મણિપુરમાં દર 75 નાગરિક સામે એક સૈનિક, છતાં પણ હિંસા બેકાબૂ કેમ બની?

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મણિપુરમાં ત્રણ મહિના પહેલાં શરૂ થયેલી હિંસા પર કાબૂ મેળવવા 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેમાં સેનાથી લઈને અસમ રાઇફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને આઈટીબીપીના જવાનો અને અધિકારીઓ સામેલ છે.

મણિપુરની વસતી લગભગ 30 લાખ છે. એ મુજબ સરેરાશ 75 લોકો સામે એક સુરક્ષાકર્મી છે. છતાં પણ હિંસા અટકાવી નથી શકાઈ.

છેલ્લાં બે-ત્રણ દિવસ દરમિયાન નવેસરથી ભડકેલી હિંસામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.

હિંસાની એક તાજેતરની ઘટનામાં શનિવારે વિષ્ણુપુરના ક્વાતા વિસ્તારમાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની બર્બરતાથી હત્યા કરાઈ.

હિંસા કરનારા લોકો બંદૂકો અને મોર્ટારથી એકબીજા પર હુમલો કરી રહ્યા હતા. આ હથિયારો ત્યાંના પોલીસ હેડક્વાર્ટર્સમાંથી લૂંટવામાં આવ્યાં હતાં.

સુરક્ષાબળોની ભારે તહેનાતી હોવા છતાં હુમલાખોરો ખીણ અને પર્વતીય વિસ્તારોના બફર ઝોનને તોડીને હુમલા કરી રહ્યા છે.

મણિપુર પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં મણિપુરમાં જાતીય હિંસા વિશે પણ ઘણું લખાઈ રહ્યું છે.

19 જુલાઈએ મણિપુરની બે મહિલાઓ સાથે જાતીય હિંસા અને શોષણનો ભયાનક વીડિયો વાઇરલ થયા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયોની ચિંતા વધી ગઈ છે. આ વીડિયો વાઇરલ થયા બાદ પીએમ મોદીએ પહેલી વખત હિંસાને લઈને નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "દેશની બેઇજ્જતી થઈ રહી છે, દોષિતોને છોડવામાં નહીં આવે."

ગ્રે લાઇન

નવેસરથી ભડકેલી હિંસા

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યમાં 3 મે બાદ ભડકેલી હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, 50 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને મોટી સંખ્યામાં ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં લોહિયાળ હિંસાના ઘણા તબક્કા બાદ પણ એ રોકાવાનું નામ લેતી નથી. શુક્રવારે વિષ્ણુપુરના ક્વાતા વિસ્તારમાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની બર્બર હત્યા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સેના અને અર્ધસૈન્ય બળોની ભારે તહેનાતી પણ હિંસા કેમ રોકી શકતી નથી?

મૈતેઈ સમુદાયના આ લોકોને પહેલાં તલવારોથી કાપવામાં આવ્યા અને બાદમાં તેમનાં મૃતદેહો સળગાવી દેવાયા.

સુરક્ષાબળોનું કહેવું છે કે મૈતેઈ અને કુકી સમુદાયના લોકો એકબીજા પર હુમલો ન કરે એટલા માટે બંને વિસ્તારો વચ્ચે બફર ઝોન બનાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.

જોકે, રાજ્યમાં કામ કરી રહેલાં માનવાધિકાર કાર્યકર્તા કે. ઓનીલ કહે છે, "બફર ઝોન પર્વતોની જગ્યાએ ખીણવિસ્તારમાં બનાવવામાં આવી રહ્યા છે. જે કુકી સમુદાયના લોકોનો વિસ્તાર છે. તકલીફ એ છે કે એક હજાર એકરથી વધુ ખેતીલાયક જમીન બફર ઝોનમાં છે અને ત્યાં સેના અને કુકી ઉગ્રવાદીઓનો કબજો હોવાથી મૈતેઈ લોકો ખેતી કરી શકતા નથી. એ જ કારણ છે કે બફર ઝોનમાં પણ અથડામણ થઈ રહી છે."

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

ઓનીલને જ્યારે પૂછવામાં આવ્યું કે રાજ્યમાં દર 75 નાગરિકો સામે એક સુરક્ષાકર્મી હોવા છતા હિંસા કેમ રોકાતી નથી?

તો તેમણે જવાબ આપ્યો, "40 હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરાય કે 50 હજાર કે પછી એક લાખ. જ્યાં સુધી આ સંકટને નાબૂદ કરવા રાજકીય ઇચ્છાશક્તિ નહીં દેખાય ત્યાં સુધી શાંતિ ન સ્થપાઈ શકે."

શાંતિ માટે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોની અસર કેમ દેખાઈ રહી નથી?

ઓનીલ કહે છે, "રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ અણસાર દેખાતા નથી. હાલની સરકાર પાસે શાંતિ યથાવત્ રાખવા કોઈ મજબૂત યોજના નથી. સરકારે પોતાની તરફથી શાંતિ યથાવત્ રાખવા જે પગલાં લીધાં છે, તે ખૂબ જ લવચીક છે. શાંતિ સ્થાપવા માટે બનેલી કમિટિઓમાં એવા ઘણા લોકો સામેલ છે જે હિંસાનું ષડ્યંત્ર રચવાના આરોપી છે."

શું એન બીરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હઠાવ્યા બાદ શાંતિ સ્થપાશે?

ઓનીલ જવાબ આપે છે, "હાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર છે. તેના સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. મૈતેઈ અને કુકીઓ વચ્ચે હિંસા રોકવી સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ."

ગ્રે લાઇન

હિંસા બેકાબૂ કેમ?

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ હાલ મણિપુરથી રિપોર્ટિંગ કરી રહ્યા છે.

તેમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાજ્યમાં સુરક્ષાબળોની ભારે તહેનાતી બાદ પણ હિંસા કેમ બેકાબૂ છે?

તેમણે કહ્યું, "આ માટે મણિપુરની ભૌગોલિક પરિસ્થિતિ સમજવી જરૂરી છે. રાજ્ય પર્વતો, ખીણપ્રદેશ અને સમતળ મેદાનમાં વહેંચાયેલું છે. પર્વતીય વિસ્તારોમાં કુકી અને સમતળ મેદાનવિસ્તારમાં મૈતેઈ લોકો રહે છે. પરંતુ હવે બંને જગ્યાએ મિશ્રિત વસતી છે અને તમામ વિસ્તારો આસપાસમાં જ છે."

"એક-દોઢ કિલોમિટરના અંતરાળમાં જ ભૌગોલિક સ્થિતિ બદલાઈ જાય છે. એટલે કે યાત્રા દરમિયાન થોડી-થોડી વારમાં જ મૈતેઈ અને કુકી લોકોના વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. હિંસા ન રોકાવા પાછળનું એક કારણ બંને સમુદાયોના રહેણાક વિસ્તારો એકબીજાથી નજીક હોવાનું પણ છે."

સુરક્ષાબળો પાસે પૂરતા સંસાધનો છે. તેમ છતાં હિંસક ભીડ રોકવી મુશ્કેલ કેમ છે?

નીતિન શ્રીવાસ્તવ કહે છે, "છેલ્લા દોઢેક મહિના દરમિયાન ભીડ બંદૂકો અને દારુગોળા વડે હુમલો કરી રહી નથી. તેઓ દંડા તેમજ અન્ય ઓજારો લઈને આવે છે. સુરક્ષાબળો પાસે આવી ભીડ પર ગોળી ચલાવવાનો આદેશ નથી. એક ખાસ વાત એ છે કે જ્યારે-જ્યારે સુરક્ષાબળોની હાજરીમાં આવી હિંસા થઈ છે, ત્યારે-ત્યારે વધારે મૃત્યુ થયાં નથી. માત્ર લૂંટફાટ થઈ છે અને પ્રૉપર્ટીને નુકસાન પહોંચ્યું છે."

મણિપુરમાં સરકારી તંત્ર શું કરી રહ્યું છે? રાજ્યમાં બગડેલી પરિસ્થિતિને સંભાળી કેમ નથી શકતી?

નીતિન શ્રીવાસ્તવ કહે છે, "આ હિંસાને રોકવા માટે મણિપુર રાજ્યની સરકારની ભૂમિકા લગભગ નામ પૂરતી છે. હિંસા ભડકી ત્યારથી જ સરકારી તંત્રમાં કામ કરી રહેલા મૈતેઈ અને કુકી સમુદાયના લોકો પોતપોતાના વિસ્તારોમાં ચાલ્યા ગયા. માત્ર મુસ્લિમ મૈતેઈ, નાગા અને તામિલ મૂળના મુઠ્ઠીભર અધિકારીઓ અને કર્મચારીઓ રહી ગયા. જે કમજોરી બની ગઈ."

"જ્યાં સુધી તંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય થવામાં તકલીફ પડશે. સેના પણ ત્યારે જ સફળ થશે જ્યારે રાજ્ય સરકાર મજબૂત હશે."

મણિપુર હિંસા કેવી રીતે ભડકી

હિંસાની શરૂઆત કેવી રીતે થઈ?

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

હકીકતમાં મૈતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે ઘણા દાયકાથી તણાવ છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેમની વચ્ચે એકબીજાની જમીનો હડપવાને મામલે તણાવ વધી રહ્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બીરેન સિંહ સરકારે એક નોટિસ જાહેર કરીને પર્વતીય વિસ્તારના ચુરાચાંદપુર અને નોને જિલ્લાનાં 38 ગામોને ગેરકાયદે જાહેર કર્યાં હતાં.

નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ગામ સંરક્ષિત વનવિસ્તારમાં આવે છે. તેના લીધે કુકીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો.

તેમનું કહેવું હતું કે કોઈ પણ જાતની યોગ્ય જાહેરાત વગર તેમનાં ગામોને ગેરકાયદે જાહેર કરી દેવામાં આવ્યાં હતાં. સાથે જ સરકારે આ વર્ષે માર્ચમાં આ વિસ્તારોમાં અફીણના પાકને નષ્ટ કરવાનો શરૂ કર્યો હતો.

પરિસ્થિતિ ત્યારે વધુ બગડવાની શરૂ થઈ, જ્યારે મણિપુર હાઈકોર્ટે આ વર્ષે 14 એપ્રિલના રોજ પોતાના આદેશમાં રાજ્ય સરકારને કહ્યું કે તેઓ મૈતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો આપવાની ભલામણ મોકલે.

14 એપ્રિલનો આદેશ મૈતેઈ ટ્રાઇબ યુનિયનની અરજી પર થયેલી સુનાવણી બાદ આપવામાં આવ્યો હતો. તેમાં મણિપુર સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ મૈતેઈ સમુદાયને જનજાતિ સમુદાયમાં સામેલ કરવાની ભલામણ કેન્દ્રીય જનજાતીય મંત્રાલયને મોકલે.

હાઈકોર્ટની સિંગલ બૅન્ચના આદેશમાં મૈતેઈ સમુદાયની માગને માનીને રાજ્ય સરકાર 'ચાર સપ્તાહ'માં મૈતેઈ સમુદાયને જનજાતિ સમુદાયમાં સામેલ કરવાની ભલામણ કેન્દ્રને મોકલે.

મણિપુર હિંસા કેવી રીતે ભડકી

રસ્તા પર સંઘર્ષ

મણિપુરમાં હિંસા કેમ ભડકી

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉગ્ર લોકોના ટોળાએ ત્રણ મેની હિંસા પહેલાં 27 એપ્રિલે ચુરાચાંદપુરમાં એક જિમ સળગાવી દીધું હતું. એક દિવસ પછી મુખ્ય મંત્રી એન બીરેન સિંહ આ જિમનું ઉદ્ઘાટન કરવાના હતા.

ત્યાર પછી 28 એપ્રિલે કુકી લોકોની ભીડે જમીન ખાલી કરાવવા વિરુદ્ધ યોજેલી માર્ચ દરમિયાન વનવિભાગની ઑફિસ સળગાવી દીધી હતી.

એ પછી મૈતેઈ સમુદાયના લોકોએ જનજાતીય દરજ્જો આપવાની ભલામણ કરનારા કોર્ટના આદેશ વિરુદ્ધ પર્વતીય જિલ્લામાં ટ્રાઇબલ સૉલિડેરિટી માર્ચ યોજી હતી.

પરંતુ રૅડિકલ મૈતેઈ સમૂહ 'મૈતેઈ લિપુન' એ તેના વિરુદ્ધમાં રેલી યોજી અને નાકાબંધી કરી દીધી.

ત્યાર પછી લોહિયાળ હિંસાની શરૂઆત થઈ અને જોતજોતામાં પરિસ્થિતિ પોલીસના નિયંત્રણ બહાર પહોંચી ગઈ. 3 મેએ શરૂ થયેલી આ હિંસામાં અત્યાર સુધી 160 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને પરિસ્થિતિ હજુ પણ કાબૂમાં નથી.

મણિપુર

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ મેના રોજ યોજાયેલી રેલી દરમિયાન પોલીસને કઈ તોરબંગ અને કાંગવઈ વિસ્તારમાં બંને સમુદાયના લોકોનાં ઘર સળગાવી દેવાયાં હોવાના અહેવાલ મળ્યાં. એ જ બપોરે મૈતેઈ બહુમતી ધરાવતા વિસ્તાર બિષ્ણુપુરમાં ચર્ચ સળગાવાયું હોવાના અહેવાલ સામે આવ્યા.

સાંજ સુધીમાં બિષ્ણુપુર અને ચુરાચાંદપુરમાં કુકી અને મૈતેઈ લોકો વચ્ચે રસ્તા પર સંઘર્ષ થવા લાગ્યો. પછી ઉગ્ર થયેલાં ટોળાએ ચુરાચાંદપુર અને આસપાસના વિસ્તારોમાં પોલીસમથકોમાંથી હથિયાર લૂંટવાનાં શરૂ કર્યાં.

રાત સુધીમાં બંને સમુદાયના લોકોએ એકબીજાનાં ઘરો સળગાવવાનાં શરૂ કરી દીધાં.

આ વચ્ચે અફવા ફેલાઈ કે કુકી સમુદાયના લોકોએ મૈતેઈ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો અને તેમની હત્યા કરી દીધી.

ત્યાર પછી હિંસા વધુ લોહિયાળ બની અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર પહોંચી ગઈ.

રેડ લાઇન
રેડ લાઇન