."
સ્થાનિક લોકોનું કહેવું છે કે માનવ વસ્તીની ઉપર સ્થિત ગ્લેશિયલ તળાવો પર દેખરેખ રાખવા માટે યોગ્ય તંત્ર હોય તો જોખમને ઘણાખરા અંશે ઘટાડી શકાય છે.
તેમણે કહ્યું કે કેટલાંક તળાવોએ વૈજ્ઞાનિકો અને અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જોકે, બાકીના તળાવોની અવગણના કરવામાં આવી છે.
આ દરમિયાન કેટલાક ગામોમાં ઇમરજન્સીની કોઈ તૈયારી નથી.
ડોમા શેરપાએ કહ્યું, ઈઇમજા ગ્લેશિયર તળાવની નીચે આવેલા કેટલાંક ગામના લોકોને પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે ભાગવું તેની તાલીમ આપવામાં આવી હતી."
"જોકે, અમારા ગામના લોકોને કોઈ તાલીમ આપવામાં આવી નથી."
છેલ્લાં 50 વર્ષોમાં નેપાળમાં ગ્લેશિયરના તળાવ ફાટવાની ડઝનેક ઘટના નોંધાયેલી હતી. આ ઘટનાઓ પૈકી ચાર ઘટના ઍવરેસ્ટની દૂધકોસી નદીના બેસિનમાં ઘટી હતી.
વર્ષ 1985માં થામે ઉપર એક ઘટના ઘટી હતી જ્યારે એક મોટી હિમશિલા ડિગ ત્સો ગ્લેશિયર તળાવમાં પડી હતી.
આ કારણે એક લહેર ઉત્પન્ન થઈ જે બંધ જેટલી ઊંચી હતી. આ કારણે આવેલા પૂરને લીધે નીચેની તરફ આવેલા હાઇડ્રોઇલેક્ટ્રસિટી પ્લાન્ટને 25 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું હતું.
નાનાં તળાવો, મોટું જોખમ

ઇમેજ સ્રોત, Khumbu Pashanlhamu Rural Municipality
ગ્લેશિયલ તળાવોની ઓછી દેખરેખ કોઈ એવી સમસ્યા નથી જે માત્ર થામે ગામ માટે જ અલગ હોય.
હિમાલયમાં હજારો ગ્લેશિયર અને ગ્લેશિયલ તળાવો છે. જોકે, ઍવરેસ્ટ વિસ્તારમાં ખૂબ જ ઓછી જગ્યાઓ પર દેખરેખ રાખવામાં આવે છે અને પૂરની પેલા ચેતવણી આપતી સિસ્ટમ ફિટ કરવામાં આવે છે.
ગ્લોબલ વૉર્મિંગને કારણે ગ્લેશિયરોની ઓગળવાની ગતિ વધી રહી છે, જેને કારણે તળાવ ફાટવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
લીડ્સ યુનિવર્સિટીની આગેવાનીમાં 2021માં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે હિમાલયના ગ્લેશિયરોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં 400 થી 700 વર્ષ પહેલાં પોતાના વિસ્તારમાં મપાયેલા ઍવરેજ દરની તુલનામાં 10 ગણાથી વધારે ઝડપે બર્ફ ઓગળ્યો છે.
વર્ષ 2022માં નેચર જર્નલમાં પ્રકાશિત બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે માઉન્ટ ઍવરેસ્ટના સાઉથ કોલ ગ્લેશિયરે 1990ના દાયકા પછી ગ્લોબલ વૉર્મિંગના પરિણામે પોતાનું 50 ટકા દ્રવ્યમાન ગુમાવી દીધું છે.
માઉન્ટ ઍવરેસ્ટની નીચે ઇમજા તળાવને 2016 સૂકવી નાખવામાં આવ્યું હતું. કારણ કે અધિકારીઓને જાણકારી મળી કે તેમાં પૂરને કારણે નીચેની વસ્તીઓ, ટ્રેકિંગ ટ્રેલ્સ અને પુલો પર પૂરનો ખતરો હતો.
જોકે, વૈજ્ઞાનિકોએ શોધ્યું કે હાલનાં વર્ષોમાં કેટલાંક નવાં તળાવો બન્યાં છે, જ્યારે બીજાં તળાવોનો વિસ્તાર થયો છે અને વિસ્તાર વધ્યો છે.
ગ્લેશિયરની ઓગળવાની વધારે ઝડપને કારણે સ્થાનિક લૅન્ડસ્કેપની અસ્થિરતાના જોખમમાં વધારો થયો છે. આ કારણે હિમપ્રપાત અને ભૂસ્ખલનની શક્યતાઓ વધી છે જે આ તળાવો પડી શકે છે અને તેના ભંગાણનું કારણ બની શકે છે.
અધિકારીઓ કહે છે કે તેમણે નેપાળના હિમાલયમાં લગભગ બે ડઝન ગ્લેશિયલ તળાવોને જોખમી તળાવોની યાદીમાં સામેલ કર્યા છે. જોકે, 16 ઑગસ્ટે જે બે તળાવો ફાટ્યા તેનો તે યાદીમાં ઉલ્લેખ પણ નથી અને અધિકારીઓ તેની દેખરેખ પણ રાખતા ન હતા.
શેરિંગ શેરપાએ કહ્યું, "તે બંને તળાવો સૌથી નાનાં હતાં એટલે કોઈએ ધ્યાન ન આપ્યું તેમ છતાં આટલું મોટું નુકસાન થયું."
"કલ્પના કરો કે મોટાં તળાવ ફાટશે તો શું થઈ શકે. ઍવરેસ્ટ વિસ્તારમાં ઘણાં આવાં તળાવો છે."
નેપાળના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીના અધિકારીઓએ એક હૅલિકૉપ્ટર નિરીક્ષણ કર્યું અને જાણ્યું કે પૂરના સ્ત્રોતની પાસે કુલ પાંચ નાનાં ગ્લેશિયલ તળાવો હતાં. આ પાંચ પૈકી એક તળાવમાં થોડુંક ભંગાણ થયું અને બીજું તળાવ સંપૂર્ણપણે ફાટી ગયું.
ડોમા શેરપાએ કહ્યું, "આનો અર્થ છે કે તે સ્થળે આવેલાં બીજાં ત્રણ તળાવો પણ આ જ રીતે ગમે ત્યારે ફાટી શકે છે."
"લોકોને હવે જ્યારે આ વાતની ખબર પડી છે તો તેઓ સુરક્ષિત અનુભવ કરતા નથી. અમે લોકો ખાસ કરીને વૃદ્ધ લોકો માટે ચિંતિત છીએ. કારણ કે તેમની ગતિશીલતાને સંબંધિત સમસ્યાઓ છે."
બહારની દુનિયાથી અલગ

ઇમેજ સ્રોત, Laxman Adhikari
સ્થાનિક લોકો કહે છે કે ત્યારથી જ હિમાલયનાં ગ્લેશિયર અને તળાવો પર ગ્લોબલ વૉર્મિંગની અસર વધી ગઈ છે અને પૂરને કારણે થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી.
થામે નદી ખુંબુ ઘાટીની ડાબી તરફથી વહેતી હતી. શુક્રવારે આવેલા પૂરને કારણે નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. આ નદી હવે ગામમાંથી પસાર થાય છે અને ગામની લગભગ અડધી જમીનને પોતાની અંદર સમાવી લે છે.
ડોમા શેરપાએ કહ્યું, "બાકી રહેલી મોટા ભાગની જમીન કાટમાળ અને પથ્થરોથી ભરેલી છે."
"આ ભૂકંપને કારણે નષ્ટ થયેલાં ઘરોની ફરીથી બનાવવાં જેવું છે. તમારી પાસે જ્યારે જમીન જ નથી તો તમે શું બનાવશો?"
પૂરને કારણે આ વિસ્તારમાં વીજળી આપતાં એકમાત્ર હાઇડ્રોપાવર સ્ટેશનના જળાશયને પણ નુકસાન કર્યું છે.
પૂરને કારણે સ્ટેશનને કામ કરવાનું બંધ કરી દીધું છે. આ કારણે જળાશયમાં કાદવ અને કાટમાળ જમા થઈ ગયો છે.
થામેની નજીક આવેલા એક મુખ્ય પર્યટકસ્થળ નામચેમાં એક યુવા ક્લબના અધ્યક્ષ મિંગમા શેરપાએ કહ્યું, "પરિણામે વીજળીની આપૂર્તિ બંધ થઈ ગઈ છે. અને આ કારણે ફોન સેવાઓ પણ કામ કરી રહી નથી. પૂર પછી આ વિસ્તાર બહારની દુનિયાથી અલગ પડી ગયો છે. આ ખૂબ જ ભયાવહ છે."
"અમે જળવાયુ પરિવર્તનના ધીમી અસર જેવી કે ઘટતા જળ સંસાધનો વિશે ચિંતિત હતા. જોકે, આ સ્થિતિએ દર્શાવ્યું કે અમે કેટલા અસુરક્ષિત અને નબળા છીએ."
સરકારી અધિકારીઓ સ્થાનિક લોકોના ડર વિશે જાણે છે.
એનડીઆરએમએસના પ્રમુખ અનિલ પોખરેલે કહ્યું, "અમે નિષ્ણાતોની એક ટીમ બનાવી રહ્યા છીએ જે થેમ ગામની ઉપર આવેલાં ત્રણ તળાવોને કારણે ઊભા થઈ શકે તેવા જોખમો વિશે અભ્યાસ કરશે."
"આ ટીમ જાણકારી મેળવશે કે તળાવની નીચેનો વિસ્તાર લોકોના રહેવા માટે સુરક્ષિત છે કે નહીં. અમે આ વિસ્તારમાં આપદાનું જોખમ ઓછું થાય તેના પર પણ કામ કરી રહ્યાં છીએ."
જોકે, સ્થાનિક શેરપા સમાજના સભ્ચોનું કહેવું છે કે જ્યારે ગ્લેશિયલ તળાવના વિસ્ફોટને કારણે થતાં જોખમોનો સામનો કરવાની વાત આવે છે ત્યારે અમે છેલ્લાં કેટલાક વર્ષોમાં વાતો વધારે સાંભળી છે અને કાર્યવાહી ઓછી જોઈ છે.
ડોમા શેરપાએ કહ્યું, “અમે બધી મોટી યોજનાઓ વિશે વાતો સંભાળીએ છીએ. ખાસ કરીને સંમેલનો દરમિયાન. જોકે, આ યોજનાઓને જલદી જ ભૂલી જવામાં આવે છે. જોકે, અમે ન ભૂલી શકીએ કે આ પૂરે શું કર્યું. અમે એ પણ ન ભૂલી શકીએ કે ત્યાં બીજાં તળાવો પણ છે જે અમારા માટે ફરીથી આવી સ્થિતિ લાવી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












