મણિપુરના વાઇરલ વીડિયોની મહિલાઓ કહે છે, 'અમે હાર નહીં માનીએ'

મણિપુર
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા મણિપુરથી

છ મહિના પહેલાં મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસા વચ્ચે એક ટોળાએ બે મહિલાને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી અને તેમના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. એ હમલાનો વીડિયો વાઇરલ થયા બાદ પહેલીવાર એ મહિલાઓએ કોઈ પત્રકાર સામે બેસીને વાત કરી હતી અને આપવીતી જણાવી હતી.

ચેતવણીઃ આ લેખમાં જાતીય હિંસાનું વર્ણન છે.

સૌથી પહેલાં મને માત્ર તેમની ઝૂકેલી નજર દેખાઈ હતી. મોં કાળા માસ્કથી ઢંકાયેલું હતું. માથા પર ઓઢણી લપેટેલી હતી.

વાયરલ વીડિયો પછી પહેલીવાર સામે આવેલી કુકી-જોમી સમુદાયની આ બન્ને મહિલાઓ ગ્લોરી તથા મર્સી, જાણે કે અદૃશ્ય થઈ જવાં ઇચ્છતી હતી, પણ તેમનો અવાજ બુલંદ છે.

મણિપુર હિંસા

તેઓ પહેલીવાર એક પત્રકારને મળવા રાજી થયાં હતાં, જેથી પોતાની પીડા અને ન્યાયની લડાઈ બાબતે દુનિયાને જણાવી શકે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો તેમનો વીડિયો નિહાળવો મુશ્કેલ છે. લગભગ એક મિનિટના એ વીડિયોમાં મૈતેઈ પુરુષોની ભીડ બન્ને નિર્વસ્ત્ર મહિલાને ઘેરી વળી છે. તેમને ધક્કા મારી રહી છે. તેમના અંગોને બળજબરીથી સ્પર્શી રહી છે અને ખેંચીને તેમને એ ખેતરમાં લઈ જાય છે, જ્યાં તેમના કહેવા મુજબ તેમના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એ હુમલો યાદ કરતાં ગ્લોરીનું હૈયું ભરાઈ આવે છે.

શરમ અને ડર

મણિપુર

ઇમેજ સ્રોત, Getty Images

વીડિયો બહાર આવ્યા પછી બહુ ટીકા થઈ અને વહીવટીતંત્ર-પોલીસ તરફથી કાર્યવાહી પણ કરવામાં આવી. તેને પગલે અનેક કુકી મહિલાઓએ જાતીય હિંસાની ફરિયાદ કરવાની હિંમત કરી, પરંતુ વીડિયો પરની દુનિયાની નજરે ગ્લોરી અને મર્સીને વધુ સંકોચાવાની ફરજ પાડી.

હુમલા પહેલાં ગ્લોરી મૈતેઈ અને કુકી સમુદાયના વિદ્યાર્થીઓની સંયુક્ત કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં.

મર્સીનો દિવસ તેમનાં બે સંતાનોને ઉછેરવામાં, તેમનું હોમવર્ક કરાવવામાં અને ચર્ચ જવામાં પસાર થતો હતો, પરંતુ હુમલા પછી બન્ને મહિલાઓએ ગામ છોડીને ભાગવું પડ્યું હતું અને હવે તેઓ એક અન્ય શહેરમાં છુપાઈને રહે છે.

શરમ અને ડરના ઓછાયામાં હવે એ બન્ને કોઈ શુભચિંતકના ઘરની ચાર દીવાલમાં સંકોચાઈને રહે છે.

મર્સી ચર્ચ કે સ્કૂલમાં જતાં નથાં. તેમનાં બાળકોને એક સંબંધી સ્કૂલે મૂકી આવે છે અને પાછાં લાવે છે.

મર્સી કહે છે, "મને રાતે ભાગ્યે જ ઊંઘ આવે છે અને બહુ ડરામણાં સપનાં આવે છે. હું ઘરની બહાર તો નીકળી જ શકતી નથી. ડર લાગે છે અને લોકોને મળવામાં શરમ અનુભવું છું."

ઘટનાનો આઘાત એટલો છે કે બન્ને ભયભીત થઈ ગઈ છે. કાઉન્સેલિંગથી મદદ મળી છે, પરંતુ ઘૃણા અને ગુસ્સો પણ ઘર કરી ગયા છે.

મણિપુરમાં શું થયું હતું?

મણિપુર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આરોપીના ઘરને સ્થાનિક લોકોએ આગ લગાવી દીધી હતી તે સમયની તસવીર

મણિપુરની 33 લાખ લોકોની વસ્તીમાં અડધાથી વધારે લોકો મૈતેઈ છે અને 43 ટકા લોકો કુકી તથા નાગા સમુદાયના છે.

મૈતેઈ સમુદાયની તેમની અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગણીનો કુકી સમુદાયે ગયા મે મહિનામાં વિરોધ કર્યો ત્યારે નવેસરથી હિંસા ભડકી ઊઠી હતી. તેમને ડર છે કે તેનાથી મૈતેઈ સમુદાય કુકી વિસ્તારોમાં જમીન ખરીદશે અને વધુ પ્રભાવશાળી થઈ જશે.

રાજ્ય સરકાર અને મુખ્યપ્રધાન એન. બીરેન સિંહ (જેઓ મૈતેઈ છે) સમુદાયને ભડકાવવા માટે કુકી ઉગ્રવાદી જૂથોને જવાબદાર માને છે.

એ હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ મોત થયાં છે. એ પૈકીના મોટાભાગના કુકી સમુદાયના છે. બન્ને સમુદાયના હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા છે.

મૈતેઈ મહિલાઓએ પણ કુકી પુરુષો દ્વારા જાતીય હિંસાના આક્ષેપ કર્યા છે. વધુ એક એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, પરંતુ મોટાભાગની મહિલાઓ માને છે કે આવાં કૃત્યોની ચર્ચા કરીને તેઓ વધારે શરમ અનુભવવા ઇચ્છતી નથી.

ગુસ્સો અને ઘૃણા

મણિપુર
ઇમેજ કૅપ્શન, અગાઉ પીડિતાનાં માતા સાથે પણ બીબીસીએ વાત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૈતેઈ દોસ્ત કે વિદ્યાર્થી સાથે ભણવાની વાત તો દૂર રહી, ગ્લોરી હવે એ સમુદાયની કોઈ વ્યક્તિનું મોં સુદ્ધાં જોવાં ઇચ્છતાં નથી.

ગ્લોરી કહે છે, "હું મારા ગામ પાછી ક્યારેય નહીં જાઉં. ત્યાં જન્મી-મોટી થઈ. એ મારું ઘર હતું, પરંતુ ત્યાં રહેવાનો અર્થ પાડોશી ગામના મૈતેઈ લોકો સાથે હળવા-મળવાનું. એ હવે શક્ય નથી."

મર્સી પણ આવું જ માને છે. એ ટેબલ પર ગુસ્સામાં હાથ રાખીને કહે છે, "હું તો એમની ભાષા પણ ક્યારેય સાંભળવા ઇચ્છતી નથી."

મર્સી અને ગ્લોરીનું ગામ, મણિપુરમાં મે માસમાં ભડકેલી જાતિ હિંસાને લપેટમાં આવેલાં ગામો પૈકીનું એક છે. એ દિવસે થયેલી નાસભાગમાં ભીડે ગ્લોરીના પિતા અને ભાઈને મારી નાખ્યા હતા.

દબાયેલા અવાજે ગ્લોરી કહે છે, "મેં તેમને મારી આંખ સામે મરતા જોયા હતા."

ગ્લોરીએ જણાવ્યું કે તેમણે પોતાના પિતા અને ભાઈના મૃતદેહને ખેતરમાં રઝળતા મૂકીને પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. હવે તેઓ ત્યાં પાછાં ક્યારેય ફરી શકે તેમ નથી. હિંસા ભડક્યા પછી મૈતેઈ અને કુકી સમુદાયના લોકો એકમેકના વિસ્તારમાં ડગલું સુદ્ધાં માંડી શકતા નથી.

મણિપુર બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. વચ્ચે પોલીસ, સૈન્ય અને બન્ને સમુદાયના સ્વયંસેવકોએ બનાવેલા ચેક પૉઇન્ટ છે.

ગ્લોરી કહે છે, "મને તો એ પણ ખબર નથી કે તેમના મૃતદેહ ક્યા શબઘરમાં રાખવામાં આવ્યા છે. હું જઈને ચેક પણ કરી શકું તેમ નથી. સરકારે જાતે તે અમને આપી દેવા જોઈએ."

પીડા અને ગ્લાનિ

મણિપુર હિંસા

હુમલો થયો ત્યારે મર્સીના પિતાએ પાડોશના મૈતેઈ ગામના વડા સાથે એક બેઠક યોજી હતી, જેમાં શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામના વડાના ઘરમાંથી બધા નીકળ્યા કે તરત ભીડે તેમના પર હુમલો કર્યો હતો, ઘરોમાં આગ લગાવી દીધી હતી અને સ્થાનિક ચર્ચ પણ સળગાવી દીધું હતું.

તેઓ કહે છે, "મેં સ્થાનિક પોલીસને ફોન કર્યો હતો, પણ તેમણે જણાવ્યું હતું કે તેમના પોલીસ થાણા પર હુમલો થયો છે. તેથી તેઓ મદદ કરવા આવી શકે તેમ નથી. મેં રસ્તા પર એક પોલીસ વેન ઊભી જોઈ હતી, પરંતુ તેમાંથી પણ કોઈ બહાર નીકળ્યું નહીં."

મર્સીના પતિના જણાવ્યા મુજબ, રોષે ભરાયેલી ભીડે મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓ એકલા પડી ગયા હતા. તેઓ કહે છે, "હું કશું કરી શક્યો નહીં. એ વિચારીને દુઃખ અને ગ્લાનિ અનુભવું છું. મારી પત્ની કે ગામના લોકોને બચાવી શક્યો નહીં. હૈયામાં પીડા થાય છે. ક્યારેક એટલો પરેશાન થઈ જાઉં છું કે કોઈની હત્યા કરવાની ઇચ્છા થાય છે."

પોલીસના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે ઑફિસર ઇન્ચાર્જ સહિત પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે.

મર્સીના પતિના જણાવ્યા મુજબ, હુમલાના બે સપ્તાહ પછી તેમણે તેની પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ વીડિયો બહાર ન આવ્યો ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

વીડિયો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની જાતિવાદી હિંસા વિશે પહેલીવાર નિવેદન આપ્યું હતું. મણિપુર પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી હતી અને હવે એ સાતેય લોકો સામે સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

હિંમત અને આશા

મણિપુર

ગ્લોરી, મર્સી અને તેમના પતિ જણાવે છે કે વીડિયો બહાર આવ્યા પછી તેમને દુનિયાભરમાંથી સાંત્વના આપતા સંદેશા મળવા લાગ્યા હતા. તેનાથી તેમને સધિયારો મળ્યો હતો.

મર્સીના પતિ કહે છે, "વીડિયો વિના કોઈએ સચ્ચાઈ પર ભરોસો કર્યો ન હોત, અમારી પીડા સમજી ન હોત."

મર્સીને અત્યારે પણ ડરામણા સપના આવે છે અને ભવિષ્ય બાબતે વિચારતાં ડર લાગે છે.

પોતાના બાળકો ઉલ્લેખ કરતાં એ કહે છે, "મારા હૈયા પર બોજ રહે છે કે મારાં સંતાનોને વારસામાં આપવા માટે હવે કશું બચ્યું નથી."

મર્સી હવે ભગવાન અને પ્રાર્થનામાં સાંત્વન શોધે છે. તેમાં જ સલામતીનો અનુભવ થાય છે. મર્સી કહે છે, "હું જાતને એવું કહીને સમજાવું છું કે ભગવાને આ બધું સહન કરવા માટે મને પસંદ કરી છે તો તેમાંથી બહાર આવવાની શક્તિ પણ આપશે."

હુમલામાં તેમનું આખું ગામ બરબાદ થઈ ગયું છે. હવે તેઓ સમુદાયની મદદથી પોતાની જિંદગી ફરી બનાવી રહ્યા છે.

ગ્લોરી જણાવે છે કે બન્ને સમુદાય માટે અલગ વહીવટીતંત્ર એ એકમાત્ર ઉપાય છે. "સલામત અને શાંતિપૂર્વક રહેવાનો એ જ રસ્તો છે."

કુકી સમુદાયે એ વિવાદાસ્પદ માગ ઘણીવાર કરી છે અને મૈતેઈ સમુદાયે તેનો વિરોધ કર્યો છે. બન્ને પોતપોતાના તર્ક છે. મુખ્યપ્રધાન બીરેન સિંહ પોતે મૈતેઈ છે અને મણિપુરના વિભાજનની વિરુદ્ધમાં છે.

ભેદભાવ અને ન્યાય

મણિપુર હિંસા

ગ્લોરી અને મર્સીને સ્થાનિક વહીવટીતંત્રમાં ભરોસો નથી. સ્થાનિક વહીવટીતંત્ર કુકી સમુદાય સાથે ભેદભાવ કરતું હોવાનો આક્ષેપ તેઓ કરે છે.

ગ્લોરી કહે છે, "મણિપુર સરકારે મારા માટે કશું કર્યું નથી. મને મુખ્ય પ્રધાન પર ભરોસો નથી. તેમના શાસનમાં જ અમારી સાથે આ બધું થયું છે."

બન્નેનો આરોપ છે કે મુખ્ય પ્રધાન બીરેનસિંહે જાતિ હિંસાથી પ્રભાવિત કુકી-જોમી પરિવારો સાથે વાત પણ કરી નથી કે તેમને મળ્યા પણ નથી.

વિરોધ પક્ષો મુખ્ય પ્રધાનના રાજીનામાની માગણી વારંવાર કરી છે, પરંતુ રાજ્ય સરકારે ભેદભાવના તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ આરોપ અમે મુખ્ય પ્રધાન બીરેનસિંહ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ મૈતેઈ સમુદાયના પરિવારોને પણ મળવા ગયા નથી અને "મારા દિલ કે મારા કામમાં કોઈ પક્ષપાત નથી."

વીડિયોની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે, હિંસામાં માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ કરીને તેમના મૃતદેહ તેમના પરિવારોને સોંપવાની વ્યવસ્થા કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે.

ગ્લોરીની આશા આ વાત પર ટકી રહી છે. તેમને ન્યાયમાં વિશ્વાસ છે.

ભવિષ્યમાં તેઓ અન્ય કોઈ કૉલેજમાં અભ્યાસ ફરી શરૂ કરવાનું અને પોલીસ કે સૈન્યમાં ઑફિસર બનવાનું સપનું સાકાર કરવા ઇચ્છે છે.

ગ્લોરી કહે છે,"એ કાયમ મારું સપનું હતું, પરંતુ હુમલા પછી મારો વિશ્વાસ વધુ દૃઢ થઈ ગયો છે કે મારે ભેદભાવ વિના બધા લોકો માટે કામ કરવાનું છે."

"હું કોઈ પણ ભોગે ન્યાય ઇચ્છું છું. આજે બોલી રહી છું, જેથી ફરી કોઈ મહિલા સાથે, મેં સહન કર્યું છે તેવું ન થાય."

મર્સી નજર ઉઠાવીને મારી સામે જોઈને કહે છે, "અમે આદિવાસી મહિલાઓ બહુ મજબૂત છીએ. હમ હાર નહીં માનેંગી."

હું રવાના થવા બેઠી થાઉં છું ત્યારે કહે છે કે તે એક સંદેશ આપવા ઇચ્છે છે. "હું તમામ સમુદાયની માતાઓને કહેવા ઇચ્છું છું કે તમારાં બાળકોને શીખવાડોઃ ગમે તે થાય, પણ મહિલાઓનું ક્યારેય અપમાન ન કરે."

(બન્ને મહિલાઓનાં નામ બદલ્યાં છે)