મણિપુર હિંસા: એક વર્ષ પછી પણ વિનાશ અને વિસ્થાપનના ઘા રુઝાયા નથી - ગ્રાઉન્ડ રિપોર્ટ

નેંગનેઈ ચોંગ અને તેમનાં દીકરી

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/ BBC

ઇમેજ કૅપ્શન, નેંગનેઈ ચોંગ અને તેમનાં દીકરી
    • લેેખક, મયૂરેશ કોણ્ણૂર અને દિલીપકુમાર શર્મા
    • પદ, મણિપુર અને મિઝોરમથી

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયેલી જાતીય હિંસામાં 200થી વધારે લોકોનાં મોત થયાં છે અને એક વર્ષ પછી પણ સ્થિતિ સામાન્ય થઈ નથી.

લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું,"મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. તે પહેલાં દસ વર્ષ શાંત રહ્યું. મણિપુર આજે પણ ત્યાં અચાનક ઊભી થયેલી કે સર્જવામાં આવેલી વિખવાદની આગમાં સળગી રહ્યું છે. તેના પર કોણ ધ્યાન આપશે?"

મોહન ભાગવતના નિવેદન પછી ગૃહમંત્રી અમિત શાહે સેના પ્રમુખ અને ગુપ્તચરના વડા જેવા વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.

સ્થિતિ એ છે કે હિંસાથી અસરગ્રસ્ત મૈતેઈ અને કુકી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રાહત શિબિરોમાં રહે છે. હિંસાથી અસરગ્રસ્ત એવા પણ લોકો હતા જેમને ભાગીને પાડોશી રાજ્ય મિઝોરમમાં શરણ લેવું પડ્યું હતું.

રાજ્યના મૈતેઈ સમાજને અનુસૂચિત જનજાતીનો દરજ્જો દેવાની માંગણીને આ હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ માંગણીનો વિરોધ મણિપુરના પહાડી વિસ્તારોમાં રહેતા કુકી જનજાતિના લોકો કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

કેવી પરિસ્થિતિ છે?

52 વર્ષીય નેંગનેઈ ચોંગ મણિપુરનાં રહેવાસી છે, પરંતુ હવે મિઝોરમની રાહત શિબિરમાં રહે છે

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, 52 વર્ષીય નેંગનેઈ ચોંગ મણિપુરનાં રહેવાસી છે, પરંતુ હવે મિઝોરમની રાહત શિબિરમાં રહે છે

52 વર્ષીય નેંગનેઈ ચોંગ મણિપુરના સુગન લાંગચિંગ ગામમાં પોતાના દીકરાઓ સાથે રહેતાં હતાં. તેઓ મણિપુરના એ વિસ્થાપિત 12 હજાર લોકોમાં સામેલ છે જે પાડોશી રાજ્ય મિઝોરમની રાહત શિબિરોમાં રહે છે.

મિઝોરમના પાટનગર આઇઝોલથી લગભગ 15 કિલોમીટર દૂર શહેરી ગરીબો માટે બનેલી એક હાઉંસિગ સોસાયટીમાં રહેનારા નેંગનેઈને ઘર વાપસીની કોઈ આશા નથી. તેમની પાસે ન કોઈ કામ છે અને ન કોઈ મૂડી.

રાહત શિબિરમાં જ તેમનું જીવન પસાર થઈ રહ્યું છે. આ શિબિરમાં કુકી-ઝોમી જનજાતિના બીજા 20 પરિવારોએ પણ શરણ લીધું છે.

નેંગનેઈ ચોંગના પતિ ભારતીય સેનામાં સૂબેદાર હતા. તેમના પતિનું આઠ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.

તેમણે કહ્યું, "અમે બાળકોને ભણાવીને સારું જીવન આપવા વિશે વિચારતા હતા. જોકે, હિંસાને કારણે અમારે ગામ છોડીને ભાગવું પડ્યું. હવે રાશન ખરીદવા માટે દીકરાને દરરોજ મજૂરી કરવી પડે છે. અમે બધા જ મરી ગયા હોત તો સારું થયું હોત."

મણિપુરમાં હિંસાને કારણે લગભગ 50 હજાર લોકો વિસ્થાપિત થયા હતા.

ગામમાં થયેલી હિંસાને યાદ કરતા નેંગનેઈ ચોંગે કહ્યું, "અમે બધા ચર્ચમાં પ્રાર્થના કરી રહ્યાં હતાં. બહાર ગોળીબાર થઈ રહ્યો હતો. ત્યારબાદ ગામનાં અમારાં ઘરોમાં આગ લગાડી દેવામાં આવી હતી. એક ક્ષણ માટે લાગ્યું કે તે અમારી અંતિમ રાત હતી."

તેમણે કહ્યું, "મારા પતિએ સેનામાં રહીને દેશની સેવા કરી, પરંતુ આજે અમારો પરિવાર શરણાર્થી બની ગયો છે."

કોઈ આશા દેખાતી નથી

ઇમ્ફાલસ્થિત મૈતેઈ રાહત શિબિર

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC

ઇમેજ કૅપ્શન, ઇમ્ફાલસ્થિત મૈતેઈ રાહત શિબિર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મણિપુરમાં થયેલી હિંસાને કારણે હજારો જીવન તબાહ થઈ ગયાં. અસરગ્રસ્તોમાં કુકી અને મૈતેઈ બંને સમુદાયના લોકો સામેલ છે.

મૈતેઈના પ્રભુત્વવાળા ઇમ્ફાલના અલગ-અલગ ભાગોમાં પણ બધાંના પોતાના ઝખ્મો છે.

અમને જણાવવામાં આવ્યું કે આકમપાત વિસ્તારમાં આવેલી ‘આઇડિયલ ગર્લ્સ કૉલેજ’માં ચાલી રહેલી રાહત શિબિરમાં લગભગ એક હજાર વિસ્થાપિત લોકો રહે છે.

કૉલેજના ક્લાસ રૂમ હવે ઘર બની ગયા છે. બેથી ચાર પરિવારો એક જ રૂમમાં સાથે રહે છે. ક્યાંક રસોઈ બની રહી છે તો ક્યાંક બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે.

મોરે શહેરમાં જ્યારે હિંસા ફેલાઈ તો લેમ્બી ચિંગથામ, તેમનાં માતા, બે દીકરીઓ, એક દીકરા અને વૃદ્ધ દાદીને ત્યાંથી ભાગવું પડ્યું. તેઓ જીવ બચાવવા માટે આ શિબિરમાં આવી ગયા.

12માં ધોરણમાં શાળામાં ટૉપ કરનાર લેમ્બી ડૉક્ટર બનવા માટે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમના માતા શિબિરમાં બનતી વસ્તુઓને વેચીને પરિવારનો ખર્ચ ચલાવે છે. જોકે, લેમ્બી આગળ અભ્યાસ ન કરી શકી અને તેઓ હવે બાળકોને ભણાવે છે.

લેમ્બી ચિંગથામે કહ્યું, "હું ડિપ્રેશનમાં છું. જોકે, હું ડિપ્રેશનમાં વિચારું છું કે મારો પરિવાર અહીં કેવી રીતે રહેશે?"

હિંસાને કારણે પરિવારો વિભાજિત

રાહત શિબિરમાં રહેતા લેમ્બી બાળકોને ભણાવે છે

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC

ઇમેજ કૅપ્શન, રાહત શિબિરમાં રહેતા લેમ્બી બાળકોને ભણાવે છે

નેંગનેઈ ચોંગ મિઝોરમમાં છે તો તેમના સંબંધી અને તેમના જ ગામમાં રહેનારા બૉઈનૂ હાઓકીપ મણિપુરના કુકી પ્રભુત્વવાળા ચુરાચાંદપુરમાં રહી ગયા. હિંસા ફાટી નીકળ્યાના થોડા દિવસો બાદ જ હજારો વિસ્થાપિત કુકીઓ અહીં આવી પહોંચ્યા હતા.

માતા-પિતા સાથે ભાડાના ઘરમાં રહેતાં બૉઈનૂના પીએચડીનો વિષય છે – ‘મણિપુરમાં થયેલી જાતિય હિંસા અને માનસિક તણાવ.’

તેમણે જણાવ્યું, "અમે અહીં નાના વેપારો શરૂ કર્યા છે. કોઈ શાકભાજી વેચે છે તો કોઈ દરરોજ મજૂરી માટે જાય છે. નોકરીઓ મળવી મુશ્કેલ છે. મારા પરિવાર બીજાની જમીન પર ખેતી કરે છે. અમને તેમાં જે રૂપિયા મળે તે જ અમારી કમાણી છે."

તેમનો નેંગનેઈના પરિવાર સાથે કોઈ સંપર્ક નથી. જોકે, તેમનાં માતા-પિતા ફોન પર ક્યારેક-ક્યારેક નેંગનેઈ સાથે વાત કરે છે. રાજ્યની બૉર્ડરની બંને તરફ વહેંચાયેલા આ પરિવારો માટે સમય જાણે થંભી ગયો છે.

શ્રીમા નિગોમ્બામ ઇમ્ફાલમાં આવેલી ‘નામ્બોલ એ સનોય’ કૉલેજમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર છે અને મણિપુરની મહિલાઓ પર રિસર્ચ કરે છે.

તેમણે કહ્યું કે આ પરિસ્થિતિની અસર બંને સમુદાયોની મહિલાઓ પર જોવા મળે છે અને તે સરળતાથી જશે નહીં.

શ્રીમાએ કહ્યું, "ઘણી મહિલાની કમાણી બંધ થઈ ગઈ છે. મોટા ભાગની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. ઘણી મહિલાઓ માનસિક રોગો, ઘરેલુ હિંસા અને યૌન હિંસાનો ભોગ બની હતી. આ મહિલાઓએ રાહત શિબિરોમાં પોતાની ગોપનીયતા સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. આ સ્થિતિને એક દિવસમાં બદલી ન શકાય."

લાલાસોંગેટ કરોડપતિથી મજૂર બન્યાં

રામથાંગ અને તેમના પત્ની, રામથાંગે દાવો કર્યો છે કે તેમણે 28 વર્ષ સેનામાં સેવા આપી છે

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC

ઇમેજ કૅપ્શન, રામથાંગ અને તેમનાં પત્ની, રામથાંગે દાવો કર્યો છે કે તેમણે 28 વર્ષ સેનામાં સેવા આપી છે

60 વર્ષીય લાલાસોંગેટ પણ પત્ની, ત્રણ દીકરાઓ, બે વહુઓ અને ત્રણ પૌત્ર-પૌત્રી સાથે મિઝોરમની રાહત શિબિરમાં રહે છે.

એક સમય હતો જ્યારે તેઓ મણિપુરમાં કરોડોના મકાનમાં રહેતા હતા. તેમના બે દીકરાઓ આજે રૉબર્ટ અને હૈલરી મિઝોરમમાં રોજ મજૂરી કરવા માટે મજબૂર છે.

તેમણે કહ્યું, "અમે આ હિંસામાં બધું જ ગુમાવી દીધું. મેં દીકરાઓ માટે 80 લાખનો ખર્ચો કરીને કપડાનો શો-રૂમ ખોલ્યો હતો. અમારી પાસે 40 લાખની ગાડીઓ હતી. અમારી પાસે હવે કશું ન રહ્યું."

લાલાસોંગેટે કહ્યું, "અમે મિઝોરમમાં સુરક્ષિત છીએ. અહીંની સરકારે અમારી ઘણી મદદ કરી. યંગ મિઝો ઍસોશિએશને (વાઈએમએ) અમને કપડાં અને ખાવા-પીવાનો સામાન આપ્યો. સ્થાનિક લોકો અમારું ધ્યાન રાખે છે."

મણિપુરના ચુરાચાંદપુરમાં રહેતા લાલાસોંગેટના સાળાએ 28 વર્ષ દેશની સેનામાં સેવા આપી ચુક્યા છે. પરિવારથી દૂર રહી ચુકેલા રામથાંગે અમને ભુતકાળના સારા દિવસોની તસવીરો દેખાડી.

તેમણે કહ્યું, "મન ખૂબ જ દુ:ખી રહે છે. હું ક્યારેક-ક્યારેક લાલાસોંગેટને કહું છું કે તમે અહીં આવી જાઓ. જે પણ થાય આપણે અહીં સાથે રહીશું. જોકે, લાલાસોંગેટ કહે છે કે તેઓ હવે ત્યાં (મિઝોરમમાં) જ રહેશે."

પાકિસ્તાન વિરુદ્ધ 1971ના યુદ્ધમાં લડી ચૂકેલા રામથાંગને દુ:ખ છે કે હિંસા દરમિયાન તેમના બધા જ મેડલ ખોવાઈ ગયા. બદલાયેલી પરિસ્થિતિમાં તેઓ પણ મજૂરી કરવા માટે મજબૂર છે.

દિલોમાં હજુ પણ અંતર

ચુરાચાંદપુરસ્થિત રાહત શિબિર

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC

રાજ્ય અને કેન્દ્રની સરકારો દાવો કરે છે કે સ્થિતિને સામાન્ય કરવાના બધા જ પ્રયત્નો કરી રહી છે. જોકે, મણિપુર આજે પણ પાટા પર આવ્યું નથી. કેટલાય પરિવારો પાડોશી રાજ્ય મિઝોરમની રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે.

મિઝોરમમાં આ સમયે મણિપુરના લગભગ 12 હજાર શરણાર્થીઓ ઉપરાંત મ્યાનમારથી ભાગીને આવેલા 35 હજાર લોકોએ શરણ લીધું છે.

આ શરણાર્થીઓના મિઝો જનજાતિ સાથે સંબંધ હોવાને કારણે સ્થાનિક લોકો તેમની મદદ કરી રહ્યા છે. મદદ કરનાર લોકોમાં મિઝોરમના સૌથી અસરકારક ખ્રિસ્તી સંગઠન યંગ મિઝો ઍસોસિએશન સામેલ છે.

સંસ્થાના વરિષ્ઠ નેતા ડૉ. સાવમા વૈ કહે છે, "અમને જાણકારી છે કે રાહત શિબિરના કેટલાક લોકો મજૂરી કરવા માટે મજબૂર છે. કારણ કે એક પરિવારની અલગ-અલગ પ્રકારની જરૂર હોય છે. અમે પણ લોકોને કહ્યું કે તેઓ કામ કરી શકે છે. જોકે, મિઝોરમ એક નાનું રાજ્ય છે અને અહીં સંસાધનો મર્યાદિત છે."

બીબીસીની ટીમ આઇઝોલની કેટલીક રાહત શિબિરોમાં ગયા. આ શિબિરોમાં રહેતા શરણાર્થીઓએ સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર તરફથી રાશન મળતું નથી. જેમ કે, રે કૉમ્પલેક્ષ રાહત શિબિરમાં હિંસાથી પીડિત કુકી-ઝોમી જનજાતિના કુલ 62 પરિવારો રહે છે, જેમાં બાળકો અને વૃદ્ધો સામેલ છે.

જૉન લાલ ઝૂએ જણાવ્યું કે પરિવારનું પેટ રળવા માટે મારે રોજ મજૂરી કરવી પડે છે.

લાલવેંચુંગા મિઝોરમના મુખ્ય મંત્રીના નાણા અને યોજના સલાહકાર અને સ્થાનિક ધારાસભ્ય છે. રાશન ન મળવાની ફરિયાદ પર તેમણે કહ્યું, "સરકાર નવી છે અને રાજ્યમાં સંસાધનો મર્યાદિત છે. નવી સરકાર આર્થિક રીતે ઘણો સંઘર્ષ કરી રહી છે. કેન્દ્રમાં બનેલી એનડીએની નવી સરકાર અમારી વાત સાંભળે તો અમે આ લોકોની વધારે મદદ કરી શકીએ."

મિઝોરમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ વનલાલ હમુઅકાએ કહ્યું, "રાજ્યમાં નવી સરકાર બની તેને છ મહિના થઈ ગયા છે તેમ છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મણિપુરથી આવેલા પીડિતોની સાચી જાણકારી આપી શકી નથી. ભારત સરકાર પાસેથી મદદ મેળવવા માટે હિંસા પીડિતોની સાચી ઓળખાણ કરીને તેમનું નામ અને યાદી મોકલવી પડશે."

આ રાજકીય દલીલોની 33 વર્ષીય જોસેફ લુલુનના જીવન પર ભાગ્યે જ અસર પડશે.

તેઓ આઇઝોલમાં થઈ રહેલા વરસાદને કારણે છેલ્લા બે દિવસથી મજૂરી કરવા માટે જઈ ન શક્યા. જોસેફ પોતાની ગર્ભવતી પત્ની સાથે ગયા વર્ષે ચુરાચાંદપુરથી ભાગીને મિઝોરમ આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષથી રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

જોસેફે કહ્યું, "કામની શોધમાં મારે કેટલાય કિલોમીટર ચાલીને જવું પડે છે."

મૈતેઈ રાહત શિબિરોમાં વિખરાયેલા પરિવારોની કહાણી

રમેશ બાબૂ અને બીજા વિસ્થાપિતો ઇમ્ફાલના રસ્તાઓ પર મીણબતી વેચે છે

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC

ઇમેજ કૅપ્શન, રમેશ બાબૂ અને બીજા વિસ્થાપિતો ઇમ્ફાલના રસ્તાઓ પર મીણબતી વેચે છે

વિસ્થાપિતો મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં કેટલીક જગ્યાએ ડિટરજન્ટ પાઉડર અને અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા જોવા મળે છે. વિસ્થાપિતો રાહત શિબિરોમાં સામાન બનાવે છે અને કેટલાક લોકો આ સામાન બહાર જઈને વેચે છે. તેઓ હાલમાં આ જ રીતે ગુજરાન ચલાવે છે.

વિસ્થાપિતોમાં કુકીના પ્રભુત્વવાળા ચુરાચાંદપુરથી વિસ્થાપિત થયેલા થોનાઉજામ રમેશ બાબૂ પણ છે. તેઓ અમને ગામની કેટલીક મહિલાઓ સાથે સાબુ, અગરબત્તીઓ અને મીણબતી વેચતા જોવા મળ્યા.

તેમણે જણાવ્યું, "અમારાં માતા, બહેન, સંબંધીઓ શિબિરમાં દિવસ-રાત આ સામાન બનાવે છે. ત્યારબાદ કેટલાક લોકો શહેરમાં જઈને તેને વેચે છે. આ સિવાય બીજો શું વિકલ્પ છે?"

મિઝોરમમાં રહેતી નેંગનેઈ હોય કે ચુરાચાંદપુરની બૉઇનૂ કે પોતાના શિક્ષણ માટે પ્રયત્ન કરતી લેમ્બી, મણિપુરની હિંસા અને વિસ્થાપન બંને સમુદાયની મહિલાઓ પર ગંભીર માનસિક અને આર્થિક અસર કરી રહ્યા છે.

સ્થિતિમાં સુધારો નથી

આઇઝોલની એક રાહત શિબિરમાં રહેતા મણિપુર હિંસાના પીડિતો

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA/ BBC

ઇમેજ કૅપ્શન, આઇઝોલની એક રાહત શિબિરમાં રહેતા મણિપુર હિંસાના પીડિતો

મણિપુર ભાજપના પ્રવક્તા માયંગલાબામ સુરેશે કહ્યું, "સરકાર પણ જાણે છે કે શિબિરોમાં ભોજન અને થોડાક પૈસા દેવાથી કોઈ પણ ખુશ થશે નહીં. અમે જિલ્લા વહીવટીતંત્ર સાથે દરેક વિસ્થાપિતોની વધારે મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જોકે, આ પ્રકારની સ્થિતિમાં પોતાનું ઘર છોડીને શિબિરમાં રહેવાનું કોઈ નહીં ઇચ્છે."

સરકારી પ્રયત્નો, દાવાઓ, સારા ભવિષ્યની આશાઓ વચ્ચે એક વર્ષ પહેલા હિંસાને કારણે બરબાદ થઈ ગયેલા ગામડાઓ, તૂટી ગયેલાં ઘરો અને વિખરાયેલા પરિવારો જ મણિપુરની હાલની હકીકત છે.