મણિપુરમાં વણથંભી હિંસા, લોકો વચ્ચે વધેલું અંતર અને ઊંડા જખમની પીડા

ઓઍનામ રોમેનસિંહના માતા-પિતા
ઇમેજ કૅપ્શન, ઓઍનામ રોમેનસિંહના માતા-પિતા
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

મણિપુરમાં હિંસા શરૂ થયાનો લગભગ નવમો મહિનો ચાલી રહ્યો છે, પરંતુ રાજ્યમાંથી લોકોના મોતના સમાચાર સતત આવી રહ્યા છે.

પાછલા દિવસોમાં ગોળીબારમાં સલામતી દળોના જવાનો અને સામાન્ય લોકોનો જીવ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલી ગૃહ મંત્રાલયની ટીમે સ્થાનિક નેતાઓ, અધિકારીઓ, સંગઠનો વગેરે સાથે વાત કરી છે. હિંસાના આ માહોલમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ હતી.

એ યાત્રામાં સામેલ કૉંગ્રેસના નેતા જયરામ રમેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, “વડા પ્રધાન આઠ મહિનાથી ચૂપ કેમ છે? તેઓ ઈમ્ફાલ એક કલાક માટે પણ આવ્યા નથી.”

અમે રાજધાની ઈમ્ફાલથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા મૈતેઈ બાહુલ્યવાળા આકાશોઈ ગામમાં ગયા હતા.

ગામ શોકમાં ડૂબેલું હતું

મૃતકોને શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, મૃતકોને શ્રદ્ધાંજલિ

ગામના ચાર લોકો ઘરે 10 જાન્યુઆરીએ પાછા ન આવ્યા ત્યારે અહીં સનસનાટી ફેલાઈ ગઈ હતી. એ લોકોના મૃતદેહ નજીકના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા.

ઓયનામ રોમેનસિંહ, અહંતેન દારા મૈતેઈ, થાઉદામ ઈબોમચા મૈતેઈ તથા તેમના પુત્ર થાઉદામ આનંદસિંહ લાકડાં વેચીને રોજ 100-200 રૂપિયા કમાતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સશસ્ત્ર ઉગ્રવાદીઓ પર પોલીસને શંકા છે.

અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની બહાર મૃતકોના કેટલાક ફોટા જોવા મળ્યા હતા. દારા મૈતેઈનાં પત્ની રડતાં-રડતાં બેભાન થઈ ગયાં હતાં. પરિવારજનો તેમના મોં પર પાણી છાંટીને તેમને ઘરની અંદર લઈ ગયા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓયનામ રોમેનસિંહના મૃત્યુના સમાચાર મળ્યા છે ત્યારથી તેમનાં પત્ની પ્રમોદિની લેઈમાએ ખાવાનું છોડી દીધું હતું. ઘરમાં સામાન વચ્ચે રાખવામાં આવેલા ખાટલા પર તેઓ આંખો બંધ કરીને સૂતેલાં હતાં અને તેમને ડ્રિપ લગાવવામાં આવી હતી. બાળકો ભયભીત છે.

ઓયનામે તેમનાં સંતાનોને વચન આપ્યું હતું કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશો તો કંઈક સારું ખવરાવશે. પરીક્ષાનું પરિણામ આવી ગયું, પરંતુ ઓયનામ પાછા આવ્યા નહીં. બધાની આંખમાં આંસુ હતાં. માતા લેઈબી લેડમા વાત કરતી વખતે જોરથી રડી પડતાં હતાં.

મૃતકોમાં તેમના જમાઈ થોઉદામ ઈબોમચા મૈતેઈ અને પૌત્ર થોઉદામ આનંદસિંહ પણ હતા. તેમનું મકાન ત્રણ ઘર પછી આવેલું છે.

તેમણે કહ્યું, “અમે રડીએ તો પણ કોના માટે રડીએ? મારો દીકરો ચાલ્યો ગયો એટલે વહુ સાથે રડીએ કે પછી જેના પતિ અને પિતાનું અવસાન થયું છે, તે દીકરી સાથે રડીએ? અમે કોના માટે આંસુ વહાવીએ?”

તેમણે કહ્યું, “ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે. તેઓ સામસામેની લડાઈમાં માર્યા ગયા હોત તો અમે કશું કહ્યું ન હોત, પરંતુ નિશસ્ત્ર કઠિયારાઓ પર જીવલેણ હુમલો કરીને તેમને ખતમ કરવામાં આવ્યા તેનાથી અમે બહુ દુખી છીએ અને તેની સખત ટીકા કરીએ છીએ.”

થાઉદાન

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, થાઉદાન સુમિલા લેઇમા

થોઉદામ ઈબોમચા મૈતેઈનાં પત્ની અને મૃત ઓયનામ રોમેનસિંહનાં બહેન થાઉદાન સુમિલા લેઈમાએ કહ્યું, “જીવવું તો છે, પરંતુ કેવી રીતે અને શા માટે જીવવું? ભય એટલો વધી ગયો છે કે મોત ક્યારે આવશે તેની ખબર પડતી નથી.”

આ અત્યંત ગરીબ પરિવારનું ભવિષ્ય અધ્ધરતાલ છે. સલામતીની સ્થિતિએ તેમની ચિંતા વધારી દીધી છે. ઠેકઠેકાણે અમને ટેન્ટ્સ જોવા મળ્યા હતા, અમને જણાવવામાં આવ્યું હતું કે રાતે લોકો અહીં પહેરો ભરે છે.

હિંસા ગયા વર્ષે મેમાં શરૂ થઈ હતી. રાજ્યના પ્રભાવશાળી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને આ હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તેનો વિરોધ મણિપુરના પહાડી વિસ્તારોમાં રહેતી જનજાતિઓના લોકો કરી રહ્યા છે. તેમાં મુખ્યત્વે કુકી જનજાતિના લોકો છે.

હિંસાથી ભયનું વાતાવરણ

મણિપુર

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, એક શાળામાં બનાવાયેલી શરણાર્થી શિબિર

આકાશોઈ ગામથી થોડા કિલોમીટર દૂર હાઉતાક ટેંફાખુનાઉ કામ આવેલું છે. એ પ્રદેશ પહાડો અને વૃક્ષોથી છલોછલ છે.

ગામમાં સન્નાટો ફેલાયેલો હતો, રસ્તા ખાલી હતા. ગામમાં અમે કેટલાક પુરુષો સાથે સુનીલ મૈસનામને મળ્યા. તેમણે જણાવ્યું હતું કે ખેતી પર નિર્ભર મૈતેઈ સમુદાયના લગભગ 400 લોકોના આ ગામ પર બૉમ્બમારા અને ગોળીબાર પછી માત્ર 100 લોકો જ બચ્યા છે.

સુનીલે કહ્યુ, “અહીંની તમામ મહિલાઓ અને બાળકોએ ગામ છોડી દીધું છે. અહીં માત્ર પુરુષો રહે છે. લોકો સતર્ક છે, કારણ કે ગમે ત્યાંથી ગોળીબાર થઈ શકે છે. અમે અહીંથી ચાલ્યા જઈશું તો અમારા ઘરના પણ આગ ચાંપી દેવામાં આવશે તેવો ભય છે.”

મણિપુર

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, રેવિકા

પાછા વળતી વખતે લગભગ બે કિલોમીટર દૂર આવેલા એક મોટા ઘરમાં અમે ગયા હતા. તે ઘરમાં ગામની 45-50 મહિલાએ બાળકો સાથે આશરો લીધો છે.

એક બાજુ રજાઈઓ અને ગાદલાઓનો ઢગલો હતો. કેટલાંક બાળકો ખાલી જગ્યામાં રમતાં હતાં. તડકો નીકળ્યો હતો, પરંતુ રાતે અહીં ઠંડી વધી જતી હોય છે.

આ ઘરમાં રહેતાં રેવિકાએ જણાવ્યું હતું કે બધા લોકો ઉતાવળ ઘર છોડીને ભાગ્યા હતા.

તેમણે કહ્યું, “અમે આટલાં કપડાં, ધાબળા લઈને આવ્યા નથી. અમે રાત્રે ઊંઘીએ ત્યારે ધાબળાના ઉપરના ભાગ સુધી એટલું પાણી આવે છે કે અમારે ઠંડીમાં સૂવું પડે છે. બહુ મુશ્કેલ છે.”

રાહતશિબિરમાં પસાર થતું જીવન

મણિપુર

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, મણિપુર

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, હજારો લોકો મજબૂરીથી રિલીફ કૅમ્પમાં રહે છે. તેનો ચોક્કસ આંકડો સ્પષ્ટ નથી.

ઈમ્ફાલના એક રિલીફ કૅમ્પના મોટા હૉલમાં બીજા પરિવારો સાથે રહેતાં 26 વર્ષનાં મૈબરામ વિક્ટોરિયા ચાનુએ તાજેતરમાં કૃષિમાં માસ્ટર્સ કર્યું છે.

આ કૅમ્પમાં 79 લોકો રહેતાં હતાં. કુકી બાહુલ્યવાળા ચુરાચાંદપુરના મૈતેઈ પરિવારમાં જન્મેલાં વિક્ટોરિયાએ જણાવ્યું હતું કે તેઓ કુકી, મિઝો સમુદાયના દોસ્તો સાથે મોટાં થયાં છે, પરંતુ હિંસામાં તેમનું ઘર બરબાદ થઈ ગયુ છે.

બાકીના બીજા પરિવારોની માફક વિક્ટોરિયાના ઘરનો સામાન પણ ત્યાં રાખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, “આ બહુ અજબ છે. અમે આટલો લાંબો સમય સાથે રહ્યા, પરંતુ ઘટના પછી અમારા સંબંધ તૂટી ગયા. ન તેમણે સંપર્ક કર્યો, ન મેં કર્યો. અમારી વચ્ચે એક અંતર જેવું છે અને એ વધી રહ્યું છે. ખબર નહીં શું થશે.”

આ પરિવારોએ નવ મહિના પહેલાં ભાગ્યે જ વિચાર્યું હશે કે તેમનું જીવન આવું થઈ જશે. અમારી સાથે વાતચીત દરમિયાન ઘણા લોકોએ રાજ્ય તથા કેન્દ્ર સરકાર અને તેના અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

એક સવાલના જવાબમાં મણિપુરના સલામતી સલાહકારે પત્રકારોને કહ્યું હતું, “હું રાજીનામું આપી દઉં? તમે કહેતા હો કે મને એવું લાગતું હોય કે મેં મારી ફરજ યોગ્ય રીતે બજાવી નથી એ દિવસે રાજીનામું આપી દઈશ. ઊંઘવાના અને ખાવાના સમયને બાદ કરતાં સલામતી દળો વચ્ચે સંકલન, તેમને તહેનાતી તથા તેમની કાર્યવાહી માટે હું 24 કલાક કામ કરી રહ્યો છું.”

સરકારનો દાવો છે કે સલામતી બહેતર બનાવવા માટે ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ રાજ્યમાં હિંસા ચાલુ રહી છે. ભારત-મ્યાનમાર સરહદે ફેન્સિંગ લગાવવા વિશે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન અને પ્રતિક્રિયા પણ આવી છે.

નિવૃત્ત સનદી અધિકારી અને કૉલમ લેખક આરકે નિમાઈસિંહ સવાલ કરે છે, “ભારતમાં વંશીય હિંસા એક સપ્તાહથી વધુ ચાલુ રહી હોય એવું જોયું છે? એ વધુમાં વધુ ત્રણ દિવસ ચાલે છે. માત્ર મણિપુરમાં જ તે આઠ-નવ મહિનાથી ચાલી રહી છે. તે દર્શાવે છે કે થવા જોઈએ તેટલા પ્રયાસ થયા નથી.”

ઈમ્ફાલથી આગળ ચુરાચાંદપુરમાંનું જીવન

ચુરાચાંદપુરમાં જીવન

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, ચુરાચાંદપુરમાં જીવન

ઈમ્ફાલથી અનેક સિક્યૉરિટી પૉઇન્ટ્સ પાર કરીને અમે ચુરાચાંદપુર પહોંચ્યા ત્યારે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ હતી. સ્પીકર પર એક પછી એક લોકો પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. લોકોના હાથમાંનાં બેનરોથી સ્પષ્ટ હતું કે તેઓ રાજ્યની બિરેનસિંહ સરકારથી બહુ નારાજ હતા અને તેઓ અલગ વહીવટની માગણી કરી રહ્યા હતા.

અમને જણાવવામાં આવ્યું હતું કે મહિનાઓ પછી પણ પીડાનું પૂર આ બાજુ પણ ઓછું નથી, એ દર્શાવવા આવું વિરોધપ્રદર્શન દર સપ્તાહે અહીં થાય છે.

જેમ કે લિંગનેકી લુંગડિન. હિંસા શરૂ થઈ ત્યારે તેઓ તેમના પતિ સાથે ઈમ્ફાલમાં હતાં. ત્રણ દિવસ પહેલાં જ તેમની દીકરીનો જન્મ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ચોથી મેએ લોકો એક ટોળાએ તેમના પતિ અને ભાઈને જોરદાર માર મારીને મારી નાખ્યા હતા. લિંગનેકી લુંગડિન મહામુશ્કેલીથી બચી શક્યા હતાં.

નજીક રહેતા જાંગલેટ હાઓકિપે જણાવ્યું હતું કે ત્રીજી મેની રાતે તેમના ભત્રીજા નેહમિનલુનની પણ લોકોના ટોળાએ ઘેરીને હત્યા કરી હતી.

જાંગલેટ હાઓકિપે કહ્યું હતું, “એ ઘટના વિશે વિચારું છું ત્યારે બહુ દુખ થાય છે. જેવી મુશ્કેલીઓ અને જખમનો અનુભવ અમે કર્યો છે તેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે. ભવિષ્ય વિશે વિચારીએ ત્યારે ચિંતા થાય છે.”

હવે લોકોની સમસ્યાનું સમાધાન શું છે?

મણિપુર

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, મણિપુર

પીડા સાથે જીવતા લોકો સવાલ કરી રહ્યા છે કે પરિસ્થિતિમાં સુધારો કેમ થતો નથી? પરિણામ એ આવ્યું છે કે રાજધાની ઈમ્ફાલ અને કુકીઓના બાહુલ્યવાળા ચુરાચાંદપુર વચ્ચેનો સંપર્ક આજે પણ થંભેલો છે.

તેની અસર 47 વર્ષના ચિનખોનેંગ બાયતે જેવા લોકોને થઈ છે. રાહતશિબિરમાં રહેતાં ચિનખોનેંગ બ્રેસ્ટ કૅન્સરથી પીડાય છે.

બ્રેસ્ટ કૅન્સરની સારવાર માટે તેમના ઘરની લગભગ દરેક સંપત્તિ વેચાઈ ગઈ છે. ઈલાજ માટે પહેલાં ઈન્ફાલ જતા ચિનખોનેંગે હવે સડક માર્ગે આઈઝોલથી ગુવાહાટી જવું પડે છે.

પહેલાં જે પ્રવાસ બે કલાકો હતો એ હવે લગભગ બે દિવસનો થઈ ગયો છે. પાછા આવીને તેઓ એટલાં થાકી જાય છે કે લગભગ આખું સપ્તાહ આરામ કરવો પડે છે.

તેમણે કહ્યું હતું, “મને ભવિષ્યની ખબર નથી. મને મારા જૂની જિંદગી યાદ આવે છે. જોકે, અહીં લોકો બહુ દયાળુ છે, મદદગાર છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં રહેતા લોકો માટે માત્ર બે શૌચાલય છે. તે મોટો પડકાર છે. આ એક સરકારી સ્કૂલ છે. અહીં કેટલો સમય રહી શકાય? આ મારી બીમારી માટે પણ સારું નથી.”

ચિનખોનેંગ બાયતે

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, કૅન્સર પીડિત મહિલા ચિનખોનેંગ બાયતે

આદિવાસીઓના બાહુલ્યવાળા ચુરાચાંદપુરમાં સ્થાનિક લોકોની વાત સાચી માનીએ તો તેમને અલગ વહીવટીતંત્ર નહીં મળે ત્યાં સુધી અહીં પરિસ્થિતિ સુધરવાની નથી.

અહીં શિક્ષણ અને અર્થતંત્ર પર પણ વર્તમાન પરિસ્થિતિની માઠી અસર થઈ છે. લોકો બૉટલોમાં પેટ્રોલ ભરીને વેચતા રસ્તામાં જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચીજોના ભાવ વધવાને લીધે જીવન મુશ્કેલ બન્યું છે.

ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમના પ્રવક્તા ગિંજા વુઅલજોગે કહ્યું હતું, “બન્ને તરફ જે લોહી વહ્યું છે, જેટલા લોકો મર્યા છે તેને ધ્યાનમાં લેતાં મને નથી લાગતું કે બન્ને તરફના લોકો હવે સાથે રહી શકશે. અમારી રાજકીય માગણી સ્વીકારવામાં આવે અને અમને અલગ પ્રશાસન આપવામાં આવે તેવી માગણી અમે કેન્દ્ર સરકાર પાસે કરી રહ્યા છીએ. એ જેટલું જલદી થશે એટલી જલદી અહીં શાંતિ સ્થપાશે.”

જોકે, મૈતેઈ લોકો આ માગનો વિરોધ કરી રહ્યા છે. મૈતેઈ હિતનું પ્રતિનિધિત્વ કરતી સિવિલ સોસાયટી સંસ્થા કોકોમીને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પાસેથી કોઈ આશા છે?

કોકોમીના અથૂબા ખુરઈજામના કહેવા મુજબ, “ભારતીય કૉંગ્રેસ સારી રીતે એક એજન્ડા ઉઠાવીને કામ કરી શકી હોય એવું અમે માનતા નથી. ભારતીય જનતા પાર્ટી મણિપુરને જે રીતે હેન્ડલ કરી રહી છે એ બાબતે રાહુલજીએ સંસદમાં ઘણી વાર થોડો અસંતોષ જરૂર વ્યક્ત કર્યો હતો, પરંતુ મણિપુરની સમસ્યાનું મૂળ 2008માં છે. 2008થી 2017 સુધી મણિપુરમાં કૉંગ્રેસની સરકાર હતી. દિલ્હીમાં 2014માં અને મણિપુરમાં 2017માં સરકાર બદલાઈ, પરંતુ નીતિ એની એ જ રહી છે.”

શાંતિની શોધમાં લોકો

મણિપુર

ઇમેજ સ્રોત, BBC/Shaad Midhat

ઇમેજ કૅપ્શન, મણિપુર

જાણકારો કહે છે કે મૈતેઈ અને કુકી બન્ને સમુદાયના લોકો શાંતિ ઇચ્છે છે, પરંતુ પરિસ્થિતિનું માઠું પરિણામ લોકોએ ભોગવવું પડે છે.

આરકે નિમાઈસિંહે કહ્યુ હતું, “પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે બન્ને પક્ષ ઢીલું મૂકવા તૈયાર નથી. મૈતેઈ અને કુકી બન્ને શાંતિ ઇચ્છે છે, પરંતુ અર્થતંત્ર હોય કે આરોગ્ય કે શિક્ષણ, રાજ્યની પરિસ્થિતિની તેના પર માઠી અસર થઈ રહી છે. ચુરાચાંદપુરમાં ડૉક્ટરની અછતને કારણે અને ન્યુમોનિયાને લીધે બાળકો મૃત્યુ પામી રહ્યાં છે તે દુખદ છે. બન્ને તરફ સામાન મોંઘો થયો છે. નેતાઓ આરામમાં છે, પરંતુ સામાન્ય લોકો પરેશાન છે.”

સરહદ પારથી કથિત ઘૂસણખોરી, હથિયારોનો ઉપયોગ, ડ્રગ્ઝની ભૂમિકા વગેરે બાબતે ચર્ચાઓ વચ્ચે હિંસાની માઠી અસર સમાજના દરેક વર્ગને થઈ છે. અહીં દિલમાં અંતર વધી ગયું છે. જે લોકો પહેલાં એકમેકના સુખ-દુખમાં સહભાગી થતા હતા એ જ લોકો બદલાયેલી પરિસ્થિતિમાં એકમેથી દૂર થઈ ગયા છે. હિંસાના ઘા બહુ ઊંડા છે.

બીબીસી
બીબીસી