મણિપુરની હિંસા અને ‘ગેરકાયદે ઘૂસણખોરો’ની હકીકત શું છે?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
બપોરના બાર વાગવામાં છે અને મણિપુર સેન્ટ્રલ જેલમાં ચહલપહલ જોવા મળે છે.
લગભગ 700 કેદીઓએ બપોરનું ભોજન લઈ લીધું છે અને મોટાભાગના પોતાની કોટડીમાં પાછા જઈ રહ્યા છે.
સાયરન બંધ થતાંની સાથે જ જેલમાં સન્નાટો પ્રસરી ગયો છે, પરંતુ સલામતી રક્ષકોની નજર હેઠળ લગભગ 50 લોકો અમારી તરફ આવી રહ્યા છે.
એ બધા ભારતના પાડોશી દેશ મ્યાનમારના અલગ-અલગ પ્રદેશમાં રહેતા લોકો છે અને આગામી બે કલાક સુધી તેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે.

મણિપુરમાં કોઈ ફૉરેન ડિટેન્શન સેન્ટર નથી. તેથી રાજ્યની સૌથી મોટી જેલમાં એક કામચલાઉ ફૉરેન ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેના એક હિસ્સામાં પુરુષોને અને બીજામાં સ્ત્રીઓ તથા બાળકોને રાખવામાં આવ્યાં છે.
અમારી મુલાકાત મ્યાનમારના 26 વર્ષના લિન ખેન મેંગ સાથે થઈ હતી. તેમનો દાવો છે કે તેઓ થોડા પૈસા કમાવાના હેતુસર ભારતની સીમામાં આવતા હતા. 2022માં તેમને ભારતીય પ્રદેશમાંથી પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને છ મહિનાની સજા કરવામાં આવી હતી. એ સજા તો તેમણે ભોગવી લીધી છે, પરંતુ મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેમને પાછા મ્યાનમાર જવાના દરવાજા હાલ બંધ છે.
લિને કહ્યું હતું, "હું મ્યાનમારના સગૈંગ રાજ્યમાંથી ભારત ગાય વેચવા માટે આવતો હતો. નવ મહિના પહેલાં મારી ધરપકડ કરવામાં આવી હતી."
"હું ત્યારથી અટકાયત હેઠળ છું. હું અહીં ફસાયેલો છું તેની મારી પત્ની-બાળકો અને માતા-પિતાને ખબર નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગેરકાયદે ભારત આવ્યા

આ જેલમાં એવા 100થી વધારે લોકો છે, જેઓ મ્યાનમારથી કથિત ગેરકાયદે રીતે ભારત આવ્યા હતા.
મ્યાનમારના ચિન પ્રાંતમાં રહેતા યૂ નિંગે દાવો કર્યો હતો કે તેઓ “ભારતની સીમા પરના ગામોમાં હેન્ડલૂમનું કામ કરવા આવતા હતા, પરંતુ ગયા વર્ષે ગેરસમજને કારણે તેમને પકડી લેવામાં આવ્યા હતા.”
તેમણે કહ્યું હતું, “મારો એક દોસ્ત નશા માટેની પ્રતિબંધિત દવા ડબલ્યુવાય ટેબ્લેટ્સ વેચતો હતો. તેને લીધે મારી પણ ધરપકડ કરવામાં આવી હતી. સજા પૂરી કરી લીધી છે, પરંતુ હું ઘરે જઈ શકું તેમ નથી, કારણ કે સીમા બંધ છે.”
બધા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે મ્યાનમારમાં ચાલતી લશ્કરી કાર્યવાહીથી બચવા માટે તેઓ સીમા પાર કરીને ભારતમાં આવ્યા હતા.
મ્યાનમારમાં 2021થી સૈન્ય શાસન છે અને સામાન્ય નાગરિકો પરની સૈન્ય કાર્યવાહીને કારણે હજારો લોકોએ પાડોશી દેશ ભારતના મણિપુર અને મિઝોરમ રાજ્યોમાં આશ્રય લીધો છે.

મ્યાનમારની પરિસ્થિતિ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મ્યાનમારની સૈન્ય સરકાર અને પીપલ્સ ડિફેન્સ ફૉર્સ (પીડીએફ) તથા કુકી નેશનલ આર્મી (કેએનએ) વચ્ચે હિંસક અથડામણો હજુ પણ ચાલુ છે.
અહીં ભારત અને મણિપુર સરકારે રાજ્યમાં ચાલી રહેલી હિંસા માટે કથિત શરણાર્થીઓ કે ગેરકાયદે ઘૂસણખોરોને જવાબદાર ઠેરવ્યા છે. હિંસામાં કમસેકમ 180 લોકોનાં મોત થયાં છે અને 60,000થી વધુ લોકો બેઘર થયા છે.
મ્યાનમારમાં બીબીસીના સંવાદદાતા ન્યૉ લેડ યીના જણાવ્યા અનુસાર, મ્યાનમારમાં ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીની સીધી અસર મણિપુરની સીમા પર જોવા મળી રહી છે.
તેમણે કહ્યું હતું, "મેં મ્યાનમારથી મણિપુર ભાગેલા અનેક લોકો સાથે વાત કરી હતી. તેઓ અહીં ચાલતી હિંસાને કારણે ત્યાં ગયા હતા, પરંતુ મણિપુર હિંસા માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે એ વાતથી તેમને આઘાત લાગ્યો છે."
"તેઓ કહે છે કે તેમના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવાથી તેમના માનવાધિકારનું હનન થઈ રહ્યું છે. વાસ્તવમાં તેમને મણિપુરમાં મદદ મળવી જોઈતી હતી."
મણિપુરમાં સીમાની નજીક આવેલા એક શહેરમાં પોતાની ઓળખ બદલીને રહેતી મ્યાનમારનાં એક મહિલાએ બીબીસી સાથે વાત કરતાં પોતાની વિતક કથા સંભળાવી હતી.
કુકી-ચિન જનજાતિની ડોઈ શ્વે (નામ બદલ્યું છે) મ્યાનમારની સૈન્ય કાર્યવાહીને પગલે પોતાનાં બાળકો સહિતના આખા પરિવારને બચાવીને 2021માં મણિપુર આવ્યાં હતાં.
ડોઈ શ્વેએ કહ્યું હતું, “મ્યાનમારમાં લશ્કર અનેક લોકોને પકડી રહ્યું છે. નોકરી કરતા મારા અનેક સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મને પણ શોધી રહી હતી. તેમણે મારા પરિવારને પણ જેલમાં ગોંધી દીધો હોત. 2021માં અમે અહીં આવ્યા ત્યારે કોઈ રેફ્યુજી કૅમ્પ ન હતો, પરંતુ સ્થાનિક લોકોએ અમને સહારો અને રહેવાની જગ્યા આપી હતી.”
ડોઈ શ્વેએ ધાર્યું હતું કે હવે કોઈ જોખમ નથી અને તેમનો પરિવાર ભારતમાં સલામત છે, પરંતુ ત્રણ મહિના પહેલાં મણિપુરમાં મૈતેઇ અને કુકી સમાજ વચ્ચે અથડામણ થઈ હતી. હિંસાના છૂટાછવાયા બનાવો તો આજે પણ બની રહ્યા છે.
ડોઈ શ્વેએ ભીની આંખે સવાલ કર્યો હતો, "ઈમ્ફાલ અને ચુરાચાંદપુરમાં હિંસા શરૂ થયા પછી અમે બેચેન થઈ ગયાં હતાં. માતા હોવાને કારણે મારી ચિંતા વધી રહી છે. અમે અત્યાર સુધી એક બેગમાં કેટલાંક કપડાં અને જરૂરી દસ્તાવેજો લઈને ઊંઘી રહ્યાં છીએ. ભાગવું પડશે તો ક્યાં જઈશું તેની ખબર નથી. આખરે અમારે મ્યાનમાર પાછા જવાનું છે, પરંતુ ક્યારે જઈશું તે ખબર નથી."

સમુદાયો વચ્ચે દુશ્મનાવટ

મણિપુરમાં હાલ મૈતેઈ અને કુકી સમુદાય અલગ-અલગ રહે છે. ખ્રિસ્તી ધર્મને અનુસરતા કુકી સમુદાયને આઝાદી પછી અનુસૂચિત જાતિનો દરજ્જો મળ્યો હતો, જ્યારે મૈતેઈ લોકો હિન્દુ અનુસૂચિત જાતિ બન્યા હતા.
ઝઘડાનું કારણ આ જ છે, કારણ કે મૈતેઈ લોકો કુકીઓના બાહુલ્યવાળા વિસ્તારોમાં જમીન ખરીદી શકતા નથી અને હવે જનજાતિના દરજ્જાની માગ પણ કરી રહ્યા છે. મામલો સરકારી નોકરીઓમાં અનામતનો પણ છે.
વર્તમાન સંકટ માટે પાડોશી મ્યાનમારના ચિન અને સગૈંગ પ્રાંતમાંથી ભાગીને આવેલી ચિન-કુકી લોકો પર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર તેમને ‘ગેરકાયદે ઘૂસણખોર’ ગણાવી રહી છે.
બહુમતી મૈતેઈ લોકોનું સંગઠન માને છે કે હિંસામાં શસ્ત્રસજ્જ કુકી ઘૂસણખોરોનો હાથ છે. એ લોકો ભારત-મ્યાનમાર સરહદ પર ડ્રગ્ઝના ઉત્પાદન તથા વેપાર સાથે જોડાયેલા છે.
રાજ્યમાં ત્રીજી મેએ હિંસા ભડકી તેના બે મહિના પછી ભાજપ સરકારના મુખ્યપ્રધાન એન. બિરેન સિંહે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું, “અમારા મણિપુર રાજ્યની સરહદ 398 કિલોમીટર લાંબી અને છીંડાવાળી છે. આખી સરહદ પર સંપૂર્ણપણે નજર રાખવાનું શક્ય નથી. હવે તેમાં શું-શું થઈ રહ્યું છે તેની હું શું વાત કરું. અમારું ભારતીય સૈન્ય તહેનાત છે, પરંતુ આટલી લાંબી-પહોળી સરહદને કવર કરવાનું શક્ય નથી. તેમાં શું થઇ રહ્યું છે તેનો ઇનકાર અમે કરી ન શકીએ. બધું સુઆયોજિત લાગી રહ્યું છે, પરંતુ કારણ સ્પષ્ટ નથી."

ચિન-કુકી લોકોનો ઇતિહાસ

કુકી સમુદાયના લોકો આ આરોપોનું ખંડન કરતાં અલગ વહીવટીતંત્રની માગ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેનો અસ્વીકાર કર્યો છે.
‘ગેરકાયદે ઘૂસણખોરો’ના આક્ષેપને મનઘડંત વાર્તા ગણાવતાં કુકી સમુદાયના લોકો આ ક્ષેત્રના ઇતિહાસની વાતનો પુનરોચ્ચાર કરે છે.
મણિપુરના ડિટેન્શન સેન્ટરમાં કેદ મ્યાનમારના કેદીઓના વકીલ ડેવિડ વાયફેડ માને છે કે, "આંતરરાષ્ટ્રીય સરહદની આંકણી કરતી વખતે બ્રિટિશ સરકારે અહીં કોણ રહે છે તે વિચાર્યું ન હતું. મારા જેવી અનેક પેઢીઓ આ સરહદી વિસ્તારમાં રહે છે અને અમે ભારતીય છીએ, પરંતુ મારી એક બહેનનાં લગ્ન બર્મીઝ કુકી પરિવારમાં થઈ છે અને તેઓ સરહદની બરાબર સામેની બાજુએ રહે છે."
"મારી બહેન અમારે ત્યાં આવે તો તેને ગેરકાયદે ઘૂસણખોર કહેવી ખોટું છે. રાજકીય શરણાર્થી પણ કહી શકાય, કારણ કે તેઓ અહીં કાયમ રહેવા ઇચ્છતા નથી. મ્યાનમારમાં રાજકીય સ્થિરતા હોય તો ત્યાં રહેવામાં તેમને કોઈ વાંધો નથી."
ભારત અને મ્યાનમાર વચ્ચે 1,643 કિલોમીટર લાંબી સરહદ છે, જે મિઝોરમ, મણિપુર, નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી છે.
ભારતે 2022માં પ્રતિબંધ મૂક્યો તે પહેલાં બન્ને દેશ વચ્ચે ‘ફ્રી મૂવમેન્ટ રેજિમ’ કરાર હતો. એ કરાર હેઠળ સરહદી વિસ્તારમાં રહેતી જનજાતિઓને વીઝા વિના એકમેકની સીમાની 16 કિલોમીટર અંદર સુધી આવવા-જવાની છૂટ હતી.
છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં મ્યાનમારથી ટીક, સાગ જેવાં કિંમતી લાકડાંની આયાત વધારવામાં આવી હતી અને મ્યાનમારે ભારતીય કંપનીઓ પાસેથી હથિયાર અને અન્ય સૈન્ય સામગ્રી ખરીદવાનું શરૂ કર્યું હતું. એ વેપારમાં પહેલી મંદી કોવિડ-19 દરમિયાન જોવા મળી હતી અને બીજી મંદી ભારતે ફ્રી મૂવમેન્ટ રેજિમ બંધ કરી ત્યારે અનુભવાઈ હતી.
મણિપુરમાં અત્યારે પણ હિંસાના છૂટાછવાયા બનાવ બની રહ્યા છે ત્યારે મ્યાનમારથી આવતા લોકો કોણ છે તેની તપાસ કરવી જરૂરી છે. સરકારી આંકડા મુજબ, અઢી કરોડ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, મ્યાનમારમાં લશ્કરી શાસન આવ્યું પછી લગભગ 80,000 લોકો બીજા દેશોમાં ભાગી ગયા છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ભારતે મ્યાનમાર સાથેના પોતાના રાજદ્વારી સંબંધને ધ્યાનમાં રાખીને ત્યાં લોકતંત્રની બહાલીનો પુનરોચ્ચાર કર્યો છે, પરંતુ ભારત આવેલા શરણાર્થીઓને પાછા મોકલવા બાબતે વાત આગળ વધી નથી.

‘વૉર’ રેફ્યુજી?

મ્યાનમાર આવતા લોકોમાંથી ‘ગેરકાયદે ઘૂસણખોર’ કોને કહેવા અને ‘વૉર રેફ્યુજી’ કોને કહેવા તે સવાલ છે.
અમે મણિપુરના માહિતી પ્રધાન સપમ રાજનનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે રાજ્યમાં ચાલી રહેલી હિંસા ‘ગેરકાયદે ઘૂસણખોરી’ને આભારી હોવાની વાત સરકારી બહાનું તો નથીને?
સપમ રંજને કહ્યું હતું, “અમે કોઈ સમુદાયની વિરુદ્ધ નથી. અમને બહારથી આવી ચૂકેલા લોકોની ચિંતા છે. અનેક લોકો અમારા રાજ્યમાં ગેરકાયદે રીતે આવતા રહે છે. તેથી અમારે આ મહત્ત્વનો મુદ્દો ઉઠાવવો જરૂરી હતો. લોકોના બાયોમેટ્રિક વગેરે લેવામાં આવી રહ્યા છે અને અત્યારે તો માત્ર શરૂઆત થઈ છે. હવે સીમા પર ફેન્સિંગ કરવામાં આવશે.”
સરહદ પર ફેન્સિંગની પહેલની પુષ્ટિ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં પણ કરી ચૂક્યા છે.
તેમણે સંસદના ગત સત્રમાં કહ્યું હતું, "ભારત-મ્યાનમાર સરહદે આઝાદી બાદથી જ ફ્રી બૉર્ડર હોવાથી મોટા પ્રમાણમાં કુકી ભાઈઓનું અહીં આવવાનું શરૂ થયું હતું."
"પરિવારો જંગલમાં વસવાટ કરતા થયા ત્યારે મણિપુરના લોકોમાં એક પ્રકારની અસલામતીની ભાવના આકાર પામી હતી."
મણિપુર-મ્યાનમાર સરહદના પ્રવાસ દરમિયાન અમને એવાં ઘણાં ગામ જોવા મળ્યાં હતાં, જેમના કેટલાંક ઘર ભારતીય પ્રદેશમાં અને કેટલાંક મ્યાનમારનો હિસ્સો છે.
સરહદ પર રહેતા લોકોની ભાષા, પહેરવેશ અને ખાનપાન પણ એકસમાન છે. તેમાં મૈતેઈ અને કુકી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. ઘણા લોકો એ બધાને “ગેરકાયદે ઘૂસણખોર”ની શ્રેણીમાં ગણી રહ્યા છે આ વાતનું મણિપુરના કુકી સમુદાયને દુઃખ હોય તેવું લાગે છે.
ચુરાચાંદપુરમાં કુકી પીપલ્સ એલાયન્સના ઉપાધ્યક્ષ ચિનખોલાલ થાસિંગ સાથે આ મામલે લાંબી વાતચીત થઈ હતી.
તેમના કહેવા મુજબ, “સીરિયા હોય કે બીજો કોઈ પણ દેશ, હિંસક સંઘર્ષ ચાલતો હોય એવા દેશના શરણાર્થીઓને માનવીય આધારે યુરોપ, બ્રિટન કે અમેરિકા જેવા દેશોમાં શરણ મળતું રહ્યું છે. એવી જ રીતે મ્યાનમારના લશ્કરી શાસનથી ત્રાસીને આવતા શરણાર્થીઓના માનવાધિકારોનું રક્ષણ કરીને ભારતમાં તેમનું સ્વાગત કરવું જોઈએ.”
તેમ છતાં હકીકત એ છે કે સેંકડો વર્ષોથી સાથે રહેતા કુકી અને મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે દુશ્મનાવટ સતત વધી રહી છે.
65 વર્ષના એન પુલિન્દ્રો ભારત-મ્યાનમાર સરહદ પરના મોરેહ શહેરમાં વેપાર કરતા હતા. ક્રોધિત લોકોના એક ટોળાએ ચોથી મેએ તેમના ઘર તથા ગોદામને સળગાવી નાખ્યા હતાં.
તેમના પરિવારને ભારતીય સૈન્યએ બચાવીને ઇમ્ફાલ પહોંચાડ્યો હતો.
એન પુલિન્દ્રોએ ઇમ્ફાલમાં વિપક્ષી સમુદાયના એક ખાલી ઘરને પોતાના પરિવારનું રહેઠાણ બનાવી લીધું છે. પાછા ફરવાની શરત પણ છે, કારણ કે પાડોશી મ્યાનમાર સાથે વધતા વ્યાપારમાં મોરેહના વેપારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું હતું, “કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મોરેહમાં સ્ટેટ ફોર્સ રાખશે ત્યારે જ અમે લોકો ત્યાં પાછા જઈશું. મણિપુરી લોકોને મોરેહમાં રહેવા દેવામાં નહીં આવે તો અમારો જે બિઝનેસ મણિપુરમાં વિકસી રહ્યો છે તે ફેઇલ થઈ જશે અને આખા મણિપુરને નુકસાન થશે."














