ભારત મ્યાનમાર સાથેની 'સમસ્યારૂપ' સરહદ પર વાડ કેમ કરવા માગે છે?

સરહદ

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

માત્ર એક અઠવાડિયા પહેલાં જ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે પડોશી મ્યાનમાર સાથેની ખુલ્લી સરહદ પર વાડ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, સરકાર 1,643 કિલોમીટરની (1,020-માઇલ) સરહદનેે એ રીતે સુરક્ષિત કરશે જે રીતે "આપણે બાંગ્લાદેશ સાથેની દેશની સરહદ પર વાડ લગાવી છે." જે આના કરતા પણ બમણી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર છ વર્ષ જૂના 'ફ્રી મૂવમેન્ટ ઍગ્રીમેન્ટને' રદ કરવાનું પણ વિચારશે. જેની હેઠળ ભારત અને મ્યાનમારના સરહદી રહેવાસીઓને વિઝા વિના એકબીજાના પ્રદેશમાં 16 કિમી સુધી મુસાફરી કરવાની મંજૂરી છે. તેમણે વાડ કેવી રીતે બાંધવામાં આવશે અથવા કઈ સમયમર્યાદામાં કરવામાં આવશે તેના વિશે વધુ વિગતે જણાકારી નહોતી આપી.

પરંતુ કહેવાય છે કે આ પગલું પડકારોથી ભરપૂર હશે. કેટલાક નિષ્ણાતો કહે છે કે, પર્વતીય ઢોળાવવાળી જમીન વાડ કરવાના કામને અશક્ય બનાવી શકે છે અને ભારતની આ યોજના સરહદી વિસ્તારના લોકો વચ્ચે દાયકાઓથી અસ્તિત્વમાં રહેલા સંતુલનને અસ્થિર કરી શકે છે. તેમજ તેના પડોશીઓ સાથે તણાવને ઉત્તેજિત પણ કરી શકે છે.

ચાર ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝોરમને – જે સરહદી રાજયો છે એના પર વાડ કરવાની હિલચાલ બે મોટી બાબતોને અનુલક્ષીને ઘટી રહી હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ બાબત એ કે, ફેબ્રુઆરી-2021માં લશ્કરી બળવા પછી મ્યાનમારમાં સંઘર્ષમાં વધારો થવાથી ભારતીય હિતોને જોખમ ઊભું થયું હતું. યુએનના જણાવ્યા અનુસાર આ લડાઈમાં લગભગ 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરના અઠવાડિયામાં વંશીય બળવાખોરોએ મ્યાનમારના ચિન રાજ્યના મહત્ત્વપૂર્ણ શહેર પલેટવા પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જેણે મ્યાનમારથી ભારત તરફના મુખ્ય માર્ગને અવરોધ્યો હતો.

બીજું પરિબળ એ છે કે, મણિપુર જેની મ્યાનમાર સાથે લગભગ 400 કિમીની સરહદ છે, ત્યાં ગયા વર્ષે લઘુમતીઓ માટેની એક હકારાત્મક કાર્યવાહીને પગલે વંશીય હિંસા ભડકેલી હતી. બહુમતી મૈતેઈ અને આદિવાસી કુકી લઘુમતીના સભ્યો વચ્ચેની અથડામણમાં 170થી વધુ લોકોનાં મોત થયાં અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મણિપુરની સરકારે "મોટી સંખ્યામાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ" વિશે વાત કરી છે અને કહ્યું છે કે, "મણીપુરમાં સ્થાયી થયેલા પ્રભાવશાળી ગેરકાયદેસર અફીણ ઉગાડનારાઓ અને ડ્રગ લૉર્ડ્સ દ્વારા હિંસાને વેગ આપવામાં આવ્યો હતો."

ગ્રે લાઇન

'માનવ તસ્કરી તથા માદક દ્રવ્યોની હેરાફેરી વિશે ચિંતા'

સંઘર્ષ

ઇમેજ સ્રોત, AFP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત જુલાઈમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યાનમારની સૈન્યની આગેવાની હેઠળની સરકાર તરફથી તેમના સમકક્ષ થાન સ્વીને જાણ કરી હતી કે, ભારતના સરહદી વિસ્તારો " ગંભીર રીતે વિક્ષેપિત" છે. તેમણે કહ્યું હતું કે, "કોઈપણ ક્રિયાઓ જે (સરહદની) પરિસ્થિતિને વધારે તણાવયુક્ત બનાવે છે તેને ટાળવી જોઈએ".

અને તેમણે "માનવ તસ્કરી તથા માદક દ્રવ્યોની હેરાફેરી" વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

એક અમેરિકન થિંક-ટૅન્ક વિલ્સન સેન્ટરના માઇકલ કુગેલમેન માને છે કે, સરહદ પર વાડ કરવાનું પગલું "ભારતની પૂર્વીય સરહદ પર બે મોરચે સુરક્ષા જોખમના વધી રહ્યું હોવાની ભારતની ધારણાથી પ્રેરિત છે."

કુગેલમેને બીબીસીને જણાવ્યું હતું કે, "તે મ્યાનમારમાં ઉગ્ર થતા સંઘર્ષની સ્પિલ-ઑવર (સરહદો બહાર પ્રસરવાની) અસરોને મર્યાદિત કરવા અને મ્યાનમારથી વધુને વધુ શરણાર્થીઓના અસ્થિર થઈ રહેલા મણિપુરમાં થનારા પ્રવેશના જોખમને ઘટાડવા માગે છે."

કેટલાક આ કારણની માન્યતા પર સવાલ કરે છે. જ્યારે મણિપુરની સરકારે ત્યાંના સંઘર્ષને મ્યાનમારથી કુકી શરણાર્થીઓના ધસારાને જવાબદાર ગણાવ્યો છે. બીજી બાજુ સરકારની ખુદની પોતાની પૅનલે ગયા વર્ષના એપ્રિલના અંત સુધીમાં રાજ્યમાં મ્યાનમારમાંથી માત્ર 2,187 વસાહતીઓ આવ્યા હોવાની ઓળખ કરી હતી.

મ્યાનમારમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગૌતમ મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે,"મ્યાનમારમાંથી મોટાપાયે ગેરકાયદેસર સ્થળાંતરનું આ વર્ણન ખોટું છે. કુકીઓ 'વિદેશી' અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારા છે એટલે તેઓ મણિપુરના નથી એવું બતાવવા માટે આવું દર્શાવવામાં આવી રહ્યું છે અને ખોટું વર્ણન કરાયું છે. તાજેતરમાં તેમના પ્રતિકારને મ્યાનમાર તરફથી સમર્થન મળી રહ્યું છે એટલા માટે આ વાતને સમર્થન અપાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે.”

"આ માટેના તર્ક અને પુરાવા ખૂબ જ નબળા છે. કુકીઓ યુગોથી મણિપુરમાં વસવાટ કરે છે. મુક્ત ચળવળનું શાસન મૈઇતી સહિત તમામ સમુદાયો માટે સારી રીતે કામ કરી રહ્યું છે. તેમણે તેનો વ્યવસાયિક રીતે લાભ લીધો છે."

આ પ્રદેશમાં કાર્ય કરવાનો અનુભવ ધરાવતા એક વરિષ્ઠ નિવૃત્ત સૈન્ય અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સરહદ પર વાડની જરૂરિયાત નાગરિકોના સ્થળાંતર(વિસ્થાપન)ને કારણે નથી, પરંતુ ઉત્તર-પૂર્વના કેટલાંક ભારતીય બળવાખોરો જૂથોએ મ્યાનમારના સરહદી ગામો અને નગરોમાં છાવણીઓ સ્થાપી હતી એટલા માટેની છે.

ગ્રે લાઇન

આફસ્પા (AFSPA) એ કાયદો જે વિવાદમાં રહ્યો છે

ગામ

ઇમેજ સ્રોત, Reuters

દાયકાઓથી ભારતનો ઉત્તર-પૂર્વ ભાગ ભાગલાવાદી બળવાખોરોથી ઘેરાયેલો રહ્યો છે. આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (AFSPA) સુરક્ષા દળોને શોધ અને જપ્તીની સત્તા આપતો કાયદો અને ઑપરેશન દરમિયાન નાગરિક જાનહાનિમાં સામેલ સૈનિકોને રક્ષણ આપતો કાયદો, વિવાદાસ્પદ સાબિત થયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, મ્યાનમારમાં છુપાયેલા ભારતીય બળવાખોરો સરળતાથી સરહદ પાર કરી શકે છે અને "તેમની છેડતી અને હિંસક પ્રવૃત્તિઓ કરે છે."

જો કે, સરહદ પર વાડ કરવાની હિલચાલ પ્રતિકારને નોતરી શકે એવી શક્યતા છે.

ભારત અને મ્યાનમાર ઐતિહાસિક ધાર્મિક, ભાષાકીય અને વંશીય સંબંધો ધરાવે છે. ભારતીય મૂળના લગભગ 20 લાખ લોકો મ્યાનમારમાં રહે છે, જેઓ ભારતની ‘લૂક ઇસ્ટ’ નીતિ દ્વારા વધુ આર્થિક એકીકરણ ઇચ્છે છે.

આ નીતિ હેઠળ ભારતે મ્યાનમારને વિકાસ સહાય, રસ્તાઓ, ઉચ્ચ શિક્ષણ, ક્ષતિગ્રસ્ત પેગોડાના પુનઃસ્થાપન માટે 2 બિલિયલ અમેરિકી ડૉલર્સ કરતાં વધુનું ભંડોણ પ્રદાન કર્યું છે. જેમાંથી મોટાભાગનું ભંડોળ અનુદાનના રૂપમાં છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે, સરહદ સમાન વંશીયતા અને સંસ્કૃતિ ધરાવતા લોકોને વિભાજિત કરે છે.

મિઝોરમમાં મિઝો અને મ્યાનમારમાં ચિન્સ એ વંશીય રીતે પરસ્પર જોડાયેલા ભાઈઓ છે. જેમાં સરહદ પારના જોડાણો છે.

ખાસ કરીને મ્યાનમારના ખ્રિસ્તી ચિન રાજ્ય મિઝોરમની સરહદો સાથે જોડાયેલું છે. સરહદની બંને બાજુએ નાગાઓ છે. જેમાં મ્યાનમારના ઘણા લોકો ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવે છે.

અરુણાચલ પ્રદેશના વેલોંગના શિકારીઓ સદીઓથી સરહદ પાર કરીને આવતાં અને જતાં હોય છે.

એ આશ્ચર્યની વાત નથી કે, મિઝોરમે કેન્દ્ર સરકારના નિર્દેશોને અવગણીને મ્યાનમારમાં ગૃહયુદ્ધથી ભાગી આવેલા 40,000થી વધુ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે.

ભાજપના સાથી એવા નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, "અમારે આ મુદ્દાને કેવી રીતે ઉકેલી શકાય અને ઘૂસણખોરીને પણ કેવી રીતે અટકાવી શકાય તેના પર એક ફૉર્મ્યુલા તૈયાર કરવી પડશે. કારણ કે નાગાલૅન્ડ મ્યાનમારની સરહદે છે અને ત્યાં બંને બાજુએ છે નાગા સંસ્કૃતિના લોકો છે."

ગ્રે લાઇન

નાજુક રાજદ્વારી પ્રશ્ન

મિઝોરમની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઉપરાંત નિષ્ણાતો માને છે કે પર્વતીય અને ગીચ જંગલોની સરહદ પર ફૅન્સિંગ નોંધપાત્ર પડકારો ઊભા કરશે.

મ્યાનમારના જાણીતા નિષ્ણાત બર્ટિલ લિંટરે મને કહ્યું કે, "સરહદ સાથેના તમામ પર્વતો અને ભૂપ્રદેશની દૂરસ્થતાને જોતાં સમગ્ર સરહદ પર વાડ કરવી અશક્ય હશે. તે બાંગ્લાદેશ સાથેની સરહદ પર વાડ બાંધવા જેવું નહીં હોય."

"વાડ અવ્યવહારુ છે. તેને બનાવવામાં વર્ષો લાગશે અને જો કેટલીક જગ્યાએ બાંધવામાં આવે તો પણ સ્થાનિક લોકો તેની આસપાસના રસ્તાઓ શોધી લેશે."

વળી આમાં એક નાજુક રાજદ્વારી પ્રશ્ન પણ છે.

કુગેલમેનના જણાવ્યા અનુસાર, જ્યારે દિલ્હીએ મ્યાનમાર સાથેના સંબંધોમાં સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે, ત્યારે એવા સમયે સરહદ પર વાડ બાંધવી એ ઉશ્કેરણીજનક પગલું હોઈ શકે છે.

તેમણે કહ્યું, "ભારત અન્ય પ્રાથમિકતાઓ વચ્ચે સરહદ સુરક્ષા અને માળખાગત વિકાસ માટે જનતાનું સમર્થન માગે છે. એકપક્ષીય રીતે પ્રોજેક્ટને આગળ ધપાવવાના વિરોધમાં મ્યાનમાર સાથે પરામર્શ કરીને વાડ ઊભી કરવાથી તણાવનું જોખમ ઓછું થશે."

આખરે આ પગલું ભારતના સીમા સુરક્ષા પડકારોને રેખાંકિત કરે છે. દેશ કટ્ટર હરીફ પાકિસ્તાન અને ચીન સાથે સરહદી તણાવ સહન કરે જ છે. જે રાજકીય તણાવ, પ્રાદેશિક વિવાદો, યુદ્ધ, આતંકવાદ અથવા આવાં પરિબળોના સંયોજનથી ઉદ્ભવે છે.

ભારત દક્ષિણ એશિયામાં ચીન સામે પણ પડકાર ઝેલી રહ્યું છે અને ભારતની સરખામણીમાં ચીન મ્યાનમાર સાથે વધુ મજબૂત આર્થિક જોડાણ ધરાવે છે.

કુગેલમેને કહ્યું, "ભારત તેના પ્રાદેશિક પડોશીઓ સાથેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે અને વ્યાપક રીતે બેઇજિંગની હાજરીને લીધે મળી રહેલા પડકારોને અટકાવવા માટે પણ કોશિશ કરી રહ્યું છે. સરહદી પડકારો એક અનિચ્છનીય ઘૂસણખોરી ગણાય છે. તેની અવગણના ન કરી શકાય."

રેડ લાઇન
રેડ લાઇન