હિમાચલમાં ભારે વરસાદ બાદ પણ પાણીનું સંકટ કેમ તોળાઈ રહ્યું છે?

લાહૌલ સ્પીતિ

ઇમેજ સ્રોત, ARCHANA PHULL

ઇમેજ કૅપ્શન, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ
    • લેેખક, અર્ચના ફૂલ
    • પદ, બીબીસી હિન્દી માટે, શિમલાથી

હિમાચલ પ્રદેશના લોકોએ ગયા વર્ષે ચોમાસા દરમિયાન આવેલા ભારે વરસાદને કારણે પ્રાકૃતિક આપદાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ હવે આવનારા ત્રણ મહિનાને લઈને પણ ચિંતિત છે.

લોકોને ચિંતા છે કે આવનારા મહિનાઓ સૂકા હોઈ શકે છે. આ કારણે પ્રદેશમાં ખેતી અને પીવા માટે પાણીની તંગી વધી શકે છે.

રાજ્યના જનજાતીય વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય રીતે સારી બરફવર્ષા થાય છે, પરંતુ આ વખતે આ વિસ્તારો પણ સૂકા છે અને લોકો બરફવર્ષા માટે દેવી-દેવતાઓને પ્રાર્થના કરી રહ્યા છે.

લાહૌલ સ્પીતિ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં 26 જાન્યુઆરીએ થયેલી બરફવર્ષાને કારણે લોકોના ચહેરા પર જે સ્મિત આવ્યું હતું, તે જલદી ગાયબ થઈ ગયું, કારણ કે ત્યાં લઘુતમ બરફવર્ષા થઈ હતી અને બરફ પણ ઝડપથી ઓગળી ગયો હતો.

પ્રદેશમાં સફરજનનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં ફેબ્રુઆરી 2022 પછી બરફવર્ષા થઈ નથી.

સફરજનની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે ખરાબ હવામાનને કારણે ભારે નુકસાન થયું હતું. જ્યારે લણણીનો સમય આવ્યો ત્યારે ખેડૂતોને ચોમાસાની સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

ચોપાલના મઝોલતીમાં સફરજનની ખેતી કરતા વિનોદ મહેતા કહે છે, “આ ચિંતાજનક છે. જાન્યુઆરીમાં બરફવર્ષા જરૂરી છે, કેમ કે તેનાથી સફરજનનાં વૃક્ષ માટે જરૂરી લઘુતમ તાપમાન મળે છે અને જમીનમાં લાંબા સમય માટે ભેજ પણ રહે છે. આમ, આવનારી સિઝનમાં વૃક્ષોને પોષકતત્ત્વો મળી રહે છે.”

ડૉ. ડીઆર ભારદ્વાજ સોલન જિલ્લામાં આવેલી ડૉ. વાયએસપી યુનિવર્સિટી ઑફ હૉર્ટિકલ્ચર ઍન્ડ ફોરેસ્ટ્રીના રિજનલ હૉર્ટિકલ્ચરલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ સેન્ટરના પૂર્વ કાર્યકારી નિદેશક છે.

ડૉ. ડીઆર ભારદ્વાજના મત પ્રમાણે શિયાળામાં સફરજનનાં વૃક્ષોને લગભગ 800થી 1,000 કલાક માટે લધુતમ તાપમાનની જરૂર પડે છે જેથી તે એપ્રિલમાં ફૂલ તૈયાર રહે.

તેમણે ઉમેર્યું, “સફરજનના છોડને સાત ડિગ્રીથી પણ ઓછા તાપમાનની જરૂર છે. જોકે, બરફવર્ષના આ સિવાય પણ ફાયદા છે. હમણાના દિવસોમાં તાપમાન વધારે રહે છે અને બરફવર્ષા પણ નથી થઈ રહી. આ કારણે આવનારા સમયમાં મુશ્કેલીઓ વધશે.”

સફરજનનું ઉત્પાદન - રાજ્યના અર્થતંત્રની કરોડરજ્જુ

સફરજન

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, રાજ્યના દોઢ લાખ પરિવારો સફરજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેશમાં સફરજનના કુલ ઉત્પાદનનું 40 ટકા ઉત્પાદન હિમાચલ પ્રદેશમાં થાય છે. સફરજનનો વાર્ષિક વેપાર અહીં લગભગ 5,000 કરોડ રૂપિયાનો છે અને રાજ્યના લગભગ દોઢ લાખ પરિવારોને રોજગાર આપે છે.

પ્રદેશના 70 ટકા સફરજનનું ઉત્પાદન શિમલા જિલ્લામાં થાય છે. ત્યાર પછી કિન્નોર, કુલ્લુ, મંડી, અને ચંબા જિલ્લાનો નંબર આવે છે.

વેરાયટી નામની પત્રિકા અનુસાર, સફરજન મોટા ભાગે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે થાય છે. કિન્નોરમાં સફરજન સૌથી છેલ્લે ઑક્ટોબરમાં આવે છે.

જોકે, કાંગડા, ઊના અને હમીરપુર જેવા નીચાણવાળા વિસ્તારોમાં શાકભાજી અને અન્ય પરંપરાગત પાકો લેતા ખેડૂતોને વધારે તકલીફ નથી પડતી, કારણ કે તેમની પાસે સિંચાઈના સ્રોત છે.

કાંગડા જિલ્લાના જમાનાબાદની એક મહિલા ખેડૂતે કહ્યું, “જો વાતાવરણ આવું જ રહ્યું અને સૂકું વાતાવરણ સામાન્ય વાત થઈ જશે તો પાક અને ઘર માટે પાણીની અછત ઊભી થશે.”

લાહૌલ સ્પીતિ, કિન્નોર અને ચંબા જિલ્લાના ભારમૌરના લોકો આ શિયાળામાં બરફવર્ષા ન થવાને કારણે ચિંતિત છે, કારણ કે તેમની જિંદગી અને રોજગાર બન્ને તેના પર નિર્ભર છે. અહીં સામાન્ય રીતે વરસાદ નથી પડતો.

આ આદિવાસી વિસ્તારોમાં માર્ચ-એપ્રિલથી સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી એક પાકનો સમયગાળો હોય છે. ખેડૂતો આ સમયગાળા દરમિયાન વટાણા, બટેટા, જુવાર અને અન્ય પરંપરાગત પાક ઉગાડે છે.

જોકે, કિન્નોરના નીચલા ભાગોમાં શિયાળામાં ખેડૂતો શાકભાજી ઉગાડે છે અને કેટલાક ખેડૂતો જુવાર વાવે છે.

એક એગ્રિકલ્ચર એજન્સી સાથે કામ કરનાર સુધાકરે કહ્યું, “આ વખતે બરફ પણ નથી પડ્યો અને ગયા વર્ષની તુલનામાં તાપમાન વધારે છે. જમીનમાં ભેજ નથી, જે પાક અને ફળોની ખેતીને ભયાનક રીતે અસર કરશે.”

બરફવર્ષા પર નિર્ભરતા

કુંજુમ પાસ

ઇમેજ સ્રોત, ARCHANA PHULL

સ્પીતિ ઘાટીમાં સમુદ્ર તટથી 15,090 ફૂટની ઊંચાઈ પર આવેલા કુંજુમ પાસ વિસ્તારના એક ગામડાના રહેવાસી ચેરિંગ ડોલ્કરે કહ્યું, “ડિસેમ્બર-જાન્યુઆરીમાં થતી બરફવર્ષા અહીં ભૂગર્ભજળનો સ્રોત છે. જો બરફવર્ષા મોડી થાય તો તેની અસર પડે છે અને તે અસર લાંબા સમય સુધી રહે છે.”

પાસના લોસાર ગામની તેન્જિન ડોલ્માએ કહ્યું કે બરફ ન હોવાને કારણે આ વર્ષે અહીંનાં મેદાનો સૂકાં પડ્યાં છે.

તેમણે કહ્યું, “અમારું અર્થતંત્ર એક પાકની સિઝન પર આધારિત છે. શિયાળામાં સારી બરફવર્ષા થાય તો અમને સારો પાક મળે, કારણ કે બરફવર્ષાને કારણે સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે.”

લોસર પંચાયત અને આસપાસનાં ગામોના લોકો મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગયા અઠવાડિયે બરફવર્ષા માટે પ્રાર્થના કરવા માટે કુંજુમ પાસ પર આવેલા કુંજુમ માતાના મંદિરે ગયા હતા.

પાસના કાજા નામની જગ્યાએ આવેલી મુખ્ય મોનાસ્ટ્રીમાં પણ બરફવર્ષા માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે પાછલા વર્ષે છથી સાત ઈંચ બરફવર્ષા થઈ હતી, જે પૂરતી હતી.

આદિવાસી વિસ્તારોના લોકો આ બદલતા વાતાવરણ સાથે સંકલન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં જાગરૂક લોકો નાના ઝરણામાંથી નીકળતા પાણીને જમા કરે છે અને જામી ગયેલા પાણીને બરફના સ્તુપોના રૂપમાં જમા કરે છે. ગ્લેશિયરના ઓગળવાનું શરૂ થતાં પહેલાં પાણીની જરૂરિયાત કેટલીક હદ સુધી આ રીતે સંતોષવામાં આવે છે.

મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને કારણે વધ્યું પ્રદૂષણ

પ્રદૂષણ

ઇમેજ સ્રોત, ARCHANA PHULL

લાહૌલ સ્પીતિના સ્થાનિક લોકોને લાગે છે કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને કારણે પ્રદૂષણ વધ્યું છે, વાતાવરણમાં ગરમી વધી છે. ઉલ્લેખનીય છે કે 2020માં અટલ ટનલ વડે આ હિસ્સાને હિમાલયના બીજા ભાગો સાથે જોડવામાં આવ્યો હતો.

અટલ ટનલની નજીકના ગામડામાં રહેતા શ્યામલાલે કહ્યું, “જો અટલ ટનલ પર આવતા ટ્રાફિકને નિયંત્રિત નહીં કરાય તો આવનારા સમયમાં તે જળવાયુ પરિવર્તનનું કારણ બની શકે છે.”

શિમલાસ્થિત હવામાન વિભાગ કેન્દ્રના નિદેશક સુરેન્દ્ર પૉલ પ્રમાણે, આટલા લાંબા સમય માટે સૂકું હવામાન પહેલાં કરતાં એકદમ અલગ છે, કારણ કે આ વર્ષે જાન્યુઆરીમાં ન વરસાદ પડ્યો કે ન બરફવર્ષા થઈ. જોકે, અમુક જગ્યાએ થોડી ઘણી બરફવર્ષા થઈ હતી, જેની કોઈ ખાસ અસર થાય તેવું લાગતુ નથી.

તેમણે ઉમેર્યું, “રેકૉર્ડ બતાવે છે કે 2007-2008માં જાન્યુઆરી મહિનામાં વરસાદમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, આ વર્ષે તે 99 ટકા છે.”

તેમને આશા છે કે જાન્યુઆરીના અંતમાં બરફવર્ષા થશે. તેમણે કહ્યું કે ગ્લોબલ વૉર્મિંગને કારણે થઈ રહેલા જળવાયુ પરિવર્તનને લીધે હવામાનમાં પલટો એક સામાન્ય વાત બની ગઈ છે.

સુરેન્દ્ર પૉલના મત અનુસાર જાન્યુઆરીની બરફવર્ષાના અનેક પ્રકારના ફાયદા છે. જેમ જેમ ગરમી વધશે તેમ બરફ ઝડપથી ઓગળશે. જમીનમાં પાણી ઓછું ઊતરશે અને તેની અસર ઓછી થશે.

જળવિદ્યુત યોજનાઓ પર અસર

બરફના સ્તૂપો

ઇમેજ સ્રોત, ARCHANA PHULL

ઇમેજ કૅપ્શન, લોકો બરફના સ્તૂપોમાં પાણી એકત્રિત કરે છે

નદીઓમાં પાણીની અછતને લીધે રાજ્યની જળવિદ્યુત યોજનાઓ પણ ક્ષમતાથી ઓછું વીજળીનું ઉત્પાદન કરી રહી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો એટલો મહત્ત્વપૂર્ણ મુદ્દો નથી.

મનોજકુમાર શિમલામાં એસજેવીએન સંચાલિત 1500 મેગાવૉટનો નાથ્પા ઝાકરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કાર્યકારી નિદેશક છે.

તેમણે કહ્યું, “શુષ્કતાના કારણે હમણાંના દિવસોમાં નાથ્પા ઝાકરી પ્રોજેક્ટમાં 10થી 15 ટકા વીજળી ઓછી ઉત્પન્ન થાય છે. જોકે, જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં વીજળી ઓછી ઉત્પન્ન થાય છે અને આ સમયે અમે સમારકામ અને અન્ય કામ કરીએ છીએ.”

તેમણે જણાવ્યું કે 17 વર્ષ બાદ આવું સૂકું હવામાન જોયું છે. તેઓ કહે છે કે જો આવું લાંબું ચાલશે અને આવી સ્થિતિ વારંવાર આવશે તો વીજળીના ઉત્પાદન માટે ચિંતાનો વિષય છે, કારણ કે નદીઓમાં પાણી બરફને કારણે જ આવે છે.

પર્યાવરણવિદ કહે છે કે પાછલા ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો પરંતુ મોટા ભાગનું પાણી વેડફાઈ ગયું. પાણીના ભારે વહેણને કારણે રસ્તામાં આવતી જમીન અને આધારભૂત ઢાંચા પણ નષ્ટ થઈ ગયાં. શિયાળામાં હિમવર્ષા ન થતા વધુ સંકટ પેદા થઈ શકે છે.

તેમનું માનવું છે કે ગ્લોબલ વૉર્મિંગ સહિત વાતાવરણને ગરમ કરવામાં કારણભૂત સ્થાનિક કારણોને પણ જોવાં જોઈએ અને તેના પર નજર રાખવાની જરૂર છે.