ભારતમાં હિલસ્ટેશનો સહિતના વિસ્તારોમાં તાપમાન કેમ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝૈદ કાઝી
- પદ, બીબીસી માટે
બળબળતા ઉનાળા પછી ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને રાહત થઈ છે.
ભારતે આ વર્ષે અતિશય ગરમ ઉનાળો જોયો છે. આ ઉનાળામાં નવી દિલ્હીના એક વિસ્તારમાં 52.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
જોકે, હવામાન વિભાગે તરત જ તેની તપાસ કરતાં ‘સ્થાનિક પરિબળોને કારણે અથવા સેન્સરમાં ભૂલને કારણે’ આટલું તાપમાન નોંધાયું હોવાનું કહ્યું હતું.
આવી ગરમીને કારણે અનેક વિસ્તારોમાં સરકારે શાળાઓને બંધ કરવી પડી છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પહેલી વાર સતત 40 દિવસ સુધી 40 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળ્યું હતું.
ભારતીય હવામાન વિભાગે બહાર પાડેલા એક અહેવાલમાં વાર્ષિક જમીનનું તાપમાન 2023માં લાંબા ગાળાની સરેરાશ સાથે સરખામણી કરતાં 0.65 ડિગ્રી સેલ્શિયસ જેટલું વધુ હતું.
1901થી દેશમાં તાપમાન અંગેનો રેકૉર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી વર્ષ 2023 એ બીજું સૌથી વધુ ગરમ વર્ષ હતું. 2024 પણ કંઈક તેની જ આસપાસ રહ્યું હતું.
પહાડી વિસ્તારોમાં પણ ઊંચું તાપમાન

આ પ્રકારના હીટ વેવ પછી અંદાજે 70 લાખથી વધુ પ્રવાસીઓએ ગરમીથી રાહત મેળવવા માટે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રવાસીઓને એ આંચકો પણ લાગ્યો હતો કે ત્યાં પણ પાણીની તંગી હતી અને રાજ્ય સરકારે હિમાચલ પ્રદેશમાં પણ હીટ વેવની ચેતવણી જાહેર કરી હતી.
હિમાચલ પ્રદેશનાં કેટલાંક શહેરોમાં પણ 40થી વધુ ડિગ્રી સેલ્શિયસ સુધી તાપમાન પહોંચી ગયું હતું. જ્યારે શિમલામાં ફરી એક વાર તાપમાને 30 ડિગ્રીનો રેકૉર્ડ તોડ્યો હતો.
ઉનાળાની સરેરાશ કરતાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી જેટલો ઊંચો પહોંચી ગયો હતો.

અન્ય પ્રવાસનસ્થળો કે હિલસ્ટેશનોમાં પણ લગભગ આવું જ વાતાવરણ જોવા મળ્યું હતું. ડેટા દર્શાવે છે કે અન્ય સ્થળો પણ હજુ ગરમ થઈ રહ્યાં છે.
છેલ્લી એક શતાબ્દીમાં હિમાચલ પ્રદેશનું વાર્ષિક સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્શિયસ જેટલું વધ્યું છે, જ્યારે કાશ્મીરનું તાપમાન 1.2 ડિગ્રી સેલ્શિયસ જેટલું વધ્યું છે.
આ મે મહિનામાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતું દેહરાદૂન પણ વિક્રમજનક 43 ડિગ્રી તાપમાનનો ભોગ બન્યું હતું.
મે મહિનામાં દેહરાદૂનમાં આ પહેલાં ક્યારેય એટલું તાપમાન નોંધાયું નથી. સરેરાશ કરતાં તે આઠ ડિગ્રી વધુ હતું.
દરિયાકિનારાનાં સ્થળોની શું હાલત થઈ?

ઉષ્ણકટિબંધીય ટાપુઓના બીચ પર આરામ કરવો અને ફરવું એ ભારતીયો માટે ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં મોટું આકર્ષણ રહ્યું છે.
2023માં ભારતમાંથી 4 લાખ કરતાં વધુ લોકોએ ઇન્ડોનેશિયામાં આવેલા બાલી ટાપુઓની મુલાકાત લીધી હતી.
પ્રવાસન મંત્રાલયના આંકડાઓ મુજબ 2023માં 3 લાખથી વધુ ભારતીયોએ આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી હતી અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
જોકે, વધતા તાપમાને પહાડોની જેમ ટાપુઓને પણ છોડ્યા નથી. ત્યાં તેની અસરો અલગ રીતે જોવા મળે છે.
નાસાનો ડેટા દર્શાવે છે કે પાછલાં 100 વર્ષોમાં વૈશ્વિક તાપમાન લગભગ 1 ડિગ્રી સેલ્શિયસ જેટલું વધ્યું છે, તેની સામે દરિયાની સપાટી પણ અડધો ફૂટ (છ ઇંચ) વધી છે.

આ વૈશ્વિક અસર મોટે ભાગે 1993થી જોવા મળી છે.
સેટેલાઇટ ડેટા બતાવે છે કે આંદામાનના દરિયામાં પાણીની સપાટી દર વર્ષે સરેરાશ 3.8 મિમીના દરે સતત વધી રહી છે.
બીજી તરફ ઈન્ડોનેશિયાના સમુદ્રમાં સરેરાશ વાર્ષિક 4.5 મિમીનો વધારો જોવા મળ્યો છે.
અર્થ સાયન્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગર દર વર્ષે સતત 3 મિમીથી વધુની ઝડપે વધી રહ્યો છે.

વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના નિષ્ણાતો સૂચવે છે કે સમુદ્રના સ્તરમાં વધારો થવાનો અર્થ એ છે કે પાણી ટૂંક સમયમાં જમીન પર અતિક્રમણ કરી શકે છે અને હિંદ મહાસાગરના ઘણા વિસ્તારો તેમના કિનારાનો 80% ભાગ ગુમાવી શકે છે.
વર્લ્ડ બૅન્કનો ડેટા દર્શાવે છે કે અંદાજે 3 મીટરના વધારાથી ભારતનો 21,267 કિમી ચોરસ વિસ્તાર તેની અસર હેઠળ આવી શકે છે.
તેના કારણે 1.2 કરોડથી વધુ લોકોને સીધી અસર થઈ શકે છે અને તેની જીડીપી ઇમ્પેક્ટ 43 બિલિયન અમેરિકી ડૉલર જેટલી છે.
સમગ્ર દક્ષિણ એશિયામાં તેને કારણે 1.8 કરોડ લોકોને અસર થશે.
ઠેરઠેર દાવાનળની પરિસ્થિતિ

પર્વતો અને કિનારાઓ ઉપરાંત લોકો ભારતનાં પ્રખ્યાત જંગલોની મુલાકાત લેતાં હોય છે અને જંગલ સફારી કોને ન ગમે?
2023માં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ જિમ કૉર્બેટ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. આ ટાઇગર રિઝર્વે દાવો કર્યો હતો કે તેના કારણે તેની રેવન્યૂમાં 13 કરોડથી વધુની આવક થઈ છે. વધુમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
પરંતુ શું ભારતનાં જંગલો સુરક્ષિત છે?
જ્યારે રાષ્ટ્રીય વન સંરક્ષિત છે, ત્યારે અન્ય ભાગમાં આવેલા વનવિસ્તારોને વ્યાપક નુકસાન થયું છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનનો ડેટા દર્શાવે છે કે સમગ્ર ભારતમાં 2015 અને 2020 વચ્ચે 6.68 લાખ હેક્ટર પ્રતિવર્ષ વનનાબૂદીનો દર હતો.
આ સંસ્થાએ રિફોરેસ્ટેશન અંગે કોઈ આંકડાઓ જાહેર કર્યા નથી.

ગ્લોબલ ફૉરેસ્ટ વોચનો ડેટા સૂચવે છે કે ભારતે તેનાં ભેજવાળાં જંગલોની નોંધપાત્ર માત્રા ગુમાવી દીધી છે.
2002થી 2023 સુધીમાં દેશમાં 4.14 લાખ હૅક્ટર જંગલ ઘટ્યાં છે. તેના કારણે દેશનો કુલ ટ્રી-કવર લોસૉ 18 ટકા જેટલો થયો છે.
આ વિસ્તાર અંદાજે દિલ્હીના ક્ષેત્રફળ જેટલો થાય છે.
ક્ષેત્રફળની દૃષ્ટિએ આ દર 23 લાખ હૅક્ટર જેટસો એટલે કે ઇઝરાયલ કરતાં પણ વધુ મોટો વિસ્તાર છે.
આથી, એ નવાઈની વાત નથી કે દેશના હિલસ્ટેશનો કેમ ગરમ થઈ રહ્યાં છે અને ભૂતકાળના તમામ રેકૉર્ડ કેમ તોડી રહ્યા છે.












